તમારે કેવા પુરુષ બનવું છે કે અથવા કેવા પુરુષ છો ? 20-10-15
04:48તમારે કેવા પુરુષ બનવું છે કે અથવા કેવા પુરુષ છો ?
કેવો વાહિયાત સવાલ છે નહીં ? તમને થશે આવો તે કોઈ સવાલ હોતો હશે ?
બીજું કંઈ પણ વિચારો તે પહેલાં એક સવાલ.. તમે આલ્ફા છો કે બીટા ? નોનસેન્સ ગુજરાતી પુરુષ કહેશે આ બધા તમારા ચોંચલા છે, અમને કોઈ જ લેવા દેવા નથી. શું સાચે જ એવું છે ?
ટિપિકલ પૌરુષી અહમને વચ્ચે લાવ્યા વિના કે ગુસ્સે થયા વિના વિચાર કરો કે તમે અગ્રેસિવ છો સફળતા માટે ....યેન કેન પ્રકારે તમારે સફળ થવું છે. સાથે દેખાવને ય મહત્ત્વ આપવું છે. હકીકતમાં તો આલ્ફા મેલનો એ સ્વભાવ છે કે તે પોતાના દેખાવને પણ સફળતાના એક ભાગ તરીકે જોશે. માનસિકતા સફળ થવાની તે પુરુષના જનીનમાં વણાયેલી હોય છે. શિકાર કરવામાં સફળ થાય તે પુરુષમાં સહજ પૌરુષીય તત્ત્વો રહેવાના જ. પણ હવે શિકારના અર્થો બદલાયા છે. સફળતા જેમાં પૈસા, સત્તા અને દેખાવ આ ત્રણ બાબતો વણાયેલી છે આજના શિકારમાં પણ ત્યારબાદ આવે સ્ત્રી જે આદિમ વૃત્તિ છે વિરોધી જાતિના આકર્ષણની. અન્ય જીવોમાં પણ એક બળુકો નર હોય છે જે અન્ય નરોને માત આપીને માદાને પ્રાપ્ત કરે છે. સીધી કે આડકતરી રીતે એ હરીફાઈ સતત પુરુષના આંતર મનમાં ચાલતી હોય છે. ઐશ્ર્વર્યા રાય પરણી ત્યારે ભારતના મોટાભાગના પુરુષોને અભિષેકની ઈર્ષ્યા થઈ હતી. સની લિયોનની પ્રસિદ્ધિ પણ આ આદિમ પુરુષોને આભારી છે. જે આલ્ફા મેલ છે.
આલ્ફા મેલ એટલે જે પોતાની સફળતા અને સેક્સને અસેટ્સ એટલે કે મિલકત તરીકે જોશે. આલ્ફા મેલ સતત બીજા પુરુષોની સાથે હરીફાઈમાં ઉતરશે. તેણે સુપિરિયર સાબિત થવું છે. પુરુષ પાસે હકીકતમાં સ્ત્રીની જેમ દેખાવ નથી જે ફક્ત તેને વિનર બનાવી શકે. સની લિયોન પાસે શરીર છે અને તેણે એ શરીર દ્વારા પૈસા, પ્રસિદ્ધિ હાંસલ કરી છે. જો કે એક જમાનામાં પોર્ન સ્ટાર તરીકેની પ્રસિદ્ધિ આવકાર્ય નહોતી સમાજમાં. પણ આજે વાત જુદી છે. પણ પુરુષ પાસે એ રીતે પ્રસિદ્ધ થવું કે પૈસા કમાવવા સહેલા નથી. હા, જીગોલો છે પણ તેમને પણ પોતાના પ્રશ્ર્નો છે. જીગોલો હોવું એ પણ ભદ્ર સમાજમાં સ્વીકાર્ય નથી કારણ કે તેની પાછળ પણ સરખામણી છે. સ્પર્ધા છે એક પુરુષની બીજા પુરુષ સાથે. સ્ત્રીને આજે મિલકત નથી ગણતો આજનો પુરુષ પણ પઝેસિવ તો છે જ. લગ્ન સંસ્થાનો એક પાયો માલિકીભાવ પણ ખરો જ.
