ગોલી માર ભેજે મેં...3-11-15
23:30બહાર ટેમ્પરેચરનો પારો જેમ ઉપર ચઢતો જાય તેમ વિનોદરાયનો પારો ય ચઢે. સૌ પ્રથમ તો મોઢામાંથી ગાળ નીકળે કે સા...આ ગરમી એક તો ભેજું ફાડી નાખે અને આ ટ્રાફિક.... પછી માણસો.... પછી ટ્રેન અને પછી પૃથ્વી પરની દરેક વ્યક્તિઓ તેમને નકામી લાગે. તેમના પત્ની સાથે ય ઝઘડા જ થયા હોય ઘરે ઓફિસથી નીકળતા પહેલાં. તો બીજી તરફ કિરિટકુમારની વાત કરીએ. તેમના મોઢામાંથી વિનોદરાય જેવા અપશબ્દો કે બૂમાબૂમ કશું જ સાંભળવા ન મળે. એક મિનિટ એને લીધે કંઈ તેમને ભગવાનનું માણસ સમજી લેવાની જરૂર નથી.તેમની સાથે વાત કરનારને તેઓ ક્યારેય સીધો જવાબ નહીં આપે. શાંતિથી પણ વાંકું જ બોલશે. ઘરમાં પત્ની કહે કે આજે ડબ્બામાં (ટિફિનમાં) શું ભરી આપું? તો કહેશે આપણે રોજ મીટિંગ બોલાવીએ છીએ ને એ જ રીતે મીટિંગ બોલાવી નક્કી કરીએ. ક્યારેક માંદગી હોય ને પત્ની કહે કે ઓફિસ ન જાઓ તો સારું ... તો કહેશે કેમ ઘરે કામ કરવાનું છે? ઓફિસમાં ય સેક્રેટરી પૂછશે કે અમુક લેટર મોકલી દઉં? તો કહેશે ના તેને મઢાવીને ઓફિસમાં લટકાવીશું? કોઈક કારણસર જો સેક્રેટરી પૂછી લે કે કાલે ઓફિસ આવશો? તો પહેલાં તો કહેશે કે કેમ ? મને ઘરે જ બેસાડવો છે? ઓફિસ બંધ કરી દેવી છે? વગેરે વગેરે...શાંત સ્વરે આડું બોલવાનું તેમને વચન લાધ્યું હોય તેમ સતત પહેલાં બીજાને ઉતારી પાડવાથી જ કિરિટકુમારની શરૂઆત થાય.
તમારી આસપાસ પણ આવી કેટલીક વ્યક્તિઓ જરૂર હશે. સમજાય નહીં કે શું કામ આવું કરે ? આવી બન્ને વ્યક્તિઓ આક્રોશને કારણે ધૂંધવાતી હોય છે. ગુસ્સો, આક્રોશ તેમને અને તેમની આસપાસના દરેકને તકલીફ આપતો હોય છે. આક્રમકતા પુરુષના ડીએનએમાં હોય જ છે વધતે ઓછે અંશે તે આપણે પાછલા કેટલાક લેખોમાં વાંચ્યું જ. આ આક્રમકતા બિનજરૂરી હોય છે. કોઈક ફ્રેસ્ટ્રેશનમાંથી આ આક્રમકતા આવી હોય તે શક્ય છે. તો પૌરુષીય અહંકારને કારણે પણ આ બિનજરૂરી આક્રોશ કે આક્રમકતા દેખાતી હોય છે. આપણે ત્યાં આવી આક્રમકતાને ચલાવી લેવાય છે. તેમાં ઘરની સ્ત્રીઓ જવાબદાર હોય છે અને બહારના પુરુષો. પુરુષોને તો ગુસ્સો કરવાનો અધિકાર હોય છે. એવું માની લેવાય છે. તેમાંય સત્તાશાળી પુરુષ તો જ કહેવાય જો તે આક્રમક સ્વભાવ ધરાવતો હોય. ક્યારેક વ્યક્તિ દેખાડાને લીધે આ રીતે વર્તતી હોય છે તો ક્યારેક પોતાની સત્તા સાબિત કરવા માટે આ રીતે વર્તવાનું શરૂ કરે છે. પછી તેને ખ્યાલ પણ ન રહે તે રીતે આક્રોશ તેના સ્વભાવમાં વણાઈ જાય છે. હા જો વ્યક્તિ સભાન હોય કે પછી તે વ્યક્તિની આસપાસની વ્યક્તિઓ જાગૃત હોય તો આ સ્વભાવ બદલાઈ શકે છે. જાગૃત વડીલ હોય કે સારા સમજદાર મિત્રો હોય તો પણ તેને સમજાવે, ટોકે કે ભાઈ આ ખોટો આક્રોશ તારી તબિયત તો બગાડે જ છે પણ બીજાની તબિયત પણ બગાડે છે. ગુસ્સો કરનાર વ્યક્તિ સ્ટ્રેસ એટલે કે ચિંતા પણ કરતી જ હોય છે. ગુસ્સો અને ચિંતા, અસ્વસ્થતા બન્ને બાબત સ્વાસ્થ્ય માટે જોખમકારક છે.
