પુરુષને પત્ર
00:21પુરુષો દ્વારા થતી સેક્સુઅલ હરેસમેન્ટ વિરુદ્ધ સ્ત્રીઓ કેમ નથી બોલતી તે વિશે એક પત્ર લખ્યો છે તે કોઈ પણ અંગત વેર વગર વાંચવા વિનંતી
મીટૂ કેમ્પેઈન વરસેક પહેલાં શરૂ થયું. હોલીવૂડના પ્રખ્યાત ફિલ્મમેકર હાર્વી વેઈન્સ્ટન વિરુદ્ધ ત્યારે કોઈને કલ્પના નહોતી કે ૪૦ સ્ત્રીઓ હાર્વી વિરુદ્ધ જાતીય સતામણીનો ભોગ બન્યાની વાત જાહેરમાં કહેશે. હજી જો ન બોલાયું હોત તો કદાચ સંખ્યા વધતી જ જાત. આપણા ભારતમાં એ દોર ઘણો મોડો શરૂ થયો. શૈક્ષણિક સંસ્થાઓમાં મી ટૂના અનુભવો કહેવાયા તેમાં પણ ઊહાપોહ થયો હતો અને પછી એવું ય કહેવાયું કે સ્ત્રીઓ ખોટા આરોપ કરે છે, સાચું બોલનાર સ્ત્રી તે જ સમયે મોઢા પર ચોપડી દે. મારો અંગત અનુભવ કહું તો એવા સંબંધો ન બાંધ્યા કે મિત્રતા ન રાખી તો કારર્કિદીની સફળતા ધીમી ગતિએ આવે તે જોયું છે કે પછી કેટલીક તક ન મળે તે પણ સમજી શકાય છે. પોતાની લાયકાત છતાં વાટકી વ્યવહાર અને સંબંધોનું જોખમ સ્ત્રી અને પુરુષે બન્નેએ ભોગવવું જ પડે છે. તેનો અર્થ એ નથી કે ચૂપ રહેતી દરેક સ્ત્રી ફાયદા માટે જ ચૂપ રહે છે.
જાતીય સતામણીની ફરિયાદ સ્ત્રીઓ નથી કરતી તે વિશે પુરુષોએ સમજવું હોય તો અમેરિકાના અનીતા હિલને યાદ કરવા જ પડે. ૧૯૮૧માં અનીતા એજ્યુકેશન ઑફિસ ઑફ સિવિલ રાઈટ્સમાં થોમસની આસિસ્ટન્ટટ સેક્રેટરી હતી ત્યારબાદ ૧૯૮૨માં અમેરિકાની ઈક્વલ એમ્પ્લોયમેન્ટ ઓપર્ચ્યુનિટી કમિશનમાં થોમસ ચેરમેન હતા ત્યાં એટર્ની એડવાઈઝર તરીકે જોડાઈ, પણ વરસમાં જ તેણે નોકરી છોડી દીધી. અને તે સ્કૂલ ઑફ લોમાં આસિસ્ટન્ટટ પ્રોફેસર તરીકે જોડાઈ હતી.૧૯૯૧માં થોમસને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની હતી ત્યારે તેમના ચરિત્ર વિશે અભિપ્રાયમાં અનીતાએ જાતીય સતામણીની વાત કરી અને પછી તે ખાનગી વાત જાહેર થતાં કેસ ચાલ્યો હતો, પણ એ સત્તાશાળી પુરુષ થોમસની ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ. વરસો ચાલેલા એ કેસમાં અનીતાને સફળતા ન મળી, પણ અનેક ઝંઝાવાતોની સામે તેણે પોતાનું સ્ટેન્ડ ન બદલ્યું. પહેલીવાર ટેલિવિઝનમાં દર્શાવાતા કેસમાં જાતીય સતામણીની વાત માંડીને કરી. સત્તા આગળ શાણપણ ન ચાલે પણ એક વાત જરૂર થઈ કે ત્યારબાદ અમેરિકામાં કામના સ્થળે જાતીય સતામણી વિરુદ્ધ સ્ત્રીઓએ બોલવાની હિંમત દર્શાવતા સેક્સુઅલ હરેસમેન્ટ વિશે જાગૃતી લાવવા પ્રયત્નો થયા, પણ અનીતા જે સ્કૂલમાં કામ કરતાં હતાં તેમાંથી એમને કાઢવાના પ્રયત્નો ય કરવામાં આવ્યા અને એમ ન થઈ શકતાં એ સ્કૂલ જ બંધ કરી દેવામાં આવી. અનીતાને ન્યાય મળ્યો નથી. જાણીતા પત્રકાર અને હવે રાજકારણી એમ જે અકબર વિરુદ્ધ પહેલી સ્ત્રીએ હિંમત કરી ત્યારબાદ બીજી પણ સ્ત્રીઓમાં હિંમત આવી બોલવાની. આ બધા વિશે જ ચારે દિશામાંથી એક જ સવાલ પુછાય છે કે તે સમયે તેમણે વિરોધ કેમ ન કર્યો. તો એના જવાબમાં
