ગોવાના અનેક રૂપ

01:51










 મુંબઈના કોન્ક્રિટ જંગલમાંથી  કોંકણ રેલમાં અમારી સવારી બહાર નીકળી કે કુદરતી જંગલ શરૂ થયું. મુંબઈથી એક કલાક દૂર કુદરતી સૌંદર્ય ટ્રેનની બારીમાંથી અમને શાતા આપતું વહી રહ્યું હતું. નદી, નાળા અને ડુંગરોની હારો હાર વિવિધ વૃક્ષોનો લીલો દરિયો એટલો મનમોહક લાગી રહ્યો હતો કે બારીમાંથી નજર ખસવાનું નામ નહોતી લેતી. લગભગ સાતેક કલાક લીલા દરિયાને મન અને દિલ ભરીને માણ્યા બાદ ગોવા રાજ્યના કરમળી સ્ટેશને ઉતર્યા. સ્ટેશન પણ લીલુંછમ્મતેની બહાર નજર નાખતા તળાવ દેખાયું. ક્યા વિશ્વમાં આવી ચડ્યા. ગોવાનો દરિયા કિનારો તો સુંદર છે પણ ગોવાનું પોતાનું આગવું વ્યક્તિત્વ નિતાંત લીલોતરીને લીધે ઠરેલું લાગે. ગોવા એટલે પાર્ટીઓનું શહેર એવી માન્યતા છે પણ ગોવાની આબોહવા અને પરિસર મેડિટેશન માટે પણ એટલું અસરકારક છે. વાતાવરણમાં એક જાતની નિરાંત ગોવા તરફના પ્રવાસમાં અમારી સાથે ચાલી રહી હતી. નિરાંતની આહલાદકતા માણતા દક્ષિણ ગોવાના દરિયા કિનારા તરફ પ્રવાસ શરૂ કર્યો પણ પહેલાં રસ્તામાં મંગેશી, મહાલ્સા અને શાંતાદુર્ગાના મંદિરે દર્શન કરવા રોકાયા. પ્રાચીન મંદિરોની ભવ્યતા લીલા ડુંગરોની ઓથમાં અને નાની તલાવડીની સંગમાં સત્સંગથી ઓછું નહોતું. મન અને હૃદય મૂક બની ગયા. ત્યાંના પવિત્ર આંદોલનો  છોળો આપણા સમગ્ર અસ્તિત્વને નિરાંતમય બનાવી દે. મંદિરોની ભવ્યતા તેના આર્કિટેકચરમાં છે. ઘૂમ્મટ, લાંબી પરસાળ જ્યાં ભક્તો બેસી શકે. આખો પરિસર સ્વચ્છ અને સુંદર.  ત્યાંના મંદિરો વિશે વળી ફરી એક લેખ લખીશું.

 

