કેટલીક ખાલી જગ્યા ભરાતી નથી (mumbai samachar)
05:39
કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે તેઓ આ દુનિયામાં નથી તે સ્વીકારવું અઘરું પડે. મે મહિનાની ૨૬ તારીખે જ વડોદરામાં સહિયર સંસ્થા ચલાવતા માનવ અધિકાર, પર્યાવરણવાદી અને નારીવાદી વિચારધારા ધરાવતા અને તે માટે સક્રિય કાર્ય કરતા તૃપ્તિ શાહનું અવસાન થયું. કે યાદ આવ્યું એપ્રિલ મહિનામાં ડાંગમાં જેમણે સ્ત્રીઓ માટે શિક્ષણ યજ્ઞ શરૂ કર્યો હતો તે ગાંધીવાદી પૂર્ણિમાબેન પકવાસાના મૃત્યુના સમાચાર આવ્યા હતા. તેમના જવાથી આધુનિક વિચારધારા ધરાવતા એક ગાંધીવાદી નેતા ગુજરાતે ગુમાવ્યા છે. આજની યુવતીઓ કદાચ પૂર્ણિમાબહેનને ઓળખતી ન હોય તો તેમના કમનસીબ છે બાકી ૬૦ વરસ પહેલાં તેમણે ડાંગ જિલ્લામાં ક્ધયાઓને સાચા અર્થમાં શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. લગભગ દશેક વરસ પહેલાં તેમને મુંબઈમાં કલાકેક માટે મળવાનું બન્યું હતું. ૯૪ વરસની ઉંમરે પણ આંખોમાં આત્મવિશ્ર્વાસ અને મોઢા પર દૃઢ સ્મિત. ટટ્ટાર બેસેલા સફેદ ખાદીના સલવાર કમીઝ પહેરેલા દુબળા, પાતળા પૂર્ણિમાબહેને કહેલા શબ્દો આજે પણ યાદ આવે છે કે, સ્ત્રીઓની બદલાયેલી સ્થિતિ જોઈને ગાંધીજીને ચોક્કસ આનંદ થયો હોત.
તેઓ દૃઢપણે માનતા કે દરેક સ્ત્રીએ સ્વબચાવ માટે કેટલાક શારીરિક દાવપેચ શીખવા જોઈએ. અહિંસામાં માનનારા ગાંધીજીએ ફક્ત પૂર્ણિમાબહેનને કટારી રાખવાની છૂટ આપી હતી. ૧૯૫૩ની સાલમાં તેમણે મહિલા સ્વબચાવ શક્તિદલની સ્થાપના કરી હતી. તેમણે ૧૯૧૮માં અરવિંદ પકવાસા સાથે લગ્ન કર્યા બાદ વિમાન ઉડાડવાની તાલીમ પણ લીધી હતી. બે દીકરીઓ અને એક દીકરાને જન્મ આપ્યા બાદ પણ તેમણે સતત સમાજમાં પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. તે જમાનામાં એટલે કે ૧૯૬૨ની સાલમાં ડાંગ વિસ્તારના સાપુતારામાં આદિવાસી ક્ધયાઓ માટે શાળા શરૂ કરી તે મૃત્યુ સુધી તેમાં કાર્યરત રહ્યાં. તેમને બંદૂક ચલાવતા પણ આવડતું હતું. લાઠીદાવમાં તેમણે મહારત હાંસલ કરી હતી. તેમનું માનવું હતું કે લાઠી એક હાથવગું સાધન છે અને દરેક ઉંમરની સ્ત્રી માટે વાપરવું સહેલું પડે એવું શસ્ત્ર છે. તેમણે વરસો સુધી શહેરી યુવતીઓ માટે ઋતુંભરા વિશ્ર્વ વિદ્યાપીઠમાં શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં યુવતીઓને લાઠીદાવથી લઈને સર્વાંગી વિકાસના પાઠ ભણાવવામાં આવતા હતા. તેમણે પોતાનું શિક્ષણ લગ્ન બાદ પૂરું કર્યું હતું કારણ કે ગાંધીજીએ તેમને મહિલાઓને સાક્ષર બનાવવાનું કામ કરવાની પ્રેરણા આપી હતી. સાપુતારામાં હજારો યુવતીઓનો સર્વાંગી વિકાસ કરનાર પૂર્ણિમાબહેનનું કામ આજે પણ ઋતુંભરામાં ચાલી રહ્યું છે.
તૃપ્તિ શાહ ૫૪ વરસની ખૂબ નાની ઉંમરે કેન્સરમાં અવસાન પામ્યાં. તેમણે સ્ત્રીઓની સમસ્યાઓ જેમ કે ડોેમેસ્ટિક વાયલેન્સ, જાતીય ભેદભાવ, આર્થિક ભેદભાવ માટે સક્રિય કામ કર્યા છે. વડોદરા શહેરના અસંગઠિત ક્ષેત્રમાં સ્ત્રીઓનો દરજ્જો વિષયમાં પી.એચ.ડી. કર્યું છે. છેલ્લાં ૩૫ વરસથી સ્ત્રીઓના અધિકારો માટે સતત કામ કરતાં સંગઠન તરીકે ગુજરાત અને ભારતમાં જાણીતા એવા સહિયર(સ્ત્રી સંગઠન)ની શરૂઆત કરનારાઓમાંના એક. સહિયરની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય, સ્વૈચ્છિક યોગદાન આપ્યું છે. જાગૃતિના કાર્યક્રમોથી શરૂ કરી વડોદરા બહારથી આવી શહેરમાં કામ કરતી બહેનો માટે હોસ્ટેલની સુવિધા જેવી પ્રવૃત્તિનો વ્યાપ રહ્યો છે. વિસ્થાપિતોનો મુદ્દો હોય કે પર્યાવરણનો, કોમવાદમાં સ્ત્રીઓની પરિસ્થિતિ હોય કે દરેક આંદોલનમાં સ્ત્રીઓનો દૃષ્ટિકોણ ઉજાગર કરવામાં તેઓ સદાય અગ્રેસર રહ્યા છે. પર્યાવરણ સુરક્ષા સમિતિ, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝના પણ સક્રિય કાર્યકર હતા.
ડૉ. તૃપ્તિ શાહના જાહેરજીવનની શરૂઆત ૧૧ વર્ષની વયે ૧૯૭૩ના નવનિર્માણ આંદોલન અને મોંઘવારી પ્રતિકાર મહિલા સમિતિ વડોદરા શાખાથી થઈ હતી. મ.સ. યુનિવર્સિટીના વિમેન્સ રિસર્ચ સ્ટડી સેન્ટરમાં એકેડમીક કોર્ડિનેટર તરીકે અને અર્થશાસ્ત્રના લેકચરર તરીકે કામગીરી બજાવી ચુક્યાં છે. ઈગ્નોઉના સ્કૂલ ઓફ જેન્ડર ડેવ્હલપમેન્ટ સ્ટડીના એમ.અ.ેનો પાઠ્યક્રમ પણ તેમણે લખ્યો છે.
0 comments