ગુસ્સો કરતી કે આ રીતે સતત આડું બોલતી વ્યક્તિથી બીજી વ્યક્તિઓ દૂર રહેવાનો પ્રયત્ન કરે કે પછી તેની સાથે વધારે બોલે નહીં. વળી એ વ્યક્તિથી ડરનારી વ્યક્તિઓ પણ હોય છે. ખાસ કરીને તેના ઘરના અને ઓફિસમાં તેના હાથ નીચે કામ કરતી વ્યક્તિઓ. વિદેશમાં તો આવી વ્યક્તિઓને છૂટાછેડા આપી દેતાં પત્નીઓ અચકાતી નથી. જ્યારે આપણે ત્યાં પત્નીઓ પ્રમાણમાં સારી હોય છે. આખી જિંદગી સહન કરીને કાઢી નાખતા વિચાર નહીં કરે. આખી જિંદગી તે એક જ વાત કહ્યા કરશે કે અમારા એ તો બહુ ગુસ્સાવાળા. તેમને ગુસ્સો ન આવે તેનો ખ્યાલ પતિવ્રતા સ્ત્રીઓ રાખે તેમાં કોઈને નવાઈ કે ખરાબ ન લાગે. ઊલ્ટાનું આવું વાંચીને કહેશે, કે લે એમાં શું થઈ ગયું. લગ્ન સંસ્થા સ્ત્રીને લીધે જ તો ચાલે. સ્ત્રી એટલે ત્યાગ, સમર્પણની મૂર્તિ એવું માનનારો મોટો વર્ગ છે. સ્ત્રી અને પુરુષો બન્નેનો.
આક્રમકતા જ્યાં સુધી નુકસાનકારક બનતી નથી કે મોટું નુકસાન નથી કરી બેસતી ત્યાં સુધી તેના વિશે આપણે સભાન બનતા નથી. માણસમાત્રને ગુસ્સો આવે તે સ્વાભાવિક હોય છે. પણ આક્રમક સ્વભાવ ધરાવનાર વ્યક્તિના વર્તનમાં હિંસકતા જોવા મળે છે. આ હિંસક વૃત્તિ બાહ્ય સ્તરે કદાચ ન વર્તાય તો પણ તે બીજાને અને પોતાને ક્યારેકને ક્યારેક ઘાયલ કરે જ છે. કેટલીક વાર દબાયેલો આક્રોશ ખરાબ રીતે બહાર આવે છે તો ક્યારેક તે નકારાત્મક અભિગમ દ્વારા હતાશા તરફ પણ દોરી જાય છે.
આક્રમકતા અને આક્રોશ આમ તો બે જુદી અભિવ્યક્તિ છે. હ્યુમેનિસ્ટિક સાયકોલોજિસ્ટ્સ અગ્રેશનને બે વિભાગમાં વહેંચે છે. એક તો કુદરતી અને હકારાત્મક આક્રમકતા જે સામાજિક અન્યાય કે પૂર્વગ્રહ પ્રેરિત પક્ષપાતી વલણ સામે વિરોધના સૂરમાં બહાર આવે. તો બીજું પેથોલોજિકલ અગ્રેશન-આક્રમકતા બહાર આવે જ્યારે વ્યક્તિ ફ્રસ્ટ્રેશન અનુભવે છે. આળી બની જાય છે. વિનોદ રાય અને કિરીટકુમાર આ પેથોલોજિકલ અગ્રેશનના પ્રકારમાં આવે. આપણી આસપાસ મોટાભાગની વ્યક્તિઓ ફ્રસ્ટ્રેશનને કારણે સતત આક્રોશ અને આક્રમક બનતી હોય છે. અને આસપાસની વ્યક્તિઓ જે તેમના આક્રોશ કે આક્રમક સ્વભાવને નપુંસક ન કહી શકે કે વિરોધ ન કરી શકે તે લોકો વળી પાછા ફ્રસ્ટ્રેશન અનુભવે અને આમ વ્યક્તિઓની સંખ્યા વધતી જાય. સમાજ આખો આક્રોશમાં જીવે ત્યારે દાદરી અને અમદાવાદમાં અનામત આંદોલનમાં હિંસા સર્જાઈ તેવી હિંસાઓની હારમાળા રચાય.
