લોકડાઉન ડાયરી

09:21


૨૨ માર્ચ ૨૦૨૦ના દિવસે જ્યારે પહેલીવાર  એક દિવસનું લોકડાઉન જાહેર થયું ત્યારે રૂટિન જીવનમાં બદલાવે રોમાંચ લાવે  એમાં નવાઈ નથી. પહેલાં પણ કર્ફ્યુ જેવો બંધ અનુભવ્યો હતો જીવનમાં, શિવસેના બંધ જાહેર કરે એટલે ટ્રાફિક નહીં દુકાનો બંધ હોય અને ઘરમાંથી બહાર નીકળવાનું નહીં. સ્તબ્ધ વાતાવરણ જીવનને કુદરતી મોડ પર લઈ જતું હોય છે. મુંબઈમાં મુખ્ય રોડ પર રહેતી હોવાને કારણે રાત્રે પણ વાહનોના અવાજ સતત સંભળાતા હોય. મુંબઈ મોટાભાગે સુતું નથી હોતું હા થોડી શાંતિ જરૂર થાય. ૨૨ માર્ચના કોરોનાનો ભય હજી અનુભવાયો નહોતો એટલે બંધનો રોમાંચ હજી આજે પાચ મહિના થયા છતાં વિસરાયો નથી. આટલી બધી શાંતિ મુંબઈમાં ક્યારેય અનુભવાઈ નહોતી. સુમસામ રોડને જોવા બહાર જવાની લાલચ રોકી શકાઈ નહોતી. મકાનના ગેટ પર જઈને વાહન અને માણસો વિનાનો રોડ જોવાનો આનંદ અદભૂત હતો. આવું વારંવાર થવું જોઈએ એવી ઈચ્છા આપોઆપ જન્મી હતી.  ઈચ્છાને ભગવાને તાબડતોબ પુરી કરી. પહેલીવાર ભગવાને આટલું જલ્દી સાંભળ્યું તેવું લાગ્યું. ૨૪ માર્ચથી ૧૪ દિવસનું લોકડાઉન જાહેર થયું ત્યારે ખુશીમાં ચક્કર ફરી જવાયું. શાંતિ એટલી સરસ હતી કે પક્ષીઓના કલરવ હવે સ્પષ્ટ સંભળાવા લાગ્યા હતા. બીજા કોઈ માણસના સંપર્કમાં આવવાને કારણે પોતાની સાથે સંવાદ સાધવાનો મોકો મળ્યો હતો. હા, હાથે કામ કરવાનું શરૂઆતમાં આકરું લાગતું હતું પણ દીપકના સહયોગે કામનો ભાર જણાયો. ઉલ્ટાની જાત મહેનત કરી હોવાથી સ્વચ્છતા અને સુઘડતાનો આનંદ બેવડાયો. જીવનનો રાહ પલટાયો હતો. લોકસંપર્ક નહીં, ક્યાંય બહાર જવાનો પ્લાન કરવાનો નહીં. જે  ઘરમાં હોય અને મળે તેનાથી ચલાવી લેવાનું. ખૂબ બધું વાચ્યું હોય કે અને વિચાર્યું હોય એટલે રીતે કટઓફ્ફ થવાથી માનસિક પ્રતારણા અને એકલતા હતાશામાં પરિણમતી હોય છે તેનો ખ્યાલ હતો એટલે રોજ જાતને ફંફોસીને જોતી કે ક્યાંક હતાશાની ઊધઈતો નથી લાગીને? કોરોનાની ભયાનકતા ત્યારે હજી ફિલ્મી પ્લોટ જેવી લાગતી હતી. એના કરતાં સોશિયલ જીવડાંઓને તૈયાર થઈને બહાર નહીં જવાનું તે સ્વીકારવું અઘરું લાગ્યું હતું. પણ નવાઈ લાગી કે જાતને એકાંતવાસ ગમવા લાગ્યો હતો. શાંતિમાં સરવાણીઓ સંભળાતી હતી. બહારની દુનિયા સાથે મારે પણ થોડું થંભી જવું જોઈએ એવી માંગ અંદરથી માંહ્યલો કરી રહ્યો હતો. શરૂઆતમાં વાંચવા લખવાનું બંધ થયું. અકળામણ થવાને બદલે સારું લાગ્યું. 
પોતાના ઘરમાં કેદ થવાનો અનુભવ પહેલીવાર અનુભવ્યો હતો. ઘડિયાળનો કોઈ ખપ રહ્યો. સમય સાપેક્ષ હોય છે અનુભવાયું. સમયે આમ કરવું તે સમાજના નિયમો હતા, નિયમો તૂટી પડતા જોઈ જીવનની સિમ્ફનીની ઓરકેસ્ટ્રામાં બીજા કેટલાય અવાજો છે તેની જાણ થઈ. શરીરની તંગ નસો ધીમે ધીમે રિલેક્સ થતી અનુભવાઈ. કોઈ ટાર્ગેટ કે કોઈ ડેડલાઈન નહીં. ઘડિયાળના ટકોરા સાંભળવાની કે કેલેન્ડરના પાનાંઓ બદલવાની જરૂર રહી. બાળપણના દિવસો યાદ આવ્યા. ભગવાનની કૃપા હતી કે રહેવા માટે