ચહેરો બદલાઈ રહ્યો છે સમાજનો
23:13
એકબીજા સુધી પહોંચવું એટલું સરળ થઈ
ગયું હોવા છતાં માણસ એકલો પડી રહ્યો છે
સૌ પ્રથમ તો સર્વ વાચકોને મિચ્છામી દુક્કડમ.
ક્ષમા ચાહું છું કે જાણે અજાણે મારા વિચારો તમને ક્યાંય વાગ્યા હોય તો. થોડા વરસો
પહેલાં ટેલિવિઝનની શોધ થયા બાદ ચોવીસે કલાકનું ટીવી અને એક દુરદર્શનની ચેનલમાંથી
અનેક ચેનલો થઈ ત્યારે પણ આપણે રોકકળ મચાવી હતી કે સમાજ બગડી રહ્યો છે. લોકો પાસે
સમય નથી એકબીજાને ત્યાં જવાનો અને કે વાતચીત કરવાનો પણ પછી આજે તો ચેનલો જ નહીં
મોબાઈલમાં પણ ચેનલો તેમ જ સમાજ રચાવા લાગ્યા છે.
આજે તો
ચારે તરફ, જ્યાં જુઓ ત્યાં એક પ્રકારની દોડ મચી છે. હોડ મચી છે. એક અજંપાએ સૌને
ઘરી લીધા છે. એક ઉચાટ એક ઊભડકપણું બધે વ્યાપી ગયું હોય તેવું લાગે છે. બધાના પગ
જાણે જમીન પરથી ઊંચકાઈ ગયા છે. આ બધાને જમીન પર લાવવા માટે કેટલાક અખતરાઓ પણ છઈ
રહ્યા છે. યોગ, સાધના, અધ્યાત્મ અને મનોચિકિત્સકો પણ કામ કરી રહ્યા છે. મોબાઈલમાં
રોજ સવારે પોઝિટિવ સંદેશાઓનો મારો પણ શું છે? આ માણસનું મન પહેલાં જેટલું માગતું હતું તેનાથી
અનેકગણું માગી રહ્યું છે ને તત્કાલ માગી રહ્યું છે- હાલમાં
પર્યુષણ ચાલી રહ્યા છે. જૈન ધર્મમાં કષાયોની વાત છે. તેને સરળ શબ્દોમાં
કહેવા માગું છું. આપણને બધું જોઈએ છે અને જલ્દી જોઈએ છે. ફ્લેટ કે બંગલો, કાર,
મોબાઈલ આપો તરત લાખ કરોડ રૂપિયા આપો. બધું જ તરત જોઈએ છે. આ બધાને તરત કેવી રીતે
પહોંચી શકાય?
આખી હોડ
અને દોડમાં માણસ એકલો પડી રહ્યો છે, સાવ એકલો. એ નથી ઈચ્છતો કે તેના આ એકાંતને કોઈ
ડિસ્ટર્બ કરે. દીકરાને પોતાના આગ્રહો છે. લક્ષ્યાંકો છે, વિચારો છે. બાપને પોતાનાં
વલણો છે, લક્ષ્યાંકો છે, દૃષ્ટિ છે. દીકરી આ બધામાં ભળવા નથી ચાહતી અને પોતાનો
રસ્તો વિચારે છે અને માને સમજાતું નથી કે આ બધામાં પોતે ક્યાં છે. જીવનની બૂમરાણ
વચ્ચે, શોર વચ્ચે, દોડધામ વચ્ચે એક એવી ચૂપકીદી દરેક સંબંધોમાં આવી ગઈ છે કે જે
ભવિષ્યમાં આપણી સંસ્કૃતિને આપણા સમાજને ખોખલાં કરી નાખશે. શું કરવું આ વધી રહેલી
ચૂપકીદીનું ? પરસ્પરની દૂરતાનું ? આપણે
સાથે હોઈએ તોય લાંઘી ન શકાય એવી દૂરતા આપણા વચ્ચે નથી આવી? સ્વ,
કવિ સુરેશ દલાલે એક મુલાકાતમાં કહ્યું હતું તે યાદ આવે છે, આજનો માણસ સમય ગુમાવી બેઠો છે. માણસ દોડે છે
શું કામ? કારણ કે તેનું જીવન, ઘર સલામતી રહે, સુખી રહે. અહીં દીવાલોનું
સાંનિધ્ય મળે છે પણ માણસ માણસ વચ્ચે સેતુ બંધાતો નથી.
