ઈસ શહર મેં હર શખ્સ પરેશાન સા ક્યૂં હૈ...14-4-15
04:36
ગયા અઠવાડિયે પ્લેન ક્રેશથી ડિપ્રેશન સુધીની શોધખોળ બાદ લાગ્યું કે હજી ઘણા મુદ્દાઓ સ્પર્શવાના બાકી છે. હજી એ લેખ છપાયો તે પહેલાં જે ન્યુઝ મળતા રહ્યા તે વિચાર માગી લે તેવા હતા. દિલ્હીમાં એક બાઈક સવારને ગાડીનો ઘસરકો લાગતાં તેના નાના દિકરાઓ સામે તેને મારી નાખ્યો. જયપુરમાં બે એર ઈન્ડિયાના પાયલટ કોકપિટમાં ઝઘડી પડ્યા. કહેવાય છે કે તેમાં એક પાયલટે બીજા પાયલટને અંકલ કહ્યું એટલે ઝઘડો શરૂ થયો. નાની નાની બાબતોમાં ઊશ્કેરાઈને મારામારીના કે મર્ડરના કિસ્સાઓ વધી રહ્યા છે. ગુસ્સો એ પણ હતાશાની - ફ્રસ્ટ્રેશનની નિશાની છે. પણ તેને આપણે ગંભીરતાથી નથી લેતા. ગુસ્સો આવે તે પૌરુષીય ગણવામાં આવે છે. પણ સાવ નજીવી બાબતે ગુસ્સો વારંવાર આવી જતો હોય તો આત્મમંથન કરવાની જરૂર છે.
શહેરમાં નીકળો તો જોર જોરથી હોર્ન મારતાં કે પછી જરા જરામાં બાખડી પડતાં પુરુષો સહજતાથી દેખાઈ આવશે. એને તમાશો માનીને જોઈ રહેતા લોકો પણ ક્યાંક રુગ્ણ માનસિકતા ધરાવતા હોઈ શકે. તાજેતરમાં ઇન્ડસ્ટ્રી એસોસિએશન એસોકેમ દ્વારા થયેલ સંશોધન પ્રમાણે ભારતમાં ૪૨ ટકા ખાનગી કંપનીમાં કામ કરતાં નોકરિયાતો ડિપ્રેશન અથવા તાણને લીધે ઉદભવતા રોગોથી પીડાતા હોય છે. તેનું કારણ છે સ્ટ્રેસનું ઊંચુ પ્રમાણ, પોતાની જાતને પુરવાર કરવાની સ્પર્ધાનો ભાર. વરસો પહેલાં શહેર વિશે લખાયેલ ગમનની ગઝલ યાદ આવી ગઈ. સીને મેં જલન, આંખો મેં તુફાન સા ક્યું હૈ.... ઈસ શહરમેં હર શખ્સ પરેશાન ક્યું હૈ... ક્યારેય આપણે શાંતિથી વિચારીએ છે કે આપણે શું કામ દોડી રહ્યા છીએ? રેટ રેસમાં આપણે કશું ય મેળવી રહ્યા છીએ કે બસ ખોઈ રહ્યા છીએ ?! દુર્ઘટનાઓ બને ત્યારે થોડી ચર્ચાઓ કરીએ પણ પછી વળી જીવનની ઘટમાળમાં ખોવાઈ જઈએ. ભૂલી જઈએ જ્યાં સુધી બીજી ઘટના ન બને. આ સંશોધનમાં દિલ્હી પહેલાં નંબરે છે તે પછી બેંગલોર, મુંબઈ, અમદાવાદ ચોથા નંબરે પહોંચી ગયું છે. સરકારી ઓફિસોમાં કામ કરતાં લોકોમાં ડિપ્રેશનનું પ્રમાણ નહીંવત છે કારણ કે તેમના પર કામનું પ્રેશર એટલું નથી હોતું. એસોકેમ હેલ્થ કમિટી કાઉન્સિલના ચેરમેન ડો. બી.કે રાવનું કહેવું છે કે આત્મવિશ્ર્વાસનો અભાવ, અવાસ્તવિક અપેક્ષાઓ, પોષક આહારની ઊણપને કારણે માનસિક તાણ અનુભવાય છે. વર્કપ્રેશર પણ કિલર બની શકે છે જો તેને યોગ્ય રીતે હેન્ડલ ન કરવામાં આવે.