આરામદાયક ઘર હતું અને ખાવાપીવાની કોઈ તકલીફો નહોતી. સાથી તરીકે દીપક હતો જેની સાથે મનની દરેક ક્ષુલ્લક અને ગહન બન્ને વાતો કરી શકાય. લડીઝઘડી શકાય અને પ્રેમ પણ કરી શકાય. સહવાસનો અહેસાસ અને અર્થ પહેલીવાર સમજાયો. જો કે માનસિક રીતે સતત સમાજ સાથે જોડાયેલા રહ્યાનો અહેસાસ પણ થતો. આદતવશ હતો તે આજે સમજાય છે. ૧૪ દિવસ પછી તો લંબાતા ગયા અને આજે તે મહિનાઓમાં પસાર થયા ત્યારે લાગ્યું કે અહેસાસને શબ્દોમાં પરોવવાના પ્રયત્નો કરી જોઈએ. સૌ પ્રથમ તો લોકડાઉનમાં જાતને મુક્ત કરી. કોઈ ટાર્ગેટ કે પ્લાનિંગ નહીં. લખ્યા વિના કે વાંચ્યા વિના રહી ગયાનો અનુભવ થતો તે જાણીને નવાઈ લાગતી અને પછી સારું પણ લાગતું. તે છતાં કંટાળો નથી આવતો જાણીને તો ખૂબ નવાઈ લાગતી. પાંચ મહિના કઈ રીતે વિતી ગયા તે ખ્યાલ આવ્યો. રોજના રૂટિનના કામને સમયના બંધનોમાંથી મુક્ત કર્યા હતા. આટલા વાગ્યે ઊઠવું, નહાવું, કચરા પોતા કરવા, વાંચવા લખવા બેસવું એવું કશું નહીં. સહજતાથી જે મન થાય તે કર્યા કરવું. આમ કરવાથી અનેક તાણ અને બોજા ખરી પડ્યા. પછી તો ઘરના ખૂણે વિસરાયેલા ચેસ અને કેરમને સાફ કરી બહાર કાઢ્યા. યાદ આવ્યું કે બેડમિન્ટન રમવા માટે ફુલ રેકેટ પણ ઘરમાં છે. ચેસમાં હાર્યા બાદ જીત થાય ત્યાં સુધી નવી ગેમ રમવી. કેરમમાં તો આપણને સ્ટ્રાઈકર દ્વારા કુકરીને મારવાનો મહાવરો રહ્યો નથી એનો અહેસાસ થતાં જ્યારે કુકરી નીકળે તો ઢીંકા ચિકા …. નસીબદાર હતા કે મકાનમાં ઓછા માણસો રહેતા હોવાથી  ખાલી કમ્પાઉન્ડ હતું એટલે બેડમિન્ટન રમવા મળતું.  અફસોસ થતો કે વખતે ઉનાળામાં પેલ્ટાફોરમ અને ગરમાળાને માણ્યા નહીં. ગુલમહોરનો વૈભવ પણ જોઈ શકાયો. પણ તેની સામે આટલી શાંતિ અને મુક્ત હોવાની અનુભૂતિ અદભૂત હતી. પહેલાં બહાર જતાં પણ મુક્ત નહોતા. અનેક અપેક્ષાઓ અને સમાજના રિતીરિવાજોનો બોજ હતો. જીવવા માટે અનેક જાતના કપડાંઓ અને શણગારની જરૂર નથી હોતી ખબર હતી પણ તેને અમલમાં મૂકવાનું ક્યારેય બન્યું નહોતું. બહાર જોઉં છું તો અનેક સમસ્યાઓ અને સંઘર્ષો દેખાય છે. સંઘર્ષો ઘરમાં કે મનમાં કે જીવનમાં લાવવાની જરૂર નથી તે પણ સમજાયું. ફક્ત હોવાનો અહેસાસ અને આનંદ જીવનને અર્થસભર કરી શકે છે. ડોકટરની જરૂર નહીંવત પડી. ધીમે ધીમે જ્યારે લોકડાઉન ખુલતું ગયું ત્યારે ફરી પાછા વાહનો અને માણસોના અવાજો સંભળાવા લાગ્યા અને ભંગ થતી શાંતિનો અહેસાસ થયો. પણ એનો સ્વીકાર કરવાનો સ્વભાવ થઈ ગયો હતો અનુભવાયું ત્યારે જાત માટે માન થયું. 
દુનિયામાં મહામારીએ અનેક સંઘર્ષો પેદા કર્યા વિશે એટલું લખાયું છે અને બોલાયું છે કે લખવું નથી. સંઘર્ષો બહાર છે એને અંદર આપણે લાવીએ છીએ તે મહામારીએ સમજાવ્યું. જેલમાં પણ ગાંધીજી અને મંડેલા મુક્ત હતા. નહેરુએ પણ એનો અહેસાસ કર્યો હતો એટલે ડિસ્કવરી ઓફ ઈન્ડિયાનું સર્જન કરી શક્યા. પોતાની જાત સાથે સંવાદિતા અને સ્વસ્થતાનો સંગમ કરવા માટે લોકડાઉન હતું એવું મને મારા માટે લાગ્યું