પ્રિય પુરુષ,
કામના સ્થળે થતી જાતીય સતામણી સમયે સ્ત્રીઓ કેમ નથી બોલતી કે વિરોધ નથી કરતી? એવું માનવામાં આવે છે કે અમે તે સમયે મહત્ત્વકાંક્ષી હોઈએ છીએ. અમને ફાયદો જોઈતો હોય છે. સ્ત્રીઓ આગળ ન વધે તે માટે પહેલાં પણ પ્રયત્નો થયા જ છે. બહાર નીકળે તો આવું જ થાય તેવું પણ કહેવાતું આવ્યું છે. એટલે જ અમને ઘરમાં પરદામાં રાખી મૂકવામાં આવતી. જો કે ઘરમાં પણ અમારું જાતીય શોષણ નથી થતું એવું તો નથી જ. સ્ત્રીઓ ચૂપ રહે છે એ વિશે અનીતા હિલનું આ વાક્ય પહેલાં વાંચો.
“I assessed the situation and chose not to file a complaint. I had every right to make that choice. And until society is willing to accept the validity of claims of harassment, no matter how privileged or powerful the harasser, it is a choice women will continue to make.”
-Anita Hill, in Speaking Truth to Power, on why she didn’t speak up sooner
અનીતા હિલને જ્યારે પ્રશ્ર્ન પુછાયો કે તેણે દસ વરસ બાદ બોલવાનું કેમ પસંદ કર્યું તો કહે છે કે હું પહેલાં સંજોગોનું વિશ્ર્લેષણ કરું છું અને ફરિયાદ ન કરવાનો નિર્ણય કરું છું. જ્યાં સુધી સમાજ મારી વાતને સમજી ન શકે કે સતામણીની વાતને સ્વીકારી ન શકે તેટલો સમય ચૂપ રહેવાનું પસંદ કરવાનો મારો અધિકાર છે. સતામણી કરનાર પુરુષ સત્તાશાળી અને અધિકાર ધરાવતો હોય ત્યારે દરેક સ્ત્રી (જ્યાં સુધી તેની ફરિયાદને યોગ્ય પ્રતિસાદ ન મળે ત્યાં સુધી) ચૂપ રહેવાનું પસંદ કરશે જ.
તમે નહીં માનો પણ લગભગ ૯૦ ટકા સ્ત્રીઓને કામના સ્થળે થતી જાતીય સતામણીનો નાનો મોટો અનુભવ થતો જ હોય છે. કેટલીક વખત અમે બોલીએ છીએ, વિરોધ કરીએ છીએ અને કેટલીકવાર ચૂપ રહેવાનું પણ પસંદ કરીએ છીએ. તે શું કામ એને દરેક બહાર જઈને કામ કરતી સ્ત્રી સમજી જ શકે છે. એટલે જ અમે ફરિયાદ નથી નોંધાવતા. સતામણી કરનાર પુરુષ સાથે કામ કરવાનું ચાલુ રાખીએ ત્યારે અમારા મૌનના અનેક અર્થ કાઢવામાં આવે છે. અમે નથી બોલતા, કારણ કે અમે મુરખ નથી. તમને લાંબો વિગતે જવાબ જોઈતો હોય તો કેટલાક મહત્ત્વના મુદ્દાઓ આ રહ્યા.
