હિંસક માહોલ વચ્ચે ખીલે પ્રેમના પુષ્પો 29-1-14
21:23
કેટલીક વ્યક્તિઓ જાણતી હોય છે કે તેમને જીવનમાં શું જોઇએ છે અને શું
કરવું છે. તેમાં ય કેટલીક વ્યક્તિઓ પોતાના માટે જ જીવનનો નકશો તૈયાર કરતી હોય છે.
પછી તે તાલિબાન હોય કે આપણા જેવી સમાન્ય વ્યક્તિઓ હોય. પરંતુ, જૂજ વ્યક્તિઓ એવી ય
હોય છે જે પોતાના વિશે વિચારતી નથી. કોઇપણ પરિસ્થિતિ કે માહોલમાં અન્યનો વિચાર
પહેલાં કરે. કદાચ આવી વ્યક્તિઓને કારણે જ જીવન માટે એક આશા બંધાઈ રહે છે.
અઘાનિસ્તાનમાં તાલિબાન, મુજાહિદ્દીનોની લડાઈ અને તેમના હિંસક રાજમાં એક
વિદેશી વ્યક્તિ દરેકનો પ્રિય છે. આલ્બર્ટો કેરો. મૂળ ઇટલીના તુરિન ગામનો બહુ
જાણીતો વકિલ હતો. પણ બાળપણથી રિહેબિલીટેશન સેન્ટરો સાથે કામ કરવાનું સપનું સેવેલું
. હાલ 59 વરસના આલ્બર્ટો અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રેડક્રોસ ધ્વારા સંચાલિત
ઓર્થોપેડિક સેન્ટર માટે ફિજીયોથેરિપિસ્ટ તરીકે કામ કરી રહ્યા છે. વરસના લગભગ 6000
દરદીઓ આ સેન્ટરની મુલાકાત લેવા વ્હિલચેરમાં કે કાખઘોડી પર આવે છે અને પાછા પોતાના
પગે ચાલીને જાય ત્યારે તેમની આંખો ભીની
હોય છે.
એક તો તેમણે વકિલાતનો ધીકતો ધંધો છોડ્યો અને બીજું અફઘાનિસ્તાન જેવા
દેશમાં જ્યા સતત હિંસા ચાલતી હોય ત્યાં કામ કરવાનું પસંદ કર્યું.તેમને વીસેક વરસ
પહેલાં આફ્રિકાથી અફઘાનિસ્તાનના રેડ ક્રોસ
સંચાલિત ઓર્થોપેડિક રીહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા.આ સેન્ટરમાં
યુધ્ધમાં ઘવાયેલ અફઘાનિસ્તાનના લોકોને કૃત્રિમ પગ અને હાથ આપવા જેથી તેઓ પોતાનું
જીવન અપંગ તરીકે બિચારાપણામાં ન જીવે. પણ
1992માં તાલિબાનો અને મુજાહિદ્દીન વચ્ચે જંગ છેડાતા બોર્ડર પર આવેલું આ ઓર્થોપેડિક સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું.
આલ્બર્ટો અન્ય રિહેબિલીટેશનના કામમાં લાગી ગયા. જેમકે બેઘર અફઘાનિઓને આશરો આપવો.
એક દિવસ તેઓ કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા કે તેમની કારની આગળ રસ્તા પર બોમ્બ ફુટ્યો. થોડો સમયતો આલ્બર્ટોને
કંઇ સુઝ્યું નહી. એક જાતની શૂન્યતા છવાઈ ગઈ, થોડો સમયમાં ધુમાડો વિખરાયો અને જોયું કે રસ્તા પર એક વ્યક્તિ વ્હિલચેરમાં
સલામત સ્થળે જવા પ્રયત્ન કરી રહી હતી. તેની દયામણી હાતલ જોઇને આલ્બર્ટો મદદ માટે
દોડી ગયા. નજીક જઇ જોયું તો વ્હીલચેરને પાછળથી એક બાળક હાંકવાનો પ્રયત્ન કરી રહ્યો
હતો. બે પગ અને એક હાથ કપાયેલ એ માણસનું નામ મહેમૂદ હતું અને તેનો દીકરો રફી.
આલ્બર્ટોએ પૂછ્યુંકે તું શું કામ કૃત્રિમ પગને હાથ બેસાડી દેતો નથી ? અને આવામાં શું કામ બહાર ફરે છે ? પ્રશ્ન પૂછ્યા પછી તેને પોતાની મુર્ખામી પર શરમ આવી. પણ મહેમૂદે કહ્યું કે
ઓર્થોપેડિક સેન્ટર બંધ છે. શરમના માર્યા આલ્બર્ટોથી બોલાઈ ગયું કાલે ત્યાં પહોંચી
જજે ખુલ્લુ હશે. તેમનાથી છુટા પડ્યા બાદ આલ્બર્ટોને વિચાર આવ્યો કે પોતે આ શું બોલી ગયો ? સેન્ટરતો
બંધ જ છે. તેણે મનોમન પ્રાર્થના કરી કે મહેમૂદ ન આવે તો સારું.
