બોસ, દુનિયા રંગમંચ છે અને તમે કઠપૂતળી
08:47
એકવીસમી સદીમાં પુરુષ પણ સ્વતંત્ર નથી કારણ કે તેની ડોર બીજા પુરુષના હાથમાં છે.
આનંદ ફિલ્મનો ડાયલોગ અહીં યાદ આવે છે, બાબુ મોશાય, હમ સબ તો રંગમંચ કી કઠપુતલિયાં હૈ, જીનકી ડોર ઉપરવાલે કી ઉંગલિયોં મેં બંધી હૈં, કબ કૌન કૈસે ઉઠેગા યે કોઈ નહીં બતા સકતા હૈ. જનમ-મરણની ડોર ભલે ઉપરવાળાના હાથમાં હોય પણ જન્મ અને મરણ વચ્ચેનો જે સમય છે તેનું પ્રોગ્રામિંગ પણ હવે બીજાઓ કરી રહ્યા છે. અને આપણે એ જ રીતે વર્તી રહ્યા છીએ.
હું તો મારી મરજીનો માલિક છું... શું? આપણને કોઈ હુકમ આપી નો શકે... આવું વટથી કહેતા પુરુષોને તમે જોયા, સાંભળ્યા હશે. માનો કે ન માનો પણ આજે દરેક વ્યક્તિ પ્રોગ્રામ્ડ છે. તે પોતાની મરજીથી જીવતો નથી પણ માર્કેટની મરજીથી જીવે છે. તમને લાગતું હશે કે તમારા હાથમાંનો મોબાઈલ તમે વાપરી રહ્યા છો પણ એવું નથી. સોશિયલ મીડિયા તમારી લાગણીઓને તાબામાં લઈ રહ્યું છે. આવું કહી રહ્યા છે જે લોકોએ તેમાં કામ કર્યું છે કે જેઓ સંચાલિત કરે છે સોશિયલ મીડિયા. ફેસબુકમાં યુઝર ગ્રોથ ડિપાર્ટમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરી ચૂકેલો ચમાથ પાલિહપતિયાએ ગયા વરસે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં આપેલા પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે બોસ તમે પ્રોગ્રામ્ડ થઈ ગયા છો. અને તમને પ્રોગ્રામ કરવામાં મારો પણ ફાળો છે તે બદલ હું દિલગીર છું. સમાજ કઈ રીતે કામ કરે તે આ સોશિયલ મીડિયા પ્રોગ્રામ કરી રહ્યું છે. તમે જો રાક્ષસને ખવડાવશો તો એ રાક્ષસ મોટો થઈને તમને જ ખાઈ જશે. તમારે આ સોશિયલ મીડિયામાંથી છૂટવાની તાતી જરૂર છે.
આ શબ્દો તેણે એ યુવાનોને કહ્યા જે પોતાનું ભવિષ્ય બનાવવા જઈ રહ્યા છે. એ યુવાનોને કહ્યા જે માર્કેટમાં પ્રવેશવાના છે. એ યુવાનો જે સતત મોબાઈલમાં માથું નાખીને ફરી રહ્યા છે. આ સંદેશ આપણા યુવાનો જ નહીં પ્રૌઢો માટે પણ એટલો જ મહત્ત્વનો છે. ચમાથે છેક ૨૦૧૧માં ફેસબુક છોડી દીધું છે. એણે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ડોપામાઈન રસાયણ શોર્ટ ટાઈમ એટલે કે ટૂંકા ગાળા માટે એક લુપ તૈયાર કરે છે. ગમવાની, ફીલગુડ લાગણીઓને જન્માવવાની જે આપણને સતત છેતરે છે. આપણને આપણાઓથી અને આપણાથી દૂર લઈ જાય છે. સામાજિક વ્યવસ્થાને એ તોડી મરોડી રહી છે. આ સમસ્યા અમેરિકન નથી કે રશિયન જાહેરાતની નથી. આ સમસ્યા વૈશ્ર્વિક છે. આપણે એકબીજા સાથે કઈ રીતે વર્તવું અને જોડાવું એ મૂળભૂત સમીકરણોને તે બદલી રહ્યું છે. મારી પાસે એને બદલવા માટે કોઈ સોલ્યુશન નથી. હા એક જ થઈ શકે છે કે મેં સોશિયલ મીડિયા વાપરવાનું બંધ કરી દીધું છે વરસોથી.
