અચ્છે દિન કબ આયેગેં ? 7-4-15
23:44
મારા ઘરે કામ કરતી બાઈ ખૂબ બોલકી ... હું સાંભળું
કે ન સાંભળું તેણે તો આખા ગામની પંચાત કરવી જ હોય. કેટલીયવાર કહ્યું કે શાંતાબાઈ
તારે બીજાના ઘરની વાતો અહીં નહીં કરવાની કે પંચાત નહી કરવાની ... તો સામે
હોઓય..... કહીને થોડો સમય ચુપ રહેશે. ને વળી પાછા જૈસે થે. ચુપ રહેવાનું બટન
શાંતાબાઈના જીવનમાં હશે કે નહીં તે શંકા પડે... કઈ નહી તોય મને લખતી જોઈને મરાઠી
ટચવાળી ગુજરાતીમાં કહે ...બાઈ આખા દિવસ લખ
લખ કરવાના કંટાળા ન આવે. તો વળી ચોપડાના કબાટો પરથી ધૂળ ઝાપટતાં હંમેશ કચકચ કરે
...આટલા બધા ચોપડા કદી વાંચ્યા ? ધૂળ ઉડાડતા કંટાળો આવે તો વાંચવાના તો ગાંડા જ થઈ
જવાય. એ કદાચ મને ગાંડી જ ગણતી હશે... ખેર.. પણ થોડા દિવસ પહેલાં નવાઈ લાગે એવી બાબત થઈ. શાંતબાઈ ચુપચાપ કામ કરી રહી હતી.
શું થયું તેવું પૂછવા કરતાં તેના વિચારો
સાંભળવાનું નક્કી કરી મેં એપ્લીકેશન ઓન કર્યું. પછી જે સંભળાયું... “ કેમ
કરીને આટલો ખર્ચ પહોંચી વળાશે... એનો બાપતો દારૂમાં જ બધા પૈસા વાપરી આવે છે. કંઈ
કહુ તો ગુસ્સો કરશે. મારવા દોડશે... કીટ કીટ નઈ કરનેકા... બાપાએ પરણાવી દીધી વહેલી
તે ભણીએ ન શકી એટલે કચરાપોતાં વાસણ કરવા પડે છે. છ બીજા ઘરના કામ અને વળી પાછું
ઘરે જઈને કામ કરવાનું તો ખરું જ. પુરુષની જાત જ હરા... બાપ પણ દારૂડિયો હતો એટલે
મને બીજવર સાથે પરણાવી. પતિ પણ દારૂડિયો... ને સાત ખોટનો દીકરો જણ્યો તો સાલો...એ
પણ દારૂના રવાડે ચઢી ગયો. ચાર ચાર દીકરીઓ પૈદા કરી કેમ કે દીકરો જોઈતો હતો. દીકરો
હોય તો બુઢાપામાં દવાદારૂ કરે... પણ અહીં 25 વરસના છોકરાને મારે જ કમાઈને
ખવડાવવાનું.... ત્રણ દીકરીઓના લગ્ન કર્યા જેમ તેમ પણ આ ચોથી દીકરીને ભણવું છે.
દીકરો અને બાપ કહે છે કે ભણીને પણ ઘરના કામ જ કરવાનાને તો શું કામ ખર્ચો કરવાનો...
દીકરો ભણશે એવું લાગ્યું હતું પણ એણે નાશપીટ્યાએ બસ રખડી ખાધુ. દીકરીઓએ મને
ઘરકામમાં મદદ કરી તો તેમના લગ્નના ખર્ચા કાઢી શકી. ચલો એ બધી તો ભણવામાં નબળી હતી
પણ આ છોકરી તો હોશિયાર છે. મારી જેમ જ... હું પણ કેટલું વાંચતી... ભણવાની કેટલી
હોંશ હતી પણ સાત છોકરા... તેમાં હું મોટી એટલે ભણીને ડોકટર નથી થવાનું કહી ચાર
ધોરણમાં તો ઊઠાડી દીધી. આ બાઈના ચોપડાં જોઈને સારું લાગ્યું હતું. નાની હતી ત્યારે
વિચારતી કે આખ્ખીય દિવાલ પુસ્તકોની જ હોય તો.... ત્યારે ખબર નહોતી કે ખરેખર એવું
થઈ શકે છે.
