કોરોનાને અડી આવ્યાનો આગવો અનુભવ
17:05
સપ્ટેમ્બરની ૨૧ તારિખ સોમવારે ઉધરસની આછી શરૂઆત થઈ. થાક પણ લાગતો હતો. પણ લાગ્યું કે રવિવારે ઠંડુ પીધું હતું એટલે ગળું પકડાયું છે. હોમિયોપેથી ડોકટર પાસે જ મારી સારવાર ચાલુ હતી એટલે તેમને જણાવ્યું તો કહ્યું કે કોરોના હોય શકે. પણ મને હજી પણ લાગ્યું કે ઠંડુ પીવાને લીધે જ ગળું પકડાયું હતું. મંગળવાર એમ જ ગયો અને બુધવારે તો થોડું સારું લાગ્યું. ત્યાં રાત્રે બે વાગ્યે બાથરૂમ જવા ઊઠી અને સાબુથી હાથ ધોયા ત્યારે સુગંધ ન અનુભવાઈ. તરત જ રસોડામાં ગઈ અને અજમો લઈને હાથમાં મસળ્યો. જરાપણ સુગંધ નહીં. તરત જ બેડરૂમમાં જઈ દીપકને ઊઠાડ્યો અને ડ્રોઈંગરૂમમાં સૂતેલા દીકરા ઈશાનને ઊઠાડ્યો. તેમને કહ્યું કે મારે ક્વોરન્ટાઈન થવું પડશે. સુગંધ નથી આવતી. બન્નેને એકરૂમમાં સુવાડી હું બીજા રૂમમાં સુવા ગઈ. સહેજ માટે જ થડકારો થયો હતો. ગભરામણ નહોતી થઈ કે ડર નહોતો લાગ્યો તેની મને પણ નવાઈ લાગી હતી. રૂમની અદલાબદલી કરી કોઈ ચર્ચા કર્યા વિના અમે તરત જ પાછા સૂઈ ગયા. સવારે ઊઠી ચર્ચા શરૂ થઈ કે ક્વોરન્ટાઈન ઘરમાં કરવું કે બહાર જવું.
કોરોના મને કઈ રીતે લાગ્યો એવો સવાલ જરૂર થાય. આમ તો અમે નકામું કામ વિના બહાર ગયા નથી કે કોઈના સંપર્કમાં આવ્યા નહોતા. ઘરમાં આવતી દરેક વસ્તુ સેનેટાઈઝ થાય. પણ મને કોરોના થયો તેના સાત દિવસ પહેલાં એકવાર હું આલ્ફાવાળી ગલીમાં ખરીદી માટે ગઈ હતી. ત્યાં ખૂબ ભીડ હતી, વળી લોકો સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવતાં નહોતા. આ જોઈને હું અડધી જ ખરીદી કરી ઘરભેગી થઈ ગઈ હતી. આવવા જવા માટે રીક્ષાનો ઉપયોગ કર્યો હતો. મોટેભાગે તે દિવસે જ કોરોના મારી સાથે આવ્યો હશે.
હોમિયોપેથી ડોકટર મનોજ પટેલ પર શ્રદ્ધા હતી. તે છતાં અમારા મિત્ર ડોકટર કમલ પરીખની સલાહ લીધી. તેમણે એલોપેથી દવા આપવાની તૈયારી બતાવી. મેં કહ્યું કે મારે એન્ટિબાયોટિક નથી ખાવી અને હોમિયોપેથી દવાથી જ મટે એવો પ્રયત્ન કરી જોવો છે. કમલભાઈએ કહ્યું કે ચોક્કસ કરી જુઓ પણ તાવ સોથી વધે કે ઓક્સિજન ૯૪થી નીચે જાય તો ઈમરજન્સી સમજવી. બસ હોમિયોપેથી અને ભગવાન પર શ્રદ્ધા રાખી મારે કોરોનાને હરાવવાનો હતો. આમ તો આ બાબત ગંભીર હતી કે કારણ કે હું ડાયેબિટિક છું. આટલા મહિનાઓ દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે ડાયેબિટિશ, બીપી કે પછી અન્ય બીમારીઓ હોય તો કોવિડનું ઈન્ફેકશન ગંભીર બની શકે છે.
