ફેસબુક ડાયરી કાશી ૨૦૧૩ જૂન

01:11


લગભગ વરસેક બાદ ફરીથી ફેસબુક ડાયરી લખી રહી છું. ડાયરી લખવા જેવા ચહેરા તો મળતા જ હોય છે પરંતુ, મારો ચહેરો ખોવાઈ ગયો હતો તેને શોધી રહી છું. એની વે, જૂન મહિનામાં ધરમપુરના ઘરે પાંચેક દિવસ રહેવા ગઈ હતી. અમારા કેમ્પસમાં આર્ચ નામની સંસ્થા છે તે સ્વાસથ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે. ઘણીવાર ત્યાં શિબિર પણ હોય છે. એક દિવસ સવારે મોર્નિંગ વોક માટે નીકળી ત્યાં કાછોટો મારેલ ચણીયો, બ્લાઉઝ અને ઓઢણી ઓઢેલી આદિવાસી ગામડિયણ સ્ત્રી મારી આગળ કેમ્પસમાંથી નીકળીને રસ્તાને સામેની તરફ ઊગેલી વાડને ફંફોસવા લાગી. નવાઈ લાગી કે મહેંદીની વાડમાં તે શું શોધે છે વહેલી સવારના. એટલે ચાલવા જવાને બદલે ઊભી રહી. તેણે એક ડાળખી તોડી અને તેને અસંમજસમાં જોતા ફેંકી દીધી. અને ફરી આસપાસ જોવા લાગી.
મારાથી પૂછી બેસાયું, “ શું શોધે છે ? “ .’દાતણ ની મલે ‘ કહેતી મૂંઝાતી મારી સામે જોવા લાગી. મરાઠીને મળતી આવતી ભાષા આ લોકો બોલે તેનો ખ્યાલ હોવાથી પૂછ્યું,” કાય પાયજે “... વળી ટુંકો જવાબ “બાવળ..”. નવાઈ લાગી બાવળને આ કેવી રીતે તોડશે હાથમાં કંઇ હથિયારે નથી. નજીકમાં નદી કિનારે ઘણા બાવળ છે તે મને યાદ ન આવ્યું પણ મારા ઘરની પાછળ જમીનની સીમા પર એક બાવળ ઊગી ગયો છે તે યાદ આવ્યું. મેં તેને કહ્યું, “ આત જા... અંદર કેમ્પસમાં મારા ઘરની પાછળ એક બાવળ છે... “એમ કહેતા તે વળી મુંઝાતી મારું મ્હો જોવા લાગી. મને ખ્યાલ આવ્યો કે એને મારું ઘર કઇ રીતે ખબર હોય. એટલે ચાલ હું બતાવું કહેતી તેની સાથે પાછી વળી. રસ્તે ચાલતાં વાત થઈ તેમાં મારા સવાલોના તેણે ટુંકા એકાક્ષરી જવાબ આપ્યા. તે મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર નજીકના એક નાનકડા ગામમાં રહેતી હતી. દાયણનું કામ જાણે... અને અહીં દાયણોની શિબિરમાં તાલીમ લેવા આવી હતી. આમ વાત કરતાં ઘરની પાછળ આવેલા બાવળ પાસે પહોંચ્યા કે તરત જ તેણે એક પાતળી ડાળી સિફતથી કાંટા ન વાગે તે રીતે તોડી. અને પછી એ ડાળીમાંથી દરેક કાંટા પણ હાથથી તોડીને ફેંકી દીધા. આ બધી જ ઘટના બે મિનિટમાં બની ગઈ. અને મોંમા દાતણ ચાવતા ચાલવા માંડી. પાછું વળીને મારી સામે જોયું પણ નહી. ન તો તેણે મને કશું જ પૂછ્યું.  કેટલી સહજતા.. અને સાદાઈ.ગામથી બહાર એકાદ બે દિવસ જવાનું હોય તો આપણે કેટકટલા વાના ભેગા કરીને બેગમાં ભરીએ. જ્યારે કાશી જેવી આદિવાસી સ્ત્રીઓ એકાદ જોડી કપડાં લે તો ય ઘણું.
દાતણ મફતમાં હાથવગું હોઇ શકે તે મને કાશીએ સમજાવ્યું પણ આ રીતે હાથે બાવળ તોડીને દાતણ કરવાની મારામાં હિંમત નથી જ તે કબૂલવું પડે. સાથે વિચારેય આવ્યો કે અમે શહેરી લોકો ઓરનામેન્ટલ ઝાડ વાવીશું અને બાવળ જેવા ઊપયોગી વૃક્ષો કાપી નાખીશું. મુંબઈમાં તો હવે બાવળ જોવા મળે જ નહી પણ ધીમેધીમે આસપાસના ગામોમાં ય નહીં રહેવા દઈએ. પછી આ આદિવાસીઓએ પણ ટુથપેસ્ટ જ વાપરવી પડશે. આવા અનેક બે તુકા વિચારો વચ્ચે ચાલવાનું શરુ થયું. બીજી વાત કાશી જ્યારે બાવળની ડાળી તોડતી હતી ત્યારે મેં તેનો ફોટો પાડવા માંડ્યો તો એ તરફ પણ તેનું ધ્યાન નહોતું. બાવળ મળ્યા બાદ પછી જાણે મારું કોઇ અસ્તિત્વ જ નહોતું. અમે શહેરીઓ  પ્રકૃતિમાં રહેવા માટે ગામો તરફ વળ્યા બાદ ક્યારેય આદિવાસીની સહજતા અને સાદગી અપનાવી શકીશું ખરા ? ઉપભોગતાના વાદમાં જીવતાં શહેરીઓની સામે ઓછામાં ઓછી જરુરિયાત સાથે જીવતાં કાશી જેવા હજારો લાખો લોકોને સલામ...

You Might Also Like

0 comments