ખરેખર આપણે પ્રેમ ઈચ્છીએ છીએ! ‘ હમભી અકેલે - તુમભી અકેલે ’ની વાત ‘કુછ ભીગે અલ્ફાઝ’ સાથે.
02:03
ઓટીટી પ્લેટફોર્મ પર આપણને ચોઈસ મળી રહે છે જુદી ફિલ્મો જોવાની ગયા અઠવાડિયે બે ફિલ્મો જોઈ. બન્નેમાં નવા ચહેરાઓ હતા. બન્નેમાં પ્રેમકથા છે પણ સેક્સ કે હિંસા નથી. નરી પ્રેમની વાત છે. એવો પ્રેમ કે જેમાં કોઈ અપેક્ષા નથી કે સામી વ્યક્તિ કેવી હોવી જોઈએ. જાતિ, દેખાવથી પર થઈને થતાં પ્રેમની વાત. કોઈપણ બે વ્યક્તિ વચ્ચે પ્રેમ થઈ શકે છે.
પ્રેમને કોઈ જાતિ નથી હોતી. આપણે ત્યાં કૂતરાં-બિલાડાં જેવા પ્રાણીઓને પ્રેમ કરનારને કોઈ તકલીફ ન હોય પણ સમલૈંગિક પ્રેમ કે પછી તેમની અપેક્ષામાં ન બેસતો સ્ત્રી-પુરુષ વચ્ચેનો પ્રેમ પણ લોકો સ્વીકારી નથી શકતા. પ્રેમ થાય છે ત્યારે સામી વ્યક્તિ જેવી હોય તેવી એનો સ્વીકાર થાય છે. તેને બદલવાનો પ્રયત્ન નથી થતો. બસ ત્યાં ફક્ત પ્રેમ હોય છે, શરીર ત્યાં મહત્ત્વનું નથી હોતું. આ ફિલ્મો જોયા બાદ વિચાર આવ્યો કે આપણે ત્યાં લગ્ન અને પ્રેમ સેક્સ માટે જ થાય એવું મોટાભાગના માને છે.
દિગ્દર્શક ઓનીરની ફિલ્મ કુછ ભીગે અલ્ફાઝ નેટફ્લિક્સ પર અને હરીશ વ્યાસની ફિલ્મ હમભી અકેલે - તુમભી અકેલે ડિઝની હોટસ્ટાર પર છે. બન્ને ફિલ્મો બધાને ગમે જ એવું નહીં. જુદી વાર્તા અને સંબંધોની વાત જોવા માટે ફાલતુ સમય હોય તો ઓનીરની ફિલ્મ જોવી અને બીજું કશું જ ન કરવા જેવું હોય તો હમભી અકેલે - તુમભી અકેલે પણ જોઈ શકાય. ઓનીરની કુછ ભીગે અલ્ફાઝમાં ચહેરા પર સફેદ ડાઘ ધરાવતી છોકરીના ભાવવિશ્વની વાત છે. ગીતાંજલી થાપાનો અભિનય ખૂબ સરસ છે. કાશ્મીરી છોકરો ઝૈન ખાન દુરાની પણ સારો છે. આખી વાર્તા કહીને મજા નહીં બગાડું. ફિલ્મમાં થોડીઘણી નબળાઈ છે પણ એકંદરે સારી છે. એકવાર જોઈ શકાય.
જ્યારે હમભી અકેલે - તુમભી અકેલેમાં સમલૈંગિક સંબંધોની વાત છે. ફિલ્મનો મધ્યવર્તી વિચાર સારો છે, ફિલ્માવી પણ સારી રીતે છે પણ અનેક નબળાઈઓ રહી ગઈ છે તે ટાળી શકાઈ હોત. ક્યાંક બીનજરૂરી લંબાવાઈ છે તો ગીતો નબળા છે. ઝરીન ખાન અને અંશુમાન ઝાનો અભિનય ઠીક છે.
0 comments