સેક્સી મેન કોણ? આલ્ફા કે બીટા? 27-3-15

04:45


સેક્સી શબ્દ આપણે રોજબરોજની બોલચાલની ભાષામાં વાપરીએ છીએ એ જ અર્થમાં અહીં વાપર્યો છે. શર્ટ પણ સેક્સી હોય અને જૂતાં ય સેક્સી હોય અને સનસેટ પણ સેક્સી હોય શકે. પણ પુરુષ કે સ્ત્રીને સેક્સી કહેવામાં આવે છે ત્યારે અર્થ મનના ભાવ પ્રમાણે બદલાતા હોય છે. પાછલા લેખમાં આલ્ફા પુરુષ વિશે વાત કરી. આ આલ્ફા અને બીટા મેનનું વૈજ્ઞાનિક સંશોધન થયું છે. એ સંશોધન જનરલ છે. એ કોઈ માપદંડ નથી જ. તેમાં અપવાદો પણ હોઈ શકે, પરંતુ મોટાભાગના લક્ષણો દ્વારા ખ્યાલ આવે કે સામી વ્યક્તિ આલ્ફા છે કે બીટા. બન્ને પ્રકારના પોતાના ફાયદા છે અને ગેરફાયદા છે. વ્યક્તિ ધારે તો પોતાની ઓળખ બદલી શકે છે. વિકાસ અને પરિવર્તન એ નિયતી છે. અનિવાર્ય છે. માણસ સતત વિકસે છે-બદલાય છે. પ્રાચીન કાળમાં માણસ જુદો હતો, પહેરવેશ, બોલચાલ, વૃત્તિઓ અને વ્યવસાય, જીવનની ઢબ દરેક બાબત જુદી હતી. સમય જતાં આપણે વિકાસ કર્યો. જીવન બદલાયું. પહેલાં પુરુષો ધોતી અને કુર્તો પહેરતા આજે ભાગ્યે જ કોઈ વાર તહેવારે ધોતી પહેરે છે. જીન્સ ફક્ત યુવાનો પહેરતાં આજે પ્રૌઢ પણ જીન્સ પહેરે છે. એ જ રીતે આલ્ફા અને બીટા મેલની વ્યાખ્યા જે પહેલાં હતી તે જ વ્યાખ્યા આજે ન હોય તે સ્વાભાવિક છે. આલ્ફા મેલ પોતાના દેખાવ પ્રત્યે સભાન હોય છે તો દરેક ક્ષેત્રે જીત માટે ઉત્સાહી હોય છે. જ્યારે બીટા મેલ શરણાતિ સ્વીકારનારો, સમર્પિત હોય છે. આ સામાન્ય ઓળખ થઈ. પણ ઉત્સાહ જો ઝનૂનમાં ફેરવાય ત્યારે અનેક કૌંભાડો કે ગુનાઓની હારમાળા રચાય છે.

દુનિયામાં આલ્ફા -બીટા મેલ અંગે જે સંશોધન થયા છે તેમાં એક ઉદાહરણ સામાન્ય રાખવામાં આવ્યું છે. અને તેના સંદર્ભે તારણો

થયા છે.

--ધારો કે આકાશ નામની એક વ્યક્તિ અંદાજે પ ફૂટ ૧૧ ઈંચ ઊંચી, ૭૫ -૮૦ કિલો વજન છેલ્લા એક વરસથી ટેનિસ રમે છે. હવે તે ઈન્ટરમિડીએટ ક્લાસમાં જોડાય છે. આટલો ઓછો અનુભવ છતાં તે મોટાભાગની મેચ જીતે છે. તેની સામે લાંબા ગાળાથી ટેનિસની રમત રમનારને પણ તે આસાનીથી હરાવે છે. આકાશનું શરીર સ્ફુર્તિલું તો છે જ પણ તેની બોડી લેગ્વેંજ અગ્રેસિવ છે. ડોમિનેટિંગ છે. સતત જીત માટે તે ટેકનિક્સ અપનાવે છે જેમાં તે પોતાની બધી આવડત જીતને લક્ષ્યમાં રાખીને વાપરે છે. તે માનસિક રીતે પણ સામી વ્યક્તિ પર પ્રેશર ઊભું કરે છે જેથી તે રમતમાં બેધ્યાન બને. જીત તેના માથે ને મગજમાં સવાર રહે છે.

હવે એ જ વ્યક્તિ આકાશ જો ડોમિનેટીંગ વ્યક્તિત્વ ન ધરાવતો હોય તો કેવો હોય તે જોઈએ.

