ગ્લાસ લાયન એવોર્ડ ન હોવો જોઈએ 7-7-15

00:35




થોડો સમય પહેલાં એટલે કે ત્રણ મહિના પહેલાં જ દિપીકા પદુકોણ અભિનિત  માય ચોઈસ વિડિયોને લાખો લોકોએ જોઈ. તેના વિશે વિવાદિત લેખો પણ લખાયા, વંચાયા. પણ હકિકતમાં સ્ત્રીને ચોઈસ જેવું હોય છે ખરું ? મોટેભાગે ચોઈસ મર્યાદિત હોય છે. અને જો પોતાની પસંદગીનું જીવન જીવવા માગે સ્ત્રી તો એની કિંમતો ચુકવવા તૈયાર રહેવું પડતું હોય છે. વિડિયો ફિલ્મની વાત આવી એટલે અહીં ગ્લાસ લાયન એવોર્ડ વિશે વાત કરવી છે. જેના વિશે ભારતમાં  ક્યાંક ખૂણે ખાંચરે સમાચાર છપાયા હોય તો ય મારા ધ્યાનમાં આવ્યા નથી. જો કે એવોર્ડની વાત કરીએ તે પહેલાં વિચારો વાંચવાના એપ્પ વિશે વાત પણ કરીએ.
મને છેલ્લા છ મહિનામાં ફક્ત ને ફક્ત પુરુષોએ જ એવો એપ્પ મળે કે ? એવી પૃચ્છા કરી છે. એકપણ સ્ત્રીએ એ એપ્પ મેળવવાની ઈચ્છા નથી દર્શાવી. સ્ત્રીઓની પૂર્તિ, સ્રી માટે સ્ત્રી ધ્વારા લખવામાં આવેલી કોલમમાં પુરુષોને સ્ત્રીના મનને વાંચવાની ઈચ્છા રહે છે. સ્ત્રી વાચકોએ કેટલીય વાતને પોતાના મનની જ વાત કહીને સરાહી. પણ ક્યારેય તેમને વિચાર નથી આવ્યો એપ્પ મેળવવાનો. કદાચ સ્ત્રીઓ બીજાના મનની વાત સરળતાથી જાણી શકે છે. જ્યારે પુરુષોને ક્યારેય બીજાના મનને જાણવાનો વિચાર નથી આવતો તેમને ટેકનોલોજી મળી જાય તો સહેલું પડે. આવું એપ્પ ભવિષ્યમાં કોઈ પુરુષ બનાવે તો નવાઈ નહી. તેમાંય ખરું કહું તો પુરુષને એ જ જાણવું હશે કે સ્ત્રી તેના વિશે કેવો ભાવ રાખે છે..... આ બાબતને તેઓ ભલે સ્વીકારે નહી.  પણ મારી પાસે ખરેખર એવું એપ્પ હોઈ શકે જે ફક્ત સ્ત્રીના જ નહી પુરુષના ય વિચારો વાંચી શકે છે.  J
હવે કરીએ વાત  ગ્લાસ લાયન્સ એવોર્ડ વિશે. આ વરસે કાન્સ લાયન ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ ક્રિયેટિવિટીમાં દુનિયાભરમાંથી એવી જાહેરાતની ફિલ્મોને  મંગાવવામાં આવી કે જેમાં સ્ત્રીના વ્યક્તિત્વને   હર્ષભેર વધાવવામાં આવી હોય.  એટલે કે જાતિય ભેદભાવને સમાજમાંથી નષ્ટ કરવા માટે સ્ત્રીની છબીને સન્માનપૂર્વક રજુ કરવામાં આવી હોય. યસ એટલે કે માય ચોઈસ જેવી એડ ફિલ્મોની વાત છે. લગભગ 166 દેશોમાંથી ફિલ્મો આવી તેમાં ભારતની ફિલ્મ પણ હતી જ.  આ ફિલ્મોને વિવેચકના દૃષ્ટિકોણથી તપાસવામાં આવી. આ ફિલ્મો ધ્વારા દરેક દેશોમાં જાતિય ભેદભાવના વિવિધ સ્વરૂપો સામે આવ્યા. આમ પણ આ એવોર્ડનો મકસદ પણ એ જ હતો કે સમાજમાં જાતિય ભેદભાવ અંગે જાગૃતિ ફેલાવવી અને સ્ત્રીઓને નડતી ગ્લાસ સિલિંગને ઓળખવી.
ભારતની ટચ દ પિકલ સેનેટરી ટોવેલના કેમ્પેઈનની ફિલ્મને એવોર્ડ માટે પસંદ કરવામાં આવી. આપણે ત્યાં એવી માન્યતા છે કે રજસ્વલા સ્ત્રી જો અથાણાને અડે તો બગડી જાય. આમ જુદા જુદા દેશોની જાતિય ભેદભાવ અંગેની માન્યતાઓ અને રિવાજોની વાત આ ફિલ્મો ધ્વારા જાણવા મળી. ક્યારેક તો ખૂબ સહજતાથી સ્ત્રીના સ્ત્રી હોવાને કારણે અન્યાય થતા હોય તેના વિશે વિચારાતું પણ નથી. જેમકે  યુનાઈટેડ નેશનની એડ ફિલ્મ ગીવ મોમ હર નેમ- ઈજિપ્તમાં દિકરો પોતાની માતાનું નામ ક્યારેય જાહેર નથી કરતો. આ એક પ્રથા પડી ગઈ છે. આ એડ ફિલ્મ ધ્વારા દરેક ઈજિપ્શિયન  પુરુષને મધર્સ ડેના  એક દિવસ માટે પોતાના પ્રોફાઈલને માનું નામ આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. જે વ્યક્તિઓ ક્યારેય માતાને ઓળખ આપતા જ નથી એક દિવસ માટે પહેલ કરવાથી ય માનસિક ગ્રંથિ તૂટવાની શક્યતા તો ખરી જ. અમેરિકન ફિલ્મ લાઈક અ ગર્લ નામની ફિલ્મ તો વરસ પહેલાં યુ ટ્યુબ પર મૂકાઈને સુપર હિટ થઈ હતી. 6 લાખથી  વધુ  લોકોએ તેને જોઈ છે.
દુનિયામાં મોટાભાગે લોકો  સ્ત્રી પ્રત્યે થતા  જાતિય ભેદભાવને  પડકારતી  ફિલ્મો બનાવે છે. તે છતાં ગ્લાસ લાયન્સ એવોર્ડના  જ્યુરી પ્રેસિડન્ટ  સિન્ડી ગેલોપે પોતાનો મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ એવોર્ડ શરૂ કરવાનો ઈરાદો એ છે કે વધુને વધુ જાહેરાતો આપણી આસપાસના સમાજના ચહેરાને ખુલ્લો કરતી બને. તે છતાં તેઓ એવી આશા સેવે છે કે નજીકના ભવિષ્યમાં આ એવોર્ડ આપવાની જરૂરત ન રહે. દરેક કાન્સ એવોર્ડ ગ્લાસ લાયન્સ એવોર્ડની જેમ જાતિય ભેદભાવની ગ્લાસ સિલિંગને તોડી શકે. અર્થાત સમાજમાં સીધી કે આડકતરી રીતે સ્ત્રી પ્રત્યે જાતિય ભેદભાવ ન રહે. 

