તમે બસ થોડા થાવ વરણાગી

23:03



છેલ્લા બે મહિનાથી કેટલાક પુરુષોની ચર્ચા જરા વધુ પડતી જ થઈ રહી હતી. એક તો રણવીર સિંહ અને બીજો નિક જોન્સ એ બે જણા તેમના લગ્નને લઈને ચર્ચામાં હતા. બન્ને જણા જાણીતી અભિનેત્રીને પરણી રહ્યા હતા અને બન્ને પુરુષો પોતાના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. નિક જોન્સ તેની પત્ની પ્રિયંકા કરતાં નાનો છે તેના વિશે વાત આવતા વરસે. હમણાં તો વરણાગી રણવીરની વાત કરીએ. રણવીર સિંહ તેના કપડાંની સ્ટાઈલને લીધે હંમેશાં ચર્ચામાં હોય છે. એને ખરા અર્થમાં વરણાગી રાજા કહી શકાય. તેનો સ્વભાવ બિન્દાસ છે તે એની આગવી સ્ટાઈલમાં પણ જણાઈ આવે. કેટલીકવાર ખરેખર એવું થાય કે આ માણસ શું પહેરીને આવ્યો છે? પુરુષો માટેના પણ આપણા બાંધેલા કાટલાને બાજુ પર મૂકીએ તો રણવીર સિંહ ગુલાબી, કલરફુલ, ફ્લાવરી દરેક રંગ અને સ્ટાઈલને બિન્દાસ પહેરે છે. તે બીજા પુરુષોથી અલગ તરી આવે. એમ કહોને કે આપણે પુરુષે કેવા કપડાંના રંગો અને સ્ટાઈલ અપનાવવી જોઈએ તેમાં કોઈ હિસાબે ફિટ ન બેસે. એ જ દર્શાવે છે કે તે ટિપિકલ પુરુષપ્રધાનનું પ્રતિનિધિત્વ નથી કરતો. તેણે સ્કર્ટ પહેરવાની હિંમત પણ દર્શાવી છે. 

ફિલ્મોમાં અનેક હીરોલોગ નારીના વસ્ત્રો પરિધાન કરીને મિમિક્રી કે મનોરંજન કરતાં હોય છે પણ જાહેરમાં કોઈ ખાન કે કુમારે સ્કર્ટ પહેરવાની હિંમત નથી કરી. ભૂતાન, સ્કોટલેન્ડ જેવા અનેક દેશોમાં પુરુષો સ્કર્ટ પહેરતાં હોય છે. આપણે ત્યાં આવા કપડાં પહેરનારને સહજતાથી સ્વીકારાતા નથી, પણ તેમની મજાક ઉડાવાય એટલે કોઈ પુરુષો લુંગી સિવાય સ્કર્ટ પહેરતા નથી. દક્ષિણ ભારતમાં લુંગીને શોર્ટ સ્કર્ટની જેમ અડધી ચઢાવીને ફરતાં અનેક પુરુષો જોવા મળશે. પણ ગુજરાતમાં કે ગુજરાતી સમાજમાં લુંગી પહેરીને ઘરમાં પણ ફરવાની હિંમત કેટલાક પુરુષોમાં નથી હોતી. કપડાં એ પુરુષોના વ્યક્તિત્વ અને સ્વભાવનું સ્ટેટમેન્ટ હોઈ શકે છે. 

રચનાત્મક વ્યક્તિત્વ અર્થાત્ ક્રિયેટિવ પર્સનાલિટી ... સ્ત્રીઓનું સહજ લાવણ્ય , સૌંદર્ય આકર્ષક હોય છે તો પુરુષોમાં પણ એવું વ્યક્તિત્વ હોય ને?જે સ્ત્રીને આકર્ષે જ પણ પુરુષોને ય આકર્ષક લાગી શકે. સલમાન ખાનના ચાહકોમાં પુરુષોની સંખ્યા કદાચ વધારે હશે. એટલે જ તે ભાઈના હુલામણા નામે ફેમસ છે. ગમે તેટલા ગુનાઓ કરવા છતાં તેની લોકપ્રિયતામાં ઘટાડો નથી થતો. પુરુષના દેખાવમાં બીજાને ગમી શકે તેમાં તેનું સૌંદર્ય નહીં પણ વ્યક્તિત્વનું પાસું મહત્ત્વનું હોય છે. સલમાનનો દેખાવ તેના વ્યક્તિત્વને ઉપસાવે છે. તેના વ્યક્તિત્વમાં એક જાતની બેપરવાઈ સાથે સંવેદનશીલ માનવીનું પણ સંયોજન છે. પુરુષનું વ્યક્તિત્વ તેની રચનાત્મકતામાંથી ઘડાય છે. ક્રિયેટીવ પર્સનાલિટીનો આધાર તેના સ્વાભાવિક વ્યક્તિત્વ પર હોય છે જ્યારે ફાંકો પાડી દેવાવાળું વ્યક્તિત્વ પ્લાસ્ટિકીયું લાગતું હોય છે.