ડરતાં
ડરતાં તે બીજે દિવસે ઓર્થોપેડિક સેન્ટર પહોંચ્યો. એના આશ્ચર્ય વચ્ચે તેણે જોયું કે
ત્યાં એનો આસિસ્ટન્ટ નઝમુદ્દીન પણ પહોંચી ગયો હતો અને પેલો મહેમુદ તેના દીકરા સાથે
ત્યાં ઊભો હતો. એટલું જ નહીં બીજા પંદરેક જણા પણ ઊભા હતા. આલ્બર્ટોને થયું કે હવે
શું કરી શકાય વખતોથી બંધ પડેલા સેન્ટરમાં કૃત્રિમ પગ અને હાથનું ઉત્પાદન પણ નહોતું
થતું. પણ તેમનો આસિસ્ટન્ટ નઝમુદ્દીન આશાવાદી હતો. તેણે કહ્યું કે કાલથી આપણે આ
લોકોને કૃત્રિમ હાથ પગ માટે તૈયાર કરી શકીએ. પણ આલ્બર્ટોએ તો
પોતાના ઊપરીઓની પરવાનગી લેવી પડે એમ હતી. બીજે દિવસે તેમણે પોતાના ઊપરીઓને લગભગ
ખોટું જ કહ્યું કે અમે થોડો સમય માટે ઓર્થોપેડિક સેન્ટર શરુ કરીશું. સારા કામ માટે
ખોટું બોલવું એ ગુનો નથી. મહેમુદ અને રફી બોમ્બમારા અને બુલેટોને પાર કરીને રોજ
આવતા. થોડા જ દિવસોમાં મહેમૂદ કૃત્રિમ પગ
સાથે ચાલતો થઈ ગયો. જેવો પહેલી વાર પોતાના
પગ પર ઊભો રહ્યો કે તેણે દીકરા રફીને કહ્યું હવે તારે મારી પાછળ ફરવાની જરુર નહીં
પડે હવેથી તું સ્કુલમાં ભણવા જશે. એ દિવસે આર્લ્બટની આંખો ભરાઈ આવી હતી. તેને
લાગ્યું કે જીવનનું સાર્થક્ય આમાં જ છે. પણ હજી તેને અનેક સારા કામ કરવામાં
નિમિત્ત બનવાનું હતું. તેના સામર્થ્યની કસોટી થવાની હતી.
ત્યાર બાદ થોડા વખતમાં મહેમૂદ પાછો આવ્યો
અને તેણે આલ્બર્ટ પાસે કામ માગ્યું, અત્યાર સુધી તે ભીખ માગીને ગુજરાન ચલાવતો હતો.
આલ્બર્ટ કહે છે કે હું તેને પૈસા આપવા જતો હતો કારણ કે હું તેને કામ ક્યાંથી
આપવાનો પરંતુ, મહેમૂદે પૈસા નહીં કામનો આગ્રહ રાખ્યો,વળી અહીં વળી તેમના આસિસ્ટન્ટ
નઝમુદ્દીનનો આશાવાદ કામે લાગ્યો, તે કહે હવે આપણે કૃત્રિમ હાથ,પગનું ઉત્પાદન
વધારવું પડશે. અને મહેમૂદ તેમાં કામ કરી શકશે. આલ્બર્ટ કહે છે કે, ‘મારી આશંકાઓ તેના
આશાવાદને અને મહેમૂદની ગૌરવપૂર્ણ કામ કરવાની તૈયારીને અટકાવી ન શકી. મારા આશ્ચર્ય
વચ્ચે મહેમૂદના આવવાથી કામનું ઉત્પાદન વધ્યું. તે પોતાની જાતને પૂરવાર કરવામાં
જરાય પાછીપાની કરતો નહતો. કામ શીખવામાં તે દિલોજાન રેડી દેતો. તેપછી તો ધીમે ધીમે બીજા અપંગ અફઘાનીઓને કામ
આપવાની પ્રથા જ પડી ગઈ. આમ નવો ચીલો ચાતરવામાં મારી સાથે નઝમુદીન અને મહેમૂદનો
સહકાર ન હોતતો એકલે હાથે આ કામ થઈ શક્યું નહોત.
અમારી પાસે તાલિબાનો પણ આવતા પણ
તેઓ બીજા નામે દાખલ થતાં. અમારે તો કોઇ ભેદભાવ વગર વ્યક્તિની અપંગતાને ગૌરવમાં
ફેરવવાનું કામ કરવાનું હતું. પછી તો નઝમદ્દીનના કહેવાથી વ્હિલચેર બાસ્કેટબોલ ટીમ
તૈયાર થઈ અને હું એક ઇટાલિયનની જેમ તેમની રમતને બૂમો પાડીને માણું છું. અહીં હિંસાને
અતિક્રમીને ફક્ત માનવતા રહી જાય છે. હિંસા અપંગતા આપે છે તો પ્રેમ ગૌરવપૂર્ણ જીવન.
હવે ક્યારેક યુરોપ જાઉં છું તો ડર લાગે છે
કે કોઇ કારણસર પાછો ન આવી શક્યો તો? હવે હું આ કામ સિવાય કોઇ કામની કે દેશની કલ્પના કરી શકતો નથી.
આલ્બર્ટો એક એવી વ્યક્તિ છે કે સતત હિંસાના
વાતાવરણમાં પોતાના કામથી પ્રેમનું પુષ્પ ખીલવી શકી છે.આજે તેમને દરેક અફઘાનિ પછી
તે નાગરિક હોય કે તાલિબાની હોય આલ્બર્ટો કેરોને આદર અને પ્રેમથી જુએ છે. નઝમુદ્દીન
અને મહેમૂદ જેવી વ્યક્તિઓ ધારે તો ઘોર નિરાશાને પણ આશામાં બદલી શકે છે.
0 comments