આલ્ફા મેલનું ઉત્તમ ઉદાહરણ છે, શાહરુખ ખાન. તેની પાસે દેખાવ નથી પણ પૌરુષીય વિગર છે. જુસ્સો છે સતત કશુંક મેળવવાનો. સતત સફળ થવાનો. સતત પોતાને સાબિત કરવાનો. શાહરુખે પોતે પણ આ વાત કબૂલી છે કે તેને સતત અસલામતી અનુભવાય છે. પોતે ક્યાંક ઓછો પડશે. પોતાના ચાહકો ઓછા થશે કે ન રહે તો તે ખતમ થઈ જાય. તેણે એકવાર કોઈ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેના ઘરની બહાર જો પ્રશંસકોની ભીડ ન હોય તો એ સહન ન કરી શકે. અમિતાભ બચ્ચન એ મામલે નસીબદાર રહ્યા છે. વરસના કોઈપણ દિવસે તેમના ઘરની બહાર થોડા ચાહકો બસ એક ઝલક માટે રહેવાના જ. પણ પૈસાની કે ફેમની અસલામતી તેમને પણ જણાય જ છે. કહેવાની જરૂર છે કે શાહરુખ ક્યા પુરુષોની સાથે સ્પર્ધામાં છે ?
એ જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે દેખાવ કે પૈસા કશું જ નહોતું. આજે તે મુંબઈમાં મહેલ જેવા ઘરમાં શહેનશાહની જેમ રહે છે. પચાસ વરસે પણ પ્રેમી હીરો તરીકે સફળતાપૂર્વક સ્ત્રી પ્રશંસકોના દિલ જીતી લઈ શકે છે. તે સારો પતિ છે. પ્રેમાળ પિતા છે. રમતો રમતો હતો અને હવે રમતોની ટીમનો માલિક છે. બધું મેળવી લીધા બાદ પણ તેને સંતોષ નથી. જે દિવસે તેને સંતોષ થશે તે દિવસે તેને અસલામતી નહીં રહે અને તે પોતાની જાત સાથે કે બીજા સાથે પણ સ્પર્ધા નહીં કરે.
આલ્ફા મેલનો આ ગુણ કહો કે અવગુણ પણ તે રોજ સવારે આયનામાં પોતાને જોઈને સ્પર્ધા શરૂ કરે છે. તેનાથી હાર સ્વીકારી શકાતી નથી. તે દરરોજ પોતાને કહેશે કે હું આજે પણ સફળ છું. બીજાઓ કરતાં મારામાં વધારે આવડત છે. અને આજે તે કોને માત કરશે તેના વિચારોમાં ખોવાઈ જશે. શિકાર કરવાની તેની આદિમવૃત્તિ એટલે જ આજની સ્પર્ધા. પૈસા, સત્તા, પ્રસિદ્ધિ અને સ્ત્રી આ ચાર બાબતને પામવાની સ્પર્ધા. આ ચાર પગું પ્રાણી જ છે. એટલે જ ફક્ત પૈસા કમાઈને કોઈ પુરુષને સંતોષ થતો જોયો નહીં હોય. યેન કેન પ્રકારે પૈસા કમાયા બાદ તેને સત્તા જોઈશે. એટલે તે અનેક કંપનીઓ કે બિઝનેસ શરૂ કરશે અથવા બીજી કંપનીઓમાં ક્ધસલટન્ટ કે ડાયરેકટર તરીકે જોડાશે. આ બધા સાથે સ્ત્રી તો આવી જ જશે. પણ પછી આવશે પ્રસિદ્ધિ એટલે સખાવતો શરૂ કરશે. અનેક ટ્રસ્ટો અને સામાજિક સંસ્થાઓમાં તે જોડાશે. અને પછી તેની નોંધ મીડિયામાં લેવાય તેવી અપેક્ષા પણ રાખશે. આ સામાન્યપણે આપણી આસપાસ જોવા મળતા આલ્ફા પુરુષોની વાત છે.
