થેપલા કોન્સપિરેસી
19:34ગુજરાતીઓ અને થેપલા એ છૂટા પાડી ન શકાય એવું કોમ્બિનેશન છે તો એમાં કોન્સપિરેસી પણ જોડાઈ શકે છે.
શિયાળાની મોસમમાં જેમ પક્ષીઓ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે તેમ વિદેશમાં વસતાં ભારતીયો એનઆરઆઈ ભારતમાં આવે. આ વરસે આવેલા મોટા ભાગના ભારતીયો વાતવાતમાં ટ્રમ્પ માટેની કોમેન્ટ ન કરી હોય તો જ નવાઈ. આપણા વડા પ્રધાન અને ટ્રમ્પની સરખામણી પણ લોકો કરી રહ્યા છે. ખેર, એવું કહેવાય છે કે રાજકીય અભિપ્રાયો ધરાવતાં મનને બદલવું મુશ્કેલ જ નહીં નામુમકિન છે.
ગુજરાતીઓ કાશ્મીર જાય કે કેરાલા જાય કે કેનેડા જાય તેમની સાથે થેપલા અને ખાખરા તો જવાના જ. થેપલાએ ગુજરાતી પ્રવાસીઓની આગવી ઓળખ છે. વિશ્વભરમાં ફરતાં આપણા ગુજરાતી વડાપ્રધાન સાથે થેપલા કે ખાખરા લઈ જાય છે કે નહીં તે જાણવાનું મન થાય ખરું. વોટ્સ એપ્પ પર કેટલાય સમયથી એક સંદેશો ફરે છે કે ગુજરાતીઓ દરેક મોટી પોસ્ટ પર છે. જો કે હવે આરબીઆઈના ગર્વનર શ્રી ઉર્જિત પટેલે તો રાજીનામું આપી દીધું છે એટલે એક જણ ઓછો થયો. ગુજરાત બહાર ગુજરાતીઓને થેપલા-ઢોકળા તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજકારણમાં કોન્સપરન્સી સિવાય ટકવું મુશ્કેલ લાગે તેવો માહોલ જોતાં થેપલા કોન્સપપિરેસી શબ્દ આવ્યો. જો કે આ શબ્દ મુંબઈના લિટરેચર ફેસ્ટિવલમાં પત્રકાર શીલા ભટ્ટ દ્વારા સંચાલિત એક પેનલમાં સાંભળવા મળ્યો. શીલા ભટ્ટ દિલ્હીમાં રહે છે પણ ગુજરાતી હોવાને લીધે તેમને ખબર છે કે ગુજરાતી અને થેપલાની ઓળખને અલગ કરી શકાતા નથી. થેપલા મેકડોનલ્ડના બ્રેકફાસ્ટ મેનુમાં ઉમેરાય તો શક્ય છે કે તેને દેશી લોકો વધાવી લે. શિયાળાની સવારે ચા અને મેથીના થેપલાંનો કોઈ હેલ્ધી પર્યાય મળવો મુશ્કેલ છે. શિયાળામાં મેથી ખાવાથી આખું ય વરસ તંદુરસ્ત રહેવાય છે. વળી મેથી ગરમ અને પચવામાં ભારે હોવાથી શિયાળામાં ગુજરાતીઓ તેનો ભરપુર ઊપયોગ કરે છે. મેથી લાડુ, મેથીના ગોટા અને મેથીના ઢેબરાં, થેપલાં જેણે નથી ખાધા એનું જીવતર એળે ગયું એવું અમે જાતે પોતે કહી રહ્યા છીએ, બાકી એવી કોઈ કહેવત કેમ નથી તેની મને નવાઈ લાગે છે.
