લવ,સેક્સ એન્ડ ધોકા 28-1-14
07:28
ગયા અઠવાડિયે બે પુરુષો પર કેમેરો મંડાયેલો રહ્યો
હતો. શશી થરૂર અને અરવિંદ કેજરીવાલ. બન્ને સ્ત્રીઓને કારણે દુખી હતા. અહીં તમે
દલીલ કરી શકો કે અરવિંદ કેજરીવાલતો પોલીસ અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા હતા. અને
બન્ને પુરુષવાચક છે. પણ સ્ત્રીઓની સુરક્ષા તેમનો મુખ્ય મુદ્દો હતો તેને માટે જ તેઓ
ધરણા પર બેઠા હતા. આ પહેલાં શીલા દિક્ષીત પણ એ જ ઇચ્છી રહ્યા હતા કે દિલ્હી પોલીસ
રાજ્યના તાબા હેઠળ હોય કેન્દ્રના નહીં, કેન્દ્રે શીલાની વાત સાંભળી નહીં પણ શીલા
દિક્ષીતે કોન્ગ્રેસની કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા ન કર્યા. અરવિંદ કેજરીવાલે
કર્યાને ગાંડો ઠર્યો. (સુશીલ શિંદેના
શબ્દો)
રાજકારણ સત્તા અને રાષ્ટ્રમાંજ રમાય તે જરૂરી નથી.સંબંધોમાં પણ
રમાતું હોય છે. શશી થરૂર અને સ્વ.સુનંદા થરૂર વચ્ચે જે થયું તેની કલ્પના
બન્નેમાંથી એકે પણ નહીં કરી હોય. શશી થરૂરના આ ત્રીજા લગ્ન અને સુનંદાના ય પહેલાં
લગ્ન તો નથી જ. અને તેમની વચ્ચે જે થયું તે સામાન્ય રીતે અનેક દંપતીઓમાં થતું હોય છે. તેમાંય
પતિનું કામ અનેક લોકોના સંપર્કમાં રહેવાનું હોય તો ખાસ. જેમકે પ્રિન્ટ મિડિયા,
ટેલિવિઝન, એડર્વાઇટઝ,ગ્લેમર,ફિલ્મ, લેખન કે રાજકારણ... અને હા ધર્મકારણ પણ ખરું જ.
શશી અને સુનંદા વચ્ચે તરાર અને ટ્વીટરે કરૂણ અંત આણ્યો છે.તો આમાં ય હોર્મોને ભાગ
ભજવ્યા છે. પુરુષ અને સ્ત્રીના. પુરુષને સુંદર અને બુધ્ધિશાળી સ્ત્રીઓ પ્રત્યે
આકર્ષણ રહે છે તે ટેસ્ટોટરોનને કારણે... તો સુનંદા 52 વરસની હતી આ ગાળામાં
મેનોપોઝને કારણે ઉથલપાથલ થતાં હોર્મોન સ્ત્રીઓને ડિપ્રેશનના શિકાર બનાવે છે. વળી તેમાં સુનંદા શારિરીક રીતે પણ માંદી
હતી એવું કહેવાય છે. પણ પચાસના ગાળામાં સ્ત્રીઓની માનસિક સ્થિતિનો અંદાજ એ
સ્થિતિમાંથી પસાર થયેલી સ્ત્રી જ લગાવી શકે. બીજા કોઇને તે સમજવું કે સમજાવવું
અઘરું છે. પોઝિટીવ વિચારધારાઓ પણ ક્યારેક કામ નથી આવતી. એવા સમયે ત્રીજા લગ્ન
કરનાર અને લોકપ્રિય શશીને એક સુંદર પત્રકાર સાથે મિત્રતા બંધાય ત્યારે કોઇપણ
સામાન્ય સ્ત્રી, પુરુષના સંબંધમાં ઝરે એવી ચકમક ઝરી હશે. એના તણખામાં ટ્વીટરે અને
સેલિબ્રિટી સ્ટેટસે હવા આપી.
