ફિલ્મ અને વાસ્તવિકતા વચ્ચે ભેદ ન રહે ત્યારે…..
02:01
‘ધ ડિસાઈપલ’ ચૈતન્ય તામ્હાણે લિખિત, દિગ્દર્શિત ફિલ્મ જોઈ ત્યારે જીવનનો એ તબક્કો જે મારા સ્મૃતિપટ પરના થરો નીચે દબાઈ ગયો હતો તે ઉપસી આવ્યો. લગભગ ૧૯૮૫થી ૯૦-૯૧નો એ સમયગાળો હતો. તળ મુંબઈના સિક્કાનગર વિસ્તારમાં ફડકે વાડીની સામે એક નાનકડી ચાલને (એ ચાલનું નામ વિસરાઈ ગયું છે) પાર કરીને આવતા મેદાનમાં સામે ત્રણેક માળનું મકાન નજરે ચઢે. લાકડાની ગેલેરી અને રેલિંગ અને લાકડાના દાદરા. તેમાં બીજા અને ત્રીજા માળે શાળા હશે. હું હંમેશા સાંજે શાળા બંધ થાય ત્યારે સાતથી આઠ પૈ ગુરુજીના શાસ્ત્રીય સંગીતના ક્લાસમાં જતી. મહિનામાં બે દિવસ અને શરૂઆતમાં દશ રૂપિયા ફી હતી. શાસ્ત્રીય સંગીત શીખ્યા છતાં મને ક્યારેય સૂર ફળ્યા નહીં. હા કાનસેન બની શકી. શાસ્ત્રીય સંગીતને માણવા અને સમજવા માટે વિનાયક પૈ ગુરુજીનો ફાળો ખરો. ક્લાસમાં મારા સિવાય બીજા બધા જ મરાઠી. હું એકલી જ ગુજરાતી હતી અને સૂરોમાં નબળી હતી. એ હું પણ જાણું અને પૈ ગુરુજી તો જાણે જ. પરંતુ, શાસ્ત્રીય સંગીત માટેનો પ્રેમ મને એ ક્લાસમાં લઈ જતો હતો. પૈ ગુરુજીના ગુરુ એટલે નવરંગ ગુરુજી. પૈ ગુરુજી પાસે ગ્વાલિયર ઘરાનાનું સંગીત અમને શીખતા. ઘરાનાઓ વિશે થોડી માહિતી ત્યાંથી મળી. નવરંગ ગુરુજીએ લત્તા મંગેશકરને પણ શીખવાડ્યું હતું તે વાત પૈ ગુરુજી ખૂબ ગર્વપૂર્વક કહેતા. પૈ ગુરુજી એટલે દુબળા, પાતળા, બટકા. જીવનના સંઘર્ષે માથા પરથી વાળ પણ ઉતારી લીધા હતા. પોલિએસ્ટરના બે જોડી પેન્ટ શર્ટ એમની પાસે હશે. રેગઝિનની બેગમાંથી પુસ્તક કાઢતા. કોઈ શાળામાં સંગીત શિક્ષક હશે અને સાંજે અહીં ક્લાસ ચલાવતા હતા. તે સમયે તેમની ઉંમર પચાસની આસપાસ હશે. સ્વભાવ એકદમ સાલસ અને નમ્ર અમારા જેવા બેસૂરાઓને પણ પ્રેરિત કરે કે કોશિષ કરતે રહો, તાનસેન નહીં તો કાનસેન તો બનોગેં હીં.
વરસમાં એકવાર ગુરુપૂર્ણિમાનો ઉત્સવ હોય તેમાં અમારે શિષ્યોએ ગાવાનું. એ કાર્યક્રમ કોઈ નાના હોલમાં હોય. તાલમક્કી વાડી જે તારદેવ પર હતી તેમાં પણ એકવાર થયેલો. ફિલ્મ ડિસાઈપલ જોતી સમયે દરેક દૃશ્યો સમાંતરે મારા મનમાં ચાલતા રહ્યા. આ વિશ્વતો મારું અનુભવેલું જ. જાણે કોઈ ગયા જન્મની વાત હોય એવું લાગે. ચૈતન્યએ આ ફિલ્મ દ્વારા મારા વિસરાઈ ગયેલા એ વિશ્વને જીવંત કર્યું. એ વિશ્વથી દૂર હું કોઈ બીજા જ વિશ્વમાં પહોંચી ગઈ હતી. છેલ્લે ૧૯૯૧ની સાલ બાદ ન તો પૈ ગુરુજીને જોયા છે કે તેમના વિશે કશું જ જાણવા મળ્યું છે. ફિલ્મ જોયાં બાદ મેં ગુગલ કર્યું તો વિનાયક પૈ કે નવરંગ ગુરુજી વિશે કશું જ ન મળ્યું. એ બધા કાળની ગર્તામાં ખોવાઈ ગયા. મારી પાસે ન કોઈ એમનો ફોટો છે કે ન તો કોઈ સંપર્ક.