બીજા દિવસે સવારે મનોજ પટેલને વાત કરી. ક્વોરન્ટાઈન થવું નક્કી જ હતું. ઘરમાં થવું કે બહાર જવું તે નક્કી કરવાનું હતું. હોસ્પિટલમાં જવાનો વિચાર નહોતો કારણ કે હોમિયોપેથી દવા જ કરવી હતી તે પણ નક્કી હતું. મનોજભાઈએ દવા શરૂ કરી. સાથે જ તેમણે સીટી સ્કેન તેમ જ લોહીની તપાસ કરાવી લેવાનું કહ્યું જેથી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે. સીટી સ્કેનમાં માઈલ્ડ કોરોનાની અસર હોવાનું જણાયું. ક્વોરન્ટાઈન તો હતી જ. લોહીની કેટલીક તપાસના પરિણામ કહ્યું આવે તો ખ્યાલ આવે કે તેની કેટલી અસર મને થઈ શકે. ત્યારબાદ નક્કી કરવાનું હતું કે ઘરમાં સારવાર કરી શકાય કે નહીં. હું ડાયેબેટિક હોવાથી થોડો ડર પણ હતો મને અને ડોકટરને કે આ કોરોના કઈ રીતે અસર કરશે. સદનસીબે લોહીના બધા ટેસ્ટ નોર્મલ આવ્યા. ડોકટરે કહ્યું કે ઘરમાં રહીને સારવાર થઈ શકશે પણ ક્વોરન્ટાઈનમાં ખૂબ ધ્યાન રાખવું પડશે. અમારું ઘર એક બેડરૂમનું જ છે અને એક જ ટોઈલેટ, બાથરૂમ હોવાને લીધે તેને વારંવાર સેનેટાઈઝ કરવાની જવાબદારી લેવી પડે. એ મારા દીકરાએ ઉપાડી લીધી. રસોઈની જવાબદારી પણ એણે જ ઉપાડી હતી.
ઉધરસ વધતી જતી હતી. સૂકી ખાંસી અને ખૂબ જ નબળાઈ. રોજ ડોકટર સાથે ફોન પર વાત થાય. દવા બદલાય. ક્યારેક સારું લાગે તો ક્યારેક ન લાગે. આટલો થાક ક્યારેય અનુભવ્યો નહતો. આખો દિવસ ગરમ પાણી, હળદર અને લીંબુવાળું પાણી. હળદર, મીઠું અને ઘી નાખીને દૂધ પણ ચાલુ. નાસ પણ દિવસમાં ત્રણવાર લેતી. ઓક્સિમીટર લઈ આવ્યા હતા. દર બે કલાકે માપતી. નસીબ સારા કે ઓક્સિજન લેવલ ૯૮થી નીચે ન ગયું. બે દિવસ પછી તાવ આવ્યો. ૯૯ થયો. શરીર તૂટે, ઉધરસ અને થાક. કશું જ ગમે નહીં. પહેલાં જ દિવસથી નક્કી હતું કે કોઈ ડર કે ચિંતા કરવી નહીં. બસ સમય પસાર થવા દેવો. છતાં શક્ય તેટલી દરેક કાળજી લેવી જ. તબિયત વધુ ન બગડે અને ઓક્સિજન ઓછું ન થાય તો કોઈ જ વાંધો નહીં આવે. સતત પ્રાર્થના કરતી હતી કે મારી આ હિંમત ટકી રહે અને દીપક-ઈશાનને વાયરસ ન અડે. દીપક સવારે ચા અને નાસ્તો આપે અને આખા દિવસ માટે ગરમ પાણી અને સાદા પાણીની બાટલી ભરી આપે. બપોરે અને રાત્રે દીકરો ઈશાન ગરમાગરમ તાજું જમવાનું પીરસે. દીપક ઘરેથી જ મેગેઝિનનું કામ કરે અને તે જ સમયે દિવાળી ઈસ્યુનું કામ જોરદાર ચાલતું હતું. એક રીતે સારું થયું કે તે ખૂબ કામમાં વ્યસ્ત હોવાને કારણે પણ મારી તબિયત વિશે વધુ વિચારવાનો સમય નહોતો મળતો. નહીં તો ચિંતાની અસર તેને પણ થાત.