પરવીન બાબી પણ ચાલીસ પછી સાયકોલોજીકલ ડિપ્રેશન
બાદ સ્ક્રિઝોફેનિયાનો શિકાર બની હતી. તેના લગ્ન નહોતાં થયાં પણ તેને દરેક પુરુષો
માફિયા અને તેનું ખૂન કરવા તેની પાછળ પડ્યા હોય તેવું લાગતું. તે છતાં તે જુહુના
ઘરમાં એકલી રહેતી હતી. એ ગાળામાં તેનો ઇન્ટરવ્યુ કરવા ઘરે ગઇ તો તેના ઇન્ટિરિયર
ડિઝાઈનીંગના વ્યવસાય વિશે ઘણી ક્રિયેટીવ વાતો કરી પણ ફિલ્મોની વાત આવતાં જે તેની
સાથે કામ કરી ચૂકેલા અભિનેતાઓ અમિતાભ બચ્ચન સિખ્ખે તેને મારવા માટે માફિયા મોકલી
રહ્યા છે એવી વાતો કરવા લાગી. પુરુષોમાં મૂકેલા તેના વિશ્વાસને જબરદસ્ત ઠેસ પહોંચી
હતી તે જણાઈ આવતું હતું. હકિકતમાં પ્રેમમાં પડેલ વ્યક્તિ બીજી વ્યક્તિમાં પોતાના
સ્વનું પ્રતિબિંબ જોવા ઇચ્છતો હોય છે. એટલે જ સેક્સપિયરના રોમિયો અને જુલિયટથી
લઈને લૈલામજનુ, હીરરાંઝા જેવી કહાનીઓ આજે
પણ અમર છે. પણ લગ્નસંસ્થા અસ્તિત્વમાં આવ્યા બાદ પુરુષને સતત બંધનનો અહેસાસ થવા
લાગ્યો. પુરુષને ય સ્ત્રી ફક્ત પોતાની જ હોય તેમાં રસ હોય છે એટલે લગ્ન કર્યા
સિવાય છૂટકો નથી હોતો. પરંતુ, હોર્મોનલ ઉથલપાથલ ધ્વારા અભી તો મૈં જવાન હું સાબિત
કરવાની મનસા જાણ્યેઅજાણ્યે લોહીમાં વહેવા લાગે છે. પોતાના પુરુષત્વના અહમનું
પ્રતિબિંબ તે બીજી સ્ત્રીની આંખોમાં પણ જોવા માંગતો હોય છે. સેક્સ અહીં ગૌણ છે.
સેક્સ અને પ્રેમની ભેળસેળ એ આજના યુગની બાબત છે.
ઉપરછલ્લી રીતે ભલે આજે સેક્સનું સામ્રાજ્ય દેખાતું હોય પણ હકિકતમાં તો દરેકને
પ્રેમ જ જોઇતો હોય છે. એટલે જ તો હોમોસેક્સુઅલ સંબંધોમાં પણ પ્રેમ, ઇર્ષ્યા ,
લગ્નનું મહત્ત્વ દેખાય છે. ત્યાં પણ દિલ તૂટે છે જ્યારે પ્રેમીની આંખોમાં પોતાનું
નહીં અને બીજી વ્યક્તિનું પ્રતિબિંબ દેખાય છે. દરેક સ્ત્રી જાણતી હોય છે કે પોતાના
પુરુષને સુંદર યુવાન છોકરીઓ જોતો રોકી નહીં શકાય.અને તેનો એને વાંધો પણ નથી હોતો.
પરંતુ, જ્યારે પોતાનો પુરુષ બીજી સ્ત્રીના પ્રેમમાં છે તેની અનુભૂતિ થાય એટલે
સપનાઓ તૂટે છે. આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિઓના વર્તન જુદાં હોય છે. પુરુષ ઇચ્છતો
હોય છે કે તેની પત્નિ કે પ્રેમિકા પોતાના સાહજિક આકર્ષણ કે રોમાન્સને સ્વીકારી લે.
તેની સામે વાંધા કે વિરોધ તે સહન કરી નથી કરી શકતો.
0 comments