માણસને ઈમોશનલી બટકણો બનાવે છે ઓનલાઈન શૉપિંગ
03:28
ઓનલાઈન શોપિંગની આદત, એકલતા અને સંગ્રહખોરીની માનસિકતા પોષે છે.
ટેકનોલોજી સાથે દુનિયામાં અનેક પરિવર્તન આવ્યા તેમાં ખરીદી પણ આવે જ. ખરીદી બાબતે એટલું કહી શકાય કે તે અર્થશાસ્ત્ર સાથે આકાર પામી છે. ખરીદી કરવી આમ જોઈએ તો સામાન્ય બાબત છે કારણ કે ખરીદી મોટેભાગે ઉપયોગ એટલે કે વપરાશ માટે થતી હોય છે, એટલે જ તેની સાથે અનેક સ્તરે લાગણીઓ, મૂલ્યો, વિચારધારા અને વર્તન જોડાયેલા હોય છે. કાર્લ માર્ક્સથી લઈને મેક્સ વેબર જેવા પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ ખરીદીને કેપિટાલિઝમની દેન માને છે. ઓનલાઈન ખરીદી આજે આપણને આકર્ષક અને સરળ લાગે છે. કારણ કે આપણી પાસે સમય નથી. જે લોકો કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરે છે તઓ દિવસના બાર કે ચૌદ કલાક ઓફિસને આપતા હોય છે તેમની પાસે પોતાની કોઈપણ જરૂરિયાત માટે ખરીદી કરવાનો સમય નથી હોતો. તેમને આ હાથમાં પકડેલા મોબાઈલ પર ખરીદીની સુવિધા સરળ લાગે છે. એવો પણ સમય હતો કે લોકો ઓનલાઈન ખરીદી કરતાં ડરતા હતા. મોબાઈલ મંગાવ્યો અને સાબુ નીકળ્યો એવી વાતો વહેતી હતી. પરંતુ, લોકોની માનસિકતાનો અભ્યાસ કરીને ઓનલાઈન કંપનીઓએ વધુમાં વધુ લોકોને ઓનલાઈન ખરીદી તરફ વાળ્યા.
તેના ફાયદાઓ તો અનેક હશે પણ તેના ગેરફાયદાઓ પણ નજરઅંદાજ કરવા જેવા નથી.
૧૯૧૬માં પહેલીવાર સેલ્ફસર્વિસ સ્ટોર મેમ્ફીસ, અમેરિકા, પિગલી વિગલી સ્ટોર ખુલ્યો. ૧૯૫૦માં યુરોપમાં સુપર માર્કેટ ખુલી જેનાથી ઉપભોક્તાવાદ વધ્યો. ૧૯૮૪માં પહેલીવાર ઓનલાઈન ખરીદી કરી જેન સ્નોબોલે. ઈંગ્લેડમાં તેની નજીકની ટેસ્કો સુપર માર્કેટમાં તેણે ઓર્ડર નોંધાવ્યો હતો. ૧૯૯૫માં એમેઝોન અને ઈબે એમ બે મોટી ઓનલાઈન કંપનીની શરૂઆત થઈ.જો કે આજે તો અનેક નાની કંપનીઓ પણ ઓનલાઈન વસ્તુઓ ગ્રાહકોને પહોંચાડી રહી છે.
ઓનલાઈ શોપિંગ વિશે સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને મનોચિકિત્સક સાથે વાત કરી ત્યારે કેટલાક મહત્ત્વના મુદ્દાઓ જાણવા મળ્યા.
