ચાઈનીઝ લેખક મા જીઆનની વાર્તાનું પુસ્તક ‘સ્ટીક યોર ટંગ આઉટ’ ઘરમાં જ હતું પણ વાંચવાનો વિચાર ન આવ્યો. કિતાબ કથાની બેઠકમાં ચાઈનીઝ વાંચવાનું નક્કી કર્યું ત્યારે હાથમાં લીધી. પાતળું ફક્ત ૯૬ પાનાંનું પુસ્તક. આ પુસ્તક તિબેટની એક જુદી દુનિયામાં લઈ જાય છે જેના વિશે કદી વાંચ્યું નથી, જોયું નથી. મા જીઆનની વાર્તાઓમાં એક લય છે. એ લય ફ્લોરા ડ્રુના અનુવાદમાં સાક્ષાત ઉતરે છે. તિબેટના ઊંચા પહાડો પર ઓછા ઓક્સિજન વચ્ચે સર્જાતી નિરવતા અને કાતીલ ઠંડીનો અનુભવ આપણને વાર્તાઓમાં થાય છે. ભાષા દ્વારા પણ તમને જે તે અનુભવ મળે ત્યારે વાર્તાકાર મજબૂત હોવાનો તાળો મળે છે. ૧૯૮૫માં મા જીઆને તિબેટનો પ્રવાસ કર્યો હતો. આ વાર્તાઓ એ પ્રવાસના ભાગરૂપે જ આવી હોવાનો અહેસાસ થાય છે. પહાડોમાં જીવતાં નોમેડ જાતિઓ. એટલે કે યાક અને ઘેટાંઓ લઈને ભટકતી જાતિઓનું જીવન પહાડોની રુક્ષતા, કાતિલ ઠંડા પવનો અને કઠણાઈઓથી ભરપૂર હોય છે. પ્રવાસ દરમિયાન લેખક મા જીઆને જે તિબેટ નો અનુભવ કર્યો છે એનું વર્ણન વાસ્તિવકતા અને કલ્પનામાં ભેળસળ થઈ જાય છે. એમની વાર્તામાં એક લય છે જે લય તમને તિબેટની ન જાણીતી એવી અનેક વાતો તરફ લઈ જાય છે જે વાંચતા ત્યાંના ઠંડા પવન જેવી કાતિલ અસર કરી શકે છે. વાર્તાઓ વાંચતા આપણને પ્રશ્ન થાય કે શું આ સાચું હોઈ? પરંતુ તિબેટને આપણે કેટલું જાણીએ છીએ? વાંચનની શરૂઆત પછી આ પ્રશ્નો ઉપસ્થિત થયા ત્યારે મને સમજાયું કે તટસ્થતા પૂર્વક કોઈપણ જાતના જજમેન્ટ વગર વાંચવું જોઈએ. લેખક જે દુનિયા બતાવવા માંગે છે તેનો ન્યાય નથી તોળવાનો પણ નવા અનુભવમાંથી પસાર થતાં બસ વાંચી જવી જોઈએ. કોઈ એક પ્રદેશમાંથી પસાર થતી વખતે એને તટસ્થતાપૂર્વક જોવું જોઈએ એવું સમજાય પછી આ વાર્તાઓ વાંચતા હલી ન જવાયું. આપણી દંભી શહેરી સભ્યતાઓ, શુગ વગેરે ફગાવવાની જરૂર જણાઈ. વાસ્તવિકતા અને કલ્પના બન્ને કઠોર પણ હોઈ શકે, ભિષણ પણ હોઈ શકે, ભયંકર હોઈ શકે, બિભત્સ હોઈ શકે, ચીતરી ચડે એવી પણ હોઈ શકે. એ વાસ્તવિકતા કે કલ્પન છે એને શહેરી સંસ્કારના ચશ્મા થી જોવાય નહીં. દુનિયાના દરેક પ્રદેશો નો પોતાનો આગવો સ્વભાવ હોય છે અને એ સ્વભાવ અનુભવ કરીને લેખક પોતાની લેખન શૈલીમાં આલેખ તો હોય છે. એટલે જ જ્યારે બીજા વિશ્વની વાર્તાઓ વાંચીએ ત્યારે એક જુદા જ પ્રદેશમાં પહોંચી ગયા ની અનુભૂતિ થાય છે
મા જીયાનની વાર્તાઓ પીપલ્સ લિટરેચર જર્નલમાં પ્રગટ થઈ હતી. તિબેટના એવી અજાણી વાતો પ્રગટ થાય છે કે જેને સ્વીકારવું ચીનની સરકાર માટે અઘરું હતું. તેમને લાગ્યું કે તિબેટનું ખરાબ ચિત્રણ લેખકે કર્યું છે. ચીને તિબેટ પર કબજો કર્યોં હતો અને તે વધુ કોઈ ટીકાઓ સ્વીકારવા તૈયાર નહોતા. એટલે ૧૯૮૭માં જ્યારે આ વાર્તાઓ પ્રગટ થઈ ત્યારે ચીનની સરકારે જર્નલની દરેક પ્રત જપ્ત કરી લીધી અને લેખક પર બ્લેન્કેટ પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રતિબંધ બાદ પીપલ્સ લિટરેચરની જેટલી પણ પત્ર બચી હતી તે કાળાબજારમાં હાથો હાથ વેચાઈ ગઈ હતી અને લગભગ મોટાભાગના ચાઈનીઝે એ વાંચી હતી. આ વાર્તાઓનો સંગ્રહ પુસ્તક રૂપે પ્રગટ થયા બાદ છેક ૨૦૦૬ની સાલમાં એનો અંગ્રેજી અનુવાદ થયો. ૧૯૮૭માં લેખક પર પ્રતિબંધ મૂકાયા બાદ તેમણે હોંગકોંગમાં સ્થળાંતર કર્યું. આજે મા જીઆન ફ્લોરા ડ્રુ અને ચાર બાળકો સાથે લંડનમાં રહે છે.