પાનના ગલ્લા કે ચાની કિટલી કે પછી ઑફિસમાં ચા પીતાં તો ક્યારેક મિત્રો સાથે (ડ્રિન્ક લેતાં) પુરુષો રાજકારણની ચર્ચાએ ચઢી જતાં હોય છે. જાણું છું કે ગુજરાતમાં દારૂબંધી છે પણ લેનારાઓને લાયસન્સ મેળવી લેતાં આવડતું હોય છે. બાકી પુરુષો લખવું પડ્યું કારણ કે ઓટલા પર બેસીને કે મોર્નિંગ વોક કરતાં કે કીટી પાર્ટીમાં ગંભીરતાથી રાજકારણની ચર્ચા કરતાં સ્ત્રીઓને ક્યારેય જોઈ નથી. સ્ત્રીઓ પાનના ગલ્લે કે કિટલી પર ઊભી રહેવા નવરી નથી હોતી. મોટાભાગની સ્ત્રીઓને ઘરના કામ અને વ્યવહાર ચલાવવામાંથી જ ફુરસદ નથી મળતી. એનો અર્થ એવો નથી કે સ્ત્રીઓમાં બુદ્ધિ નથી, વળી તેમને પણ ખબર તો હોય જ છે કે દેશમાં શું ચાલે છે. દેશના પચાસ ટકા મતદાતાની જાતિ સ્ત્રી છે. તેથી ક્યારેક અલપઝલપ વાતો ચૂંટણી સમયે કરી લેતી જોવા મળી શકે. આમાં કેટલીક સ્ત્રીઓ અપવાદ હોઈ શકે પણ પુરુષોની જેમ રાજકારણની ચર્ચા કરતાં એકબીજા સામે મારામારી કે અબોલા થઈ જાય એ હદે ક્યારેય સ્ત્રીઓ રાજકારણની ચર્ચા કરતી નથી. રાજકારણની ચર્ચા કરતાં પુરુષો ગુસ્સે થઈ જાય કે અંગત રીતે તેમનો અહંકાર ઘવાય તે નવાઈની વાત લાગતી નથી. સોશિયલ મીડિયા પર પણ બે જૂથ પડી ગયા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. આમાં વિરોધી કે ટેકેદારોના મત એટલા સખત રીતે શબ્દોમાં વ્યક્ત થતાં હોય છે કે તેમના હાથમાં બંદૂક આવી જાય તો સામી વ્યક્તિઓને ગોળીએ ઉડાડી દેવામાં વાર ન લાગે. હાલમાં થયેલી ચૂંટણીના પરિણામો જે રીતે આવ્યા તે પહેલાં અને ત્યારબાદ કોંગ્રેસ કે ભાજપ એવી ચર્ચાઓનો જુવાળ ઊઠ્યો છે. ખેર આપણે અહીં રાજકારણ નહીં પણ મેથીની સાથેના વિવિધ કોમ્બિનેશન અને કોન્સપરન્સીની વાત કરવી છે.
આ થેપલા કોન્સપિેરેસી શબ્દ એટલો ગમી ગયો કે તેના વિશે લેખ લખ્યા વિના જ છૂટકો હતો. થેપલા ખાતાં ખાતાં કેટલાય ઘરોમાં કે પ્રવાસમાં કોન્સપરન્સી રચાઈ ગઈ હશે. જ્યારે કોઈના ઘરેથી માંદા હોય તો કુટુંબના અન્ય સભ્યો માટે થેપલાં બનાવીને લઈ જવાનો રિવાજ પણ કેટલીય મહિલાઓ નિભાવતી હોય છે. તેને શેઅર ઈકોનોમી પણ કહી શકાય. એવું અર્થશાસ્ત્ર કે તેમાં પૈસાનું મહત્ત્વ ન હોય. ઘરની સ્ત્રી માંદી હોય ત્યારે પતિ અને દિકરો કે દીકરી શું ખાશે તેની ચિંતા હોય તે સંબંધી કે સ્વજન બે ચાર દિવસ ચાલે એટલા થેપલા આપી આવે. તમે કોઈની બીજી કોઈ મદદ કરી શકો કે નહીં પણ થેપલાં તો આપી જ શકતા હો છો. ચેન્નાઈ, કેરળ અને હિમાચલ પ્રદેશમાં જ્યારે પુર આવે ત્યારે ગુજરાતી બહેનો થેપલાં બનાવીને મોકલતી હોય છે. દરેક ઘરમાંથી ચારેક કે તમને મરજી હોય એટલા થેપલાં આપવાની વિનંતી કરવામાં આવે છે. બસ થેપલાંનો થપ્પો ભેગો થઈ જાય છે અને અનેક ભૂખ્યા પરેશાન લોકો નવાઈની સાથે થેપલાંનો સ્વાદ માણતાં દુઆઓ આપતાં હશે અજાણ્યા ગુજરાતીઓને. કોઈ મહેમાન આપણે ઘરેથી જતું હોય તો તેને ભાથામાં થેપલાં અને છુંદો બાંધીને આપવું સરળ પડતું હોય છે. પ્રવાસમાં જ્યારે એ મહેમાન થેપલાં અને છુંદો ખોલીને ખાય ત્યારે મહેમાનગતિનો સાચો ઓડકાર આવતો હોય છે.