૧૯૬૧ની સાલમાં બુસ નામના સાયકોલોજિસ્ટ અગ્રેસન અંગે કહે છે કે આક્રમકતા એક તો વેરઝેર
ભરેલી જ હોઈ શકે યા તો જાતને બચાવવામાં વ્યક્તિ આક્રમક થતી હોય છે. આપણને એમ થાય કે પણ વિનોદરાય કે કિરીટકુમાર જેવી વ્યક્તિઓ તો સારી છે, તેમને કોઈ વેરઝેર નથી. સાવ એવું નથી હોતું તેમના મનમાં અનેક પૂર્વગ્રહો - અભિપ્રાયો અને માન્યતાઓની ગ્રંથિઓ હશે. વળી સમાજમાં મોટાભાગની વ્યક્તિઓ આવી સૂક્ષ્મ હિંસાઓ કરતી હોય છે. હિંસાને તેઓ સ્વીકારી નથી શકતી અને દબાવી રાખેલો ગુસ્સો, આક્રોશ બીજી રીતે બહાર નીકળે છે. ટ્રેનની ભીડમાં થતાં મોટા ભાગના ઝઘડાઓ આવા દબાવી રાખેલા આક્રોશનું પરિણામ હોય છે તે દેખાઈ આવે છે. એ દરેક ઝઘડાઓનો કોઈ અર્થ નથી હોતો. એ આક્રોશના મૂળ વળી ક્યાંક બીજે જ હોય છે. કેટલીક વખત એ વાક્ય યુદ્ધો વધુ આક્રમક બનતાં અતિશય હિંસક બની જતાં હોય છે. સમજદાર અને જાગૃત વ્યક્તિ ક્યારેય હિંસક નહીં બને. સામી વ્યક્તિની હિંસાને વળતો જવાબ પણ નહીં આપે. તે જોઈ શકશે કે હિંસાથી કોઈ પ્રશ્ર્નોના ઉકેલ નથી આવતા પણ કામ બગડતા જ હોય છે. આ આક્રમકતા, આક્રોશ પુરુષમાં સહજ હોય જ તે સ્વીકારેલી સમાજની માન્યતાને કારણે જ કોઈને દેખાતો નથી. હા પોષાય છે જરૂર. તેમાંથી સમસ્યાઓ ઊભી થાય છે. પિતા એટલે ગુસ્સો કરે તે માન્યતાને સ્ત્રી સહજતાથી , જાણ્યા-સમજ્યા સિવાય હવા નાખે છે. બાળકને તે કહેશે જો જે હો પપ્પા આવશે તો વઢશે. પપ્પાને કહી દઈશ વગેરે વાક્યો આપણને સહુને ખબર જ છે. એ ગુસ્સો પરંપરારૂપે બાળકને મળે છે. એ જ્યારે બાપ બને ત્યારે બાળકોને દાબમાં રાખવાના સહજ પ્રયત્નો કરશે. એક વ્યક્તિને બીજી વ્યક્તિનો ભય ન લાગે તેવી આદર્શ પરિસ્થિતિની કલ્પના જ કરવી રહી. ભગવાનથી પણ ડરીને જ જીવવાનું શિખવાડાય છે. પાપ અને પુણ્યના ભેદ ડર પેદા કરવા માટે જ માનવી દ્વારા રચવામાં આવ્યા છે. બાકી ભય આપે તેને ભગવાન કઈ રીતે કહી શકાય ? આક્રોશ અને આક્રમકતાના ધુમ્મસમાં સ્પષ્ટ રીતે વિચાર થઈ શકતો નથી. ક્રોધ આંધળો હોય છે તે કહેવત આપણને ખબર જ છે. એટલે જ કહી શકાય કે આક્રોશ અને આક્રમકતાને મગજમાં પોષવા કરતાં ગોલી માર ભેજે મેં કે ભેજા શોર કરતા હૈ.
0 comments