ટેકનોલોજી ઉપકારક  હતી  જેણે અનેક  રીતે એકલતાના અહેસાસને અડવા ન દીધો.  એકાંત માણ્યું પણ એકલતા કદાચ સહેવાઈ ન હોત. વળી ચિંતા પણ થાત. ટેકનોલોજીના સથવારે  મિત્રો અને સ્વજનોથી વિખૂટા પડ્યાનો અહેસાસ થયો. લોકડાઉને ખોટી દોડાદોડ અટકાવી.  છેલ્લા પાંચ મહિનામાં ઘરની બહાર મળતી વસ્તુઓથી ચલાવતા આવડી ગયું. ખરીદી કરવા એક કિલોમીટરથી દૂર જવાની જરૂર ન જણાઈ.  જીવવા માટે બહુ ઓછી વસ્તુઓ અને વ્યક્તિઓની જરૂર પડે છે એ પણ સમજાયું. હા, મુંબઈના ક્રોક્રિંટ જંગલ કરતાં કુદરતની નજીક હોત તો વધુ સારું હોત એવું લાગતું. પહાડો, નદી, ઝરણાં, જંગલો યાદ આવતા હતા. ગયા વરસે ફરી લીધું હતું એટલે સુખદ યાદ સાથે હતી તેનો આનંદ હતો. તકલીફ તો કશી જ નહોતી પડી રહી એનું સુખ કંઈ જેવું તેવું નહોતું. સ્વાવલંબનનો ય આનંદ હતો, થાક કે કંટાળો નહોતો તેની નવાઈ લાગી રહી હતી. વરસમાં આવું લોકડાઉન એકાદ મહિનો હોવું જોઈએ એવું લાગ્યું 






 

You Might Also Like

0 comments