સોનલ શુક્લ ખરેખર મૃત્યુ પામ્યા ?

11:38

 



                                                 સોનલબહેન  અને હિમાંશુભાઈ 





સોનલબહેન ફાયરબ્રાન્ડ હતા એવું કહેવાય છે પણ જ્યારે એમને મળી ત્યારે તેમની વાતોમાં એમણે સહેલી પીડા અને સંઘર્ષની વાત જાણવા મળતી. તેમણે શું કામ કર્યું વિશે તો સૌએ લખ્યું અને લખાશે પણ અંગત રીતે  સોનલબહેન ખૂબ સારા ગૃહિણી અને યજમાન હતા.  તેમને મળતી દરેક વ્યક્તિને પારસની જેમ સ્પર્શ કરી શકતા હશે. દરેકને કંઈક પ્રેરણા તેઓ પાણીની જેમ પીવડાવી શકતા હશે. વિમેન્સ સ્ટડીઝમાં માસ્ટર્સ કરતી હતી ત્યારે એમનો સઘન પરિચય થયો ત્યારે ખ્યાલ આવ્યો કે બીજાને સતત મદદરૂપ થવાનો તેમનો સ્વભાવ સહજ હતો. મદદ કરતી સમયે તેમનો ભાર વર્તાય તેની કાળજી પણ રાખતા. નારીવાદી હતા પણ તેમનું લગ્નજીવન સુખી હતું. ઝગડા તો દરેક પતિપત્ની વચ્ચે થાય પણ જો પ્રેમ હોય તો એકબીજાની કાળજી પણ લેવાય. સોનલબહેન અને ડોકટર હિમાંશુભાઈ બન્ને વિદ્વાન, બુદ્ધિશાળી અને સમજદાર હતા. સોનલબહેન હંમેશા હિમાંશુભાઈના વાંચનના વખાણ કરે. ડોકટરને બધું વાંચેલું યાદ રહે. તેમની ટીકા કે વખાણ બધું સહજતાથી એમની સામે થાય. સોનલબહેન પાર્ટી આપે ત્યારે એમના રસોડામાં કોઈ બીજી સ્ત્રીને જવાની મનાઈ. હું તમારા ઘરે આવું ત્યારે તમારા રસોડામાં આવું તેમ મારા રસોડામાં કોઈ આવે તે ગમે નહીં. મદદનીસ બહેનો એમને ત્યાં હોય તો પણ દરેક મહેમાનોને ડિશ મળે અને દરેક જણ ખાય તેનું ધ્યાન રાખે. તેમની વ્યવસ્થા શક્તિ ગજબ હતી. તેમની મુક્તિના વિચારો પોકળ નહોતા. તેઓ ખરા અર્થમાં મુક્ત હતા. લોકોને બતાવવા માટે કે માનઅકરામ મેળવવા માટે તેમણે કામ નથી કર્યું. તેમને ગમ્યું અને દરકાર હતી એટલે કામ કર્યું. અન્યાય તેઓ સાંખી નહોતા શકતા એટલે તેમણે અન્યાયનો વિરોધ કર્યો. સ્ત્રી સ્ત્રીની દુશ્મન હોય તે ઉક્તિને ખોટી પાડવા માટે એમણે તેમના સંપર્કમાં આવતી દરેક સ્ત્રીઓને તેમની પોતાની રચનાત્મકતા સાથે ઓળખ કરાવી તે તરફ વધુ ધ્યાન આપવા પ્રેરિત કરતા. તેમનું વ્યક્તિત્વ કોઈના પર હાવી થતું તે છતાં તેમનું આગવું સ્થાન જાળવી રાખતા. તિક્ષ્ણ નિરિક્ષણ શક્તિ તેમણે કેળવી હતી. તેમની આંખો સામી વ્યક્તિને આરપાર માપી લેતી પણ કદીય ક્યારેય કોઈને નીચે પાડે. ખૂબ વાંચવું, ફરવું, ખાવા-પીવાનો શોખ પણ સાથે કામ કરવામાં પાછા પડ્યા. કોઈપણ જાતનો ઢંઢેરો પીટ્યા વિના તેમણે ગરીબ છોકરીઓને ભણાવવાનું, કેળવવાનું અને આત્મનિર્ભર બનાવવાનું કામ કર્યાં કર્યું. અનેક કાર્યકરો તૈયાર કર્યા. માટે જાતે ઘસાયા. પોતાના ઘરને ઓફિસ બનાવી. તે માટે ડોકટરે તેમને ક્યારેય ટોક્યા નથી પણ સગવડ કરી આપી છે તે કહેવાનું ચૂકતા નહીં. પતિવ્રતા દેખાતી સ્ત્રીઓને પતિની ટિકાઓ કરતાં સાંભળી છે પણ સોનલબહેનના મોઢે મેં હિમાંશુભાઈના વખાણ સાંભળ્યા છે. સોનલબહેનનું જીવન તેમને મળતી દરેક સ્ત્રી માટે પ્રેરણારૂપ હતું. ગુસ્સો કરે, માથાભારે પણ લાગે તે છતાં બધાથી વધારે તેમનો પ્રેમ કરવાનો અને કાળજી લેવાનો સ્વભાવ તમને સ્પર્શ્યા વિના રહે. 

