દાણેદાર બરફી

05:16






પ્રગટ તારિખ ૧૪/૦૨/૨૦


મોસમી ફળ હોય તેમ મોસમી મિઠાઈઓ પણ હોઈ શકે. મેથીના લાડુ અને અડદીયા વિશે તો આપણે સૌ જાણીએ છીએ પણ દૂધની એક એવી મિઠાઈ છે જેને માટે શિયાળાની સૂકી ઠંડી હવા જરૂરી છે. શિયાળામાં બનતી મિઠાઈ અનાયાસે અમદાવાદમાં ખાવા મળી. તેનું નામ દાણેદાર બરફી. બરફી મોંઢામાં મૂકો કે તમને ગળી બરફી ખાતા હો એવો સ્વાદ લાગે પણ જરા મમળાવો એટલે દાણેદાર મલાઈદાર માવાનો પણ સ્વાદ અનુભવાય. દૂધનો સ્વાદ આમાં મુખ્ય છે પણ સાકર, ઈલાઈચી સહેજ અને પિસ્તાનું બારીક કતરણના ટુકડા દરેક સ્વાદ ધીમે ધીમે મોંઢામાં ઓગળે. બરફી ખાઓ તો ટીવી અને વાતો બંધ કરી તેને મમળાવીને સ્વાદને આત્મસાત કરતાં ખાવી જોઈએ. 
અમદાવાદનું માણેકચોક ખરીદી અને ખાવા માટે પ્રખ્યાત છે પણ નાનકડી લાંબી ગલીઓના જાળામાં કંદોઈ ઓળ પણ છે. તેમાં પ્રવેશ કરતાં  માવો અને મિઠાઈની અનેક દુકાનો દેખાશે તેમાં કંદોઈ ભોગીલાલ મૂલચંદ ૧૮૪૫ની સાલથી અસ્તિત્વ ધરાવતી દુકાનમાં ઠંડીની શરૂઆત થાય કે દાણેદાર બરફી મળવાની શરૂઆત થાય. દાણેદાર બરફી સૌરાષ્ટ્રમાં પણ મળતી હશે પરંતુ., તેને બનાવવાની કળા હોય છે. આગલે દિવસે દૂધને ઉકાળીને તેનો દાણેદાર માવો તૈયાર કરવાય છે. આખી રાત તેને ઠંડી ખાવા દઈ બીજે દિવસે સાકર નાખી તેની બરફી બનાવાય છે. બરફીમાં જેમ દાણા વધારે હોય તેમ એનો સ્વાદ અને દેખાવ ખીલે છે. ઝીણી બુંદી જેવા દાણા હોય તો તેનો સ્વાદ કહેવા માટે શબ્દો નથી એને ત્યાં જઈને ખાવી પડે કે મંગાવી લેવી પડે. ભોગીલાલ મૂલચંદની સાતમી પેઢી એટલે કમલેશભાઈ કહે છે કે ગરમી શરૂ થતાં દૂધના દાણા બને નહીં અને મલાઈ બરફી બને. 
આમ તો દુકાનમાં બીજી અનેક બરફી મળે પણ લચકો મોહનથાળ તેમની સ્પેશ્યાલિટી છે. ચોખ્ખું ઘી અને દૂધનો ધાબો ચણાના લોટમાં દેવાય અને તેના દાણા પાડવામાં આવે તેને પછી ઘીમાં શેકાય. બરાબર શેકાયા બાદ તેને ખાંડની ચાસણીમાં ઉમેરાય. સાથે કેસર, સૂકો મેવો અને એલચી ઉમેરાય. મોહનથાળ થોડો ઢીલો રખાય એટલે તેના ચકતા પડે. ચકતા પાડેલો મોહનથાળ પણ મળે. તેમના મોહનથાળમાં સાકરનું પ્રમાણ ઓછું હોવાને લીધે મોઢું ભાંગી નથી જતું. 

You Might Also Like

0 comments