વાર્તામાં લેખકનું લગ્નજીવન ભાંગી પડે છે તેની હતાશામાંથી બહાર નીકળવા માટે તે તિબેટ ના પ્રવાસે નીકળી જાય છે. લ્હાસાની પાર રિમોટ તિબેટીઅન ગામમાં પહોંચે છે જ્યાં મૃત્યુ થયા બાદની ક્રિયાઓને સ્કાય બરીઅલ કહેવાય છે. તે ક્રિયાને બહારના લોકો જોઈ ન શકે. એમૃત્યુની ક્રિયાને આ લેખક પોતાના કેમેરામાં કેદ કરવા માંગતો હોય છે એ ગામમાં એક ચાઈનીઝ સૈનિકને મળે છે. તેની સાથે મિત્રતા કરી પોતાને મદદ કરવાની વાત કરે છે. એ ચાઈનીઝ સૈનિક એક હાલમાં જ મૃત્યુ પામેલી યુવતીની વાત કરે છે. સૈનિક એના પ્રેમમાં હોય છે. એ યુવતી પરણેલી છે એને બે પતિઓ છે. બન્ને ભાઈઓ છે. એ મૃત્યુ પામી ત્યારે ગર્ભવતી હતી. ગર્ભ પણ એના મૃતદેહમાં છે જ. બીજે દિવસે એનો અંતિમ સંસ્કાર થવાનો છે એ જોવા માટે એ લેખકને લઈ જાય છે. પેલી સ્ત્રીને તેના બે પતિઓ કે જે ભાઈઓ હોય છે એ ચોકમાં લઈ આવે છે નગ્ન કરીને સુવાડે છે એના અંગો કાપી કાપીને પક્ષીઓને ખવડાવે છે. આ બધા વર્ણન માં આપણને જુગુપ્સા થઈ શકે. લેખક પોતે પણ હલી ગયો હોય છે. એનો કેમેરો શી ખબર પણ જામ થઈ જાય છે. આ વાર્તા વાચકને સ્તબ્ધ કરી મૂકે છે. પાંચ વાર્તાઓમાં પહેલી વાર્તા પ્રથમ પુરુષમાં લખાઈ છે. તો બીજી વાર્તામાં નેરેટર છે.
બીજી વાર્તામાં પહાડી છોકરો જે શહેરમાં ભણવા ગયો હોય છે તે રજાઓમાં પોતાના કુટુંબને મળવા આવે છે. રખડતી આ પ્રજાતિઓનું સરનામું હોતું નથી. પૂછતાં પૂછતાં એ પહાડોમાં એ કુટુંબ શોધે છે. શોધ કરતાં ઊંચાઈ પર પહોંચે છે. ઘોડો ખોઈ બેસે છે. થાકી જાય છે. ખાવાનું ખલાસ થાય છે. તે તંદ્રામાં ચાલ્યો જાય છે. ત્યાં એના કુટુંબનું ટેન્ટ દેખાય છે. તે કલ્પના છે કે હકીકત છે એ સમજી શકાતો નથી. નાયક જે ચીનના શહેરમાં ભણવા ગયો હોય છે તે પાછો ભટકતી આદિવાસી જીવન માં આવે ત્યારે શહેર અને પહાડો વચ્ચેની તુલના થઈ જાય છે એ શહેરમાં હોય છે ત્યારે પહાડો ને યાદ કરે છે અને પહાડમાં આવે છે ત્યારે શહેરને યાદ કરે છે. સત્ય શું તે આપણે પણ વિચારવું પડે.
