રોકિંગ વિમેન આજની નારી 19-2-13

22:23


 


આજની નારી ચાંદ સિતારાને અડી આવે પણ જ્યારે તે નવો ચીલો ચાતરવા માગે ત્યારે તેના દરેક માર્ગને રુંધવાનો પ્રયાસ થતો રહે છે. આજે પણ સતત પોતાની ઓળખ સ્થાપિત કરવા મથતી નારીએ પોતાનો અવાજ રુંધવો પડે છે. કાશ્મીરવેલીમાં આંતકનો ઓછાયો વરસોથી લોકોને ગભરાવી રહ્યો છે ત્યારે ત્યાંથી એક આશાનું કિરણ સંગીતરુપે ફુટે છે. પ્રગાસ (જેનો અર્થ થાય અજવાસ) નામે ગર્લ બેન્ડ હજી પોતાના સંગીતના સુરો રેલાવે તે પહેલાં તેના અવાજને બંધનું એલાન આપી દીધું. આ ગર્લબેન્ડ દશમાં ધોરણમાં ભણતી ગાયિકા,ગિટારીસ્ટ નોમા નઝિર,ડ્રમર ફારાહ ડિબા અને ગિટારીસ્ટ અનિકા ખાલિદે ઊભું કર્યું હતું. પંદર સોળ વરસની આ છોકરીઓની પ્રતિભાથી ડરીને પુરુષોએ તેમને  સંગીતના સુર રેલાવ્યા તો બળાત્કાર અને મોતની ધમકી આપી. માંડ પોતાનો અજવાસ શોધી રહેલી આ કિશોરીઓની પ્રતિભાને ટુંપી નાખવાના પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે ભારતની અન્ય ગર્લ્સ બેન્ડ તેમને કહી રહી છે કે હિંમત હારીને પોતાના સુર ન ખોતા.
2002ની સાલમાં  નેહા ભસીન, સીમા રામચંદાની, પ્રચિતિ મોહપાત્ર , મહુવા કામત અને અનુષ્કા માનચંદાએ વીવા નામે ઓન્લી ગર્લ્સ બેન્ડ શરુ દિલ્હીથી શરુ કર્યું હતું. તેમણે વીવા નામે પોતાનું આલ્બમ પણ બહાર પાડ્યું હતું જેની 5 લાખ કોપી વેચાઈ હતી. જે એક રેકોર્ડ કહી શકાય, કારણ કે રોક બેન્ડના ક્ષેત્ર આજે પણ સ્ત્રીઓને એટલી સહજતાથી ભારતમાં સ્વીકારાતી નથી. વીવા બેન્ડ આજે કાર્યરત નથી. તેના મ્યુઝિશયનોમાં નેહા ભસીન અને અનુષ્કા માનચંદા અંગત રીતે સંગીતના ક્ષેત્રે કામ કરી રહ્યા છે. તો પુનાની ઇનેર્સિયા રોક બેન્ડના સભ્યો પણ આજે વિખેરાઈ ગયા છે. રિતીકા પાન્ડે અને અપૂર્વા ઠાકુર દુખ સાથે કહે છે કે ભારતમાં સ્ત્રીઓની પ્રતિભાને પ્લેટફોર્મ મળી શકે તેમ નથી. અહીં સ્ત્રીઓને પોતાને મનગમતું કામ કરવાનો અધિકાર નથી. સ્વતંત્રતા નથી. તો પુનાનું જ એક બીજું ઓન્લી ગર્લ્સ બેન્ડ બ્લેન્ડની મ્યુઝિશિયન રહી ચુકેલી સિન્થિયા ફુર્ટાડો આક્રોશ સાથે કહે છે કે શા માટે ફક્ત પુરુષોને જ દરેક સ્વતંત્રતા ભોગવવાનો અધિકાર હોય છે. સંગીત પોતે દૈવી શક્તિ છે તેને ફક્ત સ્ત્રીઓ માટે જ પ્રતિબંધિત કઈ રીતે કરી શકાય ?  શિંલોગનું અફલાતુસ ઓન્લી ગર્લ્સ બેન્ડ જે હાલમાં પણ રોકિંગ છે તેની સભ્યો પાર્ટ ટાઈમ શાળામાં શિક્ષિકા તરીકે પણ કામ કરે છે. આ બેન્ડની ગિટારિસ્ટ કરેન ડોનોગ્યુ કહે છે કે .. સંગીતની દુનિયામાં પ્રવેશ કરવા માટે ઓન્લી ગર્લ્સ બેન્ડે બે ગણી મહેનત કરવી પડે છે. સ્ત્રીઓ પણ સારું મ્યુઝિક આપી શકે છે તે પુરવાર કરવા માટે સખત મહેનત કરવી પડે છે. મને યાદ છે જ્યારે અમે પહેલીવાર સ્ટેજ પર ગયા હતા ત્યારે  પ્રેક્ષકો વિચારતા હતા કે છોકરીઓ કેવું મ્યુઝિક વગાડશે... હજી પણ પહેલી પાંચ થી દશ મિનિટતો પ્રેક્ષકો સાથે સંવાદ સાધવામાં જાય છે ત્યારબાદ જ તેઓ અમારા સંગીતને માણે છે. અનુષા , અપેક્ષા અને શિબાની દાંડેકર બહેનોનું ડિમેજર નામનું બેન્ડ છે. તેમનું કહેવું છે કે સંગીત એ સ્વતંત્રતાની સુરીલી અભિવ્યક્તિ છે કાશ્મિરી છોકરીઓએ પોતાની પ્રતિભાને જીવંત રાખવાના દરેક પ્રયત્નો કરવા જોઇએ. અને તેમની સાથે ભેદભાવ ભર્યું વર્તન પણ સમાજે ન કરવું જોઇએ. કલાકાર સામે એક જ ચેલેન્જ હોવી જોઇએ પોતાની કળાને મૌલિક રીતે અભિવ્યક્ત કરવી. આસામના ગુવાહાટીનું બેન્ડસ ઓફ હરિકેન ગેલ નામનું બેન્ડ સંગીતના ક્ષેત્રે ધીમે પણ મક્કમ પગલે પોતાની ઓળખ ઊભી કરી રહ્યું છે. છ છોકરીઓના આ બેન્ડની મુખ્ય ગાયિકા મામોનિ કાલિતા કાશ્મિરી બેન્ડને સહયોગ જાહેર કરતાં કહે છે કે સંગીત એ ભગવાનની દેન છે અને તેને રુંધી નાખવી કે વેડફી નાખવી જોઇએ નહીં. અમે પ્રગાસના સભ્યોને દરેક રીતે મદદ કરવા તૈયાર છીએ. જો તેઓ ઇચ્છેતો તેમની સાથે અમે સ્ટેજ પર પર્ફોમ પણ કરીશું. અને કોઇપણ તકલીફોનો અમે હસતાં મોઢે સામનો કરીશું.
આશા રાખીએ કે પ્રગાસ બેન્ડ નવું સંગીત અને નવા કિરણો લઈને દુનિયામાં સ્વતંત્રતાનો સંદેશ રેલાવે. અને નવા બીજા બેન્ડના અસ્તિત્વની  પ્રેરણા બને. 

You Might Also Like

0 comments