આવું પણ બની શકે છે તે આપણે હજી સ્વીકારતા નથી. વિદેશી કોર્પોરેટ કલ્ચર, ઉપભોક્તાવાદ અને સ્પર્ધાત્મક કલ્ચરને કારણે લાઈફ સ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. આવા લોકો ક્યારેય કસરત નથી કરતાં અને તેમને પુરતી ઊંઘ પણ નથી મળતી હોતી. આ સિમ્પટમ હવે યુવા એક્ઝિક્યુટિવ્સમાં પણ જોવા મળે છે એટલે કે ૨૯ વરસથી લઈને ૩૯ વરસ સુધીની વય ધરાવતાં પુરુષોમાં જાડાપણું, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને હાર્ટએટેક જેવા રોગો વધી રહ્યા છે. આ દરેક રોગ લાઈફસ્ટાઈલ રોગ કહેવાય છે. પણ તેમાં સ્ટ્રેસફુલ કાર્યપદ્ધતિ કારણભૂત હોય છે તેવું આ સંશોધનમાં સાબિત થયું છે. પુરુષોના સમૂહને ત્રણ વિભાગમાં વહેંચીએ તો કિશોરાવસ્થા, યુવાની અને પ્રૌઢાવસ્થા. કિશોરાવસ્થામાં સારા માર્ક્સ લાવી સારી યુનિવર્સિટીમાંથી ડિગ્રી લઈ, સારા પગારની નોકરી મેળવવી તેની ગળાકાપ સ્પર્ધાનું દબાણ માપી શકાતું હોત તો આઘાત લાગી શકે. કારર્કિદી બનાવવાની હોડમાં તેમને સપના જોવાનો કે જીવન જીવવાનો કોઈ અવકાશ નથી મળતો. તેમાં સમાજ અને કુટુંબનું પ્રેશર પણ ઓછું નથી હોતું. તે જો ઓછું કમાવાની કે ઓછું ભણવાની વાત કરે તો મુર્ખો ગણાય.
વ્હાઈટ કોલર જોબની અપેક્ષા હજી પણ છે જ. મિકેનીક જો દિલિપ છાબરિયા બને તો ઠીક પણ સારો મિકેનીક કે સારો સુથાર કે સારા રસોયાને આપણે કઈ રીતે જોઈએ છીએ તે વિચારવું જોઈએ. આજે નાની દાણાની દુકાન ચલાવતો છોકરો અને આધુનિક જનરલ સ્ટોર ચલાવતા યુવાન વચ્ચે સફળ અસફળની સરખામણી ચોક્કસ થશે. પિસ્તાલીસ વરસ બાદ પ્રૌઢાવસ્થાના અણસારે મિડલ લાઈફ ક્રાઈસિસ શરૂ થાય. આ દરેક તબક્કે સ્ટ્રેસ એ ડિપ્રેશન તરફનો ધોરી માર્ગ છે. કિશોરાવસ્થા, યુવાવસ્થાના ફેઈલ્યર, ફ્રસ્ટ્રેશન પ્રૌઢાવસ્થામાં તમને તોડી નાખે છે. એટલે મોટાભાગે સ્યુસાઈડ આ અવસ્થામાં વધુ જોવા મળે છે. દુનિયાભરમાં મિડ લાઈફ ક્રાઈસીસ દરમિયાન આપઘાત કરનાર પુરુષોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.
મિડલાઈફ ક્રાઈસીસ ક્યારેક તો ચાલીસમાં વરસથી જ કેટલાક પુરુષો અનુભવે છે. પચાસમાં વરસે સફળ પુરુષને ડિપ્રેશન નથી આવતું પણ નિષ્ફળતાનો અહેસાસ કે આત્મવિશ્ર્વાસની ઊણપ પુરુષને મિડલાઈફ ક્રાઈસીસમાંથી ડિપ્રેશન તરફ દોરી જઈ શકે છે. સ્ત્રીને સંબંધોની સ્થિરતા સંતોષ આપે છે તો પુરુષને દરેક ક્ષેત્રે સફળતાનો અહેસાસ સંતોષ આપે છે. પછી ભલે હકિકતમાં તે સફળ ન યે હોય. તેમાં જો ક્યાંક નોકરી જતી રહે કે ધંધામાં ખોટ જાય તો તે સહન કરી શકતો નથી. પુરુષને દરેક તબક્કે સફળતાનો અહેસાસ કરવો હોય. પોતાના હોવાનું વજૂદ તેને એક જ બાબતમાં લાગે છે કે તે સમાજના ધારાધોરણ મુજબ સફળતાની કસોટી પર પાર ઊતર્યો છે.