 મંદિરથી અગોન્દા બીચ તરફના રસ્તે સતત હરિયાળી સાથ આપતી રહી. અગોન્દામાં પ્રવેશતાં ગાઢ જંગલોની સુગંધ અને  ઠંડક સ્વાગત કરતાં વીંટળાઈ વળ્યા. રસ્તે આવતા નાના ઘરો અને ડુંગરાઓ અજાણ્યું લાગે એટલી હદે સહજતાથી સ્વાગત કરતા હોય તેવું લાગ્યું. ગામ શરૂ થયું તો જંગલ પૂરું નહોતું થતું. દરિયા કિનારે પહોંચ્યા બાદ પણ જંગલો કિનારાને અડીને ઊભેલા ડુંગરો પર અડિખમ અક્ષુણ્ણ સૌંદર્ય વેરી રહ્યા હતા. પ્રવાસીઓ હોવા છતાં અગોન્દાનો વિશાળ દરિયા કિનારો સ્વચ્છ અને મોકળાશભર્યો લાગ્યો. છએક કિલોમીટર લાંબો દરિયા કિનારો અને તેને અડીને ઊભેલી માળ વિનાની હોટલો. હકિકતમાં તો બીચ હટ અર્થાત ઝૂંપડીઓ. કેટલીક સાદી તો કેટલીક આધૂનિક સગવડોથી ભરપૂર, તેમાં ખાવાપીવાની શેક હોય જ્યાં તમે સવારના આઠથી મોડી રાત સુધી દરિયાનું સૌંદર્ય માણતા ખાણીપીણીનો આનંદ માણી શકો. બીચ હટની પાછળ કિનારાને સમાંતર એટલો લાંબો રસ્તો જેની બન્ને તરફ રેસ્ટોરન્ટ, હોટલ, ઘર અને દુકાનો હોવા છતાં માહોલ ગ્રામ્ય બજાર જેવો હતો. રસ્તાને એક છેડે નાની નદી જે સમુદ્રને મળે છે તેને પાર કરવા નાનો પુલ. તો રસ્તાને બીજે છેડે નાનો ડુંગર જેના પર એકાદ કિલોમીટર સુધી કેટલાક શાંત ઘરો અને પછી તરત શરૂ થાય જંગલ. અહીં ગાડીમાં ફરવાની મજા નથી. સ્કુટર પર ફરો તો હવા અને સુગંધ સાથે ગામની સાથે એક નાતો બંધાઈ જાય. નિરુદ્દેશે દરરોજ જુદા રસ્તાઓ પર અલગારી રખડપટ્ટી સહેજપણ ડર રાખ્યા વિના કરી શકાય છે.  સવાર-સાંજ કે રાત્રે દરિયા કિનારે ફરવાની મજા પણ અનોખી છે. સવારે ગામના કોળીઓ માછીમારી કરતાં દેખાય. દક્ષિણ છેડે આવેલા પથ્થરોને જોતા લાગે કે કેલિડોસ્કોપમાં જોતાં હોઈએ. આકાશ પર નજર કરો તો કથ્થઈ રંગના સફેદ માથું ધરાવતા ઈગલ સહજતાથી લટાર મારતાં નજરે ચઢે. સમુદ્રનો રંગ પણ પળપળે બદલાય. સાંજે સંધ્યાના રંગો તેને ગુલાબી કરી દે. સાંજે ગામના છોકરાઓ નાના કરચલાને બાટલીમાં ભરવાની રમત રમતાં હતાં. શું કરો છો પૂછ્યું તો કહે બસ કરચલા વીણીએ છીએ અને પછી તેને પાછા છોડી દઈશું. રોજ એકની એક રમત ઉત્સાહપૂર્વક રમતાં બાળકોને જોઈને નવાઈ લાગે. કલાકો સુધી રોજ રમત રમે. કુદરતનું સાંનિધ્ય તેમને કંટાળાનું ભાન નહીં કરાવતાં હોય. કંટાળો તો શહેરનું ફરજંદ. કશું કર્યા સિવાય ચોરા પર કે કિનારા પર ગ્રામ્યજનો કલાકો સુધી બેસે, ગપ્પા મારે. કોઈને કશી ઉતાવળ નથી. દુકાનમાં, રસ્તા પર કે તો ઘરમાં. સહજતાથી જીવન જીવાય છે. બહારથી આવતાં પ્રવાસીઓને તેઓ નડતાં નથી કે અવગણતાં નથી. તમે એમની સામે સ્મિત કરો તો સામે પ્રતિસાદ મળે અને બે ઘડી સહજતાથી વાત પણ કરે. 


