રોમાંચિત કરતી વર્ચ્યુઅલ રોમાન્સની રમત 21-7-15
09:05
રિન્કુને શૈલેષનું લગ્નજીવન સરસ ચાલી રહ્યું
હતું. બે બાળકો અને નવ વરસના લગ્નજીવન બાદ શિક્ષક શૈલેષને એક શૈક્ષણિક સેમિનારમાં
મળેલી ડિવોર્સી ચેતના સાથે અફેર થયો. આ વાતની ઘરમાં ખબર પડતાં રમખાણ મચ્યું પણ
છેવટે બાળકો માટે પતિપત્નીએ સમાધાન કર્યું. રિન્કુ આમ પણ ગૃહિણી હતી. તેની પાસે
જવા માટે ન તો કોઈ ઘર હતું કે ન તો પગભર
થવા માટે નોકરી. લગ્ન પહેલાં તેણે નોકરી કરી હતી પણ પછી ઘર,વર અને બાળકો માટે
કારર્કિદીને અન્ય ભારતીય સ્ત્રીઓની જેમ તિલાંજલી આપી દીધી હતી. પતિના અફેરથી
હૃદયભગ્ન રિન્કુએ ફેસબુક અકાઉન્ટમાં ચેટિંગ શરૂ કર્યુ. બદલો લેવાની કોઈ ઈચ્છા
નહોતી પણ પોતે પણ હજી પુરુષોને આકર્ષી શકે છે તે આશ્વાસન મેળવવા અને ઈમોશનલ સપોર્ટ માટે જ તે આમ કરી રહી હતી. આમ
કરતાં તેને એક વ્યક્તિ સાથે ચેટ કરવી ખૂબ ગમવા લાગ્યું. રિન્કુ વડોદરા રહે અને પેલો પુરુષ જામનગર. એ વ્યક્તિ પણ પરિણીત
હતો. બન્ને એકબીજાને પોતાના રસના વિષયો અને રોજબરોજની ઘટનાની વાત કરતા. રિન્કુ
પોતાના ફોટા તેને મોકલતી તો તરત જ જવાબ આવતો કે વાહ ખૂબ સુંદર. રસોઈમાં પોતે શું
બનાવ્યું તે જણાવતી તો જવાબ આવે કે વાહ, કાશ હું ત્યાં હોત.... વગેરે વગેરે....
પેલો પુરુષ રિન્કુને માટે ચોવીસ કલાક ઓનલાઈન હોય. રિન્કુને તેના તરફથી સતત
પ્રોત્સાહન મળતું , અટેન્શન મળતું જે તેનો પતિ તેને નહોતો આપતો.છ મહિનાની મિત્રતા
બાદ પેલા પુરુષે મળવાની ઈચ્છા વ્યક્ત કરી.
બસ અહીથી શરૂ થાય છે ખરી વાત.... રિન્કુને
ક્યારેય પેલો પુરુષ દેખાવમાં ગમતો નહતો. એટલે તે એને મળવા માગતી નહોતી. વળી
તેનામાં પતિને વધુ છેતરવાની ઈચ્છા નહોતી. એટલે તેણે મળવાની ના કહી તો સામેવાળો
પુરુષ નારાજ થઈ ગયો. અને બોલવાનું બંધ કર્યું. રિન્કુનું ફરી હાર્ટબ્રેક થયું અને
તે ડિપ્રેશનમાં સરી પડી. આ તો એક કિસ્સો
છે. પણ સોશ્યલ મિડિયા પર એકલતાને ભરવા કે ડોપામાઈનના ડોઝ જેવો રોમાંચક રોમાન્સનો
અનુભવ કરવા માટે પરિણીત સ્ત્રી પુરુષો પ્રવૃત્ત થતા હોય છે. જેઓ સહજતાથી પોતાની
આસપાસના વાતાવરણમાં વ્યક્તિઓ નથી શોધી શકતા કે પછી તેમનામાં ઓળખીતાઓ વચ્ચે પોતાની
ગુપ્તતા જાળવી રાખવી હોય છે. તેઓ ડેટિંગ માટે સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરતા હોય છે.
ડેટિંગ હકિકતમાં કુંવારાઓ માટે હોય છે. પણ લગ્નના થોડા વરસો બાદ બોરિયત મહેસુસ
કરતાં પુરુષો પોતાનો સેલ્ફ એસ્ટિમ – આત્મવિશ્વાસ વધારવા થોડું ફ્લર્ટિંગ કરી
લેવામાં નુકશાન નથી જોતા.
