થોડા સા ફિલોસોફીકલ હો જાયે
09:47શું રોજ તમે શુભ સંદેશાઓ બીજાને મોકલો છો? આવા સંદેશાઓનો તમને કોઈ રોજ મોકલે છે? આ લેખ તમારા માટે છે.
ગરમી અને ચૂંટણી બન્ને આપણને ગમે ય ખરી અને કંટાળો ય આપે એવું બની શકે છે. છેલ્લા મહિનાથી ચૂંટણી મતદાનની તારીખ સુધી પહોંચે ત્યાં સુધી ગરમીની જેમ પાર્ટીઓનો પ્રચાર અને પ્રસાર વધતો જાય છે. એક તરફ માથું ફાડી નાખતી ગરમી અને બીજી તરફ એકબીજાનું માથું ફોડવા તત્પર હોય એવા નેતાઓનો પ્રચાર. એસીની ઠંડી હવામાં બેસીને ટેલિવિઝન ઓન કરીએ ત્યારે કાળઝાળ ગરમીમાં નેતાની સવારીઓ અને તેના ફોલોઅર્સની ગરદી જોઈએ ત્યારે જાત પર શરમ આવે. તે છતાં એસી બંધ કરવાનું મન ન થાય. આટલી ગરમીમાં ફરતા નેતાઓની હિંમતને દાદ આપવાનું મન થાય અને સાથે દયા પણ આવે. થાય કે હાશ આપણને અને રાજકારણને કશી જ લેવા દેવા નથી એટલે સારું.
ગરમીમાં બહાર નીકળવાનું મન ન થાય અને એસીમાં બેસીને સમય પસાર કરતાં જાતભાતના વિચારો ઘેરી વળે. કેરીના રસની અસર હોય તેમ સતત તંદ્રામાં જ રહેવાનું બને. દરરોજ મોબાઈલ પર વોટ્સએપ્પ અને ફેસબુક મેસેન્જરમાં ગુડી ગુડી સંદેશાઓ નિયમિત રીતે મોકલતા લોકોને માટે પણ માન થઈ આવ્યું. આપણે સામે કોઈ જવાબ ન આપીએ તો પણ આવા લોકો થાક્યા વગર તમને સુવાક્યો સાથે શુભ સંદેશાઓ મોકલે. તમે વાંચો છો કે નથી વાંચતા તેનો જવાબ ન માગે તે સૌથી સારું લાગે. પણ આવા લોકો શું કામ રોજ આ સંદેશાઓ મોકલે છે તે જાણવા માટે મેં નવરા બેઠા થોડું સંશોધન કર્યું.
——— હી ક્યું? ક્યોકી…….. આઈપીએલની મેચ જોતાં દર પાંચ મિનિટે આવતી આ જાહેરાત તમને બધાને પણ મોઢે થઈ જ ગઈ હશે એ જ રીતે મેં લોકોને પૂછ્યું કે આ ગુડી ગુડી સંદેશાઓ તમે કેમ મોકલો છો રોજ રોજ, અવિરત, કંટાળ્યા વગર? એક સજ્જન મને ગમે છે એટલે…. બીજા સજ્જન( સજ્જનમાં જેન્ડરના કોઈ ભેદ જોવા નહીં.) સવારમાં સારા સંદેશા, શુભેચ્છાઓ આપવી ખરાબ ગણાય કે ? ત્રીજી વ્યક્તિ ….સવારમાં થોડી નવરાશ હોય એટલે ફટાફટ એકના સંદેશા બીજાને, બીજાના સંદેશા ત્રીજાને મોકલી દઉં… વ્યવહાર જાળવવા માટે દરેક ગ્રુપ અને વ્યક્તિઓને ન્યાય આપું પછી આખા દિવસમાં સમ ખાવા પૂરતો પણ સમય ન હોય. તરત જ આવા લોકોને બીજો સવાલ પૂછ્યો, તમે આ દરેક સંદેશાઓ વાંચો છો ખરા? થોડીક ચૂપ્પી કે મૌન બાદ જવાબ મળે છે કે પહેલાં વાંચતો કે વાંચતી… બધા તો નહીં પણ એકાદ બે…. યાર, શું આ લમણાફોડી કરો છો તમે હવે નહીં મોકલીએ બસ…. અરે દરેક વાંચવાની શું જરૂર? બધામાં એક જ વાત હોય ને કે સારું વિચારો, પોઝિટિવ વિચારો… આતો સમાજસેવાનું કામ છે સારું વહેંચવાનું પુણ્ય…. હાહા હા ક્યારે કોને અસર થાય અને જીવન બદલાઈ જાય કહેવાય નહીં….