એક સાંજે સ્કુટર પર રખડતાં અગોન્દાના એકાદ ડુંગરાળ રસ્તે અમે પહોંચી ગયા. રસ્તામાં અનેક બંગલાઓ આવ્યા. અચાનક એક તરફ દૂર સમુદ્ર દેખાયો. ડુંગર, જંગલ અને સમુદ્ર મળીને ગજબનું દૃશ્ય રચાઈ રહ્યું હતું. જોતાં વચ્ચે કેટલાક મકાનો દેખાયા. ત્રણથી ચાર માળ ઊંચા લગભગ ચારેક મકાનો…. પણ સાવ અવાવરુ. વરસોથી મકાનમાં કોઈ રહ્યું નહીં હોય. મકાન તરફ જોતાં   અનેક સવાલો થયા. ત્યાં આસપાસ કોઈ નહોતું. મકાનોમાં રહસ્યમય વાર્તાઓ વણાઈ હશે. કલ્પનાઓ કરવાનું મન થાય અને રહસ્ય કથા લખવાનું મન થાય એવું દૃશ્ય. ત્યાં મકાનની પાછળ એક હોસ્ટેલ નજરે ચઢી. હોસ્ટેલમાં કોઈક તો હશે જે કદાચ મકાનો વિશે કહી શકે ધારી અંદર ગયા. રહેવા માટે રૂમ જોઈતા હોય તો ખાલી નથી  એવું કહેતો એક છોકરો અમારી તરફ આવ્યો. અમે કહ્યું ના પણ અહીં રૂમ કેવા છે જો એકાદ ખાલી  હોય તો જોવા છે. હોસ્ટેલનો પરિસર અને આસપાસના પરિસરમાં શાંતિ હતી પણ શાંતિ રહસ્યમયી લાગી. શાંતિ તમને શાંત પણ કરે. શક્ય છે પેલા મકાનો તરફ અમારી દૃષ્ટિ હતી એટલે પણ વિચિત્ર શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. પેલા છોકરાનું નામ રવિ. તેને પૂછી લીધું કે મકાનો કેમ ખાલી છે ? તો રવિ કહેવા લાગ્યો હોટલ હતી પણ ત્યાં જે માળી હતો તેનું મૃત્યુ થઈ ગયું અને પછી તેની દીકરીનું પણ મૃત્યુ થઈ ગયું. કહેવાય છે કે ત્યાં કોઈ રહી શકતું નથી. જગ્યા દેવોના પસાર થવાના રસ્તે બંધાઈ છે. એટલે દેવ ત્યાં કોઈને રહેવા નથી દેતા. કોઈ વોચમેન પણ ત્યાં રહેવા તૈયાર નથી. એકવાર અહીંના એક વોચમેને કંઈક ત્યાં જોયું તો બીજે દિવસે એને તાવ આવી ગયો. આમ, રહસ્યમય થોડી વાત મળી.  જગ્યા ડુંગર ઉપર છે અને ત્યાંથી નીચે લીલોતરી અને દરિયો દેખાય છે. જગ્યા સુંદર પણ માણસો સિવાય મકાનોને લીધે ભેંકાર લાગી રહી હતી. આવી રીતે બીજા એક ડુંગર પર અધૂરું મકાન પણ છે. જો કે તેમાં કોઈ ભૂતની વાત નથી પણ ગેરકાયદે બંધાઈ રહેલી હોટલ હતી એટલે ત્યાં કામ પડતું મૂકાયું છે. 

અગોન્દામાં રહો તો રખડવા અને આરામ કર્યા સિવાય ખાણીપીણીની પણ જરૂર પડે . અગોન્દામાં અનેક રેસ્ટોરન્ટ અને શેક છે પણ કોપી દેશા બાર એન્ડ રેસ્ટોરન્ટ યુનિક છે. અહીં જાતભાતના સરસ કોકટેલ-મોકટેલતો મળે છે પણ કુદરતી યીસ્ટમાંથી બનતાં સાવાડો બ્રેડ અને પિત્ઝા ખાવા જેવા છે.  અગોન્દામાં ઝેસ્ટ નામની વિગન અને વેજીટેરિયન રેસ્ટોરન્ટ પણ સરસ છે. અહીં ઈટાલીયન વાનગી સરસ છે તો વિગન આઈસ્ક્રિમ અને કેકનો સ્વાદ માણવા જેવો છે.  તો સાવ સાદી  અગોન્દા કોર્નર જે એક નેપાલી પરિવાર ચલાવે છે ત્યાં તમે આંખમીચીને બધું ટ્રાય કરી શકો. તિબેટિયન અને ઈઝરાયલી વાનગીઓ આંગળા ચાટી જવાય એટલી સ્વાદિષ્ટ હતી. ત્યાંનો શેફ કમ વેઈટર કમ માલિક રવિ છે અને તેની પત્ની પુલક. આખા અગોન્દામાં અહીંની ચા એકદમ ઘર જેવી આદુવાળી તમને મળી શકે. 







You Might Also Like

0 comments