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની જણાવે છે કે ઓનલાઈન શોપિંગ નવી જનરેશનને નાગરિકને બદલે ગ્રાહક બનાવે છે. નિષ્ઠાવાન ગ્રાહક બનાવે છે એવું કહી શકાય. તેમને રોજ રોજ નિષ્ઠા બતાવવી પડે ખરીદી કરીને. એ દ્વારા મૂડીવાદી અર્થતંત્રનો વિકાસ થાય છે. જેમને બસ વધુ ખરીદી થાય એમાં રસ હોય છે. આમ યુવાનોને ખરીદીનો ચસ્કો લગાડવાના દરેક પ્રયત્નો થાય છે. બચત કરવાનો કોન્સેપ્ટ રહેતો નથી. આવક હોય તેની તુલનામાં વધારે ખર્ચો થાય છે. તમારી બચત ઓનલાઈન શોપિંગ સેરવી લે છે એટલે કુટુંબને આર્થિક રીતે ફટકો પડે છે. મહત્ત્વની વાત તો એ કે આપણો પડોશ અને માનવીય અભિગમ છીનવી લે છે. નેબરહુડ માર્કેટને ખતમ કરી દે છે. કરિયાણાવાળો ત્રણ પેઢીથી જે ઓળખતો હતો તેવો ઓનલાઈનમાં સંબંધ બંધાતો નથી. સંબંધ ખોવાઈ જાય છે કારણ કે માણસનું માણસ સાથે કોઈ ઈન્ટરેકશન જ નથી રહેતું મલ્ટીનેશનલ કંપનીઓ ફેસલેસ સમાજ ઊભો કરી રહી છે. ફેસલેસ એક્સપ્લોઈટેશન થાય છે. વ્યક્તિનું વ્યક્તિ સાથેનું કનેકશન તોડી નાખે છે. તો સ્વરોજગારીને પણ તે નુકસાન પહોંચાડે છે. ઝુંટવી લે છે. મોટાભાગની સ્ત્રીઓ સ્વરોજગાર દ્વારા પોતાનું અસ્તિત્વ સાચવતી હોય છે. તેને મલ્ટીનેશનલ કંપનીઓ ઘરે બેઠાં સર્વિસ આપતી કરી નોકર બનાવે છે. તમને ૨૪ કલાકના ગ્રાહક બનાવે છે. એ સુવિધા નથી પણ તમને સતત ગ્રાહક બનાવીને રાખે છે આ કંપનીઓ.
વાત સાચી છે ગૌરાંગભાઈની કે તેઓ દરેક વ્યક્તિને વ્યક્તિ તરીકે નહીં પણ ગ્રાહક તરીકે જ જુએ છે. વ્યક્તિ શું કામ અને શા માટે વસ્તુ ખરીદે છે એવી લાગણીઓને પણ એનકેશ કરવાનો કારસો જ રચાયેલો હોય છે માર્કેટિંગ કંપનીઓ દ્વારા. કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈએ જે ઓનલાઈન શોપિંગ વખતે ગ્રાહકને છેતરે છે.
છેતરામણી - સૌથી મોટો ગેરફાયદો એ છે કે તમારી સાથે છેતરામણી થાય તો પકડવા કોને? આ કંપનીઓ સાચી કે ખોટી તે પરખવાના કોઈ રસ્તા નથી. ઓનલાઈન તમે ડિજિટલ સ્ટોર્સ જોઈ શકો છો. વળી તમને એટલી લલચામણી ઓફર કરે કે તમને થાય કે તમે ખાટી ગયા. જો બ્રાન્ડેડ કે મોટી ગુડવીલ ધરાવતી કંપની ન હોય તો જો છેતરાયા તો એ કંપનીને પકડવાનો કોઈ રસ્તો હોતો નથી. કારણ કે આવી કંપનીઓનું કોઈ સાચું સરનામું રજિસ્ટર્ડ હોતું નથી. તમને જ્યાંથી ફોન આવ્યો હોય તે પણ ખોટો હોઈ શકે. જો તમે વસ્તુ કેશમાં ખરીદવાના હો તો તમને ડિલિવરી કરવા