આ વરસે જ ઓસ્કાર એવોર્ડમાં પેટ્રિસિયા અર્વેક્ટને  બોયહુડ ફિલ્મ માટે બેસ્ટ સર્પોટિગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો,  આ ફિલ્મમાં તેણે કથા નાયકની માતાની ભૂમિકા કરી હતી. એ એવોર્ડ સ્વીકારતી સમયે પેટ્રેસિયાએ જે વક્તવ્ય આપ્યું તેને દુનિયાભરની સ્ત્રીઓએ સહર્ષ આંસુ સાથે  વધાવી લીધું હતું. તેણે  એવોર્ડ  દરેક અમેરિકન સ્ત્રીને સમર્પિત કરતા કહ્યું કે ,  સમર્પિત એ સ્ત્રીઓને જેણે આ દેશના દરેક  નાગરિકને જન્મ આપ્યો છે  અને ટેક્સ આપનાર વ્યક્તિને જન્મ આપ્યો છે. અત્યાર સુધી આપણે બીજાઓને સમાન અધિકાર  (ઈક્વલ રાઈટ્સ) મળે એ  માટે લડ્યા છીએ. હવે આપણે આપણા માટે લડીએ. આપણને અમેરિકામાં  સમાન અધિકાર મળે અને સમાન વેતન મળે. 

You Might Also Like

0 comments