કચ્છની ઓળખ દાબેલી ઉર્ફે દેશી બર્ગર

06:32








પાઉં અને બટાટાનું કોમ્બિનેશન સ્વાદ રસિયાઓ માટે  ડેડલી છે. મુંબઈગરા વડાપાઉં ખાય, વિદેશી બર્ગર ખાય અને કચ્છીઓ દાબેલી ખાય.  કેટલીક વાનગીઓ માટે પ્રદેશમાં જવું પડે. કચ્છી દાબેલી આમ તો હવે જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં મળે છે પણ કચ્છમાં જઈને દાબેલી ખાઓ તો લાગે કે દાબેલીનો સ્વાદ કંઈક જુદો છે. ગયા અઠવાડિયે કચ્છમાં ગાંધીધામ, માંડવી અને ભુજ જવાનું થયું ત્યારથી મનમાં એક વાત હતી કે કચ્છમાં દાબેલી ખાવી છે. અહીં તેને ડબલ રોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. 
દાબેલીનો ઈતિહાસ 

કચ્છનું માંડવી શહેર ઈતિહાસ સાચવીને બેઠું છે. માંડવીમાં પ્રવેશતાં અંગ્રેજોના જમાનાનો માંડવી પુલ અને ગેટ પસાર કરવો પડે.  માંડવી શહેર હોવા છતાં મુંબઈગરાને થોડું શાંત લાગે. બજાર હોય ત્યાં થોડી ભીડભાડ લાગે પણ મુંબઈમાં પરાંના સ્ટેશન કરતાં ઓછી. માંડવીએ દાબેલીનું પણ જન્મસ્થાન ખરું. ઠેર ઠેર તમને ડબલરોટીના બોર્ડ મળે. જેમ મુંબઈમાં વડાંપાવના સ્ટોલ હોય તેમ. દાબેલીને જગપ્રસિદ્ધ કરનાર માંડવીના ગાભાભાઈ અને મોહન બાવાજી છે. ૧૯૬૦ની આસપાસ તેમણે પાઉંની વચ્ચે બટાટાનું પુરણ અને ચટણી ભરીને પીરસવાનું શરૂ કર્યું હતું. તેમનું પુરુ નામ કેશવજી ગાભા ચુડાસમા હતું અને કેશા માલમ તરીકે પણ ઓળખાતા. ગાભાભાઈએ લાલ મરચાંની તીખાશ અને રંગ બટાટાના પુરણમાં ભેળવીને ડબલ રોટીમાં મૂકીને વેચવાનો વિચાર અમલમાં મૂકતા હીટ થયો. એમાં મસાલાની કમાલ તો હતી પણ પાઉં અને શાક સ્તો બટાટાનું હાથ બગાડ્યા સિવાય ખાઈ શકાય અને ચાલતાં ચાલતાં ખાઈ શકાય. નાસ્તા તરીકે કે જમવામાં ખાઈ શકાય. કહેવાય છે કે સ્વાદ જે ગાભાભાઈની દાબેલીમાં હતો તે એટલો અદભૂત હતો કે રોજ સાંજે તેઓ એક કલાકમાં તેમનો માલ ખતમ થઈ જતો. ગાભાભાઈનું ગયા વરસ નિધન થઈ ગયું અને તેમના પછી કોઈ વારસદારે દાબેલી વેચવાનું ચાલુ નથી રાખ્યું એવું સાંભળવા મળ્યું. 
દાબેલી અને કડક 

