પ્રભુ, સાંભળે છે અને સંભાળે છે પણ ખરો

13:54










આધ્યાત્મિક પ્રશ્નો હોય ત્યારે દરેક રસ્તા ગોંડલ તરફ જતા હતા અને કોઈ ભેદભાવ વિના ત્યાં આવકારો મળતો હોય એની વાત કરીએ આજે. 




જ્યારે આંતર આકાશ વિપત્તિઓનાં વાદળથી આવૃત્ત હોય, બાહ્ય આકાશ પણ અંધકારગ્રસ્ત હોય, બુદ્ધિ કુંઠિત થઈ ગઈ હોય, દિશા સૂઝતી હોય - સમયે પણ તમારો એકમાત્ર સ્નેહી, અંતર્યામી તમને છોડશે નહિ. તેની સાથેના સભાન સંપર્કથી આશ્વસ્ત રહી શકશો. 
વિકટ પરિસ્થિત પણ તેણે નિરમી છે. એને પ્રસાદ સમજી વધાવી લેશો. તમારી વિકાસયાત્રામાં સહાયક છે. 
દેખીતા  સંકટગ્રસ્ત સંજોગો વિખેરી નાખવાનું સામર્થ્ય, જ્ઞાન અને કરુણા તેનામાં છે. વિશ્વાસ અટલ રાખશો. ધૈર્યનો બાંધ તૂટવા દેશો નહિ. 
બાહ્ય પરિસ્થિતિથી ક્ષત-વિક્ષત  થતા હો, ત્યારે પણ સ્થિતિ તેની દૃષ્ટિ અને કરુણાની બહાર નથી, તમારી ચેતનામાં પડેલા ઘાવને રૂઝવશે . તમે એકલાઅટૂલા નથી. તમારો આધારસ્તંભ અચલ છે.  પ્રેરણા - નાથાલાલ . જોશી

