કહું છું સાંભળો છો...? 30-9-14
04:25
આ વાંચતા અને નહીં વાંચનાર દરેક પરણેલા પુરુષે
કહું છું સાંભળો છો... ? સાદ
સાંભળ્યો જ હશે. મોટાભાગે તો આવું સાંભળતાની સાથે જ દરેક પુરુષ મનમાં જ બોલી લે
નથી સાંભળતો... કારણ કે મોટેથી બોલવાથી આવનારા પરિણામની તેમને ખબર હોય છે. જો કે
સાંભળીને ય પરિણામ સારું જ હોય તે શક્યતા ઓછી છે. કારણ કે સાંભળો છો એ પ્રશ્ન
ધ્યાન ખેંચવા માટે જ કરાયો છે તે ખબર હોય છે. અને હવે સામા પક્ષની વાત કરું તો
પ્રશ્ન પૂછનારને પણ ખબર હોય છે કે આટલું કહ્યા બાદ પણ વાત ધ્યાનથી સાંભળવામાં આવે તેવી
શક્યતા નહીવત જ છે.
પુરુષને સાંભળવામાં રસ હોતો નથી એ વાત ખોટી છે.
કોઇ સુંદર યુવાન સ્ત્રી ક્યારે સાંભળો છો કહે તે સાંભળવા તેઓ આતુર હોય છે. પરંતુ,
પત્નીની વાત સાંભળવામાં પતિને રસ ઓછો જ હોય છે. પછી ભલેને તે કહેતો હોય કે હું તો
પત્નિના પડ્યો બોલ ઝીલું છું. પુરુષોની કોલમમાં સ્ત્રી તરફી વાત નથી લખી રહી
પરંતુ, આવું કેમ બને છે ? તે વિચારવાની હું તમારી સાથે કોશિષ કરી રહી છું.
એક સ્ત્રી તરીકે મને પણ રસ પડે છે કે પુરુષને કેમ પત્નિની વાત સાંભળવામાં રસ નથી
હોતો. કોઇપણ જેન્ડર બાયસ એટલે કે જાતિય ભેદભાવ રાખ્યા વિના કે સંકુચિત માનસ રાખ્યા
વિના આ લેખ વાંચશો. શક્ય છે એમાંથી તમને ય કેટલાક જવાબો મળે. યાદ કરો હજી નવા લગ્ન
હતા ત્યારે પત્ની કહેતી કે સાંભળો છો તો તરત જ તમારા મોંઢા પર લાલાશ આવી જતા. મદભરી આંખોએ તેની સામે જોઇને
કહ્યું હશે અરે તને સાંભળવા માટે તો મારો જન્મ થયો છે. અને જો એવું ન પણ કહ્યું
હોય તો ય સગાઈ બાદ ફોન પર કે ફરવા ગયા બાદ કલાકો સુધી વાત કર્યા છતાં દિલ નહોતું
ભરાતું. તો પછી લાંબી કોર્ટશીપ એટલે કે લગ્નના થોડા જ વરસમાં કેમ મોસમ બદલાઈ ગયો ?
તાજેતરમાં જ એક સંશોધનમાં વૈજ્ઞાનિકોને જાણવા
મળ્યું છે કે પુરુષો એક મગજથી સાંભળે છે
અને સ્ત્રો બંને મગજથી સાંભળે છે. ડો. મિશેલ ફિલિપ્સ આ સંશોધનમાં અગત્યનો
ભાગ ભજવી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે પુરુષો મોટાભાગે ભાષાને ડાબા મગજથી સાંભળે છે જ્યારે સ્ત્રીઓ બન્ને
મગજથી. ડાબું મગજ લોજીક અને ભાષાનું ક્ષેત્ર ગણાય જ્યારે જમણું મગજ રચનાત્મક,
કલ્પનાશીલતાનાં ક્ષેત્ર ધરાવે છે. જો કે હજી સંશોધન હજી ચાલુ છે એટલે વૈજ્ઞાનિકો
હજી કોણ સારું સાંભળનાર તે કહેવાનું જોખમ લેવા નથી માગતા. પણ ડાબા જમણા મગજની
સંરચના અને કાર્ય જોતાં સમજાય છે કે સ્ત્રીઓ ટોટાલીટીમાં સાંભળે છે જ્યારે પુરુષો
ફક્ત સાંભળે છે તેમાં ઇન્વોલ્વ નથી થતા. એવું કહી શકાય કે મગજ તો પુરુષોએ નથી
બનાવ્યું એટલે એમાં તેમનો વાંક કેવી રીતે કાઢી શકાય ?