ઝરપરાના ખેડૂત નારણ ગઢવી અમને માંડવી ફરવા લઈ ગયા હતા ત્યાં એમણે કહ્યું કે સારી દાબેલી ખાઈએ. માંડવી નગરપાલિકા સામે  જોષી ડબલરોટી વાળા પાસે ગયા. તેના વિનય જોષી કહે છે કે તેમના પિતા પાસે તેઓ મસાલો બનાવતાં શીખ્યા. ૧૯૮૦ની સાલથી તેઓ અહીં ડબલરોટી વેચે છે. પહેલાં રૂપિયામાં ત્રણ દાબેલી અને રૂપિયામાં કડક વેચતા હતા. આજે ૨૦ રૂપિયા અને ત્રીસ રૂપિયામાં વેચાય છે. અમે વાત કરતાં હતા ત્યાં સુધીમાં ફટાફટ દાબેલી બનીને વેચાતી હતી. સફેદ દૂધ જેવી ડબલ રોટીમાં દાબેલીનો મસાલો, શીંગ, ચટણી, ઝીણા સમારેલા કાંદા નાખીને અમને આપી. બટકું ખાતાં વાહ બોલાઈ ગયું. અંદરનું પુરણતો ઠીક પણ ડબલ રોટીનો તાજો સ્વાદ અને મુલાયમતા પહેલાં ખાધા નથી. એટલે જ્યારે તમે એક બટકું ભરો કે તમને પહેલાં તો ડબલરોટીની મુલાયમતા અને સ્વાદ સ્પર્શે ત્યારબાદ અંદરનો મસાલો અને ચટણીના તીખા,મીઠા, ખાટા સ્વાદ સાથે શીંગનો ક્રન્ચી અનુભવ સ્વાદના રસમાં ડૂબાડી દે. હું તીખું ખાઈ શકતી નહોતી એટલે ઓછી તીખીનો ઓર્ડર આપ્યો હતો. પરફેક્ટ સ્વાદ સાથે દાબેલી મોંઢામાં ઓગળી જતી હતી. તેને માખણની જરૂર નહોતી કે માખણમાં ગરમ કરવાની જરૂર નહોતી. છે દાબેલીનો અસલી સ્વાદ. દાબેલી ઉર્ફે ડબલ રોટીનો બધો મદાર મસાલા પર તો ખરો પણ પાઉં ઉપર છે તે પહેલીવાર માંડવીમાં સમજાયું. જો કે દાબેલીના મસાલામાં બટાટા છે તે કહો તો ખબર પડે. કારણ કે બટાટાનું પુરણ કરી નાખવામાં આવે. ગરમ, તેજાના મસાલા અને મરચાંને કારણે તેનો રંગ કથ્થઈ-લાલ જેવો લાગે. તેને આકર્ષક બનાવવા કચ્છમાં થતાં દાડમના લાલ દાણા દેખાવ સાથે પોતાનો આગવો સ્વાદ પણ ઉમેરે છે. એક સાથે અનેક સ્વાદ છતાં એને ખાઓ તો દરેક સ્વાદનો અનુભવ તમને ચાવતાં ચાવતાં થાય. ફાઈન ડાઈનિંગમાં પણ દાબેલી દોડે એવું સ્વાદના સ્તરોને દરેક બાઈટ પર અનુભવતાં વિચાર આવ્યો. 
 દરિયા કિનારે હોવા છતાં માંડવીનું વાતાવરણ મુંબઈથી જુદું છે. ત્યાંનું પાણી, હવા અને મસાલા પણ સ્વાદમાં ઉમેરાતા હશે. પહેલાં તો મને લાગ્યું કે કડક એટલે ડબલરોટીને શેકીને કે ગ્રીલ કરીને કડક બનાવીને આપશે પણ ના હું ખોટી પડી. જીંદગીમાં પહેલીવાર કડક ખાતી હતી. કડક હકિકતમાં દાબેલી ભેલ છે એવું કહી શકાય.