જે રીતે મીડિયામાં, સોશિયલ મીડિયામાં સમાચારો અને અભિપ્રાયો આપણી માનસિકતા પર પ્રહાર કરી રહ્યા છે તે જોતા લાગે છે કે ચમાથની વાત સાચી છે. ફેસબુક, વ્હોટ્સ એપ્પ અને ઈન્સ્ટાગ્રામ જેવી અનેક સોશિયલ મીડિયા આપણો સમય તો લઈ જ લે છે પણ તે આપણી માનસિકતા ઉપર પણ હાવી થઈ જાય છે. લાઈક્સ તો હવે તો હાર્ટ, થમ્બસ અપ, ગુસ્સો, હાસ્ય વગેરે અનેક લાગણીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. લાઈક્સ મેળવવા માટે પ્રોફેશનલ પીઆરઓનો સહારો પણ લેવાય છે તો લાઈક ખરીદી પણ શકાય છે. લાઈક્સ મેળવવા માટે એટલે કે લોકોનું ધ્યાન ખેંચવા માટે કંઈકેટલાય ગતકડાંઓ કરવામાં આવે છે, કારણ કે તેના બદલામાં ડોપામાઈન નામનું રસાયણ આપણને આનંદની અનુભૂતિ કરાવે છે. ડ્રગ્સ જેવો નશો આ ડોપામાઈન દ્વારા આપણને થાય છે. નાની નાની ખુશીઓ માટે સેલ્ફી લેતાં, ફરવા ગયા તો તેના ફોટા, કંઈક નવું ખાધું તો તેના ફોટા, કંઈક નવું જોયું તો તેના ફોટા અને કેટલાક પુરુષો માટે તો સરળતાથી સ્ત્રીઓની સાથે મિત્રતા કરવા મળે તે રિવોર્ડ પણ કંઈ ઓછો નથી હોતો.
સોશિયલ મીડિયા બનાવનારાનો મકસદ જ હોય છે કે વધારેમાં વધારે તમારો સમય એ લઈ લે. ટાઈમ ઈઝ મની એ ઉક્તિને એ લોકો સાચી ઠેરવી રહ્યા છે. જેટલો વધારે સમય તમે એના પર ગાળો તેટલી જ સાઈટ પ્રખ્યાત થાય. એટલો વધુ બિઝનેસ. આ વાતની સ્પષ્ટતા કરે છે ફેસબુક શરૂ કરનારામાં ઝુકરબર્ગના સાથી સીન પારકર. સીન વધુમાં કહે છે કે તમને સતત બીજાઓ તરફથી વેલિડેશન એટલે કે કોઈ તમારા તરફ ધ્યાન આપે, તમને વખાણે કે ચર્ચા કરે તે ગમે છે. આ સામાજીક વેલિડેશન લુપ છે. હું અને ઝુકરબર્ગ પણ આ સભાનપણે વાપરીને માનસિકતા સમજીએ છીએ. તમે વારંવાર સોશિયલ મીડિયા પર આવો તો જ આ વ્યવસાય ચાલે.
આ બધા મરદોને સોશિયલ મીડિયાના દર્દ ખબર હોવાથી તેઓ પોતે અને પોતાના બાળકોને ઈન્ટરનેટથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. તમારી માનસિક શક્તિને આ સોશિયલ મીડિયા બધિર બનાવી દેતું હોય છે. એ લોકો સતત એમાં સુધારા કરતા રહે છે જેથી તમે એના પર માનસિક રીતે ટીંગાઈ જાઓ. તમારી વિચારશક્તિનો પણ દોરીસંચાર કરતા રહે છે એ તો સાબિત થઈ જ ગયું છે અમેરિકાના પ્રમુખને ચૂંટવામાં તેમ જ બ્રેક્ઝિટ મામલે. આપણે ત્યાં પણ પુરુષો ફેસબુક ઉપર એકબીજા સાથે રાજકારણની ચર્ચાઓ કરતા એકબીજા સાથે બાખડતા જોવા મળે જ છે. આ બધું જ માનસિકતાના મેદાનમાં બનતું હોવાથી સોશિયલ મીડિયા પર છુટ્ટા હાથની મારામારી જોવા મળતી નથી, અને ગાળાગાળી ભૂંસી દેવાતી હોય છે કે બ્લોક કરી દેવાતી હોવાથી જોવા મળતી નથી, બાકી એકબીજાને હિંસક રીતે ઉતારી પાડવું અને ટ્રોલ કરવા જેવી હિંસક માનસિકતા જોવા મળી જ રહે છે.
