મુન્નાભાઈ રિક્ષાવાળા 3-9-14

22:24

મુંબઈના રીક્ષાવાળા વિશે મોટેભાગે બધાને ફરિયાદ હશે કે તેમનો એટિટ્યુડ ખરાબ હોય છે. એક તો જલ્દી તમને ખાલી રીક્ષા મળે નહીં અને મળે તો તમારે જ્યાં જવું હશે ત્યાં આવશે કે નહીં તે ખબર નહીં. અને છુટ્ટા પૈસાની તો મારામારી ખરી જ. પણ જો  બાન્દરા સ્ટેશન પર ઊતરોને કાર્ટર રોડ જવા રીક્ષા ઊભી રાખો તો શક્ય છે. એ રીક્ષા મુન્નાભાઈની હોય તો તમને જે સેવા મળશે તે જોઇને થશે કે તમે રીક્ષામાં બેઠા છો કે કોઇની પ્રાયવેટ ગાડીમાં. આ રીક્ષામાં પંખો, ટીવી, વાઈફાઈ,છાપા જેવી દરેક સુવિધાઓ  છે.
આપણી પાસે હોટલોની મોંઘી ડિશ ખાવાના  રૂપિયા હોય પણ બે રૂપિયા વધારાના શાકવાળાને કે ગરીબ મજૂરને આપતાં જીવ નથી ચાલતો. એકાદ રૂપિયા માટે પણ કેટલી કચકચ કરીએ. એટલું જ નહીં આપણા પ્રોફેશનલ કામમાં પણ કેટલી ગણતરી કરીએ. બે મિનિટ પણ વધારે કામ કરવું કે જાત ઘસીને કોઇને સુવિધા આપવાનું વિચારી નથી શકતા. મોટરમાં જતાં હોઇએ અને કોઇ વૃધ્ધોને કે અપંગને રીક્ષા કે ટેક્સી ન મળતી હોય ત્યારે હેરાન થતાં જોઇએ તો પણ જોયું ન જોયું કરીને ગાડી હંકારી જઈએ છીએ. પછી ભલેને તે આપણા પડોશી જ કેમ ન હોય.  ત્યારે આ રીક્ષાવાળો  મીટરથી જ રીક્ષા ચલાવે છે. કોઇપણ એકસ્ટ્રા ચાર્જ વગર પોતાની રીક્ષામાં બેસનારને પ્રોફેશનલ સેવા આપવામાં જ નહી,  પણ સામાજીક સેવા કરવામાંય  માને છે. તે પોતાની કમાણીમાંથી કેન્સર પેશન્ટોને નાસ્તો આપે છે. ગરીબ બાળકોને પણ બનતી મદદ કરવાના પ્રયત્નો કરે છે. સંદીપ બચ્ચે ગરીબીને કારણે એસએસસીથી આગળ ભણી ન શક્યો. પિતા મીલ બંધ હોવાથી બેકાર બન્યા એટલે તેણે ભણવાનું છોડીને કામ શોધવું પડ્યું. સાન્તાક્રુઝમાં આવેલી એક ટ્રાવેલ એજન્સીમાં પ્યુનની નોકરીએ લાગ્યો.
એજન્સીમાં ક્યારેક તેણે ઓડિટના સમયે રાતના બે વાગી જતાં. એ સમયે ખાર પહોંચવું ય સહેલું નથી હોતું. એટલે તે ટ્રાવેલ એજન્સીની જ પાર્ક કરેલી લકઝરી બસમાં સૂઇ રહેતો અને સવારે બસ પકડીને ઘરે જતો. પાર્ક કરેલી બસમાં મચ્છરો કરડે એટલે સૂઈ શકાય નહીં ત્યારે એણે જાગતી આંખે કેટલાક સપના જોયા. તેણે જોયું હતું કે લકઝરી બસમાં ટીવી હોય, ઇન્ટરનેટ હોય વગેરે... તે વિચારતો કે ભવિષ્યમાં જ્યારે પણ તેની પાસે કોઇ ગાડી હશે તેમાં એ આ બધી સુવિધાઓ લગાવશે. આમતો એ દિવાસ્વપ્નો જ હતા પણ સંદીપ વિચારતો સપના જોવામાં ક્યાં પૈસા લાગે છે. પંદરેક વરસ પહેલાંની વાત છે. થોડો જ સમયમાં એવું થયું કે પેલી ટ્રાવેલ એજન્સી વિદેશમાં ટ્રાન્સફર થઈ ગઈ. સંદીપ બચ્ચેને પણ લઈ જવા માગતા હતા પણ સંદીપને ત્યારે ભારત છોડીને જવાની ઇચ્છા ન થઈ અને ટ્રાવેલ એજન્સીમાંથી મળેલા ત્રીસેક હજાર રૂપિયા અને બેન્કની લોન લઈને રીક્ષા ચલાવવાની શરૂઆત કરી. તેની આ રિક્ષામાં એણે પોતે જોયેલું સપનું પૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો. તેણે રીક્ષામાં શક્ય તેટલી સુવિધા પ્રવાસીને આપવાનો પ્રયત્ન કર્યો પણ સાથે જ દિવસની પહેલી અને છેલ્લી કમાણી તે જમા કરતો. તેમાંથી અઠવાડિયે એકવાર કેન્સર પેશન્ટોને નાસ્તો પહોંચાડતો. સંદીપની માતા કેન્સરથી મૃત્યુ પામી હતી. તેને ખબર છે કે ગરીબો માટે એક ટંકનો નાસ્તો પણ કેટલો મહત્ત્વનો હોઇ શકે છે. વળી સંદીપે એવો નિયમ રાખ્યો છે કે ગર્ભવતી મહિલા કે કોઇને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવાના હોય તો તેમની પાસેથી ભાડું નથી લેતો. વળી દરેક સિનિયર સિટિઝન કે અપંગોને તે ભાડામાં ડિસકાઉન્ટ આપે છે.  એ સિવાય તે જરૂરતમંદોને દવાઓ અને પુસ્તકો પણ આપે છે. તેની રીક્ષામાં પબ્લિક ફોન પણ છે. આજે તો બધા જ પાસે સેલફોન હોય છે તો પબ્લિક ફોનની શું જરૂર તો હસતાં હસતાં સંદીપ કહે છે જો સેલમાં રિચાર્જના પૈસા ન હોય અને ફોન કરવો હોય તો... વાતતો સાચી સંદીપની. અને જો રિચાર્જ કરવો હોય મોબાઈલ તો તેની સુવિધા પણ સંદીપ આપે. બેટરી ખતમ થઈ હોય તો ચાર્જીંગ પોઇન્ટ પણ છે. ચા પીવી હોય કે ચોકલેટ ખાવી હોય તો તે પણ રીક્ષામાં મળશે. શક્ય તેટલું બીજાને આપવાનો સંદીપનો સ્વભાવ કરોડપતિઓમાં પણ નથી જોવા મળતો.
સંદીપ સંજુબાબા અને સલમાનનો પણ ફેન છે બીજા ભારતીયોની માફક અને સંજુબાબા માટે ચપ્પલ નથી પહેરતો પગમાં. ખેર એ તેની અંગત માન્યતાઓ છે.પોતાનાથી શક્ય તેટલું સમાજને આપવું તે સંદીપનો ધર્મ છે. તેની રીક્ષામાં દરેક ધર્મના ભગવાન છે. તે કોઇ રાજકિય પાર્ટીમાં જોડાવામાં નથી માનતો. ફેસબુક પર તેનું પેજ છે અને કેટલાક વિદેશીઓ આવે તો તેને કેટલાક દિવસ સુધી બુક કરે છે એડવાન્સમાં. સંદીપ કહે છે કે ભારતને તેઓ આદરથી જુવે એ જ તેની ઇચ્છા છે. સંદીપને આરટીઓ અને યુનિયન તરફથી અને બીજી અનેક સંસ્થા તરફથી એવોર્ડ મળ્યા છે. તે ટેડએક્સમાં પણ ટોક આપી આવ્યો છે.પણ અફસોસની વાત એ છે કે તેની પાસે હજી રીક્ષાની પોતાના નામે પરમિટ નથી.સંદીપે ઓનલાઈન એપ્લાઈ કર્યું પણ તેનું નામ વેઇટિંગમાં જ છે. તેને આરટીઓના અધિકારીઓ પરમિટ આપે. વળી બીજા રીક્ષાવાળાઓ સુવિધાઓ માટે થોડીઘણી કોપી કરે પરંતુ, સેવા કરવાની ભાવના ન હોય ત્યારે મુન્નાભાઈ સંદીપની સાથે જ્યારે લોકો સરખામણી કરે તો તેમને સંદીપ પર ગુસ્સો ય આવે. તે સિનિયર સિટિઝનને અને અપંગોને ડિસ્કાઉન્ટ આપે છે તે પણ બીજાને ન ગમે.