આ જ તો વાત છે અને આપણને આ વાતની વેદના ય નથી યા
જાણ પણ નથી રહી કે આ સેતુ તૂટવાથી આપણે એકબીજાથી કેવા દૂર થઈ ગયા છે. આપણે
એકબીજાને શંકાથી જોતા થઈ ગયા છીએ કે માણસનો કોઈ ભરોસો નહીં. બને પણ એમ જ છે. બાપને
દીકરો મારી નાંખે છે, મોટો ભાઈ મિલકત માટે નાના ભાઈની પત્નીને મારી નાખે છે. કાકા
એની ભત્રીજી પર બળાત્કાર કરે છે. સગો બાપ પણ દીકરીઓને છોડતો નથી. વિચિત્ર મનોદશા અને સંજોગોમાં માણસ આત્મહત્યા
યા બીજાની હત્યા કરી રહ્યા છે. અદાલત સમક્ષ
એવા કેસ વધી રહ્યા છે જેને પરંપરિત સમજથી કે સામાજિક માન્યતાથી મૂલવી ન
શકાય. એસ.ટી. કોલરેજનું વિધાન છે કે – મોટા ભાગના માણસો જેવા પોતાના ઘરમાં અજાણ્યા
હોય છે તેવા બીજે ક્યાંય નથી હોતા.
દરેક સમાજની એક ઓળખ હોય છે અને ભારતીય સમાજની ઓળખ
એ છે કે તેમાં સહિયારાપણું જીવાતું હતું. એ સહિયારાપણા સિવાય ગણેશોત્સવ, નવરાત્રી
કે દિવાળી કે પછી રક્ષાબંધન જેવા કોઈ તહેવારોનો મતલબ નથી રહેતો. પહેલાં કુટુંબ
મોટું થાય તો વિખેરાતું નહીં, ઘર મોટું થતું. દરેક કુટુંબની એક આગવી ઓળખ રહેતી અને એ કુટુંબગૌરવ માટે જાત ઘસી નાખનારા, ફના
થનારા પણ હતા. આજે કુટુંબગૌરવની ભાવના બહુ ઓછાના અહમનો હિસ્સો બને છે. દરેક કટુંબ
અને આગળના ક્રમે જ્ઞાતિ યા ગામ પણ સ્વતંત્ર અકમ બનતાં, તેમની જુદી ઓળખ રચાયેલી
રહેતી અને તે બધામાં પરસ્પરની સમજ, માન્યતા ભળેલી હતી. અને તે સામૂહિક જીવનની
તાસીર હતી. આજે એ કોમ્યૂનિટી લિવિંગ ઘટી રહ્યું છે. આપણા ઉત્સવો પણ આપણને ભેગા કરી
શકતા નથી. ભીતરથી બાંધી શકતા નથી. રક્ષા બંધન પણ પૂનમના નહીં પણ વીકએન્ડમાં મનાવાય છે. હા દુનિયાના દેશોને
જોડતું નેટવર્ક ચોક્કસ વિસ્તર્યું છે. અહીંથી પેરિસ યા વેનિસ અમુક કલાકોમાં પહોંચી
શકાય છે. મોબાઈલ, ઈમેઈલ, વિડિયો કોલ ખોળામાં છે. આ ક્ષણે દુનિયાના છેક ખૂણામાં કોઈ
સારી યા ખરાબ ઘટના બનેતો ક્ષણવારમાં જાણી શકાય છે, પરંતુ મારી પાસે બેઠેલો માણસ
મારી માટે રહસ્ય બનીને જ રહી જાય છે. નથી તે એની વાત મારા સુધી પહોંચાડી શકતો કે ન
તો હું મારી વાત. અને તકલીફ એ છે કે મને ગૂંગળાવી રહેલી, મૂંઝવી રહેલી, અકળાવી
રહેલી, મિચાજ બગાડી રહેલી મારી ભીતરની જે વાત છે તે શું છે તેની બીજાને તો ઠીક મને
જ ખબર નથી હોતી. આપણે જ આપણને ઓળખ્યા વિના જીવતા થઈ ગયા છીએ.