તેમણે ખૂબ લખ્યું. વરસો સુધી લખ્યું પણ તેમની હયાતી દરમિયાન એમણે પોતાના લેખોનું એકપણ પુસ્તક તૈયાર કર્યું. તેઓ ખરા અર્થમાં મુક્ત હતા. ભગવાનમાં નહોતા માનતાં પણ ખરા અર્થમાં આધ્યાત્મિક હતા. ભરપૂર મોજથી જીવતાં પણ તે છતાં નિસ્પૃહ હતા.  માનઅકરામ પાછળ તેમણે ક્યારેય દોટ નથી મૂકી. સોશિયલ મિડિયા ઉપર પણ તેમણે ક્યારેય એમના લેખ નથી મૂક્યા કે પોતાના કામ વિશે નથી લખીને શેખી નથી મારી. તેમની નબળાઈ નહીં પણ સબળાઈ હતી. કારણ કે તેઓ લોકોને બતાવવા માટે કામ નહોતા કરતાં પણ સમાજમાં બદલાવ લાવવા માટે કામ કરતાં હતાં. તેમને મળેલી દરેક સ્ત્રીની પાસે સોનલબહેને તેમને શું આપ્યું તેની વાર્તા હશે . સોનલબહેન સમાજ માટે કામ કરતાં પણ સહજતાથી અંગતજીવન પણ જીવતાં એટલે તેઓ છેલ્લે સુધી કામ કરતાં રહ્યાં. લોકોને પ્રેમ કરતા રહ્યા. કારણ કે કામ વિના તેમણે અનેકવાર લોકોને બસ કેમ છો પૂછવા ફોન કર્યાં હશે એટલે તેમણે પોતાનાથી નાની ઉંમરના અનેક મિત્રો છે જે આજે પણ તેમના નામે ચિયર્સ કહી શકે છે. તેમને અગ્નિદાહ આપ્યા બાદ સહજતાથી તેમની યાદ વાગોળી શકે છે. તેમને યાદ કરતાં તેમનો ગુસ્સો દેખાય પણ તેની પાછળનો પ્રેમ દિવા જેવો સ્પષ્ટ દેખાય. આજે પહેલીવાર મેં કોઈ ચિતાના અગ્નિદાહ આપવાના લાકડાને સ્પર્શ કર્યો ત્યારે સોનલબહેનમાં માતૃત્વના દર્શન પણ થયા. સોનલબહેન આટલા નજીક આવી ગયા હતા તેનો ખ્યાલ પણ આવ્યો. સોનલબહેનને અગ્નિદાહ અપાયો ત્યારબાદ તેમના ઘરે જઈને મીનલબહેન, શીલા ભટ્ટ, વર્ષા પાઠક સાથે તેમની વાતો વાગોળી ત્યારે લાગ્યું કે સોનલબહેન અમારી યાદોમાં વધુ જીવંત થયા છે. ઘર જ્યાં સોનલબહેન સાથે અનેકવાર મળ્યા છીએ ઘરમાં હવે ક્યારેય કોઈને મળવા નથી જવાનું એનું દુખ અનેકગણું હતું. પાર્લાનું  મકાનને ઘર બનાવ્યું હતું સોનલબહેને. હવે નથી તો ઘર પણ નથી અહેસાસને પચાવતાં વાર લાગશે. એમનો નંબર મોબાઈલમાંથી ડિલિટ કરતાં વાર લાગશે. એમનો અવાજ કાનમાંથી ભૂસાતાં વાર લાગશે. મારી જેમ અનેક છોકરીઓના જીવનમાં તેમણે સહજતાથી પ્રવેશ કર્યો હશે અને તેમનું જીવન બદલ્યું હશે. એક સોનલબહેન હવે અનેક હૃદયમાં જીવશે. 