હવે સ્ત્રીઓ બહાર જઈને કામ કરતી થઈ એટલે ઘરમાં થેપલાં બનાવવાનો સમય રહે નહીં તે સ્વભાવિક છે. ત્યારે મેકડોનલ્ડની જરૂર નથી આજે તો દરેક ગલીમાં કચ્છીઓ દ્વારા ચલાવાતા જનરલ સ્ટોર્સમાં થેપલાં પણ મળી રહે છે. કેટલીક જગ્યાએ તો વેક્યુમ પેક કરેલાં થેપલાં પણ મળે જે લાંબા પ્રવાસમાં લોકો લઈ જાય છે. થેપલાં દરેક ઘરમાં જુદા સ્વાદ ધરાવતાં હોઈ શકે. જૈન થેપલાંમાં લસણ ન હોય પણ અન્ય લોકો થેપલાંમાં પણ લસણ નાખતા હોય છે. લાલ મરચું, હળદર અને મેથી અને ઘઉંનો લોટ મૂળભૂત મિશ્રણ હોય છે. પણ કેટલાક તેમાં દહીં નાખે તો વળી કોઈક પાકાં કેળા પણ ઉમેરે. ગોળ અને દહીં પણ ઉમેરવામાં આવે. તલ પણ નખાય અને આદુ,મરચાં તેમ જ લસણ પણ નાખવામાં આવતું હોય છે. જેમને જે સ્વાદ ભાવે તે સ્વાદ તેમાં ઉમેરી શકાય છે.
થેપલાં અને ઢેબરાંમાં ફરક હોય છે તે ગુજરાત બહાર વસતી નવી પેઢીને ખબર નથી હોતી. શિયાળો આવે ત્યારે બાજરાના લોટમાં મેથી, દહીં, ગોળનું પાણી, તલ અને આદુ, મરચાં, લસણને પીસીને લોટ બાંધીને તેના થેપલાં બનાવાય તેને ઢેબરાં કહેવાય. આ ઢેબરાંને વણવાની કળા અઘરી હોય છે. ખૂબ જ ધીરજથી તેને થેપવાના કે વણવાના હોય છે. દહીં , છુંદો કે ચા સાથે તો તેને ઝાપટી જ શકાય પણ એમને એમ તેને ખાઈ શકાય એટલાં સ્વાદિષ્ટ હોય છે. તેને વડાંની જેમ તળીને બાજરીવડાં તરીકે પણ બનાવાય છે. કેટલાંક ઘરોમાં ઢેબરાંમાં બાજરીની સાથે જુવાર કે ઘઉંનો લોટ પણ મિક્સ કરવામાં આવે છે. ઓછા તેલમાં તળેલા આ ઢેબરાં અને થેપલાં સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ નાસ્તો કે જમવાનું હોઈ શકે. આ ઢેબરાં અને થેપલાં ઠંડીમાં લાંબો સમય ટકતાં હોય છે. તે છતાં આ થેપલાં પરોઠાં જેટલા પ્રખ્યાત નથી થયા. આપણે ગુજરાતીઓએ પંજાબી પરોઠાને ખૂબ જ સહજતાથી અપનાવી લીધા છે. દરેક ઘરમાં અઠવાડિયામાં એકાદ કે વધુવાર પરોઠાં બનતા હશે. વિવિધ જાતના પરોઠાની રેસિપિ તેમાં પણ શિયાળામાં મૂળાંના પરોઠા સામાન્યપણે દરેક ગુજરાતી ખાતો હશે. હા, ગુજરાતના ગામડાંઓને બાદ કરતાં… ત્યાં તો હજી થેપલાં અને ઢેબરાંનું જ ચલણ છે. હવે તો અમીરોના લગ્નના મોટા જમણમાં થેપલાં અને રોટલાં પણ પીરસાય છે. એક લગ્નમાં ચીઝ રોટલાં (બાજરીના) ખાધા છે. કેટલીક હાઈફાઈ પાર્ટીમાં થેપલાં અને છૂંદો જોઈને ગુજરાતીઓ ખુશ થઈ જાય છે.
