કંટાળાજનક લાગી શકે પણ જોવી જ જોઈએ - ધ ગ્રેટ ઈન્ડિયન કિચન

02:18








મલયાલમ ફિલ્મ ગ્રેટ ઈન્ડિયન કિચન જોઈને ખૂબ નવાઈ લાગી. ભારતીય ગૃહિણી ઉપર ભાગ્યે   કોઈ ફિલ્મ બનાવતું  હોય છે. પહેલાં બંગાળી અને હિન્દીમાં બનેલી ફિલ્મ પરોમા જોઈ હતી. ઈંગ્લીશ વિગ્લીશ પણ ખરી પરંતુ, ગૃહિણી અને રસોડું બેને સાંકળતી ફિલ્મ પહેલીવાર જોઈ. ફિલ્મ મોટાભાગના પુરુષોને કંટાળાજનક લાગશે. કેટલાકને તો ફિલ્મ નકામી લાગશે. પણ સમજદાર સ્ત્રીઓને નારી સંવેદનાની ફિલ્મ જોઈ થશે, હા આવું તો બને છે ભારતીય ઘરોમાં. જીઓ બેબી લિખિત અને દિગ્દર્શિત ફિલ્મમાં આમ કોઈ વાર્તા નથી. કારણ કે ગૃહિણીના જીવનમાં એકઢાળિયાપણું હોય છે. નવું કશું બનતું નથી હોતું. ફિલ્મ જોવાની શરૂઆત કરી ત્યારે હતું કે કિચનને ગ્લોરિફાય કરીને કોઈ ફિલ્મ બની હશે. અથવા તો રસોડાની આસપાસ રચાતી કોઈ વાર્તા હશે. પણ એનાથી વિપરીત સામાન્ય ગૃહિણી અને તેના રસોડાની વાત જે વાસ્તવિકતાની ખૂબ જ નજીક છે. 

ફિલ્મની શરૂઆતમાં નૃત્ય શીખતી છોકરીની આંખોમાં તરવરાટ દેખાડે છે. બીજા દૃશ્યમાં તેને જોવા માટે છોકરો આવે છે  જે મોટા ખાનદાન ઘરનો હોય છે. પહેલીવાર છોકરો-છોકરી વડિલોની હાજરીમાં મળે છે અને જે સંકોચ થાય તે દૃશ્ય આબેહુબ લીધું છે. ત્રીજું દૃશ્ય લગ્ન બાદ છોકરીને સાસરામાં પ્રવેશ કરતી દર્શાવે છે. ચોથા-પાંચમા-છઠ્ઠા-…….દસમાં દૃશ્ય દરમિયાન શાક સમારવું, સાંભાર, ચટણી, ઢોસા બનાવવા, પુરુષોને ગરમાગરમ પીરસવું, તેઓ ખાઈ લે એટલે તેમણે ગંદા કરેલાં ટેબલ પર બેસી સાસુ-વહુ ઠંડો થયેલો નાસ્તો કરવા બેસે. પછી ગંદકી સાફ કરવાની. વળી જમવાનું બનાવવાની તૈયારી, વળી સાફસફાઈ, ઘરમાં કચરા-પોતાં કરવા, કપડાં ધોવાના વગેરે સાંજે ઘરના આંગણામાં દીવો કરવો, રાત્રે જમવાનું બનાવવાનું, વળી સાફસફાઈ એમાં આખા રસોડાની સફાઈ પણ ખરી. બધું પતાવી સવારના નાસ્તા માટેની તૈયારી કરીને સૂવા જવાનું. બધા દરમિયાન પુરુષો ફોન પર હોય, યોગાસન કરે, છાપા વાંચે. પુરુષોને ટુથબ્રશ પર ટુથપેસ્ટ લગાવીને આપવાથી માંડીને બહાર જાય ત્યારે ચપ્પલ પણ વગર કહ્યે તેમના પગ પાસે મૂકી દેવાની ફરજ ડબલ ગ્રેજ્યુએટ ગૃહિણી બજાવે. સતત કામ કરે, તેની બોડી લેગ્વેંજમાં ક્યાંય તેનું અસ્તિત્વ દેખાય નહીં. તે બોલે નહીં બસ કામ કરે. જમવાનું પણ પુરુષને ભાવે એવું હોવું જોઈએ. ગેસ પર કુકરમાં બનાવેલો ભાત નહીં. ચૂલા પર બનાવેલો ભાત . મિક્સરમાં વાટેલી ચટણીનો સ્વાદ આવે નહીંવગેરે વગેરે સ્ત્રી ચુપચાપ કામ કરે ત્યાં સુધી વાંધો નથી આવતો પણ જ્યારે સહેજ પણ બોલે તો બસ તે માફી માગે ત્યાં સુધી ગુનેગાર. પોતાનો મત કે ગમોઅણગમો વ્યક્ત કરવાનો હોય. મહત્ત્વકાંક્ષાનો તો સવાલ નથી આવતો. નોકરી કરવા જવાનો વિચાર કરે તો ઘરની વ્યવસ્થા પડી ભાંગે એટલે પારંપરિક રીતે સ્ત્રીએ જીવવાનું. સવાલો કર્યા વિના. જો એવું કરે તો સ્ત્રી બહાર જતી રહે તેની જગ્યા લેવા બીજી સ્ત્રી તરત આવી જશે. બધું કર્યા બાદ રાત્રે પુરુષની ઈચ્છાપ્રમાણે સેક્સ કરવાની વાત પણ ખરી . સ્ત્રીની ઈચ્છા રસોડામાં નહીં અને પલંગમાં પણ હોય નહીં. વળી આમાં દેખીતી હિંસા કશે જ નથી કારણ કે ખાનદાન પરિવારની આ વાત છે. 

સિવાય સ્ત્રીને જ્યારે માસિક આવે ત્યારે આવા ઘરમાં થતી અગવડ અને સ્ત્રીઓની તકલીફોની વાત પણ વણી લેવાનો પ્રયાસ થયો છે. સબરીમાલા અંગે થયેલા વિવાદને પણ દિગ્દર્શક અડી લેવાનું ચૂકતા નથી. ભારતીય નારીની ડોક્યુમેન્ટરી જેવી ફિલ્મ છે એવું કહી શકાય.  ભારતમાં મોટાભાગની સ્ત્રીઓ જે રીતે જીવે છે તેનું રૂટિન દર્શાવતી ફિલ્મ એટલે ગ્રેટ ઈન્ડિયન કિચન. પ્રાઈમ વિડિયો ઉપર જોઈ શકાય. અંગ્રેજી સબટાઈટલ ફિલ્મ સમજવામાં સહાયક બને છે. 

You Might Also Like

0 comments