પુરુષને મેનોપોઝ આવે ? mumbai samachar 21-1-14

02:17


મેનોપોઝની વાત આવે એટલે સ્ત્રીઓના સાયકો બિહેવિયર  પુરુષોની નજરે ચઢે છે.  આ બાબતનો વિરોધ થઈ શકે નહીં. હોર્મોનલ બદલાવ સામે સતત બાથ ભીડતી સ્ત્રીઓ સાયકો એટલે કે મગજની નસ ખેંચે એવું વર્તન કરતી થઈ શકે છે. પરંતુ, ચાલીસ પછી બદલાતા પુરુષોના વર્તન જોયાં છે ? એકવાર ટ્રેનમાં સેકન્ડ ક્લાસમાં વલસાડથી મુંબઈ આવતા ચારેક પચાસેક વરસના પુરુષો વાત કરતાં હતા. બાકીની સીટોમાં મારા સિવાય બે યુવાન છોકરીઓ બેઠી હતી. પેલા ગુજરાતી પુરુષો પહેલાંતો ધીરુભાઈથી લઈને એલઆઈસી સુધીથી દરેકના બિઝનેસ અંગે નિષ્ણાંતોની જેમ વાત કરી રહ્યા હતા. વાત કરતાં વારે વારે તેમની આંખો સ્ત્રીગણ તરફ ફરી જતી. જેમ મુંબઈ નજીક આવતું ગયું તેમ તેમના વાતનો વિષય બદલાતા સમાજ પર આવ્યો. અને પછી તો સ્ત્રીઓની ટીકા પર. સ્ત્રીઓ દારૂ પીતી અને ટુંકા કપડાં પહેરે છે તે યોગ્ય નથી. મા અને દીકરીઓ એક જ સરખા કપડાં પહેરે તે યોગ્ય નથી. ફેસબુકે દાટ વાળ્યો છે, હું તો વાપરતો જ નથી કે વાપરવાનું બંધ કરી દીધું છે વગેરે વગેરે બોલતાં તેઓ અમારી પ્રતિક્રિયા જોવાનો પ્રયત્ન કરતાં હતા. કોઇ પ્રતિક્રિયા ન મળતાં તેમનો અહમ ઘવાતો હતો.  
ચાલીસની ઉંમર વટાવ્યા બાદ પુરુષ પણ પોતાની વધતી ઉંમરને સહજતાથી સ્વીકારી શકતો નથી. તેનો અહંકાર વધે છે.  તે ભૂતકાળના સફળ પ્રસંગોમાં રાચવા માંડે છે. દરેક બાબતમાં તે કહેશે હું આમ કરતો, અમે કોલેજમાં હતા, અમે અને હું.... શબ્દો બોલીને પોતાના અસ્તિત્વની સાબિતી પોતાને આપતો રહે છે. કારણ કે બીજા કોઇનેતો તેમાં રસ હોતો નથી. પૈસા અને સેક્સ એ બે બાબત ધ્વારા તે પોતાને સાબિત કરવા માગતો હોય છે. પૈસાતો મોટેભાગે તેણે કમાઈ લીધા હોય છે. કે પછી  તે સત્તા સ્થાને હોય છે. પણ સેક્સ બાબતે પુરુષો પોતાના પૌરુષત્વને સાબિત કરવાના પ્રયત્નો કરશે. મોટાભાગના ચાલીસી વટાવેલાં પુરુષો પોતાનાથી અડધી કે નાની ઉંમરની છોકરીઓ સાથે સંબંધ બાંધવાનો કે રાખવાનો પ્રયત્ન કરશે. અને જેનામાં એમ કરવાની હિંમત નથી હોતી તે બળેલા હ્રદયે આવતી જતી યુવતીઓને જોયા કરે અથવા ટુંકા કપડાં પહેરતી છોકરીઓ, ફેસબુકને વોટ્સ એપ વાપરતી છોકરીઓ સામે પોતાનો નપુંસક વિરોધ નોંધાવ્યા કરશે.
 ફિલ્મોમાં પણ સલમાન ખાન, શાહરુખ, આમિર કે અક્ષય પોતાનાથી અડધી ઉંમરની છોકરીઓને હિરોઇન તરીકે લેવાનો આગ્રહ રાખશે કારણ કે તેમની ઉંમર વધુ ન દેખાય. સિક્સપેક એબ પણ આ દરેકે ચાલીસ વરસ બાદ જ બનાવ્યા હતા. વળી યુવાન છોકરીઓ જ હિરોઇન હોય તેવો આગ્રહ તેને જોવા જનાર પુરુષ સમાજનો જ હોય છે. જ્યારે હોલિવુડ અભિનેતા ટોમ હેન્કસ કે જ્યોર્જ ક્લુનિ પોતાની ઉંમરથી અડધી ઉંમરના રોલ કરતાં નથી.