સોનલબહેનને મળવાનું બહાનું હવે નથી. 


કેટલીક વ્યક્તિઓ ધડામ કરતી તમારા જીવનમાં આવી પડતી હોય છે. તો કેટલીક વ્યક્તિઓ ખૂબ સહજતાથી તમારા જીવનમાં પ્રવેશતી હોય છે. સોનલ શુક્લ બીજા પ્રકારની વ્યક્તિ હતા. પહેલીવાર તેમને લગભગ પાંત્રીસેક વરસ પહેલાં મળી હતી. મજલિસ સંસ્થાની કોઈ મિટિંગ હતી તેમના ઘરે અને હું કાલબાદેવીથી પાર્લા પહોંચી હતી. પહેલીવાર તેમના ઘરે પહોંચી ત્યારે આખું ઘર હું જાણતી હોઉં તેવી સ્ત્રીઓથી ભરેલું હતું. ત્યાં દરેક સ્ત્રીને આવકાર મળતો હતો. સોનલબહેનને મેં વાંચ્યા હતા અખબારમાં સિવાય કશું તેમના વિશે જાણતી નહોતી. મજલિસ સંસ્થાના સ્થાપક મધુશ્રી દત્તા બોલવાના હતા. વિષય યાદ નથી. તેમના વક્તવ્ય બાદ ચર્ચા અને પછી ચા-બિસ્કિટ ખાઈને છૂટા પડ્યા હતા. પહેલીવાર હું નારીવાદી સ્ત્રીઓને મળી રહી હતી અને જોઈ રહી હતી. હું જે સમાજમાં રહેતી હતી તેમાં મારી આસપાસની સ્ત્રીઓ કરતાં સ્ત્રીઓ વધુ મુક્ત લાગી. વિશ્વ પોતીકું લાગ્યું. પછી તો ઘરમાં ફિલ્મ શો માટે પણ બીજીવાર ગઈ. સોનલબહેને મને સહજતાથી કહ્યું હતું કે તારે આવી મિટિંગોમાં આવતા રહેવું. તે સમયે હજી હું ભણી રહી હતી. મારા અસ્તિત્વની ઓળખ હજી મને મળી નહોતી. ત્યારબાદ હું પત્રકારત્વમાં પ્રવેશી અને લગ્ન કર્યા. અને કાળક્રમે  સોનલબહેનના ઘરની નજીક અમારું ઘર બન્યું. પત્રકારત્વમાં અનેક લેખોમાં મારે સોનલબહેનનો અભિપ્રાય લેવાનો હોય કે સોનલબહેનની મુલાકાત લેવાનું થતું. ધીમે ધીમે એમની સાથે ઘરોબો ક્યારે બંધાયો તે ખ્યાલ આવ્યો. 

સોનલબહેનનું વ્યક્તિત્વ મને ખૂબ આકર્ષતું. વિદુષી સ્ત્રી પણ નમ્ર સ્વભાવ. બિન્દાસ પોતાના અભિપ્રાય સ્પષ્ટ રીતે વ્યક્ત કરે. શરૂઆતમાં મને લાગતું કે તેઓ મારું નિરિક્ષણ કરે છે. મને અનેક સવાલો પૂછતા. એમના સવાલોમાં ક્યારેય મને ઉતારી પાડવાની ગંધ નહોતી આવતી. તેઓ ખૂબ વ્યસ્ત હોય વાચાના કામમાં તે ખ્યાલ આવતો એટલે કામ સિવાય મળવાનું બનતું નહીં. એકવાર મને કહે કે વાચાની લાયબ્રેરી જોવા જેવી છે. પછી તો વાચાની એક મિટિંગમાં હું સાન્તાક્રુઝમાં મ્યુનિસિપાલટી શાળામાં આવેલી વાચાની ઓફિસમાં ગઈ. ત્યાં લાયબ્રેરી જોઈ એની મેમ્બર બની. કામકાજમાં ખાસ ત્યાં જવાતું નહીં પણ ક્યારેક પુસ્તકો લેવા ત્યાં પહોંચી જતી અને એક નવી દુનિયાનો પરિચય મને ત્યાં થવા લાગ્યો. 