આ છેલ્લો જવાબ સાંભળીને મગજ બે ઘડી સુન્ન થઈ ગયું. તમને જાણીને નવાઈ ન પણ લાગે કદાચ કે ફોરવર્ડ મેસેજીસ મોકલવામાં ભારત પહેલા નંબરે છે. આ વિશે મારા પહેલાં પણ લોકોએ સંશોધન કર્યું છે અને જાણવા મળ્યું છે કે મફતમાં મેસેજીંગ સર્વિસ હોવાને કારણે. ગુજરાતી તરત જ કહેશે કે મફતમાં ક્યાં છે? ઈલેકટ્રિક બીલ આવે ચાર્જીંગનું, ઈન્ટરનેટ બીલ અને મોબાઈલ ખરીદવો પડે તે જુદો…. તે છતાં જો આ સંદેશાઓ મોકલવાના ચાર્જ લાગે તો ચોક્કસ જ ગુડ મોર્નિં, જેએસકે વગેરે વગેેરે ઓછું કે બંધ થઈ જાય. યાદ કરો કે એક જમાનામાં વોટ્સએપ્પ નહોતા અને ઈન્ટરનેટ સસ્તું નહોતું.
બીજું કે વોટ્સએપ્પે પોતાની એપ્પ એ રીતે બનાવી છે કે ફોરવર્ડ ખૂબ સરળતાથી થઈ શકે. જો એ જ સંદેશાઓ ટાઈપ કરીને મોકલવાના હોત તો તેની સંખ્યા આટલી ન હોત. વળી ભારતમાં અનેક લોકો પાસે ભરપૂર સમય હોય છે કે હતો. એ ખાલી સમયમાં આ ફોરવર્ડ કરવાનો સમય ફીટ બેસી ગયો. કલ્પના કરો કે મોબાઈલ ન રહે તો આપણી પાસે કેટલો સમય બચે? મોબાઈલ નહોતા એવો સમય હતો ભૂતકાળમાં એ આપણે ભૂલી ગયા છીએ. સમાજની માનસિકતા એવી હોય છે કે તેઓ પોતાના જેવું જ વિચારતા લોકો સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. આઉટ ઓફ બોક્સ વિચારવાનું મોટાભાગના લોકોને ફાવતું નથી કે સ્વીકારાતું નથી. એટલે આ સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવવાનો આઈડિયા પણ આવ્યો. એવી પણ વ્યક્તિઓ હોય છે કે જે એક બે નહીં પણ સોએક ગ્રુપમાં હોય. એ દરેકમાં તેમની જેમ જ વિચારતા લોકો જોડાયેલા હોય. એટલે આપણે દરેક સંદેશાઓ-મેસેજીસ ન વાંચતા હોઈએ તે છતાં જ્યારે ગ્રુપના મેસેજીસ સ્ટ્રોલ કરતાં હોઈએ છીએ ત્યારે તેની નોંધ લેતા હોઈએ છીએ. મેસેજીસમાં અનેક ભૂલો હોય તે છતાં તેને ફોરવર્ડ કરવામાં આવતા હોય છે કારણ કે આપણી માન્યતાઓ અને વિચારો સાથે તેનો મેળ ખાતો હોય છે. રાજસ્થાનના ઝુનઝુનમાં હેડમાસ્ટર તરીકે કામ કરતાં કમલેશ તેતરવાલ રોજ પાંચ હજાર લોકોને આવા શુભ સંદેશાઓ મોકલે છે. તેઓ રોજ સવારે પાંચ વાગ્યે ઊઠે છે અને ચાલવા જાય છે. એ સમયે તેઓ ઈન્ટરનેટ પરથી ફિલોસોફિકલ-પોઝિટિવ વાક્ય શોધે છે. એ વાક્ય ગાંધીજી, વિવેકાનંદનું પણ હોઈ શકે. તેને લખીને ડિઝાઈન કરીને તેમના બ્રોડકાસ્ટ લિસ્ટમાં મૂકે છે. કમલેશજીના દસ બ્રોડકાસ્ટ ગ્રુપ છે જેમાં લગભગ ૨૫૦ મેમ્બર છે. આ જ રીતે બીજા દસથી વધુ ગ્રુપ પણ છે. તેમનું માનવું છે કે દિવસની શરૂઆત સારા વાંચનથી થાય તો દિવસ સારો જાય.
