ઈઝ લવ ઈનફ સર! અનોખી પ્રેમ કથા

22:16






ફિલ્મ શરૂ થાય કે તિલોત્તમા શોમને પોતાના ગામથી મુંબઈ જતી બતાવે ત્યારે જ તેની બોડી લેંગ્વેજ જોઈ વિસ્મય થાય. સાચે જ આ ઘરકામ કરતી બાઈ છે કે પછી કલાકાર? આટલો સહજ અભિનય તમને રતનાના એટલે કે તિલોત્તમાના પ્રેમમાં પાડી દે. વિવેક ગોમ્બર પણ ખૂબ સહજ અભિનય કરે છે. આ ફિલ્મ ફક્ત અદાકારની નહીં પણ લેખકની, દિગ્દર્શકની પણ છે. અને દર્શક તરીકે જોતી સમયે આપણે પણ એના ભાગ બની જઈએ છે. કારણ કે ફિલ્મના પાત્રો આપણી આસપાસના જીવનમાં  હોય છે. મોટાભાગની ફિલ્મ મુંબઈના એક બહુમાળી મકાનના ફ્લેટમાં શૂટ થઈ છે. ફિલ્મમાં બહુ પાત્રો પણ નથી. અને લાંબા બોલકા સંવાદો ય નથી. સાવ સામાન્ય વાતચીત છે કારણ કે આ ફિલ્મ સામાન્ય, તમારા મારા જેવા વ્યક્તિત્વોની છે. આ પ્રેમકથા અમીર અને ગરીબ વચ્ચેની હોવા છતાં તેમાં હજુ એક તત્ત્વ ઉમેરાયું છે કે સત્તાશાળી,  અશક્ત વ્યક્તિનું શોષણ લાભ નથી કરવા માગતી. અમીર છોકરો જે એકલતામાં અટવાયેલો છે,  પોતાના ઘરે કામ કરતી બાઈના  સહજ પ્રેમમાં પડે છે અને દર્શક તરીકે આપણે પણ અનેક શક્યતાઓ વિચારતા ફિલ્મમાં તણાઈ જઈએ છીએ. 


આવો જ કંઈક અનુભવ ફિલ્મના લેખિકા-દિગ્દર્શિકા રોહેના ગેરાને થયો છે. મૂળ પૂનામાં ઉછેરલી રોહેના જ્યારે ૧૯૯૬માં ન્યુયોર્કમાં ભણતી હતી, ત્યારે એની માતા તેને મળવા અમેરિકા પહોંચી હતી. રોહેના તેની માતા સાથે રોબિન વિલિયમ્સ અભિનિત બર્ડકેજ ફિલ્મ જોવા ગઈ હતી. ફિલ્મ ગે કપલ પર હતી. ફિલ્મ જોયા બાદ તેની માતા પર એટલી અસર થઈ કે તેમને ગે વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ થઈ અને તેમના જીવન વિશે વધુ જાણવાનો પ્રયત્ન કર્યો. તે વખતે રોહેનાને લાગ્યું કે ફિલ્મ દ્વારા તમે દર્શકોની સાથે અનૂભુતિના સ્તર પર જોડાઈ શકો છો. તે સ્ક્રીન લેખક હતી પણ દિગ્દર્શક તરીકે ફિલ્મના માઘ્યમને તેણે 'સર' બનાવીને જુદા સ્તર પર લઈ જવાનો પ્રયત્ન કર્યો. આ ફિલ્મમાં કશું જ નકારાત્મક નથી. ન કોઈ હિંસા છે કે ન તો કોઈ ગ્લેમર છે. તે છતાં તેમાં દર્શાવાતા અવકાશમાં પ્રેમને હવા જેવો સતત અનુભવી શકાય છે. જેનો અહેસાસ થાય પણ જોઈ ન શકાય.  માલિક અને નોકરાણી વચ્ચે મોટેભાગે શોષણનો સંબંધ હોય છે. પણ અહીં માલિક સંવેદનશીલ છે. એકલો પડી ગયો છે. લગ્નભંગ થયો છે. જ્યારે નાની ઉંમરે વિધવા થયેલી નોકરાણી દરેક તકલીફો વચ્ચે પણ શક્યતાઓમાં જીવે છે. તે પોતાના સપનાઓ પુરા કરવા દરેક પ્રયત્નો કરે છે. બન્ને વચ્ચે ભેદ ઘણો મોટો છે અને એટલે જ આકર્ષણ નહીં પણ સંબંધને નામથી પર લઈ જવાનો પ્રયત્ન કરે છે. 


બન્ને કિરદાર સાથે આપણને સહાનુભૂતિ થાય અને બન્નેની મજબૂરી સમજી શકાય છે. આપણે સમાજે દોરેલા ચોકઠામાં જકડાઈ ગયા છીએ અને તે ચોકઠાની બહાર નીકળવાનું એક દર્શક તરીકે પણ મુશ્કેલ લાગે છે. આ ચોકઠાં ની વાત બોલકા કે નાટકીય બન્યા સિવાય દર્શાવી છે.   ફિલ્મની સાથે આપણા મનમાં પણ વાર્તા રચાતી જાય એવી શક્યતાઓ સર્જાય છે. ફિલ્મ પૂરી થયા બાદ પણ એ વાર્તા આપણામાં કેટલાય આકારો લઈ શકે છે. લેખિકા- દિગ્દર્શિકાના મનમાં નથી એવો એક નવો આયામ પણ નારીવાદી તરીકે દેખાય. આ ફિલ્મ ફેમિનિસ્ટ પણ છે. સ્ત્રીનો સતત સંઘર્ષ સમાજના બંધનોમાંથી છૂટવાનો. પોતાની ખુમારીને જાળવવાનો, સંજોગોની સામે હાર માન્યા વિના લડી લેવાનો પ્રયત્ન કરવાનો સ્વભાવ સહજ સ્પર્શી જાય.  પુરુષને મૂંગે મોઢે સેવા કરનારી, બોલ્યા વિના પુરુષની જરૂરિયાતો સમજનારી. કોઈ જ સવાલો ન કરનારી સ્ત્રી ગમી શકે છે. પછી ભલે તે અભણ હોય કે પછી કોઈ જ સમાનતા ન હોય. 


અદ્ભુત વાર્તા, નિર્દશન, અભિનય. આ ફિલ્મ ૨૦૧૮માં બની હતી અને કેન્સ સહિત અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ ચૂકી છે.  અનેક એવોર્ડ પણ મળ્યા છે. નેટફ્લિક્સ પ્લેટફોર્મ ઉપર વિશ્વભરમાં તેને રિલિઝ કરવામાં આવી છે.  

You Might Also Like

0 comments