સ્ત્રી લેખિકા જેવું કંઈ હોય ? 28-1-14
22:15
પંદર દિવસ પહેલાં
મુંબઈમાં અગિયાર કવિયેત્રીઓના કાવ્ય સંગ્રહનું વિમોચન એકસાથે થયું. તેનું સંચાલન
કાજલ ઓઝાએ કર્યું. સ્ત્રી સંચાલિકા સ્ત્રી લેખિકાઓના પુસ્તક વિમોચન અને કવિ સંમેલન
માટે. ખબર નહીં કેમ આ કાર્યક્રમ વિશે સારું લાગવું જોઇતું હતું પણ કશુંક ખટકતું હતું.
મંચ પર બિરાજમાન દરેક લેખિકાઓ મારી મિત્ર હતી.છતાં કશુંક ખૂટતું લાગ્યું. સ્ત્રી
લેખિકાઓનો અલગ ચોકો કેમ ? અને તેમાં કોઇ જાણીતા
કવિઓ કે લેખકોની ગેરહાજરી પણ નોંધનીય હતી.
સાહિત્ય અકાદમી અને બીજા
અનેક એવોર્ડ જેમના પુસ્તકોને મળી ચુક્યા છે એ જાણીતા લેખિકા શશી દેશપાંડેનું વાક્ય
અહીં યાદ આવે છે.અંગ્રેજી ભાષામાં લખતાં આ લેખિકાને નારીવાદી લેખિકા તરીકે પણ લેબલ
લગાડવામાં આવે છે. તેમની એક વાર્તા પરથી દ્રષ્ટિ નામની ફિલ્મ પણ બની છે જેમાં
ડિમ્પલ કાપડિયા અને શેખર કપુર મુખ્ય ભૂમિકામાં હતા. તેમણે એકવાર મુલાકાતમાં રોષ
સાથે કહ્યું હતું કે જ્યારે પુરુષ લેખકને ફક્ત લેખક જ કહેવાય અને મારી ઓળખ આપવાની
હોય ત્યારે સ્ત્રી લેખિકા તરીકે ઓળખ આપવામાં આવે કેમ ? સાહિત્ય તે કંઇ પબ્લિક
ટોઇલેટ છે જેમાં સ્ત્રી કે પુરુષનું સાઈનબોર્ડ લગાવવાની જરૂર પડે.
આજે સ્ત્રી વાચકોની સંખ્યા પુરુષ વાચકો કરતાં વધુ
છે લેખન ક્ષેત્રે સ્ત્રીઓનું પ્રદાન પણ લગભગ પુરુષો જેટલું હશે. પણ દુનિયાભરમાં
લેખિકાઓને લિટરેચર મેગેઝિન, અખબારોમાં યોગ્ય નોંધ લેવાતી નથી.
બ્રિટનની લેખિકા જોએના
વોલ્સે એક મોહિમ શરૂ કરી. રીડવિમેન2014ના નામે. જોએના તેના બ્લોગ પર લખે છે કે,
જેન્ડર બાયસ રિવ્યુ કરનારના મનમાં પણ ઠાંસોઠાંસ ભરેલો હોય છે તે એમના રિવ્યુ પરથી
જોઇ શકાય છે. સ્ત્રીઓ ફિકશન એટલે કે વાર્તાઓ વધુ વાંચે છે.એવું એક પ્રસિધ્ધ
અખબારના સાહિત્યની પૂર્તિમાં લખાયેલું હતું.
કદાચ આપણે ઇક્વાલિટીને બહુ ગંભીરતાથી લઈએ છીએ. આપણે બધા જ બદલાવ – ચેન્જ
ઇચ્છીએ છીએ પણ પોતે બદલાવા માટે તૈયાર નથી હોતા. વાચક તરીકે આપણે એ જવાબદારી ઊઠાવી
શકીએ.