ૄ લેબલ નથી જોઈતા: જાતીય સતામણી વિશે બોલવું એટલે કેટલાંક લેબલો અમારા પર લાગી જ જાય. મોટાભાગે તો અમારી પાસે કોઈ પુરાવા હોતા જ નથી અને જો પુરાવા હોય તો અમને વિકટિમ એટલે કે ભોગ બનનારનું લેબલ લાગે છે. અને જો સામી વ્યક્તિ (નાના પાટેકર કે અકબર) જાતીય સતામણીના આરોપને નકારી કાઢે છે તો એટેન્શન સિકર, પ્રસિદ્ધ થવા માટે કે લોકોનું પોતાના પ્રત્યે ધ્યાન ખેંચવા માગનાર, હતાશ સ્ત્રી કે પછી ઈર્ષ્યાળુ, રહી ગયેલી કે પછી ખરાબ જ હતી ત્યારે આનંદ કર્યો કે ફાયદો ઉઠાવ્યો અને હવે મીડિયામાં પ્રસિદ્ધિ માટે બોલી રહી છે એવા લેબલ પણ લાગે છે. ખોટું બોલનારી ડ્રામેબાજ વગેરે લેબલ પણ લાગે. અમને આવા લેબલ નથી જોઈતા એટલે પણ મોટેભાગે ચૂપ રહીએ છીએ. અમે અમારા કામથી ઓળખાઈએ એવું ઈચ્છીએ છીએ એટલે પણ ચૂપ રહીએ છીએ. ફરિયાદ કરીએ એટલે કામને ભૂલીને લેબલો સાથે જીવવું પડે છે.
ૄ પરિણામો ભોગવવા પડે છે: ફરિયાદ કર્યા બાદ અમારે કારર્કિદી પર મીંડું મૂકી દેવું પડે છે. આવી બાબતોમાં તપાસ સમિતિનો રિપોર્ટ આવતાં પણ વરસો લાગે છે. અમારે નોકરી ગુમાવવી પડે છે અને જો નોકરીમાંથી કાઢી મૂકવામાં ન આવે તો પણ જેની સામે ફરિયાદ કરી હોય તે વ્યક્તિના હાથ નીચે કામ કરવાનું સહેલું નથી હોતું. ઓફિસમાં પણ લોકો તમારા વિશે વાતો કરે અને માનસિક પ્રતારણા ભોગવવી પડે છે. બીજે કામ પણ સહેલાઈથી મળતું નથી. કોર્ટ અને વકીલોના ખર્ચા અને સમયનો વિચાર કરવો પડે છે. બ્લેક લિસ્ટમાં મૂકી દેવામાં આવે તેનો પણ ડર રહે છે. ફરિયાદ કર્યા બાદ ન્યાય મળવો તો દૂર સ્ત્રીઓએ ભોગવવાનું વધુ રહે છે. આ બધાનો વિચાર કરીને મોટાભાગની સ્ત્રીઓ મૌન સેવે છે. માનસિક પ્રતારણા તેને લીધે ઓછી નથી જ હોતી.
ૄ મદદ નથી મળતી: અમે મૌન રહીએ છીએ, કારણ કે જાતીય સતામણીની ફરિયાદ કરતી સ્ત્રીઓને મદદ નથી મળતી. ઊલટાનું ઉપરના મુદ્દામાં કહ્યું તેમ અમારે ગુમાવવાનું વધુ રહે છે. સ્ત્રીઓનો જ વાંક જોવામાં પહેલો આવે. સતામણી કરનાર વ્યક્તિ સત્તા સ્થાને હોવાથી તેના મિત્રો ઘણા હોય છે. જ્યારે સ્ત્રીની તરફ સહાનુભૂતિ સ્ત્રીઓને પણ નથી હોતી એવી માનસિકતાનું ઘડતર થયું હોય છે. જે અમારી સાથે સહાનુભૂતિ રાખે એણે પણ વિરોધનો સામનો કરવો પડતો હોય છે. અમને સમસ્યા ગણવામાં આવે છે. જુઓને હવે એવું કહેવાઈ જ રહ્યું છે ને કે સ્ત્રીઓને નોકરી પર રાખતા પહેલાં લોકો સો વાર વિચારશે, કારર્કિદી બની શકતી નથી, વળી ઘરમાંથી પણ બહાર જવા પર પાબંદી આવી જાય છે એવું અનેક છોકરીઓએ અમને કહ્યું છે.
