નવો ચીલો ચાતરીશું....આજની નારી 5-2-13
23:11
એકવીસમી સદીમાં પણ નારીની સ્થિતિ જો સુધરતી ન હોય
તો તેને માટે જવાબદાર સમાજની સાથે નારી પોતે પણ છે. કારણ કે આજે દ્રઢ મનોબળ હોય તો
કોઇ પણ નારી પોતાનું જીવન પોતાની રીતે ઘડી શકે છે. શિક્ષણ અને સમાજનો કેટલોક જાગૃત
વર્ગ હિંમત કરનારની પડખે સહાયક બનીને ઊભો રહેવા તૈયાર હોય છે. મુંબઈ,અમદાવાદ જેવા શહેરોમાં ભણેલી ગણેલી અનેક યુવતીઓને ઊચ્ચ
શિક્ષણ મળતું હોવા છતાં તેમના જીવનનો ઉદ્દેશ માત્ર સારો વર અને શ્રીમંત ઘર મેળવવા
પૂરતો જ મર્યાદિત હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના છેવાડાના શહેરમાં આજની નારીની નવી
ઓળખ મળી.
હમણાં જ ભાવનગર જવાનું થયું ત્યાં 18 અને 19
વરસની ઉંમરની બે છોકરીઓને મળવાનું અનાયાસ બન્યું. દક્ષા બોરિચા અને રીના ચૌહાણ.
ભાવનગરના ગરીબ વિસ્તારમાં જન્મેલી અને ઉછરેલી આ બન્ને યુવતીઓની સગાઈ બાળપણમાં જ થઈ
ગઈ છે. અત્યાર સુધીમાં તેઓ લગ્ન કરીને સાસરે પહોંચી ગયા હોત. પણ બન્ને છોકરીઓએ ભણી
ગણીને પગભર થવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. આવી ઇચ્છા પણ તેમના જેવી છોકરીઓએ રાખવી
સહેલી નથી. દક્ષાના પિતા એસ ટી ડેપોમાં કામ કરે છે. ઘરમાં ચાર બહેનો અને તેમાંથી
બે બહેનોના લગ્ન થઈ ગયા છે. દશમાં ધોરણ સુધી તો માંડ માંડ દક્ષાને ભણાવી. પણ પછી
તેને ભણવાની ચોખ્ખી ના ... રીના ચૌહાણના પિતા રંગકામની મજૂરી કરે છે.અને માતા
લોકોના ઘરના કામ કરે છે ત્યારે બે દિકરીઓ અને એક દીકરાનું ભરણપોષણ કરી શકે છે.
બન્ને છોકરીઓ અમને કહે છે કે અમારા સમાજમાં આજે પણ બાળપણમાં સગાઈ કરી દેવામાં આવે.
અને છોકરીઓને વધુ ભણાવવાની નહીં તે નક્કી જ હોય. મોટાભાગની છોકરીઓ પરણીને ઘર
સંભાળે કે ઘરકામનું કામ કરે. ઘરની બહાર જવાનો વિચાર કરાયે ય નહીં. પણ અમે શૈશવ
નામની સંસ્થા સાથે જોડાયેલા હતા એટલે ભણતરની કિંમત અને જીવન માટેના અમારા અધિકારો
વિશે, દુનિયા વિશે અમે જાગૃત બન્યા. અમારે અમારા અધિકાર માટે પહેલાં તો અમારા
ઘરમાં જ લડત લડવાની હતી. આટલું કહેતાં તો તેમની આંખોમાં આંસુ દેખાયા. દક્ષા કહે છે
મારા પિતાજીએ મક્કમતાથી આગળ ભણવાની ના જ પાડી દીધી હતી. શૈશવ સંસ્થાના પારુલ બહેન
પાસે રડી તો તેમણે કહ્યું લડવું તો પડશે જ. ઉપવાસ કર કંઇપણ કર પણ જો તારે ભણવું
હોય તો લડાઇમાં હારીને બેસી ન જતી. અને બસ પછી મેં નક્કી કર્યું કે જરુર પડ્યે
આમરણ ઉપવાસ કરીશ પણ ભણવાનું છોડીશ નહીં. પહેલાં તો મેં પપ્પાને કહ્યા વગર જ
ભણવાનું ચાલુ રાખ્યું. થોડો સમય બાદ તેમને ખબર પડીને કંઇ બોલ્યા નહીં આજે હું
બારમાં ધોરણમાં અભ્યાસ કરું છુ. તો રીનાની કહાની કંઇક જુદી છે. તે દસમાં ધોરણમાં
નાપાસ થઈ એટલે તેનો ભણવામાંથી રસ ઊડી ગયો હતો. ભારતની બીજી હજારો યુવતીઓની જેમ
તેણે આગળ અભ્યાસ કરવાનું માંડી વાળ્યું, ઘરમાં પણ કોઇ તે વધુ ભણે તે ઇચ્છતું નહોય
તેથી ન ભણવામાં તો મુશ્કેલી હોય જ નહીં પણ તેને ય બાલ અધિકાર માટે કામ કરતી શૈશવ
સંસ્થામાંથી પ્રેરણા મળી અને તેણે ફરીથી દસમાંની પરિક્ષા આપી અને પાસ થઈ. આજે તે
એસવાય બીએમાં ભણે છે. તેનામાં લીડરશીપના ગુણો છે. સાથે જ તે શૈશવ સંસ્થામાં સક્રિય
રીતે કામ કરે છે. તેને સંસ્થા તરફથી અમેરિકા જવાનો મોકો મળી રહ્યો હતો પણ ઘરમાંથી
તેને મંજુરી ન આપી. દક્ષા અને રીના બન્ને આંખોમાં ઝળઝળિયાં સાથે કહે છે બહેન
ઘરનાની સામે , સમાજની સામે લડવું સહેલું નથી...મરી ફિટવાની તૈયારી સાથે દ્રઢ
નિશ્ચય ન હોય તો અભ્યાસ તો શું જીવનમાં કશું જ ન થઈ શકે. આજે અમે સંસ્થા તરફથી
બીજા અનેક શહેરોમાં જઇને બાલઅધિકાર અંગે બીજા અમારા જેવા ગરીબ બાળકોને જાગૃત કરીએ
છીએ. દક્ષા કહે છે કે , બહેન જો અમે પણ જો બીજી અમારી બહેનોની જેમ હારી જતે તો નવો
ચીલો કોણ ચાતરે. અમે એવું ઇચ્છીએ છીએ કે અમારી હિંમત અને પ્રગતિ જોઇને અમારા
વિસ્તારની બીજી છોકરીઓ માટે અમે પ્રેરણારુપ બની શકીએ આટલું નાનું કામ પણ અમે જો
જીવનમાં કરી શકીએ તો ય અમારું જીવન જીવ્યું સાર્થક ગણાય. અને આજે અમારા જેવી અનેક
બહેનો પોતાના અધિકારની લડત માટે ઝઝુમી રહી છે. અમે એકલા નથી. એકબીજાનો સહારો
બનીને હિંમત મેળવીએ છીએ. આજની નારીનું
શક્તિસ્વરુપ જોતાં ગર્વ અનુભવ્યો.
0 comments