આ પહેલાં અનેકવાર પુરુષોને કહેતાં સાંભળ્યા છે કે
સ્ત્રીઓની બકબક બંધ થાય જ નહીં... કે પછી હાશ વોટ્સ એપને કારણે સ્ત્રીઓ વાતો ય કરે
અને અવાજ પણ ન આવે. સારું છે વોટ્સ એપ છે મારું તો માથું ઓછું ખાય. સ્ત્રીઓ
માથાકૂટ બઉ કરે... વગેરે વગેરે વગેરે. કેટલું સહેલું છે આમ ફટ દઈને જજમેન્ટ આપી
દેવાનું. તમે જેને પ્રેમ કરો છો. જેની સાથે વરસો વીતાવો છો. તે શું કામ બોલે છે ? તમારી
સાથે કેમ આવી રીતે વાત કરે છે ? તમારી પાસેથી શું ઇચ્છે છે ? એ
વિચારવાને બદલે તેને સાંભળી ન સાંભળી કરી દેવાની.
એ માન્યું કે કેટલીકવાર નકામી વાતો કરતી હશે. પણ પોતાની
વ્યક્તિ સાથે જ આત્મિયતાથી કામનીનકામની વાત કરી શકાય તેવો વિચાર કેમ નથી આવતો.
પ્રેમમાં પડેલી બે વ્યક્તિઓ મોટેભાગે ક્ષુલ્લક વાતો જ કરતી હોય છે. પણ પ્રેમ રૂટિન
થઈ ગયા બાદ એ જ ક્ષુલ્લક વાતો હવે કંટાળાજનક લાગવા માંડે છે. આ લેખ લખતાં પહેલાં
કેટલાક પુરુષોને તેમનું સાંભળ્યું ન સાંભળ્યુ કરવાની બાબતે નિખાલસતાપૂર્વક કેટલાક
કારણો માગ્યા. સ્ત્રીઓની વાત કહેવાની બાબતે મોટાભાગના પુરુષો જે માને છે તે
.......
1.
સ્ત્રીઓ બહુ બોલે છે.
2.
મોટેભાગે એની એ જ વાત વારંવાર દોહરાવાતી હોય છે.
3.
તેમને સતત ફરિયાદો કે ટીકાઓ અંગે જ વાત કરવાની
હોય છે.
4.
તેમને સતત એવું લાગતું હોય છે કે પતિ હંમેશા કચકચ
કરતો હોય છે.
5.
મોટાભાગે તેમના વિષયોમાં રસ પડે એવું કશું જ નથી
હોતું. અથવા સ્ત્રીઓની વાત સાંભળવા સિવાય બીજા અનેક અગત્યના કે મહત્ત્વના કામ હોય
છે.
