ગાયવાડી અને ગણપતિ .....ફેસબુક ડાયરી 9-9-14
00:53
કાલબાદેવીની ચાલમાં સૌથી સરસ વાત એ હતી કે પહેલા
માળે નાનકડી કોમન અગાસી હતી. ત્યાંથી લગભગ અડધી ગલી દેખાય. મુંબઈમાં મુખ્ય રોડને
કાપતી આડી નાનકડી લેનને ગલી કહેવાય. ગલી કેમ કહેવાતું હશે ? ના મારે કોઇ એ બાબતે
હમણાં સંશોધન નથી કરવું. અગાસીમાંથી દેખાતી ગલીની દુનિયા અદભૂત હતી તે આજે સમજાય છે. તેની કેટલીક
સ્મૃતિઓ જાગૃત થઈ ગણપતિ બાપ્પાને લીધે. સૌ પ્રથમ અમારી ગલીનું નામ કહું,
ગાયવાડી...ક જાણકારને લાગશે ગિરગામ ગાયવાડી ના ... કાલબાદેવીની ગાયવાડી. તેનું આમ
તો નામ ડો વ્હિગાસ સ્ટ્રીટ પણ શી ખબર અમે બધા જ તેને બાળપણથી ગાયવાડીના નામે જ
ઓળખીએ. આજે પણ કાલબાદેવી પર ગાયવાડી પૂછશો તો તમને ડો. વ્હિગાસ સ્ટ્રીટ દેખાડશે.
શક્ય છે ત્યાં કદાચ મારા ય જન્મ પહેલાં ગાયો હશે.... શી ખબર. ડો. વ્હિગાસને ય હું
જાણતી નથી. ચીરાબજાર અને કાલબાદેવીને જોડતી લાંબી અમારી ગલી. વનવે છે વાહનો માટે
પણ માણસોનો ધસારો તે જમાનામાં સવારે ચીરાબજારથી કાલબાદેવી તરફનો હોય અને સાંજથી
રાત સુધી કાલબાદેવીથી ચીરાબજાર સુધીનો હોય. અમારી ગલીમાં સ્વદેશી માર્કેટ (કપડાંની
હોલસેલ માર્કેટ) નો એક દરવાજો પડે. કાપડ માર્કેટ અમારી આસપાસ ચારે તરફ ફેલાયેલું.
ગલીની વચ્ચોવચ્ચ એક ચર્ચ. તેના ડંકા પડતાં અમારા મનમાં ભગવાનનું સ્મરણ આપોઆપ થઈ
જતું. સમજણાં થયા ત્યારથી ખ્રિસ્તીઓને જોઇ માથાથી ખભા સુધી હાથથી ક્રોસ કરી
પ્રભુને નમન કરી લેતા.
ગણપતિનો તહેવાર આવે એટલે અમારી ગલીમાં એક બીજી
સામે નાની ગલી હતી. આમ તો ગલીમાં પેટાગલીઓ ઘણી પણ આ ગલી અમારી અગાસીની સામે દેખાય.
ત્યાં ચલચિત્ર સાથેના ગણપતિ આવે. ડેકોરેશન તો ગજબનું જ હોય. મહિના પહેલાંથી તડામાર
તૈયારીઓ કૂતુહુલપૂર્વક જોઇ રહીએ. શું હશે આ વખતે તેની કલ્પનાઓ અને તુક્કાઓ કરીએ.
ક્યારેક શિવનેરીનો કિલ્લો તો ક્યારેક બીજું કશું રાત્રે સૂઇએ ત્યારે કશું જ ન હોય
અને સવારે ઊઠતાંવેંત અગાસીમાં આંખો ચોળતા જવાનું. ગલીની સિકલ બદલાઈ ગઈ હોય. જાણે
જુદાં જ પ્રદેશમાં પહોંચી ગયાની અનૂભુતિ થતી. ગણેશ ચતુર્થીને દિવસે તો ગણરાજ રંગી
નાચતો ....... લત્તાના સ્વરથી જ પ્રભાત પડે. જાણે અમારા ઘરમાં જ ગણપતિ આવ્યા હોય
તેવો ઉત્સાહ વર્તાય. અગાસીમાંથી દરેક હિલચાલ જોયા કરવાની. અને પછી વાજતે ગાજતે
ગણરાજ આવે. ચલચિત્ર શરૂ થાય. લાઈનમાં પહેલાં જઈને જોઇ આવવાની તાલાવેલી. અંદર જતાં
જ લાઈટો બંધ થાય. કોઇને કોઇ વાર્તા વણાયેલી હોય. ધુમાડા, સંગીત, લાઈટો અને વીજળીક
ઉપકરણોથી ચાલતા પૂતળાંઓની પાંચ મિનિટ માયથોલિજકલ વાર્તા જોઇને આનંદ આનંદ થઈ જાય.