આવેલી વ્યક્તિ કુરિયર કંપનીનો માણસ હોય તે તમને કુરિયર આપી પૈસા લઈને જતો રહે પછી જ માલ ખોલી શકો તેવી વ્યવસ્થા હોય. વસ્તુ જોયા બાદ એ તમારી કામની ન હોય કે કંઈક ભળતું જ એમાંથી નીકળે. તમને ન તો કંપનીનું એડ્રેસ મળે કે ન તો કંપની મળે કે ન તો કુરિયર કંપનીવાળાને તેની ખબર હોય એવું બનતું હોય છે. કેટલીકવાર એવું પણ બને કે પર્સ કે કપડાં જેવા ફોટામાં દેખાતા હોય કે વર્ણનને અનુરૂપ ન પણ હોય. ત્યારે પણ તમને છેતરાયાની લાગણી થતી હોય છે. તો કેટલીક કંપનીઓ ઓનલાઈન પૈસા લઈને વસ્તુ જ ન મોકેલે એવું પણ બનતું હોય છે. કેટલીક મોટી કંપનીઓ વસ્તુ પાછી બદલી આપતી હોય છે પણ તમને સંતોષ થાય કે ન થાય એવું પણ બનતું હોય છે. સમય અને પૈસા બચાવવા જતાં વધુ પૈસા વપરાઈ જાય એ શક્ય છે. જો કે કેટલાક ગ્રાહકો પણ છેતરામણી કરી લેતા હોવાનું જાણવા મળે છે. કપડાં મંગાવી એકવાર પહેરીને તે નથી ગમતા કે નથી થતા કહીને પાછા મોકલી આપતા હોય છે.
વળી કેટલીક ફ્રોડ કંપનીઓ માલ ડિલિવરી વખતે કેશ એટલે કે રોકડા પૈસા નથી સ્વીકારતા કહીને ઓનલાઈન ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટનો આગ્રહ કરતા હોય છે. આ લોકો સાઈબર ક્રાઈમમાં પાવરધા હોય છે. કાર્ડની વિગતો ચોરી ગ્રાહકના ખાતામાંથી પૈસા પડાવી લેતા હોય છે.
લેટ ડિલિવરી - જ્યારે આપણે દુકાનમાંથી માલ ખરીદીએ છીએ ત્યારે વસ્તુ તરત જ આપણા હાથમાં આવી જતી હોય છે. જ્યારે ઓનલાઈન વસ્તુઓ બે કે ચાર દિવસે મળે અને જ્યારે સેલનો સમય હોય તો આઠ દિવસ પણ લાગી જતા હોય છે.
એકલતા વધારે - ઓનલાઈન ખરીદી કરનારે કોઈ સાથે સંવાદ નથી કરવાનો હોતો. જ્યારે બજારમાં તમે જાઓ તો બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ થઈ શકે છે. વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંકળાય છે. ઘરે આવીને હજામત કે ફેસિયલ કરી જનાર કરતાં તમે હજામની દુકાને કે બ્યુટી પાર્લરમાં જાઓ તો વાતચીતનો દોર ચાલી શકે છે. તમને ખબર હોય છે કે એ જ વ્યક્તિ છે જેને તમે છેલ્લે મળ્યા હતા. ઓનલાઈનમાં એવો કોઈ માનવીય સંબંધ નથી બંધાતો. કપડાં કે અન્ય વસ્તુ ખરીદી કરતી સમયે તમે વધુ માહિતી મેળવી શકો છો. બે વ્યક્તિ વચ્ચેના સંવાદ અને મૂક ઓનલાઈન પોર્ટલ વચ્ચે ઘણો ફરક છે. વળી તમને શારિરીક શ્રમનો લાભ પણ મળે છે. ચાલીને જાઓ છો કે બે વધુ વસ્તુઓ જોઈ શકો છો. મૂડ બદલાય છે ઓફ્ફ લાઈન શોપિંગમાં.