સંદીપ કહે છે. પોતે જેટલું સમાજને બનતું આપે છે ત્યારે માણસ તરીકે પોતાના અધિકારનું મને મળે એની આશા રાખું તો પણ મને નથી મળતું. એટલે જ હું માનવીયતાના આ ગુણને બીજા સુધી પહોંચાડવાના સતત પ્રયત્નો કરીશ.તેનાથી મને આનંદ મળે છે. આપણે સતત આપતાં રહેવું ફળની આશા રાખ્યા વગર એ જ મારો મંત્ર છે. સંદીપની જેમ બીજા રીક્ષાવાળા ફક્ત પ્રોફેશનલી વર્તતા શીખે નમ્રતાથી અને આદરથીતો મુંબઈ સ્વર્ગ બની જાય. મુન્નાભાઈ એસએસસીનો નંબર છે-9022416338

You Might Also Like

1 comments

  1. મોટરમાં જતાં હોઇએ અને કોઇ વૃધ્ધોને કે અપંગને રીક્ષા કે ટેક્સી ન મળતી હોય ત્યારે હેરાન થતાં જોઇએ તો પણ જોયું ન જોયું કરીને ગાડી હંકારી જઈએ છીએ. પછી ભલેને તે આપણા પડોશી જ કેમ ન હોય. ત્યારે આ રીક્ષાવાળો મીટરથી જ રીક્ષા ચલાવે છે. કોઇપણ એકસ્ટ્રા ચાર્જ વગર પોતાની રીક્ષામાં બેસનારને પ્રોફેશનલ સેવા આપવામાં જ નહી, પણ સામાજીક સેવા કરવામાંય માને છે. તે પોતાની કમાણીમાંથી કેન્સર પેશન્ટોને નાસ્તો આપે છે. ગરીબ બાળકોને પણ બનતી મદદ કરવાના પ્રયત્નો કરે છે.

    ReplyDelete