પછી તો રોજ જોવા જઇએ. એ પાંચ મિનિટમાં તો
આખી દુનિયા વિસરાઈ જાય. ત્યારે એલિસ ઇન વન્ડરલેન્ડની ખબર નહોતી. આજે લાગે
છે કે તે વખતે અમ બાળકો માટે વન્ડરલેન્ડ જ હતું. પછી તો રોજ જ આસપાસની બીજી અનેક
ગલીઓમાં જઈ લાઈનમાં ઊભા રહી ચલચિત્ર જોવાના. અને અમારી ગલીના ચલચિત્ર સાથે સરખામણી
કરવાની. અમારી ગલીનું ચલચિત્ર કેટલું શ્રેષ્ઠ એની બડાઈ મારવાની સ્કુલમાં.
દશ દિવસ સુધી રોજ ભજન, દેશભક્તિના ગીતો, મરાઠી
ગીતો સાંભળવાના. અને રાત્રે બિલ્ડિંગમાં આવતા ગણપતિની આરતીમાં જવાનું. નવ વાગ્યાથી
આરતી શરૂ થાય તે એક કલાક પાક્કો. લોકોના ઘરે કામ કરનાર મરાઠીઓ ઢોલ અને મંજીરા લઈ
ભાવથી આરતી કરે. અને છેલ્લે દશેક મિનિટ બાપ્પા મોરિયા રે ની ધૂનની મસ્તી અનોખી જ
હતી. વિસર્જનના દિવસે સ્વદેશી માર્કેટના આઘાડી કામદારો લેજીમ અને પૂના ઢોલની રમઝટ
બોલાવે. એકાદ કલાક લેજીમના જુદાં જુદાં પ્રકારે એક જ તાલમાં ઝુમતાં સફેદ
લેંઘ્ઘો,ઝભ્ભો અને ગાંધી ટોપી પહેરેલા કામદારોનો ઉત્સાહ જોવા જેવો હોય. સ્વદેશી
માર્કેટના ગણપતિ જાય કે સામેની ગલીના ગણપતિ ફટાકડા અને મ્યુઝિકના તાલે નાચતાં
ગાતાં જાય. બે ખટારા હોય. એકમાં ગણપતિ અને બીજામાં પેલાં ચાપથી ચાલતા પૂતળાંઓ.
તેમને જોઇને વન્ડરલેન્ડને વિદાય આપ્યાનો અહેસાસ થાય. દશ દિવસમાં વચ્ચે એક દિવસ
સત્યનારાયણની પૂજા હોય ત્યારે તો કોઇને કોઇ જાયન્ટ પ્રતિમા લાવવામાં આવે અને તેમાં
પૂજા થાય. બહાર જ.અગાસીમાંથી ખસવાનું મન જ ન થાય તેવી ગતિવિધીઓ ચાલતી હોય દશ દિવસ.
સ્કૂલનું લેશન પણ અગાસીમાં જ ઊભા ઊભા થાય.
ગણપતિ ગેલે ગાવાલા ચૈન પડેના આમ્હાલા કહેતાં
તો ગલી સુની થઈ જાય. બે દિવસતો ગમતું જ
નહી. ક્યારેય નોઇઝ પોલ્યુશનનો વિચાર ત્યારે નહોતો આવ્યો. કે ન તો કંટાળો આવતો.
ધીમે ધીમે ગલીમાંથી વસ્તી ઓછી થવા લાગી. અમે મોટા થયા. દુનિયા બદલાઈ. ઉત્સાહ ઘટ્યો
અને વાતાવરણ બદલાયું. એક વખત સવારે ઊઠીને
જોયું તો ડેકોરેશન ઓછું. ચલચિત્ર બંધ તે દિવસનો બદલાતી દુનિયાનો ખટકો આજે ય
હ્રદયમાં સચવાયેલો છે. તે સમયે મોબાઈલ નહોતા કે ન તો કેમેરા પરવડતો પણ તે છબીઓ આજે
પણ સ્મૃતિમાં જેમની તેમ સચવાયેલી છે. દર વરસે ગણપતિ આવે ને જાય ત્યારે એ ગલી,
ચલચિત્રો , ગીતો, આરતી અને ઉત્સાહની સ્મૃતિનું આલબમ ખુલેને બંધ થાય.
0 comments