બદલાવ આવી રહ્યો છે...26-2-13
22:22
ફેબ્રુઆરીની 10મી તારિખે ત્રિવેન્દ્રમની મહિલા કોલેજમાં ડૉ રજીતકુમાર
ભારતમાં છોકરીઓએ કઇ રીતે રહેવું જોઇએ.. વિષય પર વ્યાખ્યાન આપી રહ્યા હતા.
વ્યાખ્યાનમાં રજીતકુમારે એવી કેટલીક વાતો કહી કે શ્રોતામાં બેઠેલી વિદ્યાર્થીની
આર્યાથી સહન ન થઈ. તેને નવાઈ લાગી કે જાતિય ભેદભાવ પૂર્ણ આ વ્યાખ્યાન સાંભળતી અન્ય
વિદ્યાર્થીઓએ કેમ વાંધો ન ઊઠાવ્યો પણ ખેર આર્યાએ પોતાનો વિરોધ નોંધાવ્યો એટલું જ
નહીં તેણે હ્યુમન રાઈટસમાં ફરિયાદ પણ કરી. યુનિવર્સિટી ડો રજીતકુમારના વ્યાખ્યાન
અંગ તપાસ કરી પગલાં પણ લેશે.આર્યાનો ઇન્ટરવ્યુ ચેનલોમાં અને છાપાઓમાં પ્રસિધ્ધ
થયો. લોકોએ તેના વિરોધને બિરદાવ્યો. અત્યાર સુધી જાતિય ભેદભાવની માનસિકતા આજની
નારી પણ સહેતી રહી છે.
લગ્નની મોસમ છે. અમદાવાદમાં કૌટુંબિક લગ્નમાં જવાનું થયું ત્યારે જોયું કે
લગ્નવિધી સમયે છોકરીએ છોકરાને પગે લાગવાની વિધી હવે અમારા બ્રાહ્મણ કુટુંબમાં નથી
થતી. અમારા કુટુંબની એક છોકરીએ કહ્યું કે ગોર મહારાજ કહે છે કે જમાનો બદલાયો છે એટલે સમાનતાના જમાનામાં
લગ્નવિધિમાં પત્નિ પતિને પગે લાગે તે વિધી વ્યાજબી નથી.
14મી ફેબ્રુઆરીએ થિરુઅન્નથપુરમમાં એક ઘટના બની જે સામાન્યપણે બનતી નથી. તે
દિવસે નારી જાતિ સામે થતાં ભેદભાવના વિરોધમાં વન બિલિયન રાઈઝિંગ ચળવળના આયોજનમાં
વિશ્વભરમાં લોકોએ ભાગ લીધો. થિરુઅન્નથપુરમમાં પણ આવો કાર્યક્રમ યોજાયો હતો
તેમાં ભાગ લઈને અમૃતા મોહન પોતાના પરિવારજન અને મિત્રો સાથે બહાર જમીને ઘર તરફ
પાછી ફરી રહી હતી. તે સમયે કેટલાક પુરુષોએ તેમના તરફ જાતિયતા અંગે બીભત્સ કહી શકાય
તેવી કોમેન્ટ કરી. એમ કહો કે છેડતી કરી. આસપાસ અનેક લોકો હતા પણ કોઇએ પેલા
પુરુષોને ન રોક્યા ન ટોક્યા. આખરે અમૃતાથી આવી સતામણી સહન ન થતાં તેણે પુરુષોની
નજીક જઇને પોતાની કરાટેની કલા અજમાવી તેમને પાડી દીધા. એક છોકરી પુરુષોને મારી રહી
હતી તે જોયા બાદ આસપાસના લોકોમાં હિંમત આવી અને તેમણે પેલા પુરુષોને પકડીને
પોલીસને હવાલે કર્યા. અમૃતા છેલ્લા બાર વરસથી કરાટે તથા કાલારીની તાલિમ લઇ રહી
હતી. તે તાલિમનો ઉપયોગ તેણે પ્રથમ વાર કર્યો ત્યારે તેનો આત્મવિશ્વાસ વધ્યો. તેણે
એક મુલાકાતમાં કહ્યું કે,” મને લાગે છે કે દરેક
યુવતીઓએ કરાટેની તાલિમ લેવી જોઇએ.કારણ કે સ્વબચાવ માટે આપણે ક્યાં સુધી બીજા પર
નિર્ભર રહીશું. જો મેં તે દિવસે હાથ ન ઉપાડ્યો હોત તો પેલા પુરુષોની હિંમત ઓર વધત.
