સફળ સ્ત્રી પાછળ એક પુરુષ હોઈ શકે

09:58








 પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા તોડવા માટે પુરુષોએ પણ કરી છે પહેલ એની નોંધ લેવી જરૂરી છે





પહેલાં ખાપ પંચાયતમાં સ્ત્રીઓને બોલાવાતી નહોતી, તેમને સમાજમાં ભાગીદાર બનાવવામાં આવતી નહોતી. ૨૦૧૨ની જુલાઈથી સ્ત્રીઓ મોટી સંખ્યામાં મિટિંગમાં હાજર રહે અને પોતાના મત વ્યક્ત કરે તે માટે બહેનો સાથે મેં ઘરે ઘરે જઈને તેમને સમજાવ્યા. મારે પણ બે દીકરીઓ છે અને હું ખુશ છું. તેમના ઉછેરમાં ક્યારેય વેરો આંતરો નહીં કરું.મારે પિતૃસત્તાક સમાજનો હિસ્સો નથી બનવું, એટલે  મેં મારા ઘર અને ગામમાં બદલાવ લાવવાની શરૂઆત કરી. ”  શબ્દો છે હરિયાણાના બીબીપુર ગામના સરપંચ સુનીલ જગલાનના. સેલ્ફી વીથ ડોટર કેમ્પેઈન યાદ હશે સૌને, કેમ્પેઈનની શરૂઆત સુનીલ જગલાનથી શરૂ થઈ એવું કહી શકાય. સુનીલ જગલાને જ્યારે ૨૦૧૫માં પોતાની દીકરીઓની સાથે સેલ્ફી લઈને ગર્વથી સોશિયલ મીડિયા પર મૂકી નવો ચીલો ચાતર્યો હતો. જેની નોંધ વડાપ્રધાને લીધી અને ત્યારબાદ દીકરી સાથે સેલ્ફીનો જાણે જુવાળ ઊઠ્યો.
         હરિયાણા રાજ્યમાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં ઘણી ઓછી છે. દર હજાર છોકરાઓએ આઠસો છોકરીઓ પણ માંડ હોય. કેટલાક ગામો એવા પણ છે કે જ્યાં કેટલાય વરસોથી છોકરીઓ જન્મી નથી. તેનું કારણ છે પિતૃસત્તાક માનસિકતા. જો કે તેને કારણે પુરુષોએ આજે ભોગવવું પડે એવી સ્થિતિ હરિયાણાના ગામોમાં છે. ત્યાં પુરુષોને લગ્ન માટે કન્યા મળતી નથી. અનેક પુરુષો વાંઢા રહી ગયા હોય કે પછી બીજા રાજ્યમાંથી કન્યા શોધવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. બાબતે આજે વાત કરવાનો વિચાર આવ્યો કારણ કે વિભા બક્ષીની એક ડોક્યુમેન્ટરી જોઈ સન રાઈઝ. તેમાં એણે પિતૃસત્તાક સમાજની વાત કરી છે પણ જરા જુદી રીતે. તેની ડોક્યુમેન્ટરીમાં પુરુષો કઈ રીતે સ્ત્રીઓની સાથે ઊભા રહીને તેમને વ્યક્તિ તરીકે જીવવાનો અધિકાર આપે છે.                                   જે હરિયાણામાં આજે પણ સ્ત્રીભૃણ હત્યા સામાન્ય ગણાય છે. ત્યાં આવા અનેક પુરુષો છે જે પિતૃસત્તાક સમાજની સામે બાથ ભીડી રહ્યા છે. આવા પુરુષોની પહેલને બિરદાવવાની જરૂર છે. જો કે સહેલું નથી હોતું પુરુષો માટે પણ ચીલો ચાતરવાનું પુરુષ પ્રધાન સમાજમાં પણ ખરા અર્થમાં જે પુરુષ હોય છે તે નવો ચીલો ચાતરતા હોય છે. 
સુનીલ જગલાનની વાત કરીએ તો સેલ્ફી વીથ ડોટરની હરિફાઈ રાખી હતી. જેમાં બેસ્ટ સેલ્ફીને ઈનામ આપવાની જાહેરાત તેણે કરી હતી. દીકરીના પિતા હોવું જ્યાં શરમની વાત ગણાતી હોય ત્યાં રીતે દીકરીઓના પિતા તરીકે ગર્વ લેવાની વાત મૂકવાની હિંમત સુનીલે કરી ત્યારે એને ખબર નહોતી કે માત્ર હરિયાણા નહીં બીજા રાજ્યોમાંથી પણ ફોટા આવવા લાગ્યા હતા. કેટલાકે તો પોતાને દીકરી હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો ત્યારે સુનીલને લાગ્યું કે તે સમાજમાં બદલાવ લાવી શકશે. તેણે ગામની છોકરીઓને ભણવા માટે પ્રોત્સાહન  આપ્યું એટલું નહીં જો તેમના માતાપિતા વહેલા લગ્ન કરાવી દેવાના હોય તો સામ, દામ, દંડ દ્વારા તેમને સમજાવીને દીકરીને શિક્ષણ મળે તેનું ધ્યાન રાખવા લાગ્યો. શિક્ષણ ઉપરાંત સ્ત્રીઓ પોતે વ્યવસાય કરી આર્થિક રીતે સધ્ધર બને તે માટે પણ પ્રયત્ન કર્યા. તેણે લોકોને સમજાવ્યું કે સ્ત્રીઓ ભણશે, આર્થિક રીતે સધ્ધર બનશે તો સમાજનો વિકાસ થાય. મહા ખાપ પંચાયતમાં પણ સ્ત્રીભૃણ હત્યા મુદ્દે પહેલીવાર વાત કરવામાં આવી. સુનીલને સમજાયું કે સ્ત્રી ભૃણ હત્યા રોકવા માત્રથી સમાજ બદલાશે નહીં કારણ કે સ્ત્રીઓનો પોતાનો અવાજ હોતો નથી એટલે તેમની સંખ્યા ઓછી હોય છે. તેમને ઘરમાં પૂરી રાખવામાં આવે છે, તેમના અવાજને દબાવી દેવામાં આવે છે. તે માનસિકતા બદલાવવાની જરૂર હોવાથી તેણે મહિલા સશક્તિકરણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. 
મહિલા સરપંચ ગામને અને મહિલાઓની પરિસ્થિતિ  બદલી શકે છે તે વાત સુનીલ જગલાને ખોટી પાડી. સુનીલ જગલાન આજે પણ મહિલાઓની સ્થિતિ બદલાય તે માટે કામ કરે છે અને તેણે બે દીકરીઓથી સંતોષ માનીને દાખલો બેસાડ્યો કે દીકરા કે દીકરીમાં ભેદભાવ કરવાની જરૂર નથી. સુનીલ જગલાનથી પ્રેરણા લઈને વિકાસ હરિયાણવી નામના લોકપ્રિય લોકગાયકે સ્ત્રીભૃણ હત્યા અને સ્ત્રી સશક્તિકરણના ગીતો ગાઈને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. હરિયાણાના  જિંદ જિલ્લાના એક ખેડૂતે પણ એવી છોકરી સાથે લગ્ન કર્યા કે જેના પર સતત દોઢેક વરસ બળાત્કાર થયો હતો. છોકરીનું નામ મને ખબર છે પણ અહીં લખતી નથી. છોકરી કોલેજ પુરી કરી ઈન્ટર્નશીપ માટે કામ શોધી રહી હતી ત્યારે કેટલાક પુરુષોએ તેને કામ આપવાને બહાને ડ્રગ મિશ્રિત પીણું પીવડાવી, ફસાવી તેના પર બળાત્કાર કર્યો એટલું નહીં તેના ફોટા પાડીને તેને બ્લેકમેલ કરી સતત દોઢ વરસ સુધી તેના પર બળાત્કાર કરતા રહ્યા. તે ના પાડતી તો તેના ઘરવાળાને ખતમ કરી નાખવાની ધમકીઓ આપતા રહ્યા. આખરે કંટાળીને તેણે ઘરમાં વાત કરીને તેમનો સપોર્ટ મેળવ્યો. તેના માતાપિતાએ તેના લગ્ન કરવાનું વિચારી તેના માટે છોકરો જોવા લાગ્યા. જીતેન્દ્ર છત્તર જ્યારે તેને જોવા આવ્યો અને લગ્નની હા પાડી કે સગાઈ પહેલાં છોકરીએ તેની સાથે જે થયું  હતું તે બધી હકીકત જણાવી દીધી. જીતેન્દ્ર અને તેના માતાપિતાએ કહ્યું કે બળાત્કાર થાય તેમાં છોકરીનો કોઈ વાંક નથી. અને જીતેન્દ્રએ નક્કી કર્યું કે હવે લગ્નતો તે છોકરી સાથે કરશે પણ તેને કાયદાનું શિક્ષણ આપીને અન્ય પીડિત મહિલાઓ માટે લડવા સક્ષમ બનાવશે. તેની પત્ની  પર ભૂતકાળમાં  બળાત્કાર કરનારા ઉપર પણ કેસ કર્યો. તે માટે તેણે પોતાનું ખેતર વેચી નાખવું પડ્યું તો પણ અચકાયો નહીં. તેણે લગ્ન બાદ ક્યારેય પોતાની પત્નીને ટોણાં મેણાં નથી માર્યા. ઉલ્ટાનું તેનું માન જાળવ્યું, આદર આપ્યો એટલું નહીં તેને ન્યાય મળે તે માટે પોતે ખુવાર થવા પણ તૈયાર છે. કારણ એટલું કે સમાજમાં નવો ચીલો પડે. સ્ત્રી પર બળાત્કાર થાય તો તેમાં તેને દોષિત મનાય નહીં અને તેને ન્યાય મળવો જોઈએ, આરોપીને સજા થવી જોઈએ. જો કે જીતેન્દ્રએ કેસ લડવામાં બધું વેચી નાખ્યું તે છતાં આરોપીઓ આજે પણ મુક્ત ફરી રહ્યા છે. ઉલ્ટાનું લોકોએ જીતેન્દ્રને ખોટા કેસમાં સંડોવ્યો છે. જીતેન્દ્રના માતાપિતા પણ બાબતે પોતાના દીકરાને અને વહુને સાથ આપે છે. તેમને ગર્વ છે કે પોતાનો દીકરો ન્યાય માટે લડી રહ્યો છે. જીતેન્દ્ર છત્તર અને તેના માતાપિતા માને છે કે જો બળાત્કારી સ્ત્રીને કોઈ અપનાવે નહીં તો સ્ત્રી માટે વગરવાંકે સજા જેવી જીવન બની જાય. તો પછી દીકરી પેદા કરવાનું કોઈ વિચારે નહીં. જે પરિસ્થિતિ આજે હરિયાણામાં છે તેને માટે સ્ત્રીઓને શોષિત રાખવામાં આવે છે. જીતેન્દ્ર ખત્તરની પત્ની કહે છે કે તે ખૂબ નસીબદાર છે કે આવો પતિ અને સાસરું મળ્યું છે. બાકી બળાત્કારની પીડા આખી જીંદગી સ્ત્રીઓ ભોગવતી હોય છે. મારા ઘરમાં કેસની અને વકિલની વાત સિવાય ક્યારેય બળાત્કારની વાત યાદ કરવામાં આવતી નથી. 
જીતેન્દ્ર અને તેની પત્નીને બાળક પણ થયું છે. તેઓ બન્ને લગ્નબાદ સુખી છે. જીતેન્દ્રની પત્ની કેટલીકવાર કહી ઊઠે છે કે જવાદો આપણે કેસને આગળ લડવો, તમે ખુવાર થઈ રહ્યા છો મારે લીધે ત્યારે જીતેન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તને પ્રેમ કરું છું અને તારા પર થયેલા અન્યાય માટે હું આખરી દમ સુધી લડીશ. સનરાઈઝ ડોક્યુમેન્ટરીમાં જીતેન્દ્ર અને તેની પત્નીનો ઈન્ટરવ્યુ છે. તેમના જીવનની કથા સાંભળીને જીતેન્દ્ર અને તેના પરિવાર માટે માન થઈ આવે અને તેમના સંઘર્ષને જોઈને હ્રદય કકળી ઊઠે. પુરુષપ્રધાન સમાજ સામે બાથ ભીડવામાં એક પુરુષ પૈસેટકે ખતમ થઈ રહ્યો છે તે છતાં હિંમત હારતો નથી, પત્નીને પડખે પ્રેમથી ઊભો રહે છે. ડોક્યુમેન્ટરી જોયા બાદ પ્રસિદ્ધ ભૂતપૂર્વ સરકારી વકીલ એમ બી વોરાની દીકરી  સ્વપ્ના વોરાએ વિભા દેસાઈ સાથે મળીને જીતેન્દ્ર છત્તર અને તેની પત્ની માટે ક્રાઉડ ફંડ ઊભું કરવાનું નક્કી કર્યું. 
આવા અનેક પુરુષો હશે જે સ્ત્રીઓની સાથે ખરા અર્થમાં પુરુષ બનીને ઊભા હશે. તેમને માટે ચીલો ચાતરી આપવામાં મદદરૂપ બનતા હશે. તેમની પણ નોંધ લેવી જરૂરી છે તો પુરુષપ્રધાન માનસિકતાને બદલી શકાશે. 
જે પણ સફળ સ્ત્રી ઊચ્ચ હોદ્દા પર પહોંચી હોય છે તેની પાછળ બીજાની કાળજી લેનારો પુરુષ હોય છે તે હકિકત છે. અને જે સ્ત્રીમાં આવડત અને લાયકાત હોવા છતાં જો કારર્કિદી બનાવી શકી હોય તો પણ તેની પાછળ બેદરકાર પુરુષ હોય છે. એવા પુરુષોની વાત ત્યારે કરી શકાય જ્યારે સ્ત્રીને સમાન અધિકાર આપતા પુરુષોની વાતો પણ કરવામાં આવે. 

માર્ચ મહિનામાં મહિલા દિન ગયો અને સ્ત્રી એમ્પારમેન્ટ સશક્તિકરણની વાતો થઈ  અને થશે પણ તેની સાથે પુરુષોની બદલાતી માનસિકતાને પણ બિરદાવવાની જરૂર છે જે પિતૃસત્તાક માનસિકતાને તોડવાના પ્રયત્નો કરતો હોય છે. 




You Might Also Like

0 comments