એક ડીશમાં કડક બન, આમલી, ખજુરની લાલચટક ચટણી, બટટાનો મસાલો, કાંદા,ટમેટા અને ઉપર મસાલા શીંગ મૂકીને તમને આપે. રસદાર કડકને ચમચીમાં ભરીને ખાઓ એટલે કડક પાઉં સાથે રસો, શીંગ,કાંદા અને ટમેટાનો સ્વાદ તમને ક્રમશ.. આવે. દાબેલીથી સહેજ જુદુ લાગે કારણ કે ડબલરોટી નથી. પણ સ્વાદ તો દાબેલીના મસાલાનો . એટલે જેને જે પસંદ હોય તે ખાય. માંડવીમાં બીજા અનેક ડબલરોટીવાળા છે જો તેમની ડબલરોટી તાજી હશે તો એનો પણ સ્વાદ સારો હશે. દરેક ડબલરોટીવાળા બહાર લારી પર ડબલરોટી બનાવીને વેચે જો કે પાછળ તેમની દુકાન હોય અને બેસવાના બાંકડા પણ હોય છે. કેટલીક જગ્યાએ જ્યાં જગ્યાનો અભાવ હોય ત્યાં ઊભા ઊભા ખાવી પડે. 
ભૂજના બસસ્ટેન્ડ પાસે આવેલી માંડવી અને બિનહરીફની દાબેલી પર વધુ ભીડ દેખાય પણ ખ્યાલ આવે કે મોટા શહેરમાં બસસ્ટેન્ડ પાસે એટલા બધા માણસો આવતા જતાં હોય કે ત્યાં ભીડ હોય પણ અહીં , સાદી દાબેલી, બટર દાબેલી, ચીઝ દાબેલી પણ ખાઈ શકો. તીખી તમતમતી દાબેલી ખાવા માટે અહીં સતત ભીડ હોય છે અને એકસાથે ચારેક જણાં બનાવતા હોય એવું પણ બને. ગાંધીધામમાં પણ ઝંડા ચોક પાસે  બિનહરીફ દાબેલીની દુકાન છે. માંડવીની જેમ ભૂજમાં અને ગાંધીધામમાં પણ બેસવાની વ્યવસ્થા હોવા છતાં મોટાભાગના લોકો તેને ઊભા રહીને ખાતા હોય છે. 
કચ્છ જતાં પહેલાં અમદાવાદમાં માણેકચોકમાં ફરવાનું બન્યું હતું. માણેક ચોક જુનું બજાર છે. આજે પણ મોટાભાગના અમદાવાદી અહીં ખરીદી કરવા આવે છે. ત્યાં રોયલ દાબેલીવાળો બપોરે બાર વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી બેસે છે. બપોરે બાર વાગ્યે તે રેકડી શરૂ કરે ત્યારથી એક સાથે પચાસેક દાબેલી બનાવવાના કામમાં લાગી જાય. નજારો જોવો પણ એક લહાવો છે. એક માણસ સતત દાબેલી બનાવ્યા કરે. વીસ રૂપિયામાં એક દાબેલી ખાઓ તો પેટ ભરાઈ જાય. મૂળ કચ્છના પણ તેની પાસે એટલું કામ હોય કે વાત કરવાની ફુરસદ હોય. શક્ય છે કારણ કે માણેકચોકની ગરદીમાં જાઓ તો જાણો. સાંકડી પોળ અને તેમાં અઢળક દુકાનો, ફેરિયાઓ અને નાસ્તાવાળા. સ્વાદ તો અહીં પણ અદભૂત હતો  મુંબઈ કરતાં પણ કચ્છ કચ્છ અને તેમાં માંડવીમાં તમે ડબલરોટી-દાબેલીના જન્મને યાદ કરતાં ખાઓ એટલે સ્વાદમાં ઈતિહાસ ઉમેરાઈ જાય. કચ્છ નહીં દેખા ઓર દાબેલી નહીં ખાઈ તો કુછ નહીં દેખા-ખાયા એવું કહી શકાય. દાબેલીનો સ્વાદ બર્ગર કરતાં અમને તો સારો લાગ્યો. બર્ગરની હરિફાઈમાં ચોક્કસ દાબેલી જીતી શકે.








You Might Also Like

0 comments