જોએનાએ પોતાને ગમતી
સ્ત્રી લેખિકાઓના ફોટા સાથે બુકમાર્ક
જેવું ન્યુ યરનું કાર્ડ બનાવ્યું તેના પર લખ્યું 2014 The year of reading women.. (2014 ધ યર ઓફ રિડીંગ વિમેન) બનાવીને ટ્વીટર પર મૂક્યું.
તેને અપેક્ષા નહોતી રાખી કે તેને કોઇ
રિસપોન્સ મળશે. તેને આશ્ચર્ય થયું કે બે
પુરુષ પત્રકારો એક ઇંગ્લેડનો જોનાથન ગિબ્સ અને અમેરિકાનો મેથ્યુ જકોબાવસ્કીએ નક્કી
કર્યું કે કેટલાક મહિના સુધી તેઓ ફક્ત લેખિકાઓના પુસ્તકો જ વાંચશે. આ વાંચીને વળી
શશી દેશપાંડે યાદ આવ્યા તેમણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, પુરુષો સ્ત્રી પ્રધાન
કે નારીવાદી પુસ્તકો વાંચતા શરમ કેમ અનુભવે છે ? તેમને સ્ત્રીના વિશ્વને
જાણવાની જિજ્ઞાશા કેમ નથી થતી ? મને પુરુષો વિશે વાંચવામાં કોઇ જ વાંધો નથી આવતો.
પુરુષોને વિશે જાણવાની હંમેશા ઉત્કંઠા રહે છે. પુરુષો કેમ પોતાના મગજને બંધ રાખવા
માગે છે ? પોતાના વિશ્વને સિમીત
દાયરામાં કેમ રાખે છે ?
જોએનાએ મિત્રોને અપીલ
કરી કે તેઓ આગલું જે પુસ્તક વાંચે તે સ્ત્રી લેખિકાનું જ હોય તેટલું તો કરી જ
શકાય. આમ સ્ત્રી લેખિકાની ડિમાન્ડ વધતાં જે મેગેઝિનો અખબારો લેખિકાઓને નજરઅંદાજ
કરે છે તેઓ વેચાણ અને વાંચનના આંકડાઓને નજર અંદાજ નહીં કરી શકે. જોએનાને કેટલાક
ટ્વીટરના મિત્રોએ મહિલા લેખિકાઓના લગભગ 250 નામ આપવાની વિનંતી કરી. જોએનાએ શક્ય
તેટલા નામો બુકમાર્ક પાછળ લખ્યા. ધીમે ધીમે રહી ગયેલા નામો બીજા લોકો ઉમેરાતાં ગયાં.
આમ, કરતાં એક મોહિમ શરૂ થઈ. એ નામો બેગણા , ત્રણગણા અને ચારગણા વધતાં જ રહ્યા.
વિસરાયેલી કે હાંસિયામાં ધકેલાઈ ગયેલી લેખિકાઓના નામો બહાર આવવા લાગ્યા.
સફેદ ખાદીની ગુજરાતીઢબે
સાડી પહેરેતાં હીરાબેન રમણલાલ પાઠક આજે નજર સામે તરવરી રહ્યા છે. ભારતીય વિદ્યા
ભવનની લાયબ્રેરીમાં પ્રથમ મુલાકાત પછી તો અનેકવાર મળ્યા. સતત કંઇક વાંચતા લખતાં
હોય. એકવાર તેમને વાનગીઓના પુસ્તકની પ્રસ્તાવના લખતાં જોયાં. કહે કોઇપણ સ્ત્રી
સારું વાંચે કે લખે તે મને ગમે. રોજ ભોજન જોઇએ જ છે તો વાનગીના પુસ્તકથી નાકનું
ટીચકું કેમ ચઢાવવાનું ? આ વરસે આપણે પણ સંકલ્પ કરીએ કંઇક નવું વાંચીએ અને
સ્ત્રી લેખિકાઓને જ વાંચીએ.
0 comments