પેડર રોડની વિખ્યાત હોસ્પિટલમાં માનિસિક ચિકિત્સકની સેવા આપતા પારુલ દોશી કહે છે કે તેમની પાસે હવે અનેક કિસ્સાઓ આવે છે જેમાં ઓનલાઈન શોપિંગની લોકોને આદત પડી હોય અને તેને કારણે તેમને જીવનમાં અનેક તકલીફો પડતી હોય. સૌ પ્રથમ તો ઓનલાઈન શોપિંગ વ્યક્તિને વધુ એકલી પાડી દે છે. બીજું કે પસંદગી વધતાં વધુ ખરીદીનો ચસકો લાગે છે. વધુ સંગ્રહ કરવાની વૃત્તિ જાગે છે. અને પછી તે માટે ગુનાહિતભાવ પણ અનુભવાય છે. હકિકતમાં ખાલીપો ભરવા માટે જ ઓનલાઈન ખરીદી કરાતી હોય છે અને તે ક્યારેય પુરાતો નથી એટલે પછી તે આદત બની જાય છે. ખર્ચા વધતાં ઉધાર પૈસા લેવાની વૃત્તિપણ વધે છે. આમ સતત ગુનાહિતભાવ વ્યક્તિને ડિપ્રેશન તરફ ધકેલી દે છે. બીજું કે પૈસાનો ખર્ચ વધતાં ઘરમાં ઝઘડાઓ વધે છે. સંબંધોમાં તિરાડ પડે છે. ટેકનોલોજીને લીધે એકલતાતો વધી જ હતી પણ ઓનલાઈન ખરીદીને કારણે આર્થિક, માનસિક પીડાઓ પણ વધી છે.
એસએનડિટી યુનિવર્સિટીના ભૂતપૂર્વ અર્થશાસ્ત્ર વિભાગના વડા રહી ચૂકેલા અને હાલમાં ટાટા ઈન્સ્ટિટ્યુટમાં પ્રોફેસર તરીકે કામ કરતાં વિભૂતિ પટેલ ઓનલાઈન શોપિંગ મેનિયાને અમાનવીય પણ ગણાવે છે. મૂડીવાદમાં ઓનલાઈન ખરીદીને ડિલિવરી કરતાં વ્યક્તિઓની સ્થિતિ વિશે આપણે ક્યારેય વિચારતા નથી. તેમણે ગમે તેવી પરિસ્થિતિ અને સંજોગોમાં સમયસર જીવના જોખમે પણ તમારા સુધી વસ્તુ પહોંચાડવાની. માનવીય અભિગમ દરેક રીતે ઓનલાઈન ખરીદીમાં વિસરાય છે. કેવી પરિસ્થિતિમાં લોકો કામ કરે છે તે આપણે જોતા નથી. વસ્તુ ખરાબ આપીને તો છેતરામણી થતી જ હોય છે પણ ડિલિવરી બોયને રેટિંગ માટે કેટલું શોષવું પડતું હોય છે. ટેકનોલોજી પર ફોકસ વધુ હોય છે માણસને ઓનલાઈન શોપિંગમાં વિસારી દેવામાં આવે છે. ફક્ત પ્રોફિટને જ મહત્ત્વ અપાય છે. એ માટે ઉપભોક્તા, ખરીદ કરનાર ગ્રાહકને રાજા બનાવાય છે પણ શ્રમિક વિશે કોઈ વિચાર કરતું નથી. આ મુદ્દે પણ વધુ વાત ચર્ચા થવી જોઈએ. આપણે ખરીદકનારાએ પણ ડિલિવરી બોયની સ્થિતિ વિશે વિચારવાની જરૂર છે. સૌથી વધુ અકસ્માત ઓનલાઈન ખરીદી કરનારને ડિલિવરી આપનાર વ્યક્તિઓના જ થતાં હોય છે. કારણ કે તેમણે કોઈપણ હિસાબે પિઝા અર્ધો કલાકમાં પહોંચાડવાનો છે.
ઓનલાઈન ખરીદીના ગેરફાયદામાં વિભૂતિ પટેલે કહેલો અમાનવીય અભિગમ વિશે હવે વધુ લોકો વિચારે તેવી આશા રાખીએ. એકલતા અને અમાનવીય અભિગમથી બચવા માટે ઓફ્ફ લાઈન રહેવાની વધુ જરૂર છે એવું ચોક્કસ કહી શકાય.
0 comments