 કેટલાક ગુજરાતી પુરુષ પચાસે પહોંચે તે પહેલાં જ  તેનું પેટ વધીને પેન્ટના પટ્ટાને છુપાવવા માંડે. અદોદળા શરીરને છુપાવવા ઢીલાઢાલા પેન્ટ અને શર્ટ પહેરે. માથે વાળ ઓછા કે સફેદ થયા હોય તો પણ રંગવાનો પ્રયત્ન કરશે. ઠંડી શરૂ થતાં જ સ્વેટર અને કાનટોપી પહેરવા માંડશે. પણ ઉનાળામાં હાફ પેન્ટ અને ટીશર્ટ નહીં પહેરે. કેટલાક ઉત્સાહી સોશ્યલ ગ્રુપમાં જોડાઈને લેટેસ્ટ નાટકો ,સિનેમા જોશે તો કેટલાક ઓફિસથી સીધા ઘરે જઇને ટીવી સામે બેસીને પત્નિ સાથે સિરિયલો જોશે. કે પછી ભારત રમતું હોય તો ક્રિકેટ જોશે. પોતાના જ વાહિયાત  જોક પર પોતે મોટે મોટેથી હસશે.
 પુરુષોને હોર્મોનલ ચેન્જ ચાલીસ કે પચાસ બાદ આવે છે કે નહીં તે વિશે મારો કોઇ અભ્યાસ નથી કે એ વિશે ખાતરીપૂર્વક કહી શકાય એવા સંશોધનો ય વાંચવામાં નથી આવ્યા પરંતુ, ચાલીસ બાદ વધતી ઉંમરને પુરુષો આસાનીથી પચાવી નથી શકતા એ હકિકત છે. પછી તે સેલિબ્રિટી હોય કે સામાન્ય પુરુષ હોય. હા,તેમાં કોઇક અપવાદ હોઇ પણ શકે પરંતુ, તેઓ મેનોપોઝલ મેન બિહેવિયરની ભીડમાં ખોવાઈ જાય છે. લાઈફ બિગીન્સ એટ ફોર્ટી કહીને હો... હો.. કહીને હસતા પુરુષો શું સાબિત કરવા માગતા હોય છે તે દરેકને સમજાઈ જતું હોય છે. તો કેટલાક એટલું બધું બોલે જાણે આખીય દુનિયાનું જ્ઞાન તેમને હોય વળી તેમાંય બીજાને સતત તોડી પાડીને પોતે કેટલા હોશિંયાર તે સાબિત કરવા ધમપછાડા કરશે. વચ્ચે વચ્ચે નમ્રતાનો ડોળ પણ કરશે જ. કોમ્પયુટર અને ડિજીટલ ગેજેટ્સ વાપરનારાને તુચ્છ અને નકામા સમય બગાડનારા માનશે. જીવનની રેસમાં થાકી ગયા છે હારી ગયા છે તે કબૂલતા તેમને તકલીફો પડશે. કોગ્નેટિવ ડ્રગ રિસર્ચ લિમિટેડ કંપનીના પ્રોફેસર કેથ વેસ્નસએ કરેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 40 થી 50 વરસની ઉંમરની વચ્ચે કોમ્પયુટિંગ સ્પીડ લગભગ 15 ટકા ઓછી થઈ જતી હોય છે અને કોન્સ્ટ્રેશન ઓછું થતાં ભૂલકણાપણું સતાવતું હોય છે. કોમ્પયુટર કે ગેજેટ્સ પણ વીસ વરસના યુવાન કરતાં ધીમી ગતિએ વપરાય છે. કારણ કે યાદ ન રહેવું, ગતિ ધીમી થવી અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પડતી મુશ્કેલીઓ ફ્રસ્ટ્રેશન પેદા કરતી હોય છે. ઇન્ટેલિજન્સમાં કોઇ ફરક નથી પડતો પણ તેમાં અનુભવનું ભાથું ઊમેરાતાં પોલિટિકલ આસાનીથી થઈ શકાય છે. અરવિંદ કેજરીવાલ સિખ્ખે દરેક પ્રધાનો ચાલીસને પાર કરી ચુક્યા બાદ જ રાજકારણમાં એક્ટિવ અને સફળ થાય છે. એવું કહેવાય છે કે બોર્ડરૂમમાં જે ડાયનેમિક રહી શકે છે તે પુરુષ બેડરૂમમાં પણ એક્ટિવ હોય છે. પણ તે માટે એને સતત સાબિતિ જોઇતી હોય છે એટલે એકસ્ટ્રા મેરિટલ અફેર તે યુવાન છોકરી સાથે  ચાલીસ પછી જ પરવાન ચઢતાં હોય છે.