માનસિક સ્તરે અહીં પણ યુદ્ધ ચાલે છે, બિઝનેસ ચાલે છે અને પ્રેમ પણ પાંગરે છે. જોકે તેનો ઈઝહાર મોટેભાગે ઈનબોક્સમાં થતો હોય છે. આપણે દરેક બાબત સારી લાગે તેને માટે જ કરતા હોઈએ છીએ. સ્વાસ્થ્ય માટે નહીં પણ સ્વાદ માટે આપણે ખોરાક ખાઈએ છીએ, કપડાં પણ તન ઢાંકવા માટે નહીં બીજાની નજરમાં સારા દેખાવા માટે પહેરતા હોઈએ છીએ. આ ફીલગુડ કરાવે છે ડોપામાઈન નામનું રસાયણ જે મગજમાં આનંદની લાગણીનો અહેસાસ કરાવે છે. ડિપ્રેશનમાં આપણને કશું જ નથી ગમતું. જ્યારે મનમાં આનંદ હોય તો સવારનો સૂરજ કે હવામાં ડોલતા પાનને જોવામાત્રથી ય બસ મજા આવી જતી હોય છે. આ મજા આવવું ડ્રગ જેવું કામ કરે છે. તેની શોધમાં માણસ અનેક વાના કરે છે તે આ બિઝનેસમેન પુરુષો સારી રીતે જાણે છે. તમને મોજ આવે અને મજા કરો એવા દરેક કારણો આ મીડિયા આપવા તૈયાર છે. તે માટે જરૂર હોય છે બસ માણસોના ટોળાંને એક જગ્યા પર ભેગાં કરવાની. સમૂહમાં વ્યક્તિગત વિચારધારા ભાગ્યે જ ટકી શકે છે. તમે સમૂહના ભાગ બનીને જ વર્તો છો. ભીડમાં એક ધક્કો જ બસ થઈ પડે.
રાજકારણીઓ અને બિઝનેસમેન આપણી માનસિકતાને સારી રીતે સમજીને તેનો ઉપયોગ કરી લે છે. આ જ મીડિયા દ્વારા એટલે જ ટ્યુનિસિયા જેવા નાનકડા દેશમાં ક્રાંતિ થઈ શકી. અહીં પણ એક સમાજ ઊભો થયો છે જેમાં કેટલાક ઉપયોગ કરનારા છે અને કેટલાક ઉપભોગ કરનારા છે. તો વળી કેટલાક ઉપયોગ થઈ જનારા એટલે કે શોષણ થઈ શકે એવા પણ છે. એ શોષિત વર્ગને ખબર જ નથી હોતી કે તેમનું શોષણ થઈ રહ્યું છે. અને તેમના શોષણ પર જ આ માનસિક સમાજ ચાલી રહ્યો છે. આજે આપણે બે સ્તરે જીવીએ છીએ એક કાલ્પનિક અને બીજું વાસ્તવિક રીતે. માનસિક સ્તરે ચાલતો સામાજ આપણી વાસ્તવિકતા પર હાવી થઈ ગયો છે. વાસ્તવિક દુનિયાને તે કઠપૂતળીની જેમ સંચાલન કરે છે. આપણું વર્તન, માનસિકતા અને જીવન કોઈ બીજું જે રીતે ચલાવે છે તે રીતે જ જીવાય છે. ત્યાં સુધી કે આપણા વિચારો પણ કેવા હોવા જોઈએ તે બીજા નક્કી કરે છે. બીજા અર્થમાં એવું કહી શકાય કે આપણે રોબોટ બની ગયા છીએ. આપણી લાગણીઓ પણ સંચાલિત હોય છે અને આપણી અભિવ્યક્તિ પણ. આનાથી બચવાનો ઉપાય વિચારવા જેટલી પણ સભાનતા મોટાભાગના લોકો ગુમાવી બેઠા છે. મોટાભાગના એટલે કારણ કે હજી કેટલાક એવા વીર લોકો છે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા. તેમાં આ સોશિયલ મીડિયાના સંચાલકો પણ ખરા જ.
0 comments