ૄ તે જેટલું પણ રમે તે સાતત્યપૂર્ણ રીતે રમે છે. દરેક નિયમોને અનુસરે છે. અને સારું રમે છે કારણ કે તેને જીતવાની ઈચ્છા કરતાં રમત રમવાનો આનંદ મેળવવો છે. તે રમત આનંદ માટે રમતો હોવાને કારણે કોઈની પણ સાથે સ્પર્ધામાં નથી. તેને હાર, જીતથી કોઈ ફરક નથી પડતો. સામી વ્યક્તિ લાંબા સમયથી રમે છે તે માટે એના અનુભવ અંગે આદર પણ છે. જો સામે સ્ટ્રોન્ગ રમતવીર હોય તો તેને આસાનીથી હરાવી શકે છે. સામાવાળાની સ્ટ્રોન્ગ માનસિકતા તેને અસર કરે છે. તેને રમત ગમે છે એટલે રમે છે બાકી દરેક સ્પર્ધામાં ઊતરવાની ને સતત જીતવાની તેને ઈચ્છા નથી. હા ક્યારેક પોતે સારું રમે અને જીતે તો એને ગમે છે. પણ તેની જીત તેના માથે કે મગજમાં નથી ચઢતી.

ૄ ચારેક સંશોધનો દરમિયાન જણાયું કે ડોમિનન્ટ વ્યક્તિત્વ ધરાવતો આકાશ સ્ત્રીઓને ગમે છે. પણ જીવનસાથી તરીકે તે ગમતી વ્યક્તિ નથી. ડોમિનન્ટ વ્યક્તિ અહંકારી હોવાની સંભાવના પણ હોય છે. ડોમિનન્ટ, એગ્રેસિવ પુરુષ દરેક પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા શારીરિક રીતે માનસિક રીતે સક્ષમ હોવાની ધારણા બંધાય છે. ધારણા એટલા માટે કે ક્યારેક ડોમિનન્ટ વ્યક્તિત્વ તે બહારનો અંચળો જ હોય. એટલે કે મ્હોરું જ હોય. વિપરીત પરિસ્થિતિમાં તેને સમજાતું નથી કે શું કરે. જો તેની પાસે સત્તા ન રહે કે તેનાથી વધુ ચઢિયાતી વ્યક્તિ આવી જાય તો તેને તકલીફ થઈ શકે. જ્યારે બીટા વ્યક્તિત્વ જીવનના પ્રવાસનો આનંદ લેવામાં માને છે તે સ્પર્ધામાં ન હોવાથી દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી શકે છે. હારને પણ તે સ્વીકારી શકે છે તો જીતને પણ. આમ જોઈએ તો આ ફિલોસોફિકલ લાગે. પણ જો આવી આ બીટા મેલ એટલે કે પુરુષમાં જરાપણ ધગશ ન હોય રમત રમવાની પણ તો ય તે આવકાર્ય નથી. ઉત્સાહહીન વ્યક્તિત્વ કશે જ સફળ ન થઈ શકે. આપણે ત્યાં બત્રીસ લક્ષણા પુરુષની વાત છે. જેમાં તેનો બાહ્ય દેખાવ પણ મહત્ત્વનો હોય છે. તો સાથે એ કુનેહપૂર્વક વર્તનાર હોય પણ ડોમિનન્ટ ન હોય. સંવેદનશીલ હોય, નમ્રતા, વિવેક અને સાલસપૂર્ણ વ્યવહાર તેને પ્રતિષ્ઠા આપે છે.

