સ્ત્રી મજાકનું સાધન છે ? 28-7-15
23:28
કોમેડી નાઈટ્સ વીથ કપિલ શર્માનો શો સુપર ડુપર હીટ
છે. તેમાંય હિન્દી સિરિયલો ન જોનારા લોકો પણ સ્ટ્રેસ ફ્રી થવા લાફ્ટર શો જોશે. વળી
આ શો એટલો સુપર હીટ થયો કે તેમાં પ્રમોશન માટે સેલિબ્રિટીઝ પણ તત્પર હોય છે. મને
પણ જોવાનો આનંદ આવતો હતો. ક્યારેક ખટકતું જ્યારે મિસિસ શર્માને સતત હડધૂત કરવામાં
આવેને તેના પર હસવાનું હોય. એવામાં ક્યાંક વાંચવા મળ્યું કે મહારાષ્ટ્ર વિમેન
કમિશને કપિલ શર્માને સ્ત્રીઓને ઊતારી પાડવા માટે નોટિસ મોકલી હતી. તેનું શું થયું
તે ખ્યાલ નથી. પણ ટ્વીટર ઉપર પણ અનેક પુરુષોએ કપિલ શર્માના શોમાં થતાં જાતિય
ભેદભાવ અંગે ટીકા કરતા રહ્યા છે.
ભારતના
મિડિયા એન્ડ એડ્વર્ટાઈઝ ક્ષેત્રમાં અગ્રગણ્ય અને જાણીતા ગોપીનાથ મેનને પણ પોતાની નારાજગી
વ્યક્તિ કરી હતી કે કપિલ શર્માના અતિ પોપ્યુલર શોમાં સતત સ્ત્રીઓને નીચી બતાવીને
હાસ્ય કેમ પેદા કરવામાં આવે છે ? પત્ની પરના જોક આમ પણ અનેક ફરે છે વોટ્સ એપ પર.
તેમાંય સ્ત્રીઓ પણ મોટું દિલ રાખીને આવા જોક
ફેરવે છે અને હસે છે ત્યારે એક સ્ત્રી તરીકે મને પણ નવાઈ લાગે છે. ક્યારેક
એવું ય લાગે કે આ તો ફક્ત જોક છે તેમાં વળી સિરિયસ શું થવાનું. અને જો ક્યારેક
પુરુષોની સામે આ મુદ્દો નીકળે ત્યારે સાંભળવું જ પડે કે તમે સ્ત્રીઓ ખૂબ ચોળીને
ચીકણું કરો. અરે આ તો ફક્ત હસવા માટે જ હોય છે. પણ હસવા માટે શું કામ સ્ત્રીઓને
ઊતારી પાડવી જોઈએ ? પતિ પરના જોક જો સતત કરવામાં આવે તો ? આનો
સાચો જવાબ મળવો મુશ્કેલ છે. મહાન કોમેડિયનો પોતાની જાતથી લોકોને હસાવતા. ચાર્લી ચેપ્લિન યાદ કરો. તેને
જોઈને જ હસવું આવે. જ્યારે કપિલ શર્માના શોમાં કપિલ જાતે તો હીરો જેવો આવે પરંતુ,
તેના દરેક સ્ત્રી પાત્રો જે પુરુષો જ હોય તે અક્કલમઠા હોય અને દેખાવમાં હાસ્યાસ્પદ
હોય.
દાદી, ગુત્થી, પલક જે પુરુષો ધ્વારા સ્ત્રીના
પાત્રો કરવામાં આવે તેમાં સતત ઊતારી પાડવામાં આવતી કોમેન્ટસ થાય છે. દાદી સતત પીધા
જ રાખે અને ગુત્થી તો સતત ગાંડા કાઢે. શો પર આવતા દરેક મહેમાન પુરુષની સાથે ફ્લર્ટ
કરે કે લગ્નની ફરમાઈશ કરે. બુવા પણ સતત પોતાને માટે લગ્નનું પાત્ર શોધે. એ માટે
સતત બન્નેને તેમનામાં રહેલા ખરાબ ગુણો જ યાદ કરાવાય. તેમને હાસ્યાસ્પદ જ બતાવાય.