૧૯ મે ૨૦૧૩ના  ગોંડલના નાથાભાઈ જોશીએ દેહત્યાગ કર્યો તેને રવિવારે વરસ થશે. અનેક મહાનુભવો ગોંડલમાં ભાઈની પાસે આવતા પણ ક્યારેય તેમણે કોઈની પણ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી કર્યો. તેમનો પ્રેમ બધા માટે સરખો વરસતો. ગરીબ, તવગંર, વૈજ્ઞાનિક હોય કે  વાળંદ, સાહિત્યકાર કે ખેડૂત એમની પાસે આવતી  દરેક વ્યક્તિને લાગતું કે ભાઈ તેમના છે. કલાકો વાતો કરવા છતાં જે મળે તે પ્રેમ અને કરુણા તેમની એકમાત્ર દૃષ્ટિથી મળી જતા અનેક લોકોએ અનુભવ્યું છે. અંધશ્રદ્ધાને તેમણે ક્યારેય પોષી નથી.કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિથી દૂર રહ્યા. હા તેમના વિશે અનેક વાયકાઓ અને ખોટી માન્યતાઓ જરૂર ફેલાઈ હતી પણ સાચી જીજ્ઞાસા સાથે જનાર વ્યક્તિને ક્યારેય તેમણે નિરાશ નથી કર્યા. દરેકને તેમની સમજ મુજબનું જ્ઞાન આપ્યું છે. ભાઈ, એક વાત કહેતા કે તમને જે નામ ગમે તે લો. છેવટે તો એક છે. અને કોઈ નામ લેવું હોય તો મા, મા કરો તે સાંભળશે અને સંભાળશે. આજે હું મારી વાત કરું તો કોઈપણ સંજોગોમાં સાથે ને માથે છે એવી શ્રદ્ધા સતત મને બળ આપે છે.  તેમના ગયાને વરસે તેમના વિશે પહેલીવાર લખવાની હિંમત કરી શકી. પણ તેમના વિશે કંઈપણ લખવું સૌથી અઘરું છે. 
૨૭ વરસ પહેલાં ડિસેમ્બર ૧૯૯૨ની સાલમાં જ્યારે અયોધ્યામાં બાબરી તૂટી તે દિવસે પહેલીવાર ગોંડલ સ્ટેશન પર ઉતરી. ગોંડલમાં સ્ટેશનની સામે    શાંત એક સરખી પહોળી શેરીઓ, ફૂટપાથ અને શેરીમાં રાજાના વખતના લીલા રંગના લાઈટના થાંભલાની હારમાળાઓ. લીમડાે, પીપળો અને લટક ચમેલીના વૃક્ષોની હારમાળાને ચકિત નજરે જોતી ભાગવત સાધન સંઘના દરવાજે આવીને ઊભી રહી હતી. પત્રકારનો જીવ હોવાથી સતત શંકાશીલ નજરે દરેકને તપાસવાની આદત હોય પણ નાથાભાઈ જોશી કે જેમને બધા ભાઈ કહે છે તેમની સાદગી, પવિત્રતા અને શાંત આંદોલનોએ તરત મન જીતી લીધું. સૌથી અગત્યની વાત કે પત્રકારોને દૂર રાખે. પત્રકાર તરીકે નહીં પણ જીજ્ઞાસુ તરીકે અમને આવકાર્યા. કશું લખવાની તેમની નમ્ર વિનંતી નવાઈ પમાડતી. 
અમારા લગ્નને મહિના થયા હતા. અમને બન્નેને જીવનના મૂળભૂત સવાલો સતાવતા હતા. જીવનનો અર્થ શો? ભગવાન ખરેખર છે?  હોય તો એને કેવી રીતે પામી શકાય વગેરે.  કૃષ્ણ મને ખૂબ પ્રિય એટલે દ્વારિકા જવા માટે અમે મુંબઈથી નીકળ્યા હતા. ગિરનાર પણ જોવો હતો પણ મારા પતિ દીપકને નવનીત સમર્પણમાં યોગવિદ્યા પર લેખ લખતાં ભાણદેવજીએ એકવાર ગોંડલ આવવાનું આમંત્રણ આપ્યું હતું તેથી દ્વારિકા જતા પહેલાં ગોંડલ એકાદ બે દિવસ રોકાવાનું નક્કી કર્યું .  નાથાભાઈ જોષીને મળવાનું બન્યું ત્યારે એટલી ખબર હતી કે તે મકરંદ દવેના પણ ગુરુ હતા. તેના મહિના પહેલાં એટલે કે માર્ચ ૧૯૯૨માં મકરંદ દવેની મુલાકાત અભિયાન માટે લીધી હતી. તે સમયે પહેલીવાર નાથાભાઈ જોષીનું નામ મકરંદભાઈના મોઢે સાંભળ્યું હતું.  તેમને પહેલીવાર મળી તો સાદો લેંઘો, ખમીશ પહેરેલા, બે હાથ માથા નીચે રાખીને પલંગમાં અધુકડા બેઠેલા નાથાભાઈએ દરેક  વિચારો  તત્પૂરતા શાંત કરી દીધા. મંદ હાસ્ય સાથે આવકાર આપી બેસાડ્યા ત્યારે અનાયાસે આંખોમાંથી પાણી વહેવા લાગ્યા. સમજાય તેવી અનુભૂતિ થઈ. દીપકે સવાલ પૂછ્યો કે આધ્યાત્મિક  અનુભૂતિ પુરુષાર્થ સાધ્ય છે કે કૃપા સાધ્ય. તો ઘેરા મંદ અવાજે તેમણે કહ્યું કે હું મારી વાત કરું. હું તો કાર્લ માર્ક્સ વગેરે વાંચતો. ભગવાનમાં માનતો નહીં પણ જ્યારે માએ મારો કબજો લીધો ત્યાર બાદ જીવન બદલાઈ ગયું.  એમએની પરીક્ષા પણ માએ આપવા દીધી.  સાયકોલોજીસ્ટ પાસે ગયો તો તેના મનની વાત મા કહી દીધી. ભૂતનો વળગાડ ભગાવનાર પાસે ગયો તો તેણે સામે પ્રણામ કર્યા. છેવટે સરન્ડર કરી દીધું માને તે આજ દિન સુધી હું તે જીવાડે એમ જીવું છું. આમ સહજતાથી અમારી સાથે સંવાદ સાધ્યો.  