ત્રીજી વાર્તામાં લેખક એક પહાડી માણસના ટેન્ટમાં રાતવાસો કરવા રોકાય છે અને ત્યારે એ પહાડી વ્યક્તિની વાત સાંભળે છે એ વ્યક્તિ માન સરોવરની પરિક્રમાએ નીકળ્યો હોય છે એણે પોતાના પાપનો પ્રાયશ્ચિત કરવું છે એ પહાડોમાં પોતાની માતા સાથે એકલો મોટો થયો. મોટો થયો ત્યાં સુધી તે પોતાની માતાને ધાવતો હતો. પછી તેણે પોતાની માતા સાથે સંભોગ કર્યો, તેની માતા દીકરીને જન્મ આપે છે. દીકરી મોટી થતાં માતાનું મૃત્યુ થાય છે. એ પોતાની જ દીકરી ની સાથે પણ સંબંધ બાંધે છે અને હવે તેને એ બાબતનો પારાવાર પસ્તાવો થઈ રહ્યો હોય છે એ દીકરીના મોહમાંથી છૂટી શકતો નથી અને દીકરી હવે ક્યાંય દૂર શહેરમાં ભીખ માંગતી ગાંડી થઈને ભટકતી હોય છે. બૌદ્ધ ધર્મમાં વ્યક્તિ પરિક્રમા કરતાં મૃત્યુ પામે તો તેને પાપોમાંથી મુક્તિ મળે એવું કહેવાય છે.
ચોથી વાર્તામાં પૂર્વ જન્મના એક બૌદ્ધ સાધુ સ્ત્રી તરીકે જન્મવાના હોય છે. મઠ એ બાળકીને લઈ જાય છે. તેને ભણાવે છે. અને તે બાળકી મોટી થતાં બૌદ્ધત્વ પ્રાપ્ત કરવા માટે સાધના કરે છે. થીજી ગયેલી નદીમાં ધ્યાન કરતા મૃત્યુ પામે છે. લેખકને એના ખોપડીની કટોરી મળી હોય છે અને એ દ્વારા એની વાત આપણને કરે છે છેવટે લેખક એ ખોપડીને વેચી નાખવા માંગે છે જેને જોઈતી હોય તે 100 ડોલરમાં એની પાસેથી લઈ જાય એ વાક્ય પાસે વાર્તા પૂરી થાય છે.
પાંચમી વાર્તામાં એક ઝવેરી છે જે બૌદ્ધ મઠ માં કામ કરે છે એની પત્ની સુંદર છે પણ એની પત્ની બીજી વ્યક્તિઓ સાથે સંબંધો બાંધે છે. લેખક સાથે પણ એ સ્ત્રી મઠના ગુંબજનું સોનું ચોરી કરવા જતાં વિચિત્ર રીતે મૃત્યુ પામે છે અને એનું શરીર બૌદ્ધ મઠના ગુંબજમાં ફસાયેલું રહે છે જેને ઉતારી શકાતું નથી ઠંડી હવાઓના થપેડાઓથી એ શરીર ગળીને પાતળો પડદા જેવું થઈ જાય છે એ પડદો એનો ઝવેરી પતિ પોતાની દુકાનમાં લટકાવે છે દરેક વાર્તામાં આપણને એક આંચકો લાગે છે કારણ કે આ તિબેટ વિશે ક્યારેય આપણે કલ્પના ય ન કરી હોય. એવી વાતો આપણી સમક્ષ લેખક લઈને આવે છે એ કલ્પના કે વાસ્તવિકતા એટલી કઠોર છે કે તેની સ્વીકારવી ત્યારે ચીની સરકાર માટે પણ કઠિન હતું અને આજે એક વાચક તરીકે પણ અઘરું લાગે. તે છતાં એક નવા વિશ્વની વાત ખુબ સરસ રીતે સરળ રીતે આપણી સમક્ષ લેખક મૂકી શકે છે અંગ્રેજી અનુવાદ ખૂબ સહજ અને સરળ થઈ શક્યો છે.
વિશ્વ સાહિત્ય વાંચવાનું કિતાબ કથામાં શરૂ કર્યા બાદ એટલું તો સમજાય છે કે દરેક સંસ્કૃતિ, સમાજ અને ત્યાંની આબોહવા પણ ભાષાની જેમ આપણાથી જુદી છે. જે બદ્ધ મનના સીમાડાઓ તોડીને નવેસરથી વિચારતા શીખવે છે. મા જીઆન એક પુરુષ છે અને પુરુષનું સ્ત્રીના સ્તન પ્રત્યેનું આકર્ષણ જબરદસ્ત હોય છે તે વાર્તાઓ વાંચતા લાગે છે. દરેક વાર્તાઓમાં સ્ત્રીના સ્તનની વાત એક યા બીજી રીતે આવે છે. તેમાં સેક્સુઅલ દૃષ્ટિકોણ જ સ્પષ્ટ દેખાય છે. એનો વિરોધમાં કેટલાકે કર્યો છે. ચીની સરકારની જેમ જ. પણ ચીનની બહાર તેમની વાર્તાઓને સ્ત્રીના સ્તનની પાર જઈને લોકોએ સ્વીકારી છે.
- 05:12
- 0 Comments