એટલે સુધી કે તેમની હવે એન્ટ્રી થતાં જ લોકો હસવા લાગે. અહીં એમ પણ કહી શકાય કે
હાસ્યનો શો છે તો એવું જ થાય ને... તેમાં શું દૂધમાંથી પોરા કાઢવા. પણ માનસિકતા
બંધાતી હોય છે. સ્ત્રીઓ એટલે હસવાનું જ સાધન. શો માં આવતા સ્ત્રી પુરુષોમાં ય
પુરુષ પતિની દયા ખાવામાં આવે. અને આ બધું જ અમે સ્ત્રીઓ પણ હસવામાં લઈ લઈએ. પણ સામાન્યપણે સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ પણ એટલી
જ હાસ્યાસ્પદ બનાવી દેવામાં આવે છે. સ્ત્રીઓમાં કાંઈ અક્કલ ન હોય. સ્ત્રીની બુદ્ધિ
પગની પાનીએ વગેરે વગેરે ...વાક્યો સહજતાથી ઘરોમાં બોલાતા હોય.
વળી બિટ્ટુ શર્માની સુંદર દેખાવડી પત્ની
ગરીબ ઘરની છે ને કશું જ લાવી નથી તે વાક્યો પણ કહેવાય. કાગડો દહીથરું લઈ ગયો એમ
ક્યારેય કપિલ નથી કહેતો. પણ સતત તેની પત્નીને બદસુરત, મોટા ફાડની મોં વાળી વગેરે
કહીને ઊતારી પાડવામાં આવે. જ્યારે કપિલ પોતાના શો પર આવતી દરેક હિરોઈન કે સુંદરી
સાથે ફ્લર્ટ કરે. પત્ની ગમે તેટલી સુંદર કે સમજદાર હોય તો ય તે ખરાબ કારણ કે તેનું
આખું ય કુટુંબ ખરાબ. શું કામ આટલી હદે વાતને વકરાવીને હાસ્ય ઉપજાવવાની જરૂરત ? પલકને
જાડીને હૃષ્ટ પુષ્ટ ઓરત કહીને હસવાનું. શા માટે દરેક સ્ત્રીને શો માં ઉતારી
પાડવામાં આવે ?
જાતિય ભેદભાવ હાસ્યમાં હસીને લેવાનો એવી
સલાહો આપી જ શકાય પરંતુ, શું આ દરેકની સમાજ પર અસર નથી ? આ જ
રીતે કેમ કોઈ પુરુષ પર પણ હસવામાં નથી આવતું ? સિવાય
કે એક નોકર... સ્ત્રી યા તો સેક્સ સિમ્બોલ હોય કે પછી મજાકનું પાત્ર હોય તેવો શો
પોપ્યુલર હોય. સ્ત્રીઓને ય તેમાં વાંધો નથી હોતો અને નવાઈની વાત એ છે કે જેટલી પણ
ટીકાઓ થઈ છે જાતિયતા ભર્યા જોક સામે તે પુરુષો ધ્વારા જ થઈ છે. એવું હોય શકે કે
હ્યુમિલિએટ થવાનું કે મજાકના પાત્ર બનવાની આદત સ્ત્રીઓને પડી ગઈ હોય. આ વિશે તો
કોઈ સમાજશાસ્ત્રી જ કહી શકે. પરંતુ, આજની સ્ત્રીઓ મજાકનું પાત્ર બનવા માટે કે
સેક્સ સિમ્બોલ બનવા માટે તૈયાર હોય છે.
આજની નારી ધારે તો ના પાડી શકે છે. આવા શો
ન જોવાની કે તેમાં પ્રેક્ષક તરીકે ન જવાની. પસંદગી તો છે જ આપણી પાસે પણ કદાચ
પસંદગી છે પોતાની પાસે એવો વિચાર પણ આવી શકતો નથી. મનમાં ક્યાંક ખટકતું હોવા છતાં
હું પણ હસી હસીને સ્ત્રીઓના જોક માણતી જ હતી. અને સાથે કહી શકાય કે અમે મહાન છીએ
કે જાત પર હસી શકીએ છીએ. મજાકના પાત્ર બની શકીએ છીએ. પણ બીજાને ઊતારી પાડીને હસતા
નથી. શું એ બરાબર છે ? સ્ત્રીઓ પરના જોક સાંભળીને કે વાંચીને હસવું આવે
છે પણ સાથે પીડા પણ થાય જ છે.
0 comments