શું આનું કારણ ટેકનોલોજી છે? જનરેશન
ગેપ તો દરેક સમયે રહેતો તેમ આજેય છે પણ આજનો પેઢીભેદ બહુ જુદા પ્રકારનો છે. ઘરમાં
દીકરો જે કાંઈ કરી રહ્યો છે ચાહે તે નોકરી હોય કે વિચાર હોય, ઘરના લોકોને સમજાતું
નથી. પહેલાં એવું હતું કે બાપ-દાદની સમજ સંતાનોને વારસામાં મળતા. જેમ વ્યાપાર ને
વ્યવસાય વારસામાં મળતા. આજે ટર્મિનોલોજી
બદલાઈ રહી છે. બાળકો શું કરે છે તે જાણવા પણ જાસૂસો રોકવા પડે છે. કેટલાય
કિસ્સાઓમાં એવું બનતું દેખાય છે કે દીકરો યા દીકરી કોઈક અપરાધ કરે કે ખોટું કરે તો
મા-બાપ ભોંઠા પડીને કહે છે કે અમને તો ખબર જ નહોતી કે તે શું કરતાં હતાં. માણસ
સ્વાર્થી બનતો જાય છે. તેને ફક્ત પોતાનામાં જ રસ છે. તેનો અહમ પુષ્ટ કરવા માટે તે
બીજાના અહમને કચડતાં પણ અચકાતો નથી. બધાને બધું મેળવી લેવું છે પણ કશું આપવું નથી.
એમ થાય ત્યારે સંબંધોમાં ખાઈ સર્જાવાની જ. બધું જ મેળવવું, પઝેશ કરવું પોતાનું
કરીને બેસવાની વૃત્તિ વધી રહી છે. બીજા પર વિશ્વાસ નથી એચલે સૌ પોતાના અલગ અલગ
બેન્ક બેલેન્સ પણ વધારી રહ્યા છે ને અલગ ઘરની પણ વ્યવસ્થા કરે છે. આખર આ કારણે
દેશનું અર્થતંત્ર, લોકોની માગણીઓનું બજાર બદલાઈ રહ્યું છે. આખી પરિસ્થિતિ નું
મહત્ત્વનું લક્ષણ એ છે કે માણસ વ્યક્તિગત રીતે બહુ બધું વિચારવાની ક્ષમતા ગુમાવીને
કશાકમાં સ્પેશિયલ થઈ રહ્યો છે. એકાંગી થઈ
રહ્યો છે. અને પરિણામે સલાહકારો –કન્સલ્ટન્ટનું
સામ્રાજ્ય વધી રહ્યું છે. માર્કેટિંગ, પ્રચારનું વર્ચસ્વ તેની પર સ્થપાવા
માડ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો પોતે જ પોતાનો પ્રચાર કરે છે. ગાડી, ઘર, બાળકો
અને પ્રવાસના ફોટા શું સૂચવે છે?
જ્ઞાન-વિજ્ઞાન ટેકનોલોજી આપણી મદદે આવી છે તે
આપણને ખોટી રીતે ઉશ્કેરી ન નાંખે, આપણી સમતુલાને ખોરવી ન નાખે તેના શોરમાં આપણને
ખામોશ ન કરી દે તે જરૂરી છે. જે હોડ અને દોડ છે તેને યોગ્ય રીતે માણી પ્રમાણી
પોતાની શક્તિ પ્રમાણે તેમાં જોડાવું બરાબર છે. જે હોય તે આજે ટેકનોલોજીને કારણે
દુનિયા નાની થઈ ગઈ હોવા છતાં આપણા સમયમાં
જે ખાલીપો વિકસ્યો છે તેનો ઉપાય આપણે જાતે જ કરવો પડશે. બહુ સ્વસ્થ રહી કરવો પડશે.
રાત દિવસની ભીંસ આપણને સુખી ન કરી શકે. નફા-નુકસાનના ત્રાજવે તોળાતા સંબંઘોમાં
સંવેદનાનો અભાવ આવવાનો જ છે. આખ આ બાબતો આપણા સમાજને અંદરથી ખોખલો કરી રહી છે.
આપણને ખાલી કરી રહી છે. જવાહર બક્ષીની ગઝલની એક પંક્તિ છે કે – હું ઢોલ છું પીટો,
મને કાંઈ થતું નથી.
0 comments