મિડલાઈફ ક્રાઈસીસ એ રોગ નથી કે ન તો ડિપ્રેશન છે. બદલાતી પરિસ્થિતિનો સ્વીકાર કરવાની ક્ષમતા દરેકની જુદી જુદી હોઈ શકે. હકિકતમાં જ્યારે પુરુષને પહેલીવાર કોઈ યુવાન તેમાં ય ખાસ કરીને કોઈ છોકરી અંકલ કહે છે તો લાગી આવે છે. તે પોતાની જાતને ક્રિટીકલી જોવા લાગે છે. પુરુષ તરીકે ઉંમરના વધવા સાથે બદલાતી આસપાસની પરિસ્થિતિ સહજતાથી સ્વીકારી શકાતી નથી ત્યારે માનસિક તકલીફો થતી હોય છે. જાણે અજાણે તમે પોતાનાથી સફળ અને યુવાન પુરુષોની સાથે સરખામણી કરવા લાગો છો. એમ કરતાં ક્યારેક ઈર્ષ્યા સાથે નકારાત્મકતા વધે છે. ફ્રસ્ટ્રેશન વધે છે. ગ્રેસફુલી બદલાતી પરિસ્થિતિ સ્વીકારવી પુરુષો માટે સહજ નથી હોતું. વાળ સફેદ થવા લાગે છે અથવા માથામાં ટાલ પડવા લાગે છે ત્યારે એને ઢાંકવાના વ્યર્થ પ્રયત્નો કરવામાં આવે છે. વજનનું પહેલાં ધ્યાન નથી રખાતું પછી અચાનક જીમમાં જઈને કસરત કરવી કે દોડવાનું શરૂ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. કસરત કરવી , સ્વાસ્થયનું ધ્યાન રાખવું સારું જ છે પરંતુ, અચાનક તમે ફ્રસ્ટ્રેશનમાં કરો છો તે યોગ્ય નથી. કસરતની સાથે યોગ્ય આહાર અને બેલેન્સ ડાયેટનું પણ ધ્યાન રાખવાની જરૂર હોય છે. વળી વધતી ઉંમરનો અસ્વીકાર કરી યુવાનો જેવી હરકત કરતાં ક્યારેક હાંસીને પાત્ર બનાય છે. શારિરીક અને માનસિક સ્વાસ્થયનું ધ્યાન યુવાન વયથી રાખવાની જરૂર હોય છે. કપડાંની પસંદગી
વખતે પણ ધ્યાન રાખવાની જરૂર હોય છે. ૪૫ કે ૫૫ વરસની વયે વીસ વરસના છોકરાઓ પહેરે એવા કપડાંને રંગો ન જ શોભે. મિડલાઈફ ક્રાઈસીસમાં ક્યારેક પુરુષો અચાનક પોતાની જાતને બદલી નાખે છે. યા તો નોકરી કે વેપાર બદલશે કે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવાના પ્રયત્નો કરશે. કે શહેર જ બદલી નાખવાના પ્રયત્નો કરશે. ડ્રાસ્ટિક બદલાવ લીધા બાદ મોટેભાગે પસ્તાવાનો વારો આવતો હોય છે. કેટલાક સતત પોતાની જિંદગીને ફેઇલ્યોર તરીકે જોઈને બહારના વિશ્ર્વે સાથે સંપર્કો ઓછા કરી
નાખશે.
ફેઈલ્યોરીટીનો અહેસાસ પુરુષને કોઈપણ તબક્કે તોડી નાખવા સમર્થ છે. ખાસ કરીને પત્ની કે કુટુંબીઓ પણ તેને ફેઈલ્યોર છે, નકામા છે એવાં મહેણાં મારે ત્યારે પરિસ્થિતિ ગંભીર બનતી હોય છે.
આપણો મિત્ર કે સ્વજન જો કોઈ રીતે બદલાય તો તેને સમજવાનો પ્રયત્ન કરો. સૌ પ્રથમ તેને નકારાત્મક અભિગમમાંથી બહાર કાઢો. સલાહ સૂચન કે ટીકા નહીં પણ સમજણ અને લાગણીનો અહેસાસ ડિપ્રેશનને અટકાવી શકે છે. બીજાને ઊતારી પાડવું કે ટીકા કરવી સહેલી છે પરંતુ , તેની સાથે સંવેદનાપૂર્વક વર્તવું મુશ્કેલ છે. જીવનને દરેક તબક્કે માણવાનો અવકાશ આપો, તે માટે પૈસાની જરૂર નથી હોતી. પૈસાદાર વ્યક્તિઓને પણ ડિપ્રેશન આવે છે. થોડા થોડા સમયે થોભો અને જીવનને જુઓ, સમજો, માણો. કુદરતી સ્થળોએ એકાંતમાં સમય વીતાવો. જાત સાથે એકાંતમાં થોડો સમય ગાળવાની આદત રાખો.
0 comments