હિમાચલના હોમિયોપેથિક ડોકટર હોય કે દિલ્હીનો ડ્રાયવર હોય કે રાજકોટનો ફરસાણવાળો કે અમદાવાદનો રિક્ષાવાળો, લેખકો, પત્રકારો પણ છે કે જેઓ રોજ સવારમાં ભગવાનના ફોટાઓ સાથે કે પછી ચા અને નાસ્તાના ફોટાઓ સાથે સુવાક્યો દ્વારા સવારના પહોરમાં સંદેશાઓ હજારો લોકો સુધી પહોંચાડતા હોય છે. કેટલાક તો એવું પણ માને કે અંગ્રેજીમાં નહીં પણ આપણી માતૃભાષામાં સંદેશ મોકલવો જોઈએ, એ રીતે માતૃભાષા જીવંત રહે અને લોકો સુધી સુવાક્યો પહોંચે. વળી કેટલાક વાર પ્રમાણે ભગવાનના ફોટાઓ સાથે સંદેશાઓ મોકલીને ધર્મનું કામ કર્યાનું અને ભગવાનનું નામ લીધાનો સંતોષ પણ માને. કેટલાક વળી એવું પણ કહેશે કે ગંદા, અકસ્માતના વિડિયો અને ફોટાઓ કરતાં ભગવાનના કે કુદરતી દૃશ્યોના ફોટો સાથે સારું શેઅર કરવું સારું. સાયકોલોજિસ્ટ્સના કહેવા પ્રમાણે કેટલાકને આદત પડી ગઈ હોય છે આવા સંદેશા ફોરવર્ડ કરવાની તેમની પાસે આ રીતે રોજ સંદેશા મોકલવાનું કોઈ લોજીકલ કારણ ન હોય તેવું પણ બને. વળી તમે જોશો કે મોટેભાગે પ્રૌઢો એટલે કે મોટી ઉંમરની વ્યક્તિઓ જ આ રીતે સંદેશાઓ મોકલતી હશે. તેનું કારણ છે કે તેમને આ ઉંમરે પણ ટેકનોલોજી વાપરતાં આવડે છે તેનો રોમાંચ અનુભવાય છે એટલે તેઓ વધુને વધુ સંદેશાઓ ફોરવર્ડ કરે કે બનાવીને મોકલે. મોટાભાગના તો ફોરવર્ડ જ કરે. એટલું જાણવા મળ્યું કે આવા સંદેશાઓ મોકલનારા મોટી ઉંમરની વ્યક્તિઓ હોય છે અને તેમની પાસે ભરપુર સમય હોય છે. વળી તેઓ સવારે વહેલા ઊઠીને લોકોને સંદેશાઓ મોકલે છે કે રાત્રે સૂતાં પહેલાં ભગવાનના ફોટાઓ મોકલતા હોય છે. આ રીતે ભગવાનનું નામ લીધાનો સંતોષ પણ માને છે. હજી આમાં વધુ તમારે કંઈ કહેવાનું હોય તો ચોક્કસ લખીને મને મોકલો- divyashadoshi@gmail.com
0 comments