નંદિની

21:23






તે દિવસે એટલે કે રવિવાર ૧૨--૨૦ના દિવસે  સિગ્નલ પર ટેક્સી ઊભી રહી અને નંદિની દૂરથી દેખાઈ. અમને જોઈને હસી, અમારી પાસેથી પસાર થતા બે હાથ જોડ્યા અને જાણીતી રીતે કૈસે હૈ કહેતી આગળ ચાલી ગઈ. મારું ધ્યાન પાકિટમાંથી પૈસા કાઢવામાં ગયું ત્યાં તો તે દૂર ચાલી ગઈ. જાણે અમારાથી દૂર ભાગતી હોય તેવું જણાયું. પૈસા હાથમાં રહી ગયા અને સિગ્નલ ચાલુ થયું પણ નંદિની નજીક ના ફરકી. બીજે દિવસે તેની માનેલી દીકરી સિગ્નલ પર મળી અને તેના હાથમાં રૂપિયા મૂકવા માટે પાકિટ ખોલતાં પૂછ્યું, નંદિની કહાં હૈ? 
તો (નામ ભૂલી ગઈ છું.) કહે કે, અમ્મા બાથરૂમ ગઈ હૈ,
 મેં એના હાથમાં પૈસા મૂકતાં કહ્યું કે , અમ્મા કો બોલો મૈં ગુસ્સા કિયા હૈ, કલ ક્યું પૈસા લેને નહીં રુકી? 
વળી ત્રીજા દિવસે સિગ્નલ પર રિક્ષા ઊભી રહી અને નંદિની હસતી કૈસા હૈ કહેતી ડોકાઈ. ઉસ દિન ક્યું નહીં આઈ? 
નંદિનીના ચહેરા પર વિષાદ છવાયો અને કહે ક્યાં રોજ રોજ આપસે પૈસા લેને કાઉસ દિન તો આપને દિયા થા નાઅચ્છા નહીં લગતા દીદી.
મને પહેલાં તો શું બોલવું સુઝ્યું નહી પણ પછી તરત એના હાથમાં નોટ મૂકતાં કહ્યું અરે મેરે પાસ હૈ તો દેતી હું. તું માગતી હૈ ઈસલિએ નહીં. ઓર હમ દોસ્ત હૈ નાલે ઓર મેરે લિએ દુઆ કરના. 
એની આંખો સહેજ ભીની થઈ અને મારા ઓવારણા લઈને એની તેલુગુ ભાષામાં કશુંક બોલી ચાલી ગઈ. 

નંદિની સાથે અગિયારેક વરસથી ઓળખાણ છે. પહેલીવાર નંદિની વિશે ૨૦૧૦માં ફેસબુક પર લખ્યું હતું તે અહીં જેમનું તેમ મૂકું છું. 

(નંદિનીનો આ ફોટો તે એકવાર ૨૦૧૦માં મારા ઘણાં આગ્રહ બાદ ઘરે આવી હતી ત્યારનો છે.)


મીસ યુ નંદિની ---૧૦  -


- સિગ્નલ પર રિક્ષા થોભે છે અને હંમેશની જેમ બહાર નજર જાય છે ત્યાં તો બીજી તરફથી એક અવાજ આવે છે.ગુડ મોર્નિગ મેડમ , હાવ આર યુ ? નજર ફેરવીને જોઉં છું તો હસતા ચહેરે બ્લ્યુ સાડી પહેરીને ઊભેલો એક ચહેરો દેખાય છે.આમ તો મને આવા લોકોની સખત ચીડ છે તેમાંય માથે આર્શિવાદ આપતો હાથ લગાવે કે ત્યારે જોરથી બોલાઈ જ જાય હાથ મત લગાના... પણ આ વ્યક્તિમાં કશુંક હતું તેણે હાથ નહોતો લગાવ્યો પણ નમ્રતાથી અભિવાદન કર્યુ હતું. પણ તેના તરફ જોતા મોઢામાં મુકેલો માવો જણાઈ આવતો હતો. તુમકો પૈસા દુંગીતો તુમ માવા ખાઓગી.. માવા ખાનેકો પૈસે ક્યું દું ? મારા આશ્ચર્ય વચ્ચે તેણે મોઢામાં મુકેલો માવો થુંકી નાખ્યો અને બોલી, લો છોડદીયા. નહીં ખાયેગી... મારાથી બોલાઈ ગયું કૈસે માનું ? તો મારા માથે હાથ મુકીને કહે તેરી કસમ... સચ્ચી... મારાથી હસી પડાયું અને પૈસા પણ અપાઈ ગયા. તેની સહજતાએ માન ઊપજાવ્યું. આ સિગ્નલ મારા ઘરની નજીક છે અને ત્યારબાદ તે મને અવારનવાર ભટકાઈ જતી તેનું નામ નંદિની. દક્ષિણના કોઈ ગામડામાં તેનો જન્મ તેને ગામનું નામ યાદ નથી . યાદ છે તો ફક્ત તેની માનો ચહેરો ... જબ મૌસી આઈ તો માને મુજે ઊનકો દે દિયા...મે બહોત રોઈ પર ... બસ આજભી મુજે મા ઓર વો ઘર યાદ હૈ પર ગાવકા નામ યાદ નહીં. આ વાત કરતી વખતે તેની આખો સહેજ ભીની બને છે પણ આંસુ સુકાઈ ગયા છે તે દેખાય છે. ચાલીને જતા આવતા અમે ચાર રસ્તાને ખૂણે આમ ક્યારેક વાત કરતાં ઊભા રહેતા. હવે તે મને જોઈને નમસ્તે મેડમ કરે છે પણ હાથ લાંબો નથી કરતી. હું આપું તો હસીને લઈ લે.. અને ક્યારેક તો કૈસે હો મેડમ કહેતી કને આગળ નીકળી જાય. ઘણાં દિવસો બાદ તેને મેં માવો ખાતા જોઈ. મને દુરથી આવતી જોતા જ તેણે મોઢું ફેરવીને માવો થુંકી નાખ્યો. હું તેની પાસે આવીને ઊભી રહી તો તેણે ન અભિવાદન કર્યું કે ન તો મારી સામે જોયું. તેને પુછાઈ ગયું કે ક્યાં હુઆ નંદિની ? તો તેણે મારી સામે જોયું તેની આંખોમાં પીડા દેખાઈ આવતી હતી. મૌસીને મેરે સારે ગહને , પૈસે લેકે ઘરસે નીકાલ દીયા... પૈસા ઓર ગહેના કા ગમ નહીં પર મેરા ઊસકે સિવા કોઈ નહીં હૈ. કહેતા તેની આંખો ભરાઈ આવી.ક્યું ? તો કહે મૌસીકો લગતા હૈ કે મેં કમ પૈસા કમાતી હું... પર આજ કલ ગરમીમેં કોઈ ગાડીકા કાચ ખોલકે પૈસે નહીં દેતે તો મૈ ક્યાં કરું... પછી તરત જ કહે જાને દો મેડમ હમારા લાઈફકા ક્યાં બાત કરને કા... ઈસલિએ આજ મૈને માવા ખાયા. સચ્ચી.... કહેતી તે બીજી તરફ ચાલી ગઈ... વરસેક પછી એક દિવસ સામેથી મારા તરફ દોડી આવીને હસતા હસતાં કહે મેડમ કૈસા હૈ ?...ક્યું ખુશ હૈ આજ... પુછવાની જ રાહ જોતી હોય તેમ કહે ... મેરા મૌસીને મુજે વાપસ બુલાયા. નંદિની મારા દીકરાને જોઈને ખૂબ ખુશ થાય તેને ફ્રેન્ડ કહીને બોલાવે. અને જો હું મારા પતિ દીપક સાથે હોઉં તો તે ક્યારેય હાથ લાંબો ન કરે, ન ઊભી રહે. ખાલી હસીને હાવ આર યુ કહીને હસતી હસતી જતી રહે... તેની સાથેની મિત્રતા ગમે.એવી છે. હાલમાં ચાર રસ્તાને ખૂણે ઓવરબ્રિજનું કામ ચાલે છે. એટલે રસ્તો જામ હોય અને રસ્તો ક્રોસ કરતાં ખાસ્સો સમય કોર્નર પર ઊભા રહેવું પડે છે. પણ ઘણા સમયથી નંદિનીનો હસતો ચહેરો અને હાવ આર યુ મેડમ સંભળાયું નથી. ઘણી યે વાર તે જાત્રાએ જાય તો દેખાય નહીં. શક્ય છે તે જાત્રાએ જ ગઈ હશે. એવું મન કહે છે. તેનું એડ્રેસ મારી પાસે નથી કે ન તો ટેલિફોન નંબર છે .

You Might Also Like

0 comments