જગતમાં ઘણી બાબતે સરખામણી થતી રહી છે જેનો ખરેખર કોઈ અર્થ સરે છે કે કેમ તે વિચારવું રહ્યું. જેમકે જમણું મગજ અને ડાબું મગજ , સ્વભાવ વિરુદ્ધ સંસ્કાર વગેરે પણ સૌથી ડેડલીએસ્ટ છે આલ્ફા મેલ અને બીટા મેલ. પહેલાં જ કહ્યું તેમ આલ્ફા મેલ સામાજિક સ્તરે ટોચ પર હોય. તેમની પાસે સમૃદ્ધિ, સત્તા, સામાજિક પ્રતિષ્ઠા અને સ્ત્રી બધું જ હોય. આ બધું જ તેમણે ફિજિકલ પાવર, ડોમિનન્સ સ્વભાવ દ્વારા મેળવ્યું હોય છે. સાદા શબ્દોમાં કહી શકાય સમાજની દૃષ્ટિએ ‘રિયલ મેન’. જ્યારે સામે પક્ષે બીટા મેલ નબળી આવૃત્તિ હોય. નબળો, સબમિસીવ એટલે કે આજ્ઞાકારી, કોઈના હાથ નીચે કે નીચેના હોદ્દા પર કામ કરનારો પુરુષ, જે અગ્રેસિવ ન હોય. તાબે થઈને રહે. સ્ત્રી જ્યારે પરણીને ઠરીઠામ થવાનું વિચારે અને સારા માણસને શોધે ત્યારે જ બીટા મેન તરફ નજર દોડાવે.
દુનિયામાં આ બે જાતના પુરુષોમાં આલ્ફા મેલ વધુ એટ્રેકટિવ, સત્તાશાળી હોવાને કારણે ભાગ્યશાળી ગણાતો હોય છે. નો ડાઉટ સ્ત્રીઓ તેમના તરફ જ ખેંચાતી હોય છે. શરૂઆતમાં પણ પછી લાંબાગાળાના સાથ માટે તેને આલ્ફા મેલ કરતાં બીટા મેલ જ પસંદ પડે છે. જે હોય તે અહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે આ સો કોલ સફળતાના માપદંડોને કારણે છોકરાઓ પર એવા પુરુષ બનવાનું પ્રેશર આવે છે. દરેક પુરુષ આલ્ફા મેલ ન બની શકે તેની પણ કિંમત પણ ચુકવાતી હોય છે અને આલ્ફા મેલ બનનારે પણ સતત કિંમત ચુકવવી પડે છે. સતત અસલામતી અને સ્પર્ધા પણ જાનલેવા હોઈ શકે છે. શાહરુખ ખાન રેસ્ટલેસ છે. તે સતત ચીમનીની જેમ ધુમાડા કાઢે છે. એટલે કે તે ચેઈન સ્મોકર છે. આલ્કોહોલ તો મોટાભાગના આલ્ફા મેલ પીતા જ હોય છે. તો કેટલાક ડ્રગના રવાડે પણ ચઢી જતાં હોય છે. બીટા મેલ પણ જો ઓછા આત્મવિશ્ર્વાસથી પીડાતો હોય તો તે આલ્કોહોલ કે સિગારેટ જેવા હાનિકારક તત્ત્વોનું સેવન કરવા લાગે છે. આ એક જાતની ભાગેડું વૃત્તિ જ હોય છે જે લાંબેગાળે શારીરિક અને માનસિક નુકસાન કરતી હોય છે. આ આલ્ફામેલ અને બીટા મેલનું સાયન્સ હોય છે તેના વિશે વિગતે વાત આવતા અંકે...
0 comments