આ બાજુ તાવમાં રાત્રે ઊંઘ સરખી ન આવે. મનોજભાઈએ કહ્યું કે પેરાસિટામોલ નહીં જ લેવાની. તાવ વાયરસને બાળશે. ડોલો હાથવગી જ હોવા છતાં તે ન લેવા માટે ત્યારે મનને મારવું ખૂબ મુશ્કેલ હતું. રાત્રે ક્યારેક વિચાર ઝબકી જાય કે તાવ વધશે તો…પણ એ વિચાર ડરમાં પલટાય એ પહેલાં જ ફગાવી દેતી. નક્કી હતું કે હોમિયોપેથી જ કરવી છે. તાવ સોને અડીને પાછો પડ્યો. બે જ દિવસ તાવ આવ્યો. ત્રીજા દિવસથી ૯૭ની ઉપર તાપમાન જાય નહીં. ઉધરસ હજી નહોતી મટી રહી. અશક્તિ અને થાક તન અને મનને તોડી નાખતા હતા.
સાતમા દિવસે ડોકટર મનોજ પટેલને તબિયત વિશે ફરિયાદ કરી તો કહે કે તું ડાયબિટિક છો, એલોપેથી કરવા વિશે વિચાર. સાંભળતાવેંત મેં ડોકટરને કહ્યું કે એલોપેથીમાં એન્ટિબાયોટિક આપે અને એક દિવસમાં કેટલી બધી ગોળીઓ ખાવાની ખબર છે? તો મનોજભાઈ કહે કે ખબર છે પણ તારી તબિયત સારી રહે તે મહત્ત્વનું છે. ત્યાં જ મને યાદ આવ્યું કે થોડો સમય પહેલાં મને સેનેટાઈઝરની આછી સુગંધ આવી હતી. મનોજભાઈને કહ્યું કે મને લાગે છે કે મને સુગંધ પાછી આવી રહી છે. સાંભળીને મનોજભાઈના અવાજમાં ઉત્સાહ આવ્યો કહે એનો અર્થ કે તું સાજી થઈ રહી છો. મને પણ એ સાંભળીને વધુ હિંમત આવી અને તરત જ મનોજભાઈને કહ્યું કે મારી ઉધરસ અને તબિયત માટે હોમિયોપેથીમાં હવે કોઈ દવા નથી? તો મનોજભાઈ કહે કે છેને… તરત જ મેં કહ્યું કે તો બસ મારે હોમિયોપેથી જ ચાલુ રાખવી છે અને તમારે જ મને સાજી કરવાની છે. બસ પછી તો એ દિવસથી સુગંધ પાછી આવી રહી હતી એટલે દરેક વસ્તુ સુંઘીને ખાતરી કરતી. બીમારી વચ્ચે પણ સુગંધનો આનંદ મનને ખુશ કરી દેતો.
મારી જીંદગીમાં સુગંધ ક્યારેય વિલાય નહોતી. ગમે તેટલી શરદી અને સાયનસ થાય પણ નાક મારું કૂતરા જેવું , દરેક સુગંધ પકડે. સુગંધ વિના પાંચેક દિવસ વિતાવ્યા હતા. આટલી માંદગીમાં પણ ટોઈલેટમાં હસવું આવી જતું. વાસ આવે જ નહીં કેટલું સારું. સુગંધ પાછી આવી ત્યારે દરેક સુગંધને પાછી માણવાનો આનંદ સમય પસાર કરવા માટે કામ આવતો. સુગંધ નાકમાં નહોતી પણ સ્મૃતિમાં તો હતી જ. એ અનુભવ વિચિત્ર હતો. ચા પીઉં તો સુગંધ ન આવતી હોવા છતાં મારા મનની સ્મૃતિએ તેમાં સ્વાદ પૂર્યો. હા, ચા પીવાનું બહુ મન ન થતું એટલે સવારે એક જ વાર ચા પીતી. લીંબુ પાણીની પણ સુગંધ સ્વાદમાં આવતી પણ જો હું સુગંધ લેવા જાઉં તો ન અનુભવાય.