લાંબા પ્રવાસમાં ખાસ કરીને ટ્રેનમાં મોટાભાગે દરેક ગુજરાતીના ડબ્બામાંથી થેપલાં નીકળશે. સહપ્રવાસીને થેપલાં ધરીને વાતચીતનો દોર સાંધતા ગુજરાતીઓની થેપલાં કોન્સપરન્સીને સમજવા માટે સંશોધન કરવાની જરૂર છે. પ્રોટોકોલ ન હોય તો દરેક ગુજરાતી નેતા વિદેશી નેતાઓને થેપલાં ખવડાવીને ખુશ કરી દઈ શકે. જો થેપલાં એરલાઈનમાં ન લઈ જવા દે તો ગુજરાતીઓ ચોક્કસ જ વિરોધ કરે. ગુજરાતીઓને ગાંઠિયા, ભજીયા, જલેબી અને ઢોકળા તો ભાવે જ પણ થેપલાં સંપૂર્ણ ભોજનની ગરજ સારી એવા હોય છે.
મોદીજી જો પોતાની પત્ની સાથે રહેતાં હોત તો થેપલાંની વાત ચોક્કસ જ રાજકારણમાં થતી હોત એવું માનવું ગમે છે. થેપલાં શુદ્ધ હિન્દુ છે એવું કહી શકાય. કારણ કે હજી સુધી કીમા(ખીમા) પરોઠાંની જેમ કીમા થેપલાં સાંભળ્યાં નથી. હા, ભૂતપૂર્વ પ્રોફેસર અને ફિલોસોફર પ્રબોધ પરીખ જરૂર એને વિશે વાત કરી શકે છે. થેપલાં શાકાહારી છે અને રહ્યા છે. ભોજન પણ રાજકારણનો મુદ્દો બની શકે છે એ આપણે સૌ જાણીએ છીએ. મુંબઈમાં એ અંગે મોટો વિવાદ પણ થયો છે. માંસાહારીને કેટલીક સોસાયટીમાં ઘર ભાડે કે માલિક બનવા દેવામાં આવતા નથી. ગુજરાતીઓ આમ તો શાકાહારીઓ છે અને અહિંસકતામાં માને છે પણ ગાય માટે કે અનામત મુદ્દે કે પછી કોમી મુદ્દે પણ હિંસા કરતાં અચકાતાં નથી. ગુજરાતી જેવો પાક્કો રાજકારણી મળવો મુશ્કેલ છે. ગાંધીએ અહિંસક લડત દ્વારા હિંસક અને મુત્સદ્દી વેપારી બુદ્ધિ ધરાવતાં અંગ્રેજોને માત આપી હતી. કેટલાય અંગ્રેજો ગાંધીના ચેલા બની ગયા હતા. ૨૦૧૯માં થેપલાં કોન્સપરન્સી દ્વારા શું થાય છે તેની રાહ જોઈએ.
0 comments