વર્જિનીટી 3-9-13
00:31
દિલ્હી બાદ મુંબઈમાં ઓગષ્ટ માસમાં થયેલા
ગેન્ગરેપના સમાચાર સાંભળીને આસપાસથી મળતા પ્રત્યાઘાતો સ્ત્રી હોવું એટલે શું તેના વિચારો કરવા મજબૂર
કરે છે. એવામાં જ એક વધુ સમાચાર વાંચવા મળ્યા ઇન્ડોનેશિયામાં એજ્યુકેશન ઓફિસરે એવો
પ્રસ્તાવ મૂક્યો કે સિનિયર હાઈસ્કુલમાં ભણતી દરેક છોકરી કુંવારી છે કે નહીં તે
ટેસ્ટ થવો જોઈએ. કારણ કે ત્રણેક વિદ્યાર્થીનીઓ હ્યુમન ટ્રાફિંકીગ કેસમાં પકડાઈ
હતી. વાચકોની જાણ ખાતર ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ હોવા છતાં લિબરલ અભિગમ ધરાવે છે.
મુંબઈ ગેન્ગરેપ જે વિગતો બહાર આવી તે જોતાં સૌથી
પહેલી બાબત આપણને ફોટો જર્નાલિસ્ટ યુવતી માટે આદર થાય કે તેણે પોલીસ પાસે જવાની
હિંમત દર્શાવી. બળાત્કારને તેણે અકસ્માત સમજીને સ્વીકારવા માટે મન મક્કમ કર્યું.
પેલા પાંચ અપરાધીઓએ તો આ પહેલાં પણ બીજી અનેક યુવતીઓ પર બળાત્કાર કર્યો હતો અને તે
યુવતીઓ પોતાને અપરાધી માનીને ચુપ બેસી રહી હતી. કારણ કે તેમના મનમાં પોતે
વર્જીનીટી ખોઈ છે તેવા કોઇ ખ્યાલ હશે.દિલ્હી ગેન્ગરેપના કિસ્સાને કારણે લોકો
બળાત્કારની ઘટના અંગે જાહેરમાં ચર્ચા કરતા થયા કે પોતાના મત વ્યક્ત કરતાં પણ થયા
છે. એટલી માનસિકતા જરુર બદલાઈ છે. આ વખતે પણ કેટલાકને બોલતા સાંભળ્યા કે આજકાલની
ફિલ્મો, ઇન્ટરનેટ અને સ્ત્રીઓના આધુનિક વેશે જ દાટ વાળ્યો છે. તો કેટલીક મહિલાઓનું
કહેવું હતું કે આવી ઉજ્જડ અને એકાંતવાળી જગ્યાએ એકલા અને તેય રાત્રે જવાની શું
જરુર હતી. આ બાબત મને પણ સાચી લાગી કારણ
કે એક સ્ત્રી તરીકે હું એકાંતવાળી જગ્યાએ જતાં પહેલાં ચોકસાઈ જરુર રાખું કે જવાનું
ટાળું. પણ આ વખતે એક યુવાને જ્યારે મારી આ દલીલ સામે જે મુદ્દો મૂક્યો તે સાંભળીને
બે ઘડી ચુપ થઈ જવાયું. એ યુવાને કહ્યું કે જો અમને પુરુષોને એકાંત જગ્યાએ જતાં
વિચાર ન કરવો પડે તો સ્ત્રીએ શું કામ કરવો જોઈએ. શું કામ સ્ત્રી બિન્દાસ હરી ફરી ન
શકે ...
વાત તો સો આના સાચી પણ સ્ત્રીઓ ભીડમાં ય સલામત
નથી પુરુષોની માનસિકતાને કારણે. લગ્ન પહેલાં પુરુષ સેક્સ કરે તો તેની વર્જીનીટીને
કોઇ પ્રોબલેમ ના થાય. પણ લગ્ન પહેલાં સ્ત્રી સેક્સ કરે તો તે કુંવારી નથી રહેતી
અને ખરાબ થઈ જાય છે. એ માનસિકતા બદલાય તો પણ ઘણું છે. આપણી વાર્તાઓ અને ફિલ્મોમાં
પણ કોઇ યુવતી એકવાર સેક્સ કરે કે બળાત્કારનો ભોગ બને તો તે પોતાના પ્રેમી કે પતિને
માટે લાયક નથી રહી તેવો અફસોસ કરે છે. સ્ત્રીની આ માનસિકતા પણ બદલાવી જરુરી છે.
અકસ્માતમાં તમે શારિરીક માનસિક રીતે ઘવાઓ છો તે જ રીતે બળાત્કાર એક અકસ્માત છે
તેની સારવાર કરીને તેને ભૂલીને જીવન ચાલુ રહેવું જોઇએ. જ્યારે અપરાધીઓને મોં
ઢાક્યા વિના જાહેર કરવા જોઇએ. અને સખત સજા થવી જરુરી છે. ઇન્ડોનેશિયા હોય ,
પાકિસ્તાન હોય કે પછી ભારત હોય સ્ત્રીને મિલકત ગણીને તે કુંવારી જ હોય તેવો આગ્રહ
રાખવાનો અભિગમનો વિરોધ થવો જરુરી છે. અને તેની શરુઆત સ્ત્રીએ પોતે જ પોતાની
વિચારધારા બદલીને કરવી પડશે. બળાત્કારની ઘટનાને અકસ્માતથી વધારે મહત્ત્વ કોઇ
સ્ત્રીએ ન આપવું જોઇએ. એ વાત સાચી કે આવી ઘટનાથી તકલીફો થાય પણ ત્યારે પ્રેમ, સમજણ
અને સમય જ તેનો ઉપાય હોઇ શકે.
1978ની સાલમાં રેખા અને વિનોદ મહેરા અભિનિત ફિલ્મ
આવી હતી જેમાં પતિપત્નિ રાત્રે ફિલ્મ જોઇને પાછા ફરતાં હોય છે ત્યારે એકાંત
સ્થળે પત્નિ પર બળાત્કાર થાય છે. પ્રેમાળ
પતિ આ અકસ્માત બાદ માનસિક પ્રતારણા ભોગવતી પત્નિને પ્રેમ અને સમજણથી બહાર લાવવાનો
પ્રયત્ન કરે છે. આમ સમાજની માનસિકતાથી જુદો જ લિબરલ અભિગમ દર્શાવતી ફિલ્મ હતી .
આવી ઘટના બાદ સ્ત્રીને ખરાબ કે અપરાધી ગણવી કે સ્ત્રી પોતાને બરબાદ થઈ ગયેલી માને
તે માનસિકતા બદલાવવાનો સમય પાકી ગયો છે. સલામતીનો પ્રશ્ન એ પછી આવે છે અને તે
પ્રશ્ન આખાય સમાજનો છે. જો કોઇ સ્ત્રી
શહેર, ગામ કે ઘરમાં સલામતી ન અનુભવે તો તે માટે સમાજ જવાબદાર છે ફક્ત સ્ત્રી નહીં.
0 comments