જીવન આનંદ -4 બોલતાં પહેલાં વિચારીએ.

10:54

જીવન આનંદ – 4                  
દેડકાંઓનું ટોળું જંગલમાંથી પસાર થતું હતું. એવામાં બે દેડકા કાદવ ભરેલા એક ખાડામાં પડ્યા. બધા દેડકા એ ખાડાની આસપાસ ભેગા થઈ ગયા. શું થઈ શકે તે વિચારવા લાગ્યા.  કાદવના ખાડામાં પડેલા બે દેડકાઓ પણ કૂદકા મારીને ખાડાની બહાર નીકળવા માટે પ્રયત્નો કરવા લાગ્યા. એ જોઇને  ખાડાની ઉપર ઊભેલા દેડકાઓ કહેવા લાગ્યા કે નકામો પ્રયત્ન કરવો રહેવા દો. તમે બચી નહી શકો. મૃત્યુને સ્વીકારી લો. આ સાંભળીને એક દેડકાએ પ્રયત્ન કરવાનો પડતો મૂક્યો અને મૃત્યુ પામ્યો. બીજો દેડકો તો મરણિયો થઈને કૂદકા મારવા લાગ્યો. વળી બહાર ઊભેલા દેડકાઓ બૂમો મારવા લાગ્યા કે જવા દે પ્રયત્ન ન કર... કશું જ નહી વળે. શું કામ જાતને તકલીફ આપે છે....

પણ પેલો દેડકો તો પ્રયત્નો કરીને છેવટે બહાર પહોંચી જ ગયો. બધા દેડકાંઓ તેની પાસે જઇને પૂછવા લાગ્યા કે અરે તે અમારી બૂમો સાંભળી નહોતી.. પેલો દેડકો બહેરો હતો. તેને એમ કે આ બધા દેડકાં તેને બહાર આવવાના પ્રયત્નો માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. કેટલીકવાર પ્રેરક શબ્દો વ્યક્તિને ઊંચાઈએ લઈ જઈ શકે છે. અશક્યને શક્ય બનાવી દે છે.  બે  સારા શબ્દો કોઇનો દિવસ સુધારી શકે છે તો બે ખરાબ શબ્દો કોઇનો દિવસ બગાડી પણ શકે છે.  જે વ્યક્તિ નિરાશાજનક  સંજોગોમાંથી પસાર થઈ રહી હોય કે હતાશામાં હોય તેને ખરાબ શબ્દો વધારે વાગી શકે એમ છે. તે વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. એટલે કંઇપણ બોલતા પહેલાં વિચાર કરીએ. શક્ય તેટલું સારુ બોલવાનો પ્રયત્ન કરીએ. દ્રૌપદીના એક વાક્યમાંથી જ કુરુક્ષેત્રનું યુધ્ધ ઊભું થયું એ આપણે સૌ જાણીએ છીએ. 

You Might Also Like

0 comments