સૂટબુટ પહેરવું એટલે આપણે ત્યાં જેન્ટલમેન હોવાની માન્યતા છે. સૂટેડ બૂટેડ માણસનું વ્યક્તિત્વ આકર્ષક અને આંજી દેનારું માનવામાં આવે છે, વળી તે વ્યક્તિ પાસે સત્તા અને ધન(જેને સફળતા માનવામાં આવે ) હોવાનું ય સાબિત કરે. પરંતુ, વડા પ્રધાન મોદીએ જ્યારથી મોંઘો સૂટ પહેર્યો હતો ત્યારથી સૂટબુટની સરકાર કહેવાય રહ્યું છે ત્યારે એની પાછળ વ્યંગ છે નરેન્દ્ર મોદીના ફેશનેબલ કપડાં બાબતનો. તેમનું વ્યક્તિત્વ દેખાડાનું વ્યક્તિત્વ બની ગયું છે તે સૂચવે છે. પણ જ્યારે નરેન્દ્ર મોદી લિનન કે સિલ્કના ઝભ્ભા, ચુડીદાર અને કોટી પહેરે છે ત્યારે દેખાવ કે વ્યક્તિત્વ પર વ્યંગ કરવામાં નથી આવ્યો. ઊલટાની મોદી જેકેટની ફેશન આજે પુરબહારમાં છે.

ઈંદિરા ગાંધી ભારતીય વણકરોએ વણેલી સાંબલપુરી સાડીના શોખીન હતા. તેમને માટેની કે સોનિયા ગાંધીની હાથવણાટની ફાઈનેસ્ટ સાડીઓની કિંમત કઈ ઓછી નથી હોતી. પરંતુ, તમારા વ્યક્તિત્વ પર જે યોગ્ય લાગી શકે તેનો જ લોકો સ્વીકાર કરે છે. ક્રિયેટીવ પુરુષો પોતાનો દેખાવ કે કપડાં અંગે સજાગ હોય છે કે નહીં તે ખબર નહીં પરંતુ, તેઓ કંઈક હટકે જરૂર પહેરતાં હોય છે. બાહ્ય દેખાવ તેમની આંતરિક સ્વતંત્રતા કે બધ્ધતાને રિફ્લેકટ કરે છે. જેકેટ કંઈ મોદીએ જ શોધ્યું નથી, પરંતુ તેના રંગો, પરફેક્ટ કટ અને બોડી લેંગ્વેજ લોકોને આકર્ષે છે. તેમના ભાષણો, અનેક વિરોધના વંટોળો છતાં વડા પ્રધાન પદ સુધી પહોંચવું વગેરે તેમની વ્યક્તિમત્તા પ્રત્યે ધ્યાન જાય છે. નહેરુ પહેરતાં એ જેકેટ પણ તેમના વ્યક્તિત્વનો આયનો હતો. પુરુષોના દેખાવ કરતાં તેમના વિચિત્ર કે આકર્ષક વ્યક્તિત્વનો ભાગરૂપ પહેરવેશ તેમના કામનું, વ્યક્તિત્વનું એક્સટેન્શન હોય છે. કેટલીક વ્યક્તિઓ પોતાના આગવા વિશ્ર્વમાં જીવે છે. તેઓ પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કરે છે. તેમની ફેશન ફોલો કરવી સહેલી નથી હોતી. જેમકે રણવીર સિંહની ફેશન અપનાવવા માટે રણવીર સિંહ જેવી હિંમત અને બેફિકરાઈ લાવવી અઘરી છે. તે છતાં કેટલાક વિરલાઓ હોઈ શકે. 