ઈન્ટરનેટનો યુગ શરૂ થયા બાદ ઈમોશનલ અફેર અને
ઈન્ફિડાલીટીના કિસ્સાઓ વધી રહ્યા છે. એ પહેલાં પણ અફેર એટલે કે લગ્નબાહ્ય સંબંધો
બંધાતા જ હતા. પણ તેની શક્યતાઓ મર્યાદિત હતી. આજે ઈન્ટરનેટ ધ્વારા મેટિંગ એટલે કે સ્ત્રી -પુરુષો
ડેટિંગ માટે પ્રયત્નો કરે છે. કુંવારા હોવું કે પરણીત હોવું તે અહીં ગણનામાં નથી.
ઉંમરનો ય બાધ નથી. ફક્ત શક્યતાઓ અને ઈચ્છાઓનો જ પ્રશ્ન છે. ઘરે બેઠાં કે ઓફિસમાં
કે પછી રસ્તામાંથી પણ ..... સાયકોલોજીસ્ટ મુકુલ ચોક્સી કહે છે કે, સોશ્યલ મડિયા
ફેસબુક, વોટ્સ એપ જેવા એપને કારણે ફોર્વડ મોકલવાનો ચાલ ખૂબ વધી ગયો છે. કોને શું શાયરી મોકલાય કે ન મોકલાય
તેનો વિચાર નહી. સાથે એમાં સ્માઈલીઝ હોય. યુવાનો માટે કેટલીક સ્માઈલીઝ જેમ કે લવ
કે કિસ વાળી સ્માઈલીઝ મિત્રોમાં પણ મોકલી શકાય તેનો કોઈ લીટરરી અર્થ ન હોય, તેમને
માટે બધુ સહજ હોય પરંતુ, મિડલ એજ એટલે કે
40ની ઉપરની વ્યક્તિઓ માટે આનો અર્થ જુદો હોઈ શકે. અને શરૂ થાય સંબંધો.... કેટલીક
વ્યક્તિઓમાં એ શક્યતા હોય અને કેટલાકમાં ન હોય. લવ યુ , ડિયર અને હાર્ટ ના
સિમ્બોલે પોતાનો અર્થ ગુમાવી દીધો છે. કોઈ એમ જ લવ યુ કહી શકે તો કોઈ ખરેખર જેને માટે
લાગણી હોય તેને જ એટલે કે પોતાના સાથીને જ કહી શકે. આવા મેસેજીસને કારણે
લગ્નજીવનમાં સમસ્યા સર્જાઈ શકે છે તે કોઈ વિચારતું નથી.
વડિલો કહેતા કે આગ પાસે ઘી રાખો તો પીગળે જ. એવી
રીતે સ્ત્રી પુરુષને જ્યાં છૂટથી મળવાની શક્યતા હોય એકાંત હોય તો સંબંધો બંધાવાની
શક્યતાઓ વધી જાય છે. ઈન્ટરનેટ ધ્વારા આ શક્યતાઓ એટલી વધી ગઈ છે કે કડલર,વાઈલ્ડફાયર
અને ટિન્ડરજેવા ડેટિંગ એપ્પ પણ પોપ્યુલર થયા છે. છોકરીઓની મિત્રતા કરો એવા સ્લોગન
અને છોકરીઓના ફોટા સાથે વેપારીકરણ કરેલી ડેટિંગ સેવાઓ તો અનેક ઓનલાઈન છે જ. પણ આ
એપ્પ દ્વારા તમે જેઓ સંબંધ બાંધવા ઈચ્છે છે તેમની સાથે જોડાઈ શકો છો. કડલર એપ્પ તો
મિડિયામાં વખોડાયા બાદ બંધ થઈ ગયું છે. તેમાં તમારી આસપાસ રહેતી વ્યક્તિ જે તે
એપ્પ પર હોય તેને ભેટવાની રિક્વેસ્ટ મોકલી શકો છો. યાને કે જાદુ કી ઝપ્પી માગી શકો
છો કે મોકલી શકો છો. જે લોકો સ્પર્શથી
વંચિત હોય તેમના માટે આ એપ્પ હતું. પણ તેનાથી લોકોની અંગતતા ભંગ થતી હતી અને કોઈ
માણસ તે જાદુની ઝપ્પીની મર્યાદા નહીં ઓળંગે તેની શી ખાતરી ? ટૂંકમાં થોડો સમય લોકોએ તેનો ઉપયોગ કર્યો પછી બાય
બાય કહીને એપ્પ બંધ થયું. વાઈલ્ડફાયર સ્ત્રીઓની સુરક્ષિતતાને ધ્યાનમાં લઈ બનાવાયું
છે એવું કહેવાય છે. આ એપ્પમાં કોઈ સ્ત્રી ભલામણ કરે તો જ પુરુષ મેમ્બર બની શકે
તેવી જોગવાઈ છે. અને ફક્ત 20 મેસેજીસ જ મોકલી શકાય. ત્યાં સુધીમાં તમને રસ પડે તો
ફોન નંબરની આપ લે કરી શકો છો. ટિન્ડરએપ્પ ફેસબુક સાથે સંકળાયેલું છે. તેમાં તમારી
આસપાસ રહેતી, તમારા જેવી જ રસ ધરાવતી વ્યક્તિનો પ્રોફાઈલ તમને જોવા મળે. તમને ગમે
અને સામી વ્યક્તિ સ્વીકારે તો તેની સાથે ડેટિંગ કરી શકો છો. આ એપ્પ એન્ડ્રોઈડ
મોબાઈલ કે અન્ય ઉપકરણો ધ્વારા ઉપયોગમાં લેવાય છે. તેમાં ફોટા એડિટ પણ કરાય અને હવે
તો તે ઈન્સ્ટાગ્રામ સાથે ય સંયોજાયું છે. નવાઈની વાત એ છે કે ટીન્ડરના અર્ધા
ઉપરાંત વપરાશકારો પરિણીત છે અને મોટાભાગે તેઓ પુરુષ છે.
