વન બિલિયન રાઈઝિંગ -આજની નારી 29-1-31

23:05


 


જો તમે દૂરદર્શન જોતા હો તો વન બિલિયન રાઈઝિંગની જાહેરાત જોઇ હશે. દુનિયાભરમાં સ્ત્રી પર થતાં જાતીય સતામણી અને બળાત્કારના વિરોધમાં 14મી  ફેબ્રુઆરીએ લોકો રસ્તા પર આવીને  નૃત્ય ધ્વારા એકત્વની લાગણી વ્યક્ત કરશે. આ હાકલ સ્ત્રીઓ પર થતાં જાતીય હુમલાને વખોડી કાઢવા માટે જ નહીં પણ તેનો નક્કર વિરોધ નોંધાવવા માટે છે.
દિલ્હીમાં થયેલ અમાનુષી ગેંગ રેપ બાદ લોકો જેમ રસ્તા પર ઊતરી આવ્યા હતા તેમ દુનિયાભરમાં લોકો રસ્તા પર આવીને વરસોથી થતા રહેતા સ્ત્રીઓ પરના અત્યાચારને વાચા આપવા માટે આ કેમ્પેઇન શરુ કરવામાં આવ્યું છે ઇવ એન્સલર ધ્વારા. ઇવ એન્સલર ન્યુયોર્કમાં જન્મી અને ઉછરી. તેણે વજાઇના મોનોલોગ નામે નાટક લખ્યું છે જે દુનિયાની 48 ભાષાઓમાં ટ્રાન્સલેટ થયું છે અને  140 દેશોમાં ભજવાયું છે. સ્ત્રીના જાતીય અંગને જો સ્ત્રી જ સહજતાથી સ્વીકારી ન શકે તો સમાજ કઇ રીતે સ્વીકારશે. કંઇક આવો જ સુર છે આ નાટકનો. ઇવે આ નાટક ધ્વારા ફંડ ઊભું કરીને વી ડે સંસ્થા ધ્વારા દુનિયાભરમાં સ્ત્રી અને બાળાઓ પર થતાં અત્યાચારોને અટકાવવા માટે ચળવળ શરુ કરી છે. આ સંસ્થા 1998ની સાલમાં સ્થાપવામાં આવી છે. તેના 15 વરસ પૂરા થઇ રહ્યા છે તેની ઊજવણી તે દુનિયાભરની વ્યક્તિઓને હાકલ કરી રહી છે કે દરેક વ્યક્તિ ઊભી થઈને પોતાનો વિરોધ વ્યક્ત કરે તે જરુરી છે. દુનિયામાં એવો સંદેશ એક સાથે એક અવાજે ઊઠવો જોઇએ કે હવેથી સ્ત્રી પર થતાં અત્યાચારને મૂંગે મોઢે સાખી નહીં લેવાય. તેને અટકાવવાનો અમે દરેક પ્રયત્ન કરીશું. ઇવ પોતે પણ જાતીય સતામણીનો ત્રાસ વેઠી ચુકી છે. જ્યારે તે બાળક હતી ત્યારે તેના પિતાએ તેની શારીરિક અને જાતીય સતામણી કરી હતી.
આજે પણ દુનિયામાં ત્રણમાંથી એક સ્ત્રી શારિરીક હિંસાનો ભોગ બને છે, બળાત્કારનો ભોગ બને છે.ફેસબુક પર રેપને સરાહના આપતું પેજ લોકો લાઈક કરે છે. અને તેમને જરાય ગુનાહિત ભાવ નથી અનુભવાતો. દિલ્હીમાં આજેય સ્ત્રી એકલી કે મિત્ર સાથે સાંજ પછી નીકળી નથી શકતી. આજે પણ સમાજના લોકો કહે છે કે સ્ત્રીઓએ યોગ્ય કપડાં પહેરીને બહાર નીકળવું જોઇએ. આજે પણ લોકો બળાત્કાર માટે પુરુષ કરતાં સ્ત્રીને પહેલાં જવાબદાર ગણે છે તે પછી દુનિયાનો કોઇપણ દેશ હોય. ઇવ ટિઝિંગના કિસ્સાઓ અટકાવવા માટે મુંબઈ જેવા શહેરમાં પોલીસો સ્ત્રીઓને કહે છે કે છેડતી ન થાય એવું ઇચ્છતાં હો તો એકલા બહાર ન નીકળો ( આ કિસ્સો ડોબિવલી પરાંનો છે જ્યાં ડિસેમ્બર મહિનામાં છેડતીના મામલે એક કિશોરનું ખૂન થઈ ગયું... ત્યારબાદ 16  ડિસેમ્બરથી એ વિસ્તારમાં સાંજ બાદ મિત્ર સાથે વોક કરવા નીકળેલી અનામિકા સેનગુપ્તાને પોલીસે કહ્યું અંધારું થયા બાદ બહાર ન નીકળો.) દિલ્હી ગેન્ગ રેપ બાદ પણ ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં બાળકીઓ અને સ્રી પર બળાત્કાર થયા છે. બળાત્કારના આરોપીઓને છોડી મૂકાયા બાદ ફરીથી બળાત્કાર કરે છે. દર બેમાંથી એક સ્ત્રી કે બાળાનું સ્વજન ધ્વારા ઘરમાં જ શોષણ થાય છે. ઇવ એન્સલર ધ્વારા શરુ કરવામાં આવેલી વી ડે કેમ્પેઇનમાં વી નો  અર્થ સમજાવતાં ઇવ કહે છે કે વી ફોર વિકટરી, વેલેન્ટાઈન અને વજાઈના. જાગો , ઊઠો સ્ત્રી પર થતી દરેક શારિરીક માનસિક હિંસાનો વિરોધ કરીએ. સ્ત્રી ફક્ત મજાક, ઊપેક્ષા કે અત્યાચારને માટે નથી. તે એક વ્યક્તિ છે તેને સન્માનથી જોઇએ. આજની નારીએ પોતાની જાતીયતાને શરમજનક ગણવાને બદલે પોતે ગર્વથી ઊભા રહીને કહેવું પડશે કે હું નારી શક્તિ છું મને તમે કચડી નહીં શકો. ચાલો આપણે પણ વન બિલિયન રાઈઝિંગમાં જોડાઈએ.

You Might Also Like

0 comments