તેમનું અનુકરણ કરવા માટે એ વ્યક્તિ જેટલી જ હિંમત જોઈએ. આ વિષયે વિચારતા જ સ્વ. મકબૂલ ફિદા હુસેન યાદ આવે. દેશવિદેશમાં વિવાદની સાથે જ પેઇન્ટિંગ માટે પ્રસિદ્ધ થયેલા હુસેન પગમાં ચંપલ નહોતા પહેરતાં. કૂર્તો, જેકેટ અને પેન્ટ , હાથમાં લાંબી લાકડી જેવી તેમનું પેઇન્ટ બ્રશ, ગરદન સુધી લાંબા વાળ, દાઢી અને પગમાં ચપ્પલ ન પહેર્યા હોય છતાં તેમના વ્યક્તિત્વમાં ક્યાંય ખામી ન દેખાય. ડ્રેસની સાથે યોગ્ય ચપ્પલ કે બૂટ પહેરીને તમે ક્યાંય મિટિંગમાં જવાની હિંમત નહીં કરો. તો હાઈ સોસાયટીમાં ફરતાં હુસેને ચપ્પલ પહેરવાનો નિર્ણય કેમ લીધો?એ જાણવા માટે તેમના નિકટના મિત્ર અનિલ રેલિયા સાથે વાત થઈ. તેમણે બે મુદ્દા કહ્યા એક તો મકબૂલને મુક્તિબોધ નામના કવિ ખૂબ ગમતા હતા. તેમને મળવા તેઓ ઘરે પહોંચ્યા તો તેમનો જનાજો જઈ રહ્યો હતો. એ જોઈને હુસેનને આઘાત લાગ્યો. તેમની અર્થીને કાંધ દેવા માટે હુસેને ચપ્પલ કાઢ્યા તે પછી પહેર્યાં જ નહીં એવું કહેવાય છે. સાચું ખોટું કંઈ હવે ક્ધફર્મ થઈ શકે તેમ નથી. પણ અનિલભાઈ કહે છે કે હુસેન ચપ્પલ ન જ પહેરવા એવા આગ્રહી નહોતા જ. વિદેશમાં જ્યાં સખત ઠંડી હોય કે સખત તાપ હોય તો પગનો ખ્યાલ રાખવા તેઓ ચપ્પલ કે બૂટ પહેરી લેતાં. પણ તેમણે ચપ્પલ નહોતા પહેર્યા એટલે કલકત્તાની બ્રિટિશ ક્લબમાં તેમને પ્રવેશવા નહોતા દેવામાં આવ્યા. વળી અનિલભાઈ કહે છે કે હુસેન કહેતાં કે ચપ્પલ ન પહેરવાથી તેમને ધરતી સાથેનો સીધો સંપર્ક થાય છે. ધરતી પર પગ રહે છે કહીને કદાચ હસી યે પડતા હશે. ત્રીજી વાત એ કે તેમને એક્યુપ્રેશરનો ફાયદો થતો હતો એવું પણ કહેતા. એ જે પણ હોય તે પરંતુ આવું કરી શકવાની હિંમત એ તેમના વ્યક્તિત્વનો ભાગ હતી.

વડા પ્રધાન મોદીથી વીસેક વરસ નાના રાહુલ ગાંધીએ પોતાના પિતાજીની જેમ સફેદ લેંઘો ઝભ્ભો જ અપનાવી લીધો છે. આમ તો એ સાદગી અને શાંતિનું પ્રતીક કહી શકાય તેવો ડ્રેસ કોડ પણ યુવાન નેતા તરીકે થોડા વરણાગી બને તો વાંધો ન આવે. તેમની સામે સચિન પાયલટ જે રીતે સફેદ લેંઘો ઝભ્ભો અને કોટી પહેરે છે તે આકર્ષક લાગે છે. સફેદી સફેદીમાં પણ ફરક હોય છે. ગુલઝારના એકદમ કડક સ્ટાર્ચ કરેલા સફેદ લેંઘો ઝભ્ભો એ તેમના વ્યક્તિત્વની આસપાસ એક સહજતાની સાથે કિલ્લો પણ રચે છે. તેમની નજીક જવું સરળ નથી હોતું. સફેદ કપડાં પહેરનાર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત સત્યજીત રેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. તો પ્રસિદ્ધ ગઝલ ગાયક સ્વ. જગજીત સિંહ કોલરવાળો અડધી બાંયનો ઝભ્ભો પહેરતાં. જગજીતસિંહના નામે એ ઝભ્ભાની ફેશન આજે પણ પ્રચલિત છે. 

રચનાત્મક વ્યક્તિત્વની છાપ વ્યક્તિના કપડાંમાં પણ જણાઈ આવતી હોય છે. આગવું વ્યક્તિત્વ આત્મવિશ્ર્વાસ વિના ન હોઈ શકે. વરણાગી રાજા બનવા માટે થોડા ક્રિયેટિવ થવું જરૂરી છે.

You Might Also Like

0 comments