સોનલબહેનની નજર સતત બધે હોય નોંધતી. તેમની સાથે ગપ્પા મારવાની મજા આવવા લાગી. તેમનું મારા તરફ ધ્યાન હોય પણ ક્યારેય તેમણે મારા પર હાવી થવાની કે કોઈ સલાહ આપવાનો પ્રયત્ન નહોતો કર્યો. પત્રકારત્વમાં પહેલીવાર મેં જ્યારે પંદરેક વરસ પહેલાં મેં દિવ્ય ભાસ્કરમાં આજની નારી કોલમ લખવાની શરૂઆત કરી ત્યારે એકવાર સોનલબહેનનો ફોન આવ્યો. દિવ્યાશા તું સારું લખે છે. મને થયું અરે સોનલબહેન જેટલું મારું જ્ઞાન નથી કે અનુભવ નથી તો પણ એમની નમ્રતા કે મારું વાંચે. પછી તો  ખબર પડી કે ક્યારે તેઓ મારા મિત્ર બની ગયા. અવારનવાર મળવાનું બનતું. કોઈ મિટિંગમાં તો કોઈ કાર્યક્રમમાં તો વળી તેમના ઘરે પાર્ટીમાં. પછી તો સારો લેખ લખાયો હોય તો તરત ફોન કરે અને મને કહે કે બસ તું લખવાનું છોડતી નહીં. છેલ્લા દસ વરસમાં અમે ખૂબ નજીક આવ્યા. એમાં ચાર વરસ પહેલાં મેં જ્યારે વિમેન્સ સ્ટડીઝમાં માસ્ટર કરવાનું શરૂ કર્યું ત્યારે એમણે ખૂબ આનંદ વ્યક્ત કર્યો એટલું નહીં મને કહે કે મારી પાસે ઘણી ચોપડીઓ છે લઈ જજે વાંચવા. કોઈ તકલીફ હોય તો કહેજે. મેં કહ્યું કે મને અંગ્રેજીમાં લખતાં બીક લાગે છે. તો બસ મને કહે અરે હોય કંઈ, (હોય કંઈ- એમનો તકિયા કલામ શબ્દ હતો) હું અંગ્રેજીની પ્રોફેસર હતી, હું તને ટ્યુશન આપીશ. ક્યારથી આવીશ? એમના પતિ હિમાંશુભાઈની તબિયત સારી નહીં, તેમની પોતાની તબિયત પણ બહુ સારી નહીં. વળી વાચાના કામ હોય. તે છતાં અઠવાડિયામાં બે વાર મને ઘરે બોલાવે અને ભણાવે. વચ્ચે ખિજાય પણ ખરા પણ તેનું કંઈ ખરાબ લાગે. પછી તો વચ્ચે વચ્ચે તેમના જીવનની અનેક વાતો કરવા લાગ્યા. એમનો સંઘર્ષ, ગરીબીમાં ઉછેર, લગ્ન, નોકરીઓ અને સાથે અનેક વિટંબણાઓ વચ્ચે તેમનું નારીવાદી કામકાજ. એમને કહ્યું કે આત્મકથા લખોને…. તો હસીને કહેતાહોય કંઈ ….બહુ આગ્રહ કરું તો જોઈશું કહીને વાત ટાળે. કેટલીય વાતો પોતાની સાથે લઈને ચિતામાં સૂતા. વાતો હવામાં તરતી રહી ગઈ. લખાઈ નહીં. ગુજરાતી દરેક જાણીતી વ્યક્તિઓની અંદરબહારની વાતો તેમને ખબર હોય. ક્યારેક અધ્યાહારમાં વાતો કરે. તેમનું બાળપણ ખૂબ તકલીફદાયક હતું પણ વાત કરતી વખતે કોઈ બળાપો કે પીડા હોય. તેમની માતાના કમૃત્યુની પીડા તેમને છેલ્લે સુધી કનડતી રહી એવું લાગ્યું.





You Might Also Like

0 comments