પત્નિના મેનોપોઝના બદલાવ સામે આંખઆડા કાન કરશે કારણ કે તેમાં એમને પોતાનો ચહેરો દેખાય છે. જેમ જેમ ઉંમર વધે તેમ આવા પુરુષો સખત બોર અને કંટાળાજનક પણ  બની જતાં હોય છે. જીવનમાં રસ તો ઉંમરની સાથે જાણે સુકાઈ જતો ન હોય તેવું વર્તન દરેક બાબતે કરશે. આવા નિરસ વ્યક્તિથી  પત્નિઓ પણ બને તેટલું  દૂર રહેવાનો પ્રયત્ન કરતી હોય છે.
વેલ, તો વળી કેટલાક ચાલીસ વરસ બાદ શરીર પ્રત્યે વધારે સભાન થઈ જીમમાં જોડાશે. લેટેસ્ટ ગેજેટ્સ વાપરશે.મિત્રો સાથે ડ્રિન્ક પાર્ટી રાખશે.  પોતાનાથી યુવાન વ્યક્તિને સતત હરિફ તરીકે જોશે. પોતાની ઉંમરના વ્યક્તિઓનું ગ્રુપ બનાવી સ્પોર્ટસ ક્લબ કે હાઈકિંગ પર જશે. પોતાનું નેટવર્ક વિસ્તારવાના પ્રયત્નો કરશે. પરંતુ, પચાસ પાર કરતાં જ વળી તેઓ ગુજરાતી ઢાંચામાં ઢળવા માંડશે. પોતે શું કરી નાખ્યું અને શું કરી શકે છે તેના ગાણાંઓ ગાશે.પોતે હજી રેસમાં છે તે સાબિત કરવા દરેક ધમપછાડા કરશે.
પુરુષો એટલા મૂરખ નથી કે આ બધો બદલાવ તેઓ સમજી નથી શકતા. પણ કેટલાક ઉંમરની સામે વિવશ બની જાય છે. તો કેટલાક તેનો ફાયદો ઊઠાવવાનું જાણતા હોય છે. દરેક સંસ્થાના  ટ્રસ્ટીઓની કે રાજકારણમાં મોટા હોદ્દા પર બેઠેલા વ્યક્તિઓની ઉંમર જુઓ કેટલી છે ?  જ્યારે કોર્પોરેટ ક્ષેત્રે ઝુકરર્બગ, સ્ટીવ જોબ્સ, બિલ ગેટ્સ 40 પહેલાં જ સફળ થઈ ચુક્યા હતા. તે છતાંય મેનોપોઝ સિન્ડ્રોમ દરેક પુરુષને વધતો ઓછો  નડતો જ હોય છે. ઓબામાએ મન્ડેલાની દફનવિધિ સમયે સેલ્ફાય ફોટો પાડવાનો આનંદ લીધો હતો તેની ટીકા આંતરરાષ્ટ્રિય મિડિયાએ કરી હતી.
 હકિકતમાં પુરુષોને હોર્મોનલ બદલાવ સ્ત્રીઓની જેમ થતાં નથી પણ ઉંમરને કારણે શારિરીક, માનસિક બદલાવ અનુભવાતો હોય છે. કોઇપણ બદલાવ સહજતાથી સ્વીકારવાનો પુરુષનો સ્વભાવ નથી હોતો. એટલે તકલીફો થતી હોય છે. સરી જતાં સમયનો આદરથી સ્વીકાર કરનાર વ્યક્તિ  ક્યારેય વૃધ્ધ કે કંટાળાજનક નથી બનતી.  પણ આસવની જેમ તે સમયની સાથે પરિપકવ બનતા ખરા અર્થમાં પુરુષ બને છે.


You Might Also Like

1 comments