નાથાભાઈને મળ્યા બાદ બે એક વરસે પૂછ્યું હતું કે તમે મને શિષ્ય બનાવશો? તમને ગુરુ માની શકું? તો કહે કે ગુરુની વાત રહેવાદો તમે મને વડિલબંધુ માનો. ભાઈ રહેવા દો.  મને જે  પહેલી મુલાકાત બાદ ગમ્યું હતું તે નાથાભાઈને ત્યાં કોઈ કંઠી કે કોઈ પહેરવેશનો ઢોંગ નહીં.  કોઈ નિયમો કે કોઈ બંધનો નહીં. દરેકની સાથે અંગત વાત. કારણ કે દરેક વ્યક્તિ જુદી હોય, તેનો સ્વભાવ જુદો હોય અને પરિસ્થિતિ જુદી હોય. રૂમમાં જે વાત થાય તે બહાર કોઈ કરે નહીં. બીજું કે અહીં ગરીબ કે તવગંરના પણ કોઈ ભેદ નહોતા. દરેક વ્યક્તિને ભાઈ ભાવથી મળતા. હા, કેટલીય વ્યક્તિઓને દૂર પણ રાખતા કે મળવાનું ટાળતાં. ખાસ કરીને જેઓ ફક્ત ચર્ચા કે દલીલો કરવા આવતા હોય.  અમારા જેવા પત્રકારોને તો ખાસ કહેતાં કે મહેરબાની કરીને કંઈ લખશો નહીં. એક વખત હિંમત કરીને મેં તેમને પૂછ્યું હતું કે ભાઈ તમારા વિશે લખવું છે તો હસતાં હસતાં કહે ના, અખબારમાં છપાય એટલે લોકોના ટોળાં ઉમટી આવશે અને મારે પ્રસિદ્ધિ નથી જોઈતી. હું રહું ત્યારે લખજો. તેમના શબ્દો ઉથાપવાની હિંમત ક્યારેય નહોતી થઈ. તેઓ શું કામ ના પાડતા હતા તે સમજાતું હતું. એક મારો અંગત પ્રસંગ છે કે  તે બન્યા બાદ સમજાયું કે ભાઈ પાસે કોઈ અસાધારણ શક્તિ છે. તે છતાં કેટલાક અપવાદો સિવાય ક્યારેય  ઈચ્છાપૂર્તિ માટે ઉપયોગ કરતા નહીં. તેમના અંગત જીવનમાં પણ નહીં. 
તેમણે અમને કહ્યું કે માનું ઘર માનીને અહીં આવતા રહેવું. અને ખરેખર મને એમ લાગતું કે હું મારા પિયર જાઉં છું. ચમત્કાર કરતાં ખરા પણ તમને ભગવાનમાં શ્રદ્ધા બેસે એટલા પુરતું . એકવાર ભાણદેવજીએ તેમને પ્રશ્ન કર્યો હતો કે શંકાથી કૃપાનો માર્ગ રોકાય ને? તો ભાઈએ જવાબ આપ્યો હતો કે કૃપા વરસાદ છે. શંકા છત્રી છે. 

મારી શંકાને તેમણે અનુભૂતિ આપીને દૂર કરી હતી એટલી હું મારી જાતને નસીબદાર માનું છું. નાથાભાઈએ કહ્યું છે કે મા કાંઈક એવી ઘટના ગોઠવે છે, જેથી શ્રદ્ધા બેસી જાય છે. ઘણીવાર મા ચેતના તૈયાર થવાની રાહ જુએ છે.  તેઓ મારા માટે શ્રદ્ધેય બની રહ્યા છે. પછી તો  બસ ગોંડલની  મુલાકાત વધવા માંડી. પહેલાં વરસમાં એકવાર જતા. પછી વરસમાં બે વાર અને ત્યારબાદ તો મહિને બે મહિને ગોંડલ જવું પડે એવું ઘેલું લાગ્યું.  કોઈ પૂછે કે નાથાભાઈ પાસેથી શું મળ્યું તો એટલું ચોક્કસ કહી શકાય કે પ્રેમ અને શાંતિ. એક ભક્ત આશુબહેને ભાઈને કહ્યું હતું કે ભાઈ, મનની જડતા દૂર કરો. મન એવું છે કે વારે વારે અટવાઈ જાય છે. ભટક્યા કરે છે. 
પૂજ્ય ભાઈએ કહ્યું કે અહીં કોઈ એવા નિયમો નથી. જેને જેમ ગમે એમ રહે. અંદરથી ઊઠે અને જે પાળવામાં આવે નિયમો. એવા નિયમો બંધનકર્તા નથી હોતા, બલ્કે મુક્તિકારક હોય છે. ઉપરથી લાદવામાં આવેલા નિયમો બંધનકર્તા લાગે છે. કેદી જેલમાં પુરાયેલો હોઈ જેલ એને માટે બંધનકર્તા હોય, પણ જેલર માટે નહીં. એતો મનમાં આવે ત્યારે કામઅનુસાર જેલમાં અંદર જાય અને ઈચ્છા થાય ત્યારે બહાર પણ નીકળી શકે છે. અહીં એવું છે. આનંદથી સૂઓ-બેસો, ખાઓ-પીઓ અને માનું નામ લો. સાચી આધ્યાત્મિક અનુભૂતિ આપી શકે એવી વિભૂતીએ જીવન પ્રસિદ્ધિ વિના કે કોઈ અપેક્ષાઓ વિના પ્રભુને સમર્પિત જીવન કેવી રીતે જીવી શકાય તેનું ખરું ઉદાહરણ આપ્યું. નાથાભાઈ વિશે તેમના મૃત્યુબાદ અનેક પુસ્તકો ભક્તોએ લખ્યા છે. વધુ જાણવું હોય તો તે વાંચી લેવા. 
divyashadoshi@gmail.com









You Might Also Like

1 comments

  1. Completely agreed with the title. Whenever did pray for others; surely accepted soon or later and sometime in the incredible way.

    ReplyDelete