ૄ એકલા હોવાનો ડર: વિન્સન્ટન અને અકબર સામે અનેક સ્ત્રીઓ બહાર આવી પણ જો એક જ સ્ત્રી ફરિયાદ કરે તો તે ફરિયાદને નગણ્ય ગણીને વિસરાવી દેવાનો પ્રયત્ન થતો જ હોય છે. પહેલ કરવી સહેલું હોતું નથી, કારણ કે જાતીય સતામણીના બળાત્કાર નથી હોતો એટલે કોઈ પુરાવો નથી હોતો.
ૄ આંગળી ચિંધાવાનો ડર: જ્યારે અમે ફરિયાદ કરીએ છીએ કે તરત જ અમને આરોપી તરીકે જોવાનું શરૂ કરી દેવામાં આવે છે. અમે ત્યારે શું પહેર્યું હતું? અમારું વર્તન કેવું હોય છે? અમે દારૂ કે સિગરેટ પીએ છીએ કે નહીં? અમે ના પાડી હતી કે નહીં? અમે નોકરી છોડવા તૈયાર હતા કે નહીં? અમે તો આમંત્રણ આપતું વર્તન નહોતું કર્યું ને? ભૂતકાળમાં અમારું વર્તન કેવું હતું, પુરુષ મિત્રો હતા? અમે ત્યારે જ કેમ ન બોલ્યા અને બોલ્યા તો નોકરી કરવા ગયા જ કેમ? અમે મહત્ત્વકાંક્ષી હોઈશું? વગેરે વગેરે આવા અનેક સવાલોની આંગળીઓ અમને ઘોંચપરોણા કરવા માંડે એ ડરથી ચૂપ રહેવાનું પસંદ કરીએ છીએ.
ૄ ગુનાહિત ભાવ: અમે પોતાને જ ગુનાહિત ભાવમાં નાખી દઈએ છીએ. જાતીય સતામણી માટે અમે કોઈ જ આમંત્રણ ન આપ્યું હોય કે કોઈ જ એવું વર્તન ન કર્યું હોય તો પણ અમે અમારી જાતને જ દોષીત માનવા લાગીએ છીએ. અમારો ઉછેર જ એ રીતે થયો હોય છે કે સ્ત્રી તરીકે જન્મવું એટલે ગુનો કર્યો. વળી અમારી પુરુષો સાથે વર્તવાની સહજતાને જ એ પુરુષે આમંત્રણ સમજી લીધું હોય એ માટે પણ અમે જાતને જ દોષી માનીએ. તરત જ કોઈ જ રિએકશન આવાં ઘણાં કારણોને લીધે આપી શકાતું નથી. ક્યાંક અમારો જ દોષ નથી એ પહેલાં જોઈએ પછી પુરુષનો દોષ દેખાય છે તેવી માનસિકતા પિતૃસત્તાક સમાજે ઘડી હોય છે. આમ પહેલાં કે તરત જ વિરોધ ન કરીને, મૌન રહ્યાનો ભાર અમારા મન પર વધતો જાય છે. ગુનાહિતતા ઉમેરાતી જાય છે એટલે બોલવા પહેલાં વરસો વીતી જતાં હોય છે. અમારા મન પર કેટલા ભાર હોય છે તે સમજી શકો તો સારું બાકી જ્યાં બળાત્કાર બાદ પણ સ્ત્રીઓ ટૂંકા કપડાં પહેરે છે કે ખોટા સમયે બહાર જાય છે એટલે આવું થાય છે એવું કહેવાતું હોય ત્યાં જાતીય સતામણીના આરોપને કઈ રીતે જોવાય છે તે આપણે સૌ જાણીએ છીએ. સ્ત્રી બોલે તો તેને ન્યાય મળશે જ એવું નથી હોતું. શક્ય છે એકાદ બે સ્ત્રીઓ ખોટી રીતે હેરાન કરતી હોય છે એની ના નથી પણ સોમાંથી એકાદ બે સ્ત્રી એવી હોવાને કારણે બાકીની ૯૮ સ્ત્રીઓ ખોટી હોય છે એવું કહી દેવામાં આવતું હોવાથી ય મૌન જલદી તૂટતું નથી.
મી ટૂ જેવા કેમ્પેઈન થાય ત્યારે થોડીઘણી સ્ત્રીઓ હિંમત કરીને બોલે છે, પણ હજી અનેક સ્ત્રીઓ ચૂપ છે. આશા છે તમે અમારા મૌન રહેવાનાં કારણો સમજી શક્યાં હશો.
ધીરજથી આટલું વાંચવા બદલ આભાર - સ્ત્રી
0 comments