પોલીસ કમિશ્નરને ખુલ્લો પત્ર 21-7-14

05:11




એન્જલિકા અરિબામ , નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઈન્ડિયાની નેશનલ સેક્રેટરી છે. દિલ્હીમાં રહે છે. અને તેણે ગયા અઠવાડિયે  દિલ્હીના પોલીસ કમિશ્નરને ખુલ્લો પત્ર લખ્યો હતો. એ પત્ર વાંચીને કોઈપણ ભારતીય નારીને પોતાની પરિસ્થિતિ માટે આક્રોશ વ્યક્ત કરવાનું મન થશે. અહીં હું તેના પત્રનો થોડો સાર લખું છું.
રિસ્પેકટેડ  સર,
હું આ પત્ર તમને દિલ્હીની સ્ટ્રીટ પર વિરોધ પ્રદર્શન કે ધરણા કરવામાં મહિલાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મને ખબર નથી કે આ પહેલાં કોઈએ આ સંદર્ભે વાત કરી છે કે નહી. અને જો કરી હોય તો લાગે છે કે સત્તાવાળાઓએ તેની સામે આંખ આડા કાન કર્યા હશે અને ન જ કરી હોય તો હું તમારી સામે પ્રથમવાર મારી વાત મૂકી રહી છું. હું પ્રયત્ન કરીશ કે તમને મારી વાત સમજાવી શકું.
આજે અનેક  જાગૃત નાગરિકો  કંઈક ખોટું થઈ રહ્યું હોય તે માટે પોતાનો વિરોધ કે અસહમતિ દર્શાવવા રસ્તા પર આવીને ધરણા કરે છે. તે બધામાં નાની સંખ્યામાં પણ સ્ત્રીઓની હાજરી ધીમે ધીમે  વધી રહી છે. હું ને મારા મિત્રો પણ એ ટોળાંમાં હોવાનો ગર્વ લઈએ છીએ. ના મારે આદરણીય સ્ત્રી પોલીસ જે રફલી અને ઉતાવળમાં અમને ખેંચીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે તે વિશે કોઈ ફરિયાદ નથી કરવી. કારણ કે તેઓ પોતાની ફરજ જ બજાવતા હોય છે. અમને લાંબો સમય પોલીસ કસ્ટડીમાં બેસી રહેવું પડે છે તે સામે ય કોઈ ફરિયાદ નથી.
પરંતુ, સ્ત્રી સ્વાસ્થયને લગતી કેટલીક બાબતો છે જે અમને તકલીફ આપી રહી છે તે અંગે તમારું ધ્યાન ખેંચવા માગું છું. સૌ પ્રથમ તો પોલીસ કસ્ટડીમાં સેનેટરી નેપકિન્સ રાખવા જોઈએ , ખાસ કરીને જ્યારે સ્ત્રીઓની અટક કરવામાં આવતી હોય. અમારું શરીર ક્યારે કેવી રીતે વર્તશે તે કહી શકાય તેમ નથી હોતું. તેમાં ય પિરિયડ્સ ક્યારે શરૂ થાય તે ચોક્કસ કહેવું મુશ્કેલ હોય છે. હું એકવાર મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં હતી ને અચાનક મારો પિરિયડ્સ શરૂ થયો. મેં   પોલીસ સ્ટેશનની ફ્રેન્ડલી લેડી પાસે સેનેટરી પેડ માગ્યું. હું મોટેથી સેનેટરી પેડ બોલી હતી એટલે તેણે જાણે મેં કોઈ પાપ કરી નાખ્યું એવી રીતે જોતાં જવાબ આપ્યો કે એવી કોઈ ચીજ અહીં નથી. ખૂબ વિનંતી બાદ તેણે પોતાનો વાપરેલો રૂમાલ આપવાની તૈયારી દર્શાવી. સ્વાસ્થય વિશે વિચારવાનો તે સમય નહોતો. બીજી એકવાર અન્ય પોલીસ સ્ટેશનમાં  મારી મિત્રને પણ તકલીફ થઈ હતી. સ્ત્રીઓ પિરિયડસમાં હોય તો પણ તેને દર છ કલાકે સેનેટરી પેડ્સ બદલવા જરૂરી છે. નહીં તો ઈન્ફેકશન થવાની શક્યતા હોય છે. એટલે જ્યારે છ કલાકથી વધુ સમય સ્ત્રીઓની અટક કરવાની હોય તે સમયે  સેનેટરી પેડ્સ પોલીસ સ્ટેશનમાં હોવા જોઈએ. બીજું કે સ્ત્રીઓના ટોઈલેટ અતિશય ગંદા હોય છે. કેટલીક વાર તો તેમાં પાણી જ નથી હોતું. સ્વચ્છ તથા પાણી ધરાવતા  ટોઈલેટની માગણી પણ વધુ પડતી નથી જ.  ભલે અમારી સંખ્યા ઓછી જ કેમ ન હોય.
ત્રીજી  ને છેલ્લી માગણી કે પોલીસ સ્ટેશનમાં કામ કરતાં દરેક સ્ત્રી પુરુષોને કેટલીક મૂળભૂત સ્વાસ્થયની બાબત વિશે શિક્ષિત કરવામાં આવે. પિરિયડ્સ આવવા એ બાયોલોજીકલ પ્રોસેસ છે. અમે જાતે માગીને તે લેતા નથી. કે અમારી ઈચ્છાથી તે આવતું નથી. કુદરતી પ્રક્રિયા છે એટલે તે શરમજનક કે પાપ નથી. સહજ છે. તેમાં અમારે કે કોઈએ શરમાવાની  કે ક્ષોભ પામવાની જરૂર નથી.
એન્જલિકાએ લખેલો આ પત્ર મને દરેક સત્તાવાળાને લખવાનો મન થાય છે. સ્ત્રીઓ માટે સારા અને સ્વચ્છ ટોઈલેટ ઘરની બહાર નીકળ્યા બાદ મળવા મુશ્કેલ છે. આજે જ્યારે સ્ત્રીઓ બહાર કામ કરવા નીકળતી હોય અને કેટલીકવાર પ્રવાસમાં એકથી બે કલાક થવાની શક્યતા હોય છે. ત્યારે રેલ્વે સ્ટેશન પર કે બસ સ્ટેશન પર ક્યાંય સ્વચ્છ ટોઈલેટ હોતા નથી. બીજું કે સેનેટરી પેડ્સ માટેના વેન્ડિંગ મશીન પણ ટોઈલેટ્સમાં હોવા જોઈએ. મુંબઈ જેવા શહેરમાં લોકલ ટ્રેનના પ્લેટફોર્મ પર ટોઈલેટ બાંધેલા હોવા છતાં તે ખુલ્લા નથી હોતા. અને જ્યાં ટોઈલેટ હોય છે ત્યાં સ્વચ્છતા નથી હોતી. પચાસ ટકા નાગરિકત્વ ધરાવતી સ્ત્રી જાતિની મૂળ જરૂરિયાત વિશે ક્યારેય આંદોલન નહી થાય કારણ કે આપણે સૌ આજની નારી પણ ચલાવી લેતા, સહેતાં શીખી ગઈ છે. સ્વચ્છ શૌચાલય અને સેનેટરી પેડ્સ એ સ્ત્રીઓ માટે મૂળભૂત તથા ખૂબ જરૂરી જરૂરિયાત છે.

આજથી પચાસ વરસ પહેલાં જ્યારે ભારતના પ્રથમ મહિલા જ્જ લીલા શેઠ કોર્ટેમાં ગયા ત્યારે ત્યાં સ્ત્રીઓ માટેના ટોઈલેટ જ નહોતા. કારણ કે સ્ત્રીની જ્જ તરીકે આ પહેલાં નિમૂણક થઈ જ નહોતી. પરંતુ, આજે એકવીસમી સદીમાં જ્યાં મોટાભાગની મહિલાઓ શિક્ષણ લેવા બહાર નીકળે, નોકરી કરવા કે જરૂરી કામે બહાર નીકળે ત્યારે તેને મૂળભૂત સેવાઓ પણ ન મળે તે ક્યાંનો ન્યાય ? પુરુષો તો ગમે ત્યાં આડા ફરીને ઊભા રહી જાય છે કુદરતી આવેગને તાબે થઈને.(જે યોગ્યતો નથી જ) સ્ત્રીઓની સમસ્યા વિશે સ્ત્રીઓએ જાગૃત થઈને માગણી કરવી પડશે. એક થઈને આંદોલન છેડવું પડશે. 

You Might Also Like

0 comments