દીઠી આંતરિક અનુભૂતિની ઝાંખી કરાવતી મરાઠી ફિલ્મ

13:06






વીતેલા કોરોનાના સમયમાં આપણે સૌએ અનુભવ્યું કે મૃત્યુનો ઓછાયો  આપણને જીવનથી કેટલા દૂર કરી દે છે. બીજાના દુખને આપણે સમજી શકીએ છીએ પણ ખરેખર બીજાની પીડા આપણને આપણી પીડા જેવી કનડતી નથી . આવું કંઈક મરાઠી ફિલ્મ દીઠીનું પાત્ર બોલે છે ત્યારે આપણા હૃદયમાં સુન્નતા વ્યાપી જાય છેમોટાગજાની મરાઠી ફિલ્મ દિગ્દર્શકા સુમિત્રા ભાવેની છેલ્લી ફિલ્મ. તેમણે દુનિયા છોડીને જતાં પહેલાં જીવન અને મૃત્યુને શબ્દોની પેલે પાર જઈને કચકડે મઢવાનો પ્રયત્ન કર્યો અને તેમાં તેઓ સફળ રહ્યા. ફિલ્મની વાર્તા આમ તો મૃત્યુની વાર્તા છે પણ સમજણની અનુભૂતિ માતમમાંથી આનંદના નૃત્યમાં પરિણમે છે

સુમિત્રા ભાવે ફિલ્મનું ભણ્યા નહોતા કે તો તેઓ ફિલ્મી પરિવારમાંથી આવતા હતા, પણ તેમની સમજણ સમાજસેવામાંથી ઊગી હતી. સમાજના દરેક પાસાંને તેમણે આત્મસાત કર્યા હોવાથી તેમાંથી બનતી ફિલ્મો પોતાનો અલગ મિજાજ લઈને દર્શકોને ભાવમાં ભીંજવી નાખવા સમર્થ છે. સુમિત્રા ભાવે અને તેમના સાથી સુકથનકરે અનેક સુંદર મરાઠી ફિલ્મો આપણને આપી છે. તેમાંથી મોટાભાગની ફિલ્મોએ નેશનલ એવોર્ડ મેળવ્યા છે. ડી.બી. મોકાશીની વાર્તા પરથી બનેલી ફિલ્મને એક અષાઢી કવિતાની જેમ ફિલ્માવવામાં આવી છે. ફિલ્મ ભારતીય ગ્રામ્ય વિસ્તારની વાત આપણી સમક્ષ મૂકી જીવનનો મર્મ વારકરીના સુફીપણામાં કોઈ ઉપદેશ વિના સમજાવે છે. મહારાષ્ટ્રના એક નાનકડા ગામડાના એક રામજી લુહારની વાત છે. રામજીએ પંઢરપુરની યાત્રા જીવનના ત્રીસ વરસ સુધી દર અષાઢમાં વારકરીઓ સાથે કરી હોય છે. વારકરી એટલે ભગવાનના ભજન ગાતાં ચાલતા અષાઢી એકાદશીએ પંઢરપુર વિઠ્ઠલના મંદિરમાં પહોંચે. રામજીનો એકનો એક દીકરો હવે એટલો મોટો થઈ ગયો છે કે તેના સર્વ ભાર ઉપાડી લઈને રામજીને નિવૃત્તિની નિરાંત આપવા સમર્થ છે. રામજીનો દીકરો નદીના પુરમાં તણાઈ જાય છે અને રામજીનો જીવન પરથી, ભગવાન પરથી વિશ્વાસ ઊઠી જાય છે. એની ગર્ભવતી પુત્રવધૂ આઘાતમાં સમય પહેલાં દીકરીને જન્મ આપે છે, પણ રામજીને હવે કશામાં રસ નથી. આઘાતની કળ વળતી નથી. પુત્રવધૂને પૌત્રી સાથે સ્વીકારવાની ના પાડી દે છે. બાળકીનું મોઢું જોવા તૈયાર નથી. ગામમાં તેના મિત્રો સાથે નિયમિત થતાં સત્સંગમાં પણ તેનું ચિત્ત જોડાતું નથી. એના મિત્રો તેનું દુખ જોઈ શકતા નથી. લોકોને લાગે છે કે આપણે કોઈની પીડા હકિકતમાં અનુભવી શકતા નથી ફક્ત તેની દયા ખાઈ શકીએ છીએ. પણ ફિલ્મમાં કંઈક એવું બને છે કે દુખ-સુખ, જીવન-મૃત્યુ વચ્ચેની ભેદરેખા રહેતી નથી. રહે છે તો ફક્ત આનંદમય નૃત્ય જે ખરી અનુભૂતિ છે

જેમને જીવનના ખરા રહસ્યની શોધ હોય, જેમને મનોરંજન માટે નહીં પણ ફિલ્મના સાહિત્યમાં રસ હોય, ભારતીય સંસ્કૃતિ અને ગ્રામ્યજીવનમાં રસ હોય, એમણે ફિલ્મ જોવી જોઈએ. અભિનયને અતિક્રમીને સહજ પાત્ર બની જતાં કિશોર કદમ, દિલીપ પ્રભાવળકર, મોહન અગાશેગીરીશ કુલકર્ણી  માટે  પણ ફિલ્મ જોવા જેવી છે. અંગ્રેજી સબટાઈટલ મરાઠી જાણનારા માટે છે. તે છતાં અનુભૂતિને કોઈ ભાષાની જરૂર નથી હોતી

You Might Also Like

0 comments