પહેલીવાર જ્યારે આ ઘરમાં આવી હતી ત્યારે
પુસ્તકોની દિવાલ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. લાગ્યું કે અચાનક કોઈ સ્વપ્નલોકમાં
પહોંચી ગઈ. કલ્પનાઓ સાચી થઈ શકે છે... મારો દિકરો ભણે અને આવી દિવાલોવાળું ઘર લે
એવી કલ્પનામાં કરવા માંડી હતી ....મૂઈ... દરેક કલ્પનાઓ સાચી નથી થતી. નાનકી જન્મી ત્યારથી મને એમાં હું દેખાઈ
રહી હતી. તેને દરેક બાબતમાં રસ પડે ભણવામાં, સીવવામાં, રંગોળીમાં અને જેવણતો
કેટલું સરસ બનાવે....દશમામાં પાસ થઈને સાયન્સ લીધું ત્યારે આ મેડમે મદદ કરેલી..પણ
હવે તેને ડોકટર થવું છે. અને તેનો બાપ પરણાવવાની ઘાઈ કરી રહ્યો છે. સાલા ...
અસ્ત્રીની જાત અને એ પણ અમારા જેવા ગરીબ અને અભણના ઘરમાં ... જમાનો બદલાઈ રહ્યો
છે... અન મોદીભી કહે અચ્છે દિન આયેગે.... કબ આયેગે... ક્યા માલૂમ... મારી તો
જીંદગી અહીં આમ જ પૂરી થઈ જવાની અને નાનકીની પણ તેના લગ્ન જે નક્કી કર્યા પૈસા
નહીં એટલે ગામડામાં નક્કી કર્યા. ચાલો એટલું સારું છે કે તેના વરને ખેતર અને ઘર
છે. કેટલું રોઈ હતી નાનકી આજે બે દિવસથી જમતી ય નથી... કશી સમજાવું તેને કે હા ચ
જીવન રે બાઈ ચ..... દિકરાને ભણવું હોત તો ગમે તેમ પેટે પાટા બાંધીને ભણાવત પણ આ
દીકરી પછી કોણ તેને પરણશે.... તે સવાલ પણ ઊભો જ હતો. હમણાં તો તેના જેટલું ભણેલો
છોકરો મળ્યો માંડ.. બાકી હવે તો ભણેલી છોકરીને પરણવા ય કોઈ તૈયાર નથી થતું.
મુંબૈમાં ફરક પડ્યો હશે પણ ગાવખેડામાં અને ગરીબગુરબાંઓનું જીવન બદલાયું છે કે નહીં
તે મને સમજાતું નથી.
આ શહેરી મોર્ડન બાઈઓ કમાય પણ નહી અને ઘરના કામ પણ
ન કરે તો ચાલે... તેમને દરેક સુખસગવડ મળે...રવિવારે તેમને જમવાનું પણ બનાવવાના નહી
હોટલમાં જવાનું...તો વળી કેટલીક મેડમોને ત્યાં રસોઈ માટે પણ નોકરો રાખવામાં
આવે. અને અમારા જેવા ચાર પાંચ ઘરના કામ
કરીને ઘરના ઢસરડા પણ કરે... આ સઘળું મને સમજાતું નથી. શું આ લોકો ભગવાનને ઘુસ દઈને
આવ્યા હશે... નક્કી ગયા જમનમાં અમે બધાએ ખરાબ કામ કર્યા હશે કે આ જન્મમાં બસ
ઢસરડાં જ લખાયા નસીબે... બાબા પાસે જવું પડશે દાણા જોવડાવવા મારી દીકરીના નસીબ
કેવા છે અને છોકરો કંઈ કમાશે કે નહી .... કમાતો છે નહી એટલે તો સુન(વહુ) છોડીને ગઈ
!”
0 comments