વાંચવા લખવાનો કે ટીવી જોવાનો થાક લાગતો એટલે નક્કી કર્યું કે બસ આરામ જ કરવો.કશું જ ન કરીને દિવસ પસાર કરવાનો આ મારો પહેલો અનુભવ હતો. આમ બીજા સાત દિવસ પસાર થઈ ગયા અને ક્વોરન્ટાઈનનો સમય પૂરો થયો. ઉધરસ કાબૂમાં આવી રહી હતી. તાવ કે ઓક્સિજન ક્યારેય ખતરારૂપ ન બન્યા. ચૌદમાં દિવસે વજન કર્યું આશા હતી કે ઓછું થયું હશે. પણ દીકરાના હાથની રસોઈએ જાદુ કર્યો હતો કે એક કિલો વજન ઓછું ન થયું. હા, તન અને મનની થોડી ચરબી જરૂર ઓછી થઈ. આ દિવસો દરમિયાન થાક એટલો હતો કે મિત્રોને જણાવ્યું નહીં જેથી વાત કરવી ન પડે. બીજું કે હોમિયોપેથી કરતી હોવાથી જ્યાં સુધી સાજી ન થાઉં ત્યાં સુધી કોઈની સાથે દલીલ ન કરવી પડે એટલે પણ અમે કોઈને જણાવ્યું નહીં. સાજી થઈ પછી લોકોને જાણ કરી કે હું સુખરૂપ કોરોનાને અડીને પાછી આવી ગઈ. વળી ઘરમાં દીપક અને ઈશાનને પણ તેની અસર જણાઈ નહીં. શક્ય છે કે તેઓ એસિમટેમેટિક હશે. પણ મારી સાથે એમણે પણ ચૌદ દિવસ ઘરમાં જ વીતાવ્યા હતા. ચૌદ દિવસ બાદ પણ બીજા સાત દિવસ અમે ઘરની બહાર નીકળ્યા. હા, દીકરો જરૂર ગયો બહાર તે પછી.
આ સમય દરમિયાન અમારા પડોશીએ બહાર મારી ગેરહાજરીની નોંધ લીધી, અઠવાડિયા બાદ તેમણે તપાસ કરી ત્યારે અમે કહ્યું કે હું ક્વોરન્ટાઈન છું. તબિયત સારી નથી. બીજા જ દિવસથી સવારે ગરમ નાસ્તો મારા માટે મોકલવાનો શરૂ કર્યો. સાતે સાત દિવસ જુદો જુદો નાસ્તો મોકલે. તેમનું નામ મીની. મીની પણ દીપક સાથે ભવનમાં કામ કરે. દીપક ઘરેથી જ કામ કરે જ્યારે મીની અઠવાડિયામાં ચાર દિવસ ઓફિસ જાય. ઓફિસ જતાં પહેલાં મને નાસ્તો આપે. કેટલી ના પાડી પણ મીની માને જ નહીં. ચૌદ દિવસ પછી હું રસોડામાં જતી થઈ એટલે આગ્રહ કરીને ના પાડવી પડી. મીની કેરાલાઈટ છે એટલે રોજ સાઉથ ઈન્ડિયન નાસ્તો મળતો. તેનું કહેવું હતું કે બીમારીમાં રોજ ગરમ પૌષ્ટિક નાસ્તો ખાવો જ જોઈએ. ચૌદ દિવસ પછી મીનીને કહેવું પડ્યું કે તારો નાસ્તો મને રોજ યાદ આવશે. પોતાની વ્યક્તિઓની અને પડોશીની કાળજીને લીધે હું સુખરૂપ બહાર આવી. ડૉ મનોજ પટેલે મને કહ્યું કે તે ખરી હિંમત રાખી ત્યારે વિચારવું પડ્યું કે મેં કઈ રીતે હિંમત ટકાવી હશે. એકવાત નક્કી હતી કે મને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા છે. એમણે મારી હિંમત ટકાવી એવું કહેવામાં મને જરાપણ ખચકાટ નથી થતો. બાકી આજે મને યાદ નથી કે ચૌદ દિવસ કોઈ તકલીફ પડી હોય. માંદગી હોય તો અસર તો થાય જ પણ ડર નહોતો લાગ્યો. પડશે તેવા દેવાશે એ વિચાર સાથે સતત વર્તમાનમાં જીવી. બીજું દીકરા ઈશાનને રસોઈ કરતાં આવડતી હતી એટલે બીજી કોઈ જ ચિંતા નહોતી. ઘરમાં જ હોવાને કારણે પણ એકજાતની હુંફનો અનુભવ થાય.