હવે આ પુરુષોને એક મેસેજ મળી ગયો કે સ્ત્રીઓ સાથે ખરાબ વર્તન કરીશું તો તેઓ સ્વરક્ષણ માટે શારિરીક ક્ષમતાનો ઉપયોગ કરી
તેમને પટકી શકે છે. વળી નવાઈની વાત એ હતી કે પેલા પુરુષો સરકારી વાહનમાં બેઠેલા
સરકારી કર્મચારીઓ હતા. એક વાત મને સમજાય છે કે મારે જ પહેલ કરવી પડી. જો મને કરાટે
ન આવડતું હોત તો હું પહેલ ન કરી શકત.બીજું
સ્ત્રી તરીકે જન્મયાનો મને ગર્વ છે અને સ્ત્રીના ગૌરવને અપમાનિત કરતાં પુરુષોને
પાઠ ભણાવવા માટે મારે હાથ ઊપાડવો પડ્યો છે અને ભવિષ્યમાં પણ હું ચુપ નહી બેસું. “
પુનાનું કલર્સ ફાઉન્ડેશન ગરીબ વિદ્યાર્થીનીઓને શારિરીક અને માનસિક રીતે
સજ્જ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે.
છોકરીઓએ શારિરીક રીતે પોતાનો બચાવ કરવા માટે માનસિક રીતે પણ સક્ષમ બનવા
સાથે કરાટેના કેટલાક દાવપેચ શીખે તો તેમનામાં જીવનની કોઇપણ પરિસ્થિતિનો
સામનો કરી શકાય તેવો આત્મવિશ્વાસ જાગશે. ડાંગ સાપુતારામાં પૂર્ણિમાબેન પકવાસા
ધ્વારા સંચાલિત આદિવાસી છોકરીઓ માટે ઋતુભંરા વિદ્યાલય ચાલે છે. ત્યાં વેકેશનમાં
બહારથી અન્ય કિશોરીઓ પણ શિબિરમાં આવે.
શિબિરમાં લાઠીદાવ, કરાટે જેવી વિદ્યાઓ
સ્વબચાવ માટે છોકરીઓને વરસોથી શીખવાડવામાં આવે છે. આ છોકરીઓ વખત આવે સરળતાથી
પોતાનો સ્વબચાવ કરી શકે તે ઉદ્દેશથી તેમને સ્વરક્ષણના પાઠ ભણાવાતા. દરરોજ બનતા
છેડતીના બનાવો સામે આજની નારીએ હાથ અને અવાજ ઊંચો કરવાનો સમય આવી ગયો છે. ધીમો પણ
મક્કમ બદલાવ આવી રહ્યો છે. આર્યા , અમૃતા જેવી છોકરીઓ પોતાની જાતિના ગૌરવ અંગે
સજાગ બની એકલપંડે પણ અવાજ ઊઠાવીને નવો ચીલો ચાતરી રહી છે.
1 comments
રોજરોજ બનતી કેટલીયે ખરાબ ઘટનાઓ ઉપરાંત વર્તમાન સમાજ એકંદરે સંસ્કારી છે. રામનું એકપત્નીવ્રત એક આદર્શ ગણાતું, આજે તે એક સામાન્ય બાબત ગણાય છે. કહેવાતા સતયુગમાં પ્રચલીત એવા વર્ણભેદ, જાતીભેદ ઘટી રહ્યા છે. દાસ–દાસી જેવા શબ્દો ભુંસાતા જાય છે. ગુલામી નાબુદ થઈ છે. સામાન્ય માણસની જીન્દગીની પણ કદર થાય છે.
ReplyDelete