(અ)સ્ત્રીનો અવતાર નકામો 14-4-15
21:33
બસ એમ જ ફરી રહી હતી. કશું જ સુઝતું નહોતું. કોઈ
વાર્તા મળતી નહોતી. સ્ત્રીઓ શું વિચારે ? ગૃહિણીઓ મોટેભાગે સાંજે રસોઈ શું બનાવવી
કે પછી કાલે નણંદે શું કહ્યું ને સાસુએ શું કહ્યુ તે ...અથવા છોકરાઓ કહ્યુ માનતા જ
નથી. કેટલું ખોટું બોલે .... છોકરાઓ અને પતિદેવ પણ... એ તો ક્યારેય કંઈ કહે જ
નહી... તને સમજણ ન પડે... શું ન સમજાય ? બધું જ
સમજાય. પણ બોલીએ ન કંઈ, આપણું હ્રદય ખોલીએ ન કંઈ ... એ તો જાણે દરેક સ્ત્રીનો
ધર્મ. તેનું આંખો મિંચીને પાલન કરવાનું. ત્યાં અચાનક ....એક સ્ત્રી શરીરે ભરાવદાર
અને દેખાવમાં ય કંઈ ખાસ નહી. પણ તે જે રીતે વિચારી રહી હતી તે .....
પેલો પુરુષ કેટલો સરસ ઊંચો અને હટ્ટો કટ્ટો છે. (
તે સ્ત્રી જેના વિશે વિચારી રહી હતી તે તરફ જોયું તો ...એક પુરુષ ફોન પર વાત કરતો
સામેથી આવી રહ્યો હતો. હા ઊંચો અને ભરાવદાર હતો પણ કંઈ આકર્ષક તો નહતો જ) વાહ....
મને તો આવો જ પુરુષ ગમે...પણ નસીબ ફુટેલા તે મારાથી બમણી ઉંમરના સાથે લગ્ન થયા.
ગરીબ ઘરમાં જન્મી અને વળી ચહેરો મહોરો ય સારો નથી. તેમાં શ્યામ.... કેમ જાણે ગોરી
છોકરીઓને જ યોગ્ય છોકરા મળે. એવા વરો અમારા જેવાની સાથે આડા સંબંધો બાંધે...સામેના
મકાનમાં રહેતી સીમાડી કેટલી ગોરીને નમણી છે પણ પતિને સંતોષી શકતી નથી. તેનો વર
મારા જેવડો જ હશે કે જરા નાનો પણ .... મને પટાવવા કેટલા આંટાફેરા ને મસ્કા માર્યા.
શું કરું... પતિ સારો હોતતો મારું મન આમ ભટકત નહી...
કેવા કેવા સપના જોયા હતા. ગરીબ હોત તો બે ઘરના
વાસણ કરીને પણ સુખ માણી લેત. કામની શરમ તો મને હતી જ નહી. પણ આ તો બીજવર એકલો
રહેતો હતો એટલે તેના ભાભીઓએ શોધી ગરીબ ઘરની કન્યા અને મને દોઝખમાં નાખી. શું કરત
બાપા મરવા ન પડ્યા હોત અને માએ રડીને પાલવ ન ફેલાવ્યો હોત તો ....ગલીના નાકે રહેતા....સુખલા સાથે .... ભાગી
ગઈ હોત. કેવો હટ્ટોકટ્ટો અને બિન્દાસ હતો સુખલો. મારા પર જાન છીડકતો હતો. હાથ
પકડીને મરોડે તો સોળ ઊઠી આવતા. તોય ગમતું... દેખાડાનો ગુસ્સો કરતી હું તેના
પર...ને એ ખડખડાટ હસીને મને બાંહોમાં.... ઊફ્ફ .... લગ્નનું કહ્યું તો તે કેટલો
ગુસ્સે થયો હતો. જા ચલી જા... કહેતા મો ફેરવી ચાલી ગયો ... શું કરું એ વળી બીજા
રાજ્યનોને ગુજરાતી પણ નહી.... રંગે કાળો હતો પણ કામણગારો હતો. કેમ વળી અમારા જેવાને
કામણગારા પુરુષોની ચાહ ન હોય ? હું ભરાવદાર અને હાડેતીતો પહેલાંથી જ હતી એમાં મ્હો પર શીળીના ચાઠા પણ
ભગવાને આપ્યા.
આબરુદાર કુટુંબમાં પરણીને આવી ત્યારે થયું મારા
દુખો ઓછા થશે. જે ઘરની કલ્પના પણ ન કરી શકું તેવું ઘર મળ્યું. સારા મકાનમાં
ફ્લેટ... અને ઘરમાં જ સંડાસ બાથરૂમ. ઘરમાં કલર ટીવી, ફ્રિજ, ગેસ બધું જ. મારી
ચાલીના સામેના મકાનોમાં રહેતી શેઠાણીઓ જેવી હું પણ શેઠાણી બની ગઈ હતી. ઘરે કપડાં,વાસણ અને કચરા પોતા કરવા માટે નોકર
હતો. પણ ....પતિ જેના મોઢામાંથી વાસ આવતી હોય, જે લેંઘો ઝભ્ભો પહેરીને દુકાને બેસે
એ જ લેંઘો ઝભ્ભો પહેરીને સુઈ જાય. પ્રેમ કરતા તો આવડતો જ નહોતો. સ્ત્રી તરીકે
ક્યારેય સંતોષ મળ્યો જ નહી. સાથે નીકળ્યા
હોઈએ તો ય બાપ દિકરી લાગીએ. હું તો હજી જવાન જ હતી ને... આસપાસના પુરુષો મને એકલી
જુએ કે દયા ખાવા આવી જતા. દરેકને મારા શરીરમાં જ રસ હતો કોઈને પ્રેમ નહતો મારામાં
તે સમજાતું. મને શું જોઈએ છે તે ક્યારેય કોઈ પુરુષ પછી સમજી જ ન શક્યો. સુખીલાલ
ક્યારેય ભૂલાયો નહી. બાપાતો આમેય ન જીવ્યા. નકામી તેમની શરમ રાખી, ભાગી ગઈ હોત તો
આજે ભલે શેઠાણી ન હોત પણ સુખલાએ રાણીની
જેમ પ્રેમ કર્યો હોત. મજાલ છે કે કોઈ બીજો પુરુષ મને જોઈ શકત કે અડી શકત. તે દિવસે
મારો દિયરે લગભગ મારા પર બળાત્કાર કર્યો અને હું કશું જ બોલી ન શકી. તેણે ધમકી આપી
કે બધાને કહી દેશે કે મેં જ તેને બોલાવ્યો હતો. સંતોષ આપવા મજબૂર કર્યો હતો.
સ્ત્રીની વાત કોઈ માને કેમ કરી ? તેમાં ય
મારા જેવી સ્ત્રી જે વૃધ્ધ પતિને પરણી હોય. ને પછી મને ગમે કે ન ગમે તે ક્યારેય પણ
હાથ લગાવી જાય... કેમ જાણે અમને કોઈ પસંદ નાપસંદ હોય જ નહી. અસ્ત્રી તરીકે મારા પણ
અરમાન છે અને મારી પણ ઈચ્છાઓ છે. પણ અહીં કોને પરવા છે ? બળ્યો
આ અસ્ત્રીનો અવતાર.....(અને તે મારા નેટવર્કની બહાર જતી રહી...વાત પૂરી જાણવાની
ઈચ્છા ય ન રહી.)
0 comments