વિકાસ ખન્ના પ્રસિદ્ધ શૅફ છે, ટીવી હોસ્ટ છે, માસ્ટર શૅફમાં જ્જ છે અને તે સારો લેખક અને ફિલ્મમેકર પણ છે તે આ ફિલ્મ જોતાં સાબિત થાય છે. વિકાસ ખન્ના મેન ઓફ ધ યર પણ રહી ચુક્યો છે, ફુટડો, આકર્ષક યુવાન છે. તે એક સંવેદનશીલ માનવ છે તે આ ફિલ્મ જોયા પછી ખાતરી થાય છે. ગુલાબી રંગ પણ આ ફિલ્મનું પાત્ર હોય એવું લાગે. વિધવા અને બાળકીની મિત્રતાને વિકાસ ખન્નાએ સરસ રીતે વાર્તામાં વણી લીધી છે. આ ફિલ્મ પણ વિશ્વસ્તરે પ્રગટ થયા બાદ એમેઝોન પ્રાઈમ પર રિલિઝ થઈ છે.
ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારેક ન સાંભળેલી કે ન વાંચેલી ફિલ્મો જોવા મળે અને તમને સારી વાર્તા વાંચ્યાનો આનંદ થાય એવું હવે અવારનવાર બને છે. નીના ગુપ્તા, અક્સા સિદ્દીકી અને રાજેશ્વર ખન્ના અને રુદ્રાની આ મુખ્ય ચાર પાત્રો આપણા દિલ અને આંખને પલાળી જાય છે. આ ફિલ્મમાં બનારસ પણ એક પાત્ર છે. બનારસને ગ્લોરિફાય કરીને દર્શાવાયું નથી પણ તેની બીજી બાજુ જે વાસ્તવિકતા હોઈ શકે છે તેને દર્શાવ્યું છે. બનારસ ન ગયા હોઈએ તો પણ ફિલ્મ જોયા બાદ આ બનારસમાં જઈ આવ્યાનો અહેસાસ થાય. વિકાસ ખન્ના- વૈભવ શ્રીવાસ્તવે લખેલી અને વિકાસ ખન્નાએ દિગ્દર્શન કરેલી આ ફિલ્મ બનારસના રસ્તા પર રહેતી અનાથ બાળકીની વાાર્તા છે. ગંગાના ઘાટ પર જીવાતું તેનું જીવન અનેક મોસમ અને તેના મૂડને સ્પર્શે છે. આ પણ ફેમિનિસ્ટ વિચારધારા ધરાવતી ફિલ્મ છે. પિતૃસત્તાક સત્તાની તુમાખી અને તેની સામે લડતી સ્ત્રીની કથાઓ હવે ફિલ્મોમાં વિવિધ વાર્તાઓ લઈને આવે છે એ જોઈ સારું લાગે છે.
આધુનિક શહેરમાં રહેતી નારીની વાર્તાઓ હવે ફિલ્મોમાં દર્શાવાય છે, પરંતુ સામાન્ય સ્ત્રીઓના સંઘર્ષની વાત કરવાની હજુ બાકી છે. ઓટીટી પ્લેટફોર્મ પર હવે એવી સ્ત્રીઓની સંવેદનાને વાચા આપતી ફિલ્મો જોવા મળે છે ત્યારે ભારતીય પરિસરની ઝાંખી થાય છે. “ઈઝ લવ ઈનફ, સર” ફિલ્મમાં નોકરાણી તરીકે કામ કરતી સ્ત્રીની સંવેદનાઓની વાત કહેવાઈ છે, તો લાસ્ટ કલરમાં અનાથ બાળકી, ગરીબ વિધવા અને કિન્નરની અનુભૂતિઓને વણી લેવાયા છે ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે હિન્દુ વિધવાઓના પુર્નવસવાટ અને જીવન જીવવાના તેમના અધિકારો અંગે લેન્ડમાર્ક જ્જમેન્ટ આપ્યુ ત્યારબાદ ૨૦૧૩માં ભારતમાં પહેલીવાર બેરંગ જીવન જીવતી વિધવા મહિલાઓએ હોળી રમી રંગોથી પોતાને રંગી લીધી હતી. એ થીમને મુખ્ય વિષય તરીકે રાખીને સંવેદનાથી ભરપુર હ્યદયસ્પર્થી ફિલ્મ બનાવી છે. બનારસ એટલે આપણી સામાજીક માનસિકતા જ્યાં હજુ પણ ગરીબ સ્ત્રીઓનું શોષણ થાય છે. ગરીબ સ્ત્રીઓ પોતાની રીતે પોતાની લડાઈ લડીને જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. શોષણમાંથી મુક્ત થવાનું સહેલું નથી પણ એક બાળકી અનેક તકલીફો અને પડકારો વચ્ચે સમાજના શોષણને ઉજાગર કરવાનું કામ કરે છે. ફિલ્મમાં નરી વાસ્તવિકતા દર્શાવાઈ છે એટલે જેઓ રંગીન કલ્પનાઓ જોવા જ ટેવાયેલા છે એમણે આ ફિલ્મ ન જોવી. બાકી આ ફિલ્મ સારી વાર્તા વાંચવા જેટલો જ આનંદ આપે છે. એનો અંત સુખદ આપ્યો હોવાને કારણે પણ નરી વાસ્તવિકતા આપણને તોડી નથી નાખતી એવું પણ હોઈ શકે. વાસ્તવિકતામાં આવો અંત હોઈ શકે એવું માનવું સારું લાગે છે. સમાજના ક્રૂર હાથોથી પીંખાઈ ગયેલી બાળકીને એક પત્રકાર બચાવીને ભણાવીને વકીલ બનાવે છે. વકીલ બન્યા બાદ તે બાળકો પર આચરાતી ક્રૂરતા, કિન્નરોના અધિકાર માટે લડ્યા બાદ, વિધવાના બેરંગ જીવનમાં રંગ ઉમેરવા માટે પ્રયત્નો કરે છે, કારણ કે તેણે બાળપણથી રંગો ગમે છે. એક ગરીબ વિધવાના શુષ્ક જીવનમાં તેણે માતૃત્વનો રસ પેદા કર્યો હતો પણ સમાજ તે સાંખી ન શક્યો અને તેની પાસેથી એ બધું જ છીનવાઈ જાય છે. બનારસના બીજા અનેક રૂપો આ ફિલ્મમાં નિરૂપાયા છે. કંઈક અલગ જોવું ગમતું હોય તો ચોક્કસ આ ફિલ્મ જોઈ શકાય. પ્રાઈમ વિડિયો પર છે.
- 02:45
- 0 Comments