ઓનલાઈન ડેટિંગ મોટેભાગે અંગત લાગણીઓ વ્યક્ત કરવા
માટેનું સાધન છે. પહેલાં જ કહ્યું તેમ જો લગ્ન કરેલી વ્યક્તિઓ આમાં જોડાય છે તો
તેઓ પોતાના પાર્ટનર સાથે ચિટિંગ કરે છે. સામે મળો કે ન મળો તો પણ આવા કોઈ સંબંધને
લીધે તમે તમારા પાર્ટનરને અન્યાય કરો છો. આવા કારણો ને લીધે છૂટાછેડાના કિસ્સાઓ
વધી રહ્યા છે. ઈન્ટરનેટ કે ફોન ધ્વારા વર્ચ્યુઅલ સંબંધો બાંધ્યા બાદ તે વ્યક્તિને
પોતાના પાર્ટનરમાં રસ રહેતો નથી. કારણ કે તેને વર્ચ્યુઅલ સંબંધોમાં વધુ આનંદ આવે
છે. કેટલીક વ્યક્તિઓ આની એડિક્ટ પણ થાય છે. તેમને જીવનમાં નવો રોમાંચનો અનુભવ થાય
છે. એ રોમાંચનો અનુભવ સતત મેળવવા માટે તેઓ વ્યક્તિઓ બદલતા રહે છે. અથવા એકસાથે બે
કે ત્રણ વ્યક્તિઓ સાથે પણ વર્ચ્યુઅલ સંબંધો બાંધે છે. શરૂઆત મિત્રતાથી જ થાય છે.
એક છોકરીને ઓનલાઈન ગેમ રમતાં નહોતું આવડતું. તેનો
ફેસબુક મિત્ર તેને શીખવાડે છે. ગેમ સાથે રમતાં રમતાં બન્ને ઈમોશનલ એડિક્ટ થયા.
પેલી છોકરીની સગાઈ થઈ ગઈ હતી. લગ્ન થવાના હતા પણ તેણે લગ્ન તોડી નાખ્યા. કારણ કે
તેને ભાવિ પતિ કરતાં પેલા ઓનલાઈન મિત્ર સાથે વાત કરવામાં વધુ આનંદ આવતો હતો. એ
ઓનલાઈન મિત્ર પરણીત હતો તે એને પાછળથી ખબર પડી જ્યારે તેણે મળવાનો આગ્રહ કર્યો. આમ
વર્ચ્યુઅલ સંબંધોમાં સામેની વ્યક્તિનો પ્રોફાઈલ સાચો છે કે નહીં તે ય ખબર ન પડે.
ક્યારેક સ્ત્રીનો પ્રોફાઈલ ધરાવતો પુરુષ સામા પુરુષ સાથે મસ્તીમાં વાતો કરે.
છેતરાનાર પુરુષને ખબર પણ પડે તો ય તેને વાંધો ન હોય કારણ કે તે તો કલ્પનામાં જ
રાચ્યો હોય ને. સુંદર યુવાન સ્ત્રીનો ફોટો મુકનાર હકિકતમાં 50 વરસની પૌઢા ય હોઈ
શકે. અથવા સેક્સ વર્કર પણ હોઈ શકે. આમ વર્ચ્યુઅલ અફેરમાં છેતરામણી થવાની દરેક પગલે
શક્યતા હોય છે. પોતાની સાથે ને બીજાની સાથે. વાસ્તવિકતાની સમસ્યાઓ જે સુલઝાવી ન શકે તે
વર્ચ્યુઅલ સમસ્યાનો આમંત્રણ આપે છે જે વધુ ગુંચવાયેલી હોય છે.
0 comments