ગાયવાડી – ઘચ્ચકરન, ગોળો અને પાલખી ભાગ -3

03:59

નાના હતા ત્યારે શાળા ગલીના નાકે જ. મારી અગાસીમાંથી એ શાળા દેખાય. બે મકાન દૂર. એકલા જવાનું ને એકલા આવવાનું. પહેલાં બીજા ધોરણમાં. ગલીમાં તે સમયે વન વે નહતો કદાચ કારણ કે શાળામાંથી પાછા ફરતી વખતે સાંજે રાહ જોઇએ ઘોડાગાડીની.  કાળી વાન જોડેલી જેમાં સામસામે ચાર વ્યક્તિ બેસી શકે એવી બગી હોય. તે સમયે એટલે કે 1970-71માં ટેક્સીની જેમ ઘોડાગાડી ચાલતી હતી મુંબઈમાં. તેને અમે મુંબઈવાસીઓ ક્યારેક ઘચ્ચકરન કહીને બોલાવતાં. ઘોડાને ચ્ચ્ ચ્ચ કહીને ગાડીવાળો હાંકતો હશે એટલે જ કદાચ. ટેક્સીની જેમ ઘોડાગાડીના પણ સ્ટેન્ડ હતા. એક સ્ટેન્ડ અમારી ગલીની નાકે કાલબાદેવી રોડ પર હતું. આ ઘોડાગાડી ગલીમાંથી પસાર થાય ત્યારે ઘચ્ચકરન કહીને બૂમ પાડીએ અને ટાંગાવાળો ખિજાય. આ  ટાંગાની બગીની પાછળ બે સળિયા હોય. તે સળિયા પકડીને અમે મુસાફરી કરીએ મફતમાં. અને એટલે જ તે ઘોડાગાડીની રાહ જોઇએ.એકસાથે બે જણા ત્યા લટકીએ બે મકાન દૂર જવા માટે ય આવો આનંદ લેવાનું બાળપણમાં જ સૂઝે. કેટલીયવાર ઘોડાગાડીવાળો ખિજાય અને ગાડી ઊભી રાખે એટલે અમે ઊતરીને ભાગીએ. આ રીતે બાળકો પડી જતાં વાગતું અને ક્યારેક તો એક્સિડન્ટ પણ થતા. એવું સંભળાતું પણ માને કોણ.  પછી તો  અમારું બાળપણ અને ઘોડાગાડી મુંબઈના રસ્તેથી અદ્રશ્ય થઈ.
 નજીક આવેલી ફણસવાડીમાં તિરૂપતીની આબેહુબ કૃતિ જેવું મંદિર તેમાં સોનાનો થાંભલો. એ મંદિરમાંથી નવરાત્રી અને દિવાળીના દિવસો અને અષાઢમાં એમ મળીને અનેકવાર મંદિરમાંથી ભગવાન પાલખીમાં દર્શન આપવા નીકળે. સવાર સાંજ. પાલખીની આગળ કર્ણાટકી સંગીતનું ઢોલ (મૃદંગમ) અને શરણાઈ વાગતા હોય. એટલે જેવો એ ટિપીકલ સાઉથ ઇન્ડિયન સંગીતનો અવાજ સંભળાય કે અમે દોટ મૂકીએ અગાસીમાં. અગાસી પહેલે જ માળે એટલે દર્શન સરસ થાય. સાથે ચોખા ફૂલ લઇ જઇએ. ભગવાન પર ચઢાવીએ. ક્યારેક મહારાજ અમારી તરફ ફળનો પ્રસાદ ફેંકે. એ ગલી છોડવાનો વખત આવ્યો ત્યારે ભગવાનની પાલખીને છોડ્યાનું દુખ પણ થયું હતું. એ મંદિર આજે પણ ત્યાં છે અને પાલખી પણ નીકળતી હશે.

ગલીમાં દર ઉનાળામાં ગોળાવાળો આવતો. આ ભૈયો આખું વરસ ઉત્તર પ્રદેશના તેના ગામમાં ખેતી કરે અને ઉનાળામાં તે મુંબઈ આવે. ફક્ત રવિવારે જ ગલીમાં જોવા મળતો. અને બપોરે તેની ઘંટડીનો અવાજ સાંભળવા આતુર રહેતા. તેની ઘંટડી સંભળાય કે તપેલીને પૈસા લઈને દોડવાનું..... બીજા પણ ગોળાવાળા હતા પણ આ ગોળાવાળાની પૈડાવાળી ત્રિકોણ જેવી લાકડાની ગાડી હતી. તે ગલીમાં ફર્યા કરતો. વળી આની પાસે એક ગુલાબી રંગ હતો તેનો સ્વાદ ગજબ જ હતો. જો કે તેનો ભાવ દશ પૈસા હતો જ્યારે બીજા રંગો પાંચ પૈસામાં. ઓરેન્જ અને કાલાખટ્ટા, રોઝ બસ આટલા જ સ્વાદ હોય. પણ પેલો ગુલાબી રંગ તો ઘટ્ટ હોય અને પતરાના ડબ્બામાં ભરેલો હોય. ગોળો તેમાં બોળીને વળી પાછો તેના પર બીજો રંગ નાખે. ગોળાવાળો  કપડાં વડે બરફને પકડીને હાથેથી છીણી પર છીણતો અને નીચે પોતાના હાથમાં જ એ બરફ પકડીને ગોળો વાળતો.પછી તેમાં વાંસની સળી ખોસીને તેને દબાવીને લંબગોળ કે ગોળ આકાર આપતો. તે પહેલાં  બે ત્રણ ગોળા સળીમાં ભરાવીને સાઇડમાં રાખતો. પછી ગુલાબી રંગના ડબ્બામાં જે રીતે ધીમેથી ગોળો બોળીને કાઢી લેતો તે અમે એકિટસે જોયા કરતાં અને બોલતાં ભૈયાજી ઓર રંગ ડાલોના... પણ તે ક્યારેય ગુલાબી રંગ વધારે ન આપતો બીજી બોટલમાંથી રંગ જરા વધારે નાખી આપતો. એ સ્વાદ અને ગોળાવાળાનો ચહેરો હજી સ્મૃતિમાં જળવાયેલા છે. વરસો સુધી તેની પાસે ગોળા ખાધા પણ તેનું ગામનું નામ કે તેનું નામ પણ ખબર નથી.  તે સમયનો  સ્વાદ ગોળામાં આજ સુધી આવ્યો નથી.  

You Might Also Like

1 comments

  1. Tour Enjoyed TO Childhood during Reading

    ફક્ત રવિવારે જ ગલીમાં જોવા મળતો. અને બપોરે તેની ઘંટડીનો અવાજ સાંભળવા આતુર રહેતા. તેની ઘંટડી સંભળાય કે તપેલીને પૈસા લઈને દોડવાનું.....

    ReplyDelete