ધ ડિસાઈપલ ફિલ્મ અદભૂત રીતે બનાવી છે. યુરોપિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ૨૦ વરસ બાદ કોઈ ભારતીય ફિલ્મ પહેલીવાર પ્રવેશી અને તેને એવોર્ડ પણ મેળવ્યો. આ ફિલ્મ શાસ્ત્રીય સંગીતના ઘરાનાની કેટલીક વિસરાઈ ગયેલી પરંપરાને દર્શાવે છે. મુંબઈમાં દાદર, તારદેવ, ગિરગાંવ અને પાર્લા ઈસ્ટમાં હજુ સુધી આવા નાના પણ કટ્ટર શાસ્ત્રીય સંગીતના ઉપાસકો હતા. એમની વાતો કિવંદતી રીતે કહેવાતી.
ફિલ્મનો નાયક શરદ આ પરંપરામાં રહીને શાસ્ત્રીય સંગીતની ઉપાસના કરે છે. સ્ટોરીલાઈન ૨૦૦૬ની સાલથી શરૂ થાય છે. શરદની અંદર અને બહાર બદલાતી દુનિયા અને મંથનને ચૈતન્યએ બખૂબી પકડી છે. એક મુલાકાતમાં ચૈતન્યએ કબૂલ્યું છે કે આ ફિલ્મના નાયક સાથે ચૈતન્ય પોતે રિલેટ થઈ શકે છે કારણ કે તે પોતે પણ કમર્શિયલ નહીં પણ ક્લાસિક ફિલ્મો બનાવે છે. તેની પહેલી ફિલ્મ હતી કોર્ટ. આ ફિલ્મ મરાઠીમાં છે પણ તેના સબટાઈટલ અંગ્રેજીમાં છે. આ ફિલ્મ ફક્ત મરાઠી બનીને નથી રહી ગઈ તે વૈશ્વિક સ્તરે અપીલ કરી શકે છે કારણ કે પરંપરિત કળા આજે દરેક જગ્યાએ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. ઈન્ડિયન આયડલ જેવા કાર્યક્રમોને પણ તટસ્થતાથી ફિલ્મનો અભિનેતા શરદ જુએ છે પણ પોતે બાળપણથી સિંચાયેલી પરંપરાને જડમૂળથી ઉખાડીને ફેંકી શકતો નથી કારણ કે તેને એની કિંમત સમજાય છે. શુદ્ધ કલા બજારને અનુરૂપ વેચાવી જોઈએ કે નહીં એ સવાલને સહજ રીતે ફિલ્મમાં મૂકી દીધા છે. માર્કેટ ઊભું કરવામાં ધ્યાન ન આપતી કલા કેવી રીતે હાંસિયામાં ધકેલાઈને વિસરાઈ જઈ શકે છે તે ચૈતન્યએ ફિલ્મ અને દૃશ્યો દ્વારા હૃદયસ્પર્શી રીતે આપણી સમક્ષ લઈ આવે છે. આ ફિલ્મ એક એવા જગત વિશે વાત કરે છે જે હતું હવે નથી રહ્યું. એવા માણસો હતા જે ફક્ત સંગીત માટે ફના થઈ જવા તૈયાર હતા. ફક્ત પૈસાનો વિચાર ન કરતા. એ ખોટા હતા કે આ વિકાસ ખોટો છે એ વિચાર જગાડતી આ ફિલ્મ જોવી રહી. જેમને ખરેખર કંઈક જુદી ફિલ્મ જોવી હોય તેમને માટે આ ફિલ્મ લ્હાવો છે. નેટફ્લિક્સ દ્વારા આવી ફિલ્મો પણ આપણી સમક્ષ આવે છે એનો આનંદ. ફિલ્મમાં પીડા છે પણ હિંસા કે સેક્સ નથી. સેક્સ અને હિંસાની માર્કેટિંગ સ્ટ્રેટેજીની દુનિયામાં આ ફિલ્મ ઉફરી ચાલે છે.
લેખક, દિગ્દર્શક, એડિટર - ચૈતન્ય તામ્હાણે
સિનેમેટોગ્રાફર - માઈકલ સોબોસિન્કી
અભિનય - આદિત્ય મોડક, અરુણ દ્રવિડ
0 comments