આપણી આસપાસની વ્યક્તિઓ કેટલો પ્રેમ કરે છે તે આવી બીમારી દરમિયાન ખ્યાલ આવે. કોણ આપણી કેટલી કાળજી રાખી શકે તેનો પણ ખ્યાલ આવે. મિત્રોને તો કહ્યું નહોતું એનું પણ તેમને ખોટું લાગ્યું. એ લોકોએ મીઠો ઝઘડો પણ કર્યો. તો કોરોનાને માત આપી બહાર આવ્યાનો આનંદ પણ વ્યક્ત કર્યો જ. હોમિયોપેથી દવા કરી હોવાથી ચાર જ દિવસમાં નબળાઈ ઓછી થવા લાગી. ઘરમાં કામ થઈ શકતું. દસ દિવસમાં બહાર કમ્પાઉન્ડમાં ચાલી શકાતું. સાજા થયા પછી ડોકટર મનોજ પટેલનો આભાર માન્યો તો કહે કે પાંચસો કોરોનાના દરદીઓની સારવાર કરી. એમાંથી ચારેક જણાને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. દરદીઓની સાથે દરદીની સાથે રહેતાં સ્વજનોને પણ સાચવવાના જ સ્તો. દીપક અને ઈશાનની ઈમ્યુનિટિની દવા પણ મારી સાથે જ ચાલુ હતી. ચૌદ દિવસ બાદ તમે કોઈને ઈન્ફેકશન ન આપી શકો પણ સાજા થયા બાદ કાળજી જરૂરી છે તેનું મહત્ત્વ સમજાયું. કોરોનાએ સાદો વાયરસ નથી એનો ખ્યાલ આવ્યો. કોરોના તમને અંદર-બહારથી બદલી નાખે છે. મારી અંદર ઘણું બદલાઈ રહ્યું છે તેનો અહેસાસ થાય છે. એટલે કાળજી લેવાનું ચાલુ જ છે.
ઈશાન અને દીપક સહજતાથી મને સાચવે છે. મને વધુ શ્રમ ન પડે તેનું ધ્યાન રાખે. હોમિયોપેથી અમારા ઘરમાં સહજ છે. નાના મોટા દરેક રોગમાં એ જ અમને ઉગારે. ઘણાંને હજી માને છે કે હોમિયોપેથીને અસર થતાં વાર લાગે પણ ડોકટરને તમારી પ્રકૃતિ ખબર હોય તો એક જ ડોઝ ચમત્કાર સર્જી શકે છે એવો અમારો વરસોનો અનુભવ છે.
અનેક લોકો પૂછે છે કે કઈ દવા લીધી હતી ત્યારે સમજાવવું પડે કે હોમિયોપેથીમાં દરેકને પોતાની પ્રકૃતિ અને લક્ષણો પરથી દવા આપવામાં આવે છે. ડૉ મનોજ પટેલની મુલાકાત હોમિયોપેથી અને કોરોના વિશે ટૂંક સમયમાં લખીશ.
0 comments