આ ક્ષેત્રે સતત થતાં રહેતાં સંશોધનમાં કેટલીક
બાબતો જે રસ પડે એવી છે...જેમકે સાંભળવાની વાતે એકબીજા પર આક્ષેપ કરવા કરતાં મગજને
જ આ બાબતે ગુનેગાર ગણવો જોઇએ. મગજના આ તફાવતને કારણે જ બધી સમસ્યા સર્જાય છે. આ
તકલીફો હકિકતે તો આપણા જન્મ પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. પુરુષો માટે ટેસ્ટોટેરોન
અને સ્ત્રીઓ માટે એસ્ટ્રોજન મગજમાં પણ પોતાની પ્રાયોરિટી એટલે કે હોર્મોનને અનુકૂળ
પોતાના ક્ષેત્રો પસંદ કરે છે. પુરુષોના મગજમાં
શબ્દોની ઉપયોગિતા અને શબ્દોની
ઉત્પત્તિ માટેનો વિસ્તાર ઓછો હોય છે. સ્ત્રીના મગજ કરતાં સેરેટોનીનન અને
ઓક્સિટોનીન નામના સંવેદના માટે જરૂરી
કેમિકલ પણ પુરુષના મગજમાં ઓછું ઉત્પન્ન થાય છે. સેરેટોનીન આપણને સેરેટોનીન આપણને
શાંત રાખવામાં મદદરૂપ થાય છે તો ઓક્સિટોનીન વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાવાની
પ્રક્રિયા માટે જરૂરી હોય છે.
આનો સાદો અર્થ એમ કાઢી શકાય કે પુરુષોને
સ્ત્રીઓની જેમ વાત કરવામાં કે સંવાદ કરવામાં રસ નથી પડતો. તેમને નવરાશમાં ચીલ્લ
કરવું એટલે કે બસ આનંદ કરવો ગમે છે. એટલે કે વાત કરવા કે સાંભળવા કરતાં ટીવી
જોવું, રમતગમત જોવી, પુસ્તક વાંચવામાં કે
પોતાનું કામ કરવામાં વધુ રસ પડે. જ્યારે સ્ત્રીઓને આખા ય દિવસ દરમિયાન થયેલી
નાનામાં નાની ઘટનાઓ વિશે વાત કરવી ગમે. સંવાદ કરવો ગમે. વાત કરીને લાગણીથી જોડાયાનો ભાવ અનુભવાય છે. તૃપ્ત થયાની
લાગણી થાય છે. પત્નિને પ્રેમ કરતો પુરુષ પત્નિની વાત કાન અને મન દઈને સાંભળે છે.
હા જો તમને લાગે કે નકામી વાતો છે તો અપમાનિત કર્યા વિના ય પ્રેમથી પત્નીને રોકી
શકો છો. તમે કહેશો પણ દરરોજ ... હા દરરોજ ટીવી જોઇ શકાય તો પત્નીની વાત કેમ ન
સાંભળી શકાય. યા તો દરરોજ એક સમય એવો રાખો કે ત્યારે તમે બે ફક્ત સંવાદ કરી શકો.
તે સમયે ફોન , કોમ્પયુટર કે ટીવી બંધ જ હોવા જોઇએ. તમને ક્યો સમય અનુકૂળ હોય તે
તમારે નક્કી કરવાનું છે. પત્નીને ય અન્ય તેને ગમતાં વિષયોમાં આગળ વધવા દો.
પ્રોત્સાહન આપો તો ફાલતુ વાતો બંધ થશે. ને રિલેક્સ થવા માટે ક્યારેક નકામી વાતો ય
જરૂરી છે.
સ્ત્રીને સાંભળતા શીખશો
તો જીવનમાં સંઘર્ષ ટાળી શકાય છે. સ્ત્રીને કોઇ સાંભળે તેમાં ય પોતાનો પ્રેમી, પતિ
કે મિત્ર તો બસ અનેક ફરિયાદો કે અપેક્ષા નહી રહે. સ્ત્રીને ખુશ કરવા માટે કિંમતી
ભેટ કરતાં પણ મૂલ્યવાન છે તેને દિલથી સાંભળવી
1 comments
સ્ત્રીને સાંભળતા શીખશો તો જીવનમાં સંઘર્ષ ટાળી શકાય છે. સ્ત્રીને કોઇ સાંભળે તેમાં ય પોતાનો પ્રેમી, પતિ કે મિત્ર તો બસ અનેક ફરિયાદો કે અપેક્ષા નહી રહે. સ્ત્રીને ખુશ કરવા માટે કિંમતી ભેટ કરતાં પણ મૂલ્યવાન છે તેને દિલથી સાંભળવી
ReplyDelete