ૄ એવી વ્યક્તિ તેના વિરોધીઓમાં પણ પ્રિય હોય છે. અને સ્ત્રીઓમાં પણ એટલી જ પ્રિય હોય છે. તેને સમજદાર મિત્ર જેવી જીવનસાથી મળે છે. જ્યારે ડોમિનેટિંગ સ્વભાવવાળી વ્યક્તિને સત્તાપર હોય ત્યાં સુધી ભયને કારણે માન મળે છે. પણ તે આદર નથી મેળવી શકતો. પ્રતિષ્ઠા, કિર્તી પુરુષને સ્ત્રી કરતાં પણ પ્રિય હોય છે. ડોમિનેન્ટ વ્યક્તિત્વ ધરાવનાર પુરુષને સમર્પિત વ્યક્તિત્વ ધરાવનારી સ્ત્રી જ જીવનસાથી તરીકે મળે છે. અથવા તો કહો કે એવી સ્ત્રી જ તેની સાથે રહી શકે છે. આમ જોઈએ તો પૌરુષત્વ ધરાવતી વ્યક્તિઓ ડોમિનેટિંગ હોય જ પણ કેટલાક આલ્ફા મેલ તેને સમજદારીપૂર્વક સંયમમાં રાખે છે. આવી વ્યક્તિઓ આઈડિયલ એટલે કે બત્રીસ લક્ષણા પુરુષની કેટેગરીમાં આવી શકે. પણ આવા પુરુષોની સંખ્યા ઓછી હોય છે. બહુ ચર્ચિત અને પ્રસિદ્ધ અંગ્રેજી નવલકથા જેના પરથી ફિલ્મ પણ બની તે ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેની લોકપ્રિયતાનું કારણ પણ તેમાં આલેખાયેલા નાયકનું આક્રમક પૌરુષિય વ્યક્તિત્વ સ્ત્રીઓને આકર્ષક લાગે છે. નવાઈની વાત છે પણ આક્રમક વ્યક્તિત્વ ધરાવતો પુરુષ પ્રત્યે સ્ત્રીને આકર્ષણ થાય છે. એટલે જ બેડ બોય સ્ત્રીઓને ગમતા હોય છે એવું કહેવાય છે, પરંતુ ગમવું અને જીવનસાથી તરીકેની પસંદગી પાછી સદંતર જુદી હોય છે તે સમજવું જરૂરી છે.

ૄ દરેક વ્યક્તિનો ઉછેર અને માનસિકતા તેના વ્યક્તિત્વના ઘડતર માટે જવાબદાર હોય છે. સાથે સમાજ પણ તેનું ઘડતર કરે છે. પૌરુષત્વની વ્યાખ્યામાં ડોમિનન્સ એ મહત્ત્વનું પાસું છે એવી સામાજિક માન્યતા છે એટલે ઘણીવાર એવું બને કે સારી વ્યક્તિ અને ખરાબ વ્યક્તિ હોવાનું દબાણ આવે છે. હિન્દી ફિલ્મોમાં પહેલાં વિલન કદરૂપો અને ખડુસ બતાવતા હતા. પણ હવે વિલન વધુ પૈસાદાર, સત્તાશાળી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવનાર હોય શકે, અથવા તો બેડ બોય હીરો હોય શકે. સલમાન ખાન તેનું બેસ્ટ ઉદાહરણ છે. તે આકર્ષક છે, સાલસ અને સંવેદનશીલ છે તો સાથે જ તે ડોમિનેટિંગ વ્યક્તિત્વ ધરાવે છે. બેડ બોય પણ છે. અગ્રેસિવ છે. તેને છોકરીઓ સહજતાથી અને સુંદર મળે છે પણ તેને જીવનસાથી નથી મળી તેનું કારણ તેનું ડોમિનેટિંગ વ્યક્તિત્વ હોય શકે. તો બીજી તરફ એ જ વ્યક્તિત્વ લોકોને ગમે છે. તેના ગુનાઓ, ભૂલોને નજરઅંદાજ કરીને ય તેને ચાહનારો મોટો વર્ગ છે. જ્યારે સામે પક્ષે અભિષેક બચ્ચન ખૂબ જ વિવેકી, સાલસ અને સંવેદનશીલ તેમ જ સરળ વ્યક્તિત્વ ધરાવતો પુરુષ છે. એ જ રીતે રણબીર કપુર પણ શાલીન, સૌજન્યશીલ અને સંવેદનાસભર વ્યક્તિત્વ ધરાવે છે.

સફળતા અને પ્રતિષ્ઠા એ બેમાં ફરક છે. વ્યાવહારિક રીતે સફળ વ્યક્તિ પ્રતિષ્ઠિત હોય તે જરૂરી નથી. અને પ્રતિષ્ઠિત વ્યક્તિ વ્યાવહારિક રીતે સફળ હોય તે પણ જરૂરી નથી. કેટલાય રાજકારણીઓ પાસે સત્તા અને સંપત્તિ હોય છે પણ તેમના માટે દરેકને આદર હોય કે તેમના વચનમાં વિશ્ર્વાસ હોય તેવું હંમેશા બનતું નથી. આદર, સન્માન અને પ્રસિદ્ધિમાં પણ ફરક હોય છે. પણ ટૂંકમાં અગ્રેસિવ આલ્ફા પુરુષ કે સમર્પિત બીટા મેન બન્ને પોતાના સ્વભાવને સમજીને તેમાં યોગ્ય બદલાવ લાવી શકે તો જીવનની અનેક સમસ્યાઓ નિવારી શકે છે.

You Might Also Like

0 comments