નશો અને નશામુક્તિનું વિષચક્ર (published in mumbai samachar)
22:00ડ્રગનું મક્કા બનેલું પંજાબ ડ્રગ મુક્ત થવા અને લોકોને નશામાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નોમાં અટવાયેલું છે. ડ્રગનું વેચાણ તો છેલ્લાં પંદર વરસથી અટકાવી શકાયું નથી પણ તેની સાથેની અન્ય સમસ્યાઓ પણ વધી રહી છે
અમૃતસરને અડીને આવેલું મકબૂલપુરા તો વિધવાઓ અને અનાથોનું ગામ તરીકે ઓળખાઈ રહ્યું છે. કારણ કે ત્યાંના દરેક ઘરમાં એકાદ બે વિધવાઓ છે જેમના પતિ ડ્રગના સેવનથી મૃત્યુ પામ્યા છે. ગામમાં એક સાઠે પહોંચવામાં આવેલી વૃદ્ધાની આંખો રડી રડીને સૂકાઈ ગઈ છે કારણ કે તેણે ડ્રગના સેવનને કારણે પતિ અને છ દીકરાઓ ગુમાવ્યા છે. પથરાયેલી આંખે તે કેમેરાની સામે જોઈને કહી રહી છે કે ડ્રગ લેનારની કોઈ મદદ નથી કરતું. અને કરે પણ શું કામ? શું કામ કોઈ આ લફરામાં પડે. કોઈ દીકરાઓ મારી સામે ડ્રગ નહોતા લેતા. બહાર જઈને લેતા હતા તેમને ક્યાં શોધું ને કેમ રોકી શકાય? તેમની વિધવા વહુઓ અને પૌત્રોને સંભાળવાના દિવસો મારે જોવાના. મારા દીકરાઓ મરી રહ્યા હતા ત્યારે તેમની સારવારના પૈસા જ ન હોય બસ તેમને મરતાં જોવાના એ મા તરીકે, પત્ની તરીકે કેટલું પીડાદાયક હોય છે તે જેના પર વીતે તે જ જાણે. પોલીસ બધું જ જાણે છે. પણ કશું જ કરતી નથી.
પંજાબમાં દર વરસે ૭૫૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ પીવાઈ રહ્યું છે. તેમાં ૬૫૦૦ કરોડ રૂપિયાનું તો ફક્ત હેરોઈન જ લેવાય છે. આ હેરોઈન નામનો નશો પાકિસ્તાનથી ભારતમાં સ્મગલ થાય છે. અત્યાર સુધી પંજાબની સિક્યુરિટી એજન્સી કહેતી હતી કે પાકિસ્તાનથી હેરોઈન દિલ્હી જેવા શહેરોમાં જ પહોંચે છે. પંજાબના ગામોમાં નહીં, પરંતુ હાલમાં જ નેશનલ ડિફેન્સ ડિપેન્ડસ ટ્રીટમેન્ટ સેન્ટર જે દિલ્હીના એઈમ્સમાં છે તેમને સંશોધન કરતા જાણવા મળ્યું કે પંજાબમાં હેરોઈન પાકિસ્તાનમાંથી જ આવે છે. આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે પંજાબના ૨.૭૭ કરોડની વસ્તીમાં ૧.૨૩ લાખ લોકો હેરોઈનનું સેવન કરે છે. અત્યાર સુધીમાં થયેલા દરેક સર્વે અને અભ્યાસ જોઈએ તો દુનિયાભરમાં જેટલું ડ્રગ લેવાય છે તેનું સરવૈયું કાઢીએ તો ય તેના કરતાં ચારગણું ડ્રગ પંજાબમાં પીવાઈ રહ્યું છે. ગરીબ અને બેકાર લોકો સિન્થેટિક્સ ડ્રગનું સેવન કરતા હોવાનું જાણવા મળ્યું છે. પંજાબના ગામોમાં હોસ્પિટલ કદાચ ન દેખાય પણ સિન્થેટિક્સ ડ્રગ વેચતી દુકાનો જરૂર મળી રહેશે. પોલીશ, આયોડેક્સ, પેટ્રોલ, બુફેન વગેરે કેટલીય વસ્તુઓનું મિશ્રણ કે એમ જ ઉપયોગ નશા માટે થઈ રહ્યો છે કે તેની કલ્પના કરવી સામાન્ય માણસો માટે અઘરી છે. ફક્ત પચાસ રૂપિયા આપતા ત્યાં નશા માટેના પદાર્થો મળી શકે છે. પાંચ નદીઓ જ્યાંથી વહે છે એ હરિયાળા પંજાબમાં છઠ્ઠી નદી ડ્રગની વહી રહી છે.
આ બધા સાથે લોકોને ડ્રગ મુક્ત કરવાના સેન્ટરો પણ ગેરકાયદેસર ચાલી રહ્યા છે ફક્ત ને ફક્ત પૈસા બનાવવા માટે. ડ્રગના બંધાણમાંથી મુક્ત થવા માટેના રિહેબિલિટેશન સેન્ટર સરકાર દ્વારા પણ ચાલે છે તો કેટલાક સેવાભાવથી પણ ચલાવી જ રહ્યા છે, પરંતુ બંધાણીઓની સંખ્યા જોતાં આ સેન્ટરો પહોંચી વળી શકે એમ નથી. એટલે કેટલાક સાયકોલોજિસ્ટ દ્વારા ખાનગી રિહેબીલીટેશન સેન્ટરો ચાલી રહ્યા છે. હોટલો કરતાં પણ અહીં રૂમ મળવી મુશ્કેલ છે. આ રિહેબીલીટેશનમાં એક પેશન્ટ પાસેથી મહિનાના ૨૫૦૦૦થી ૪૦૦૦૦ રૂપિયા લેવામાં આવે છે. એવા ચાલીસેક પેશન્ટ સેન્ટરમાં હોય તો મહિનાના ૧૦-૧૨ લાખ રૂપિયાની આવક થાય. ખાનગી સેન્ટરો ચલાવવા માટેના નિયમો પણ કેટલાકને ખબર નથી. તો જાણવા મળ્યું છે કે આ સેન્ટરો લાઈસન્સ હોવા છતાં અધિકારીઓને ૫૦ હજાર રૂપિયા દર મહિને લાંચ તરીકે આપે છે. દરેક બંધાણી રિહેબિલિટેશનમાં જાય છે જેલ ન જવા માટે. નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ જે વ્યક્તિ નશામુક્તિ કેન્દ્રમાં જવા તૈયાર હોય તેના પર કોઈ ફરિયાદ નથી દાખલ કરાતી. એટલે જ રિહેબિલિટેશનનો વ્યવસાય વિકસી રહ્યો છે.
બીજું નશામુક્તિ સેન્ટરમાં સ્મેક (હેરોઈન જેવા ડ્રગ)માંથી મુક્તિ અપાવવા માટે બપ્રેનોરફાઈન નામની દવા આપવામાં આવે છે. જે વ્યક્તિને હેરોઈન લેવા જેટલી અનુભૂતિ આપે છે. આ દવા સાથે કાઉન્સેલિંગ કરતાં ધીમે ધીમે વ્યક્તિ ડ્રગના બંધાણમાંથી મુક્ત થાય છે. આ ડ્રગ ફક્ત ને ફક્ત સરકારી રિહેબિલિટેશન સેન્ટર કે જેમને આ ડ્રગ વેચવાનું લાયસન્સ આપવામાં આવ્યું હોય તે જ વેચી શકે. હકીકતે આ બપ્રેનોરફાઈન જે સરકારી હોસ્પિટલમાં સાત રૂપિયામાં મળી જાય તે ચારગણાં કે તેથી વધુ રૂપિયામાં કેમિસ્ટો ગેરકાયદેસર રીતે વેચે છે. ૧ ગ્રામ હેરોઈન જે ૧૫૦૦ થી લઈને ૩૦૦૦ સુધીમાં વેચાતું હોય તેના કરતાં આ ગોળી મફતના ભાવમાં જ કહેવાય. આમ કેટલાક લોકો હેરોઈનને બદલે બપ્રેનોરફાઈનનો ઉપયોગ કરવા લાગ્યા છે. કેટલાક લોકો તો સરકારી સેન્ટરમાં આ ઓરલ સબસ્ટિટ્યુશન થેરેપી લેવા ત્યારે જાય જ્યારે તેમની પાસે હેરોઈન ખરીદવાના પૈસા ન હોય. આમ, ડ્રગ અને ડ્રગ મુક્તિ બન્ને એક સમસ્યા બનીને રહી ગઈ છે. કેટલાક માને છે કે બપ્રેનોરફાઈન લઈને સિન્થેટિક્સ અને સસ્તા ડ્રગ ઈન્જેક્ટ કરતાં લોકો અટકે તો શું ખોટું છે? અને આ દવાનો નશો બીજા નશા કરતાં સારો જ છે. જો કે આ દલીલોનો કોઈ અંત નથી. એમ તો હેરોઈન પણ કેટલાક અંશે દવાઓમાં વાપરવામાં જ આવે છે.
ડ્રગનો અતિરેક પંજાબમાં એટલો વધી ગયો છે કે તેની સાથેની બીજી અસરો પણ સમસ્યા પેદા કરી રહી છે. ડ્રગમુક્તિના વ્યવસાયની જેમ જ એઈડ્સના રોગીઓ પણ નશા માટે ઉપયોગમાં લેવાતી સિરિંજોને કારણે વધી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં એઈડ્સ પણ એક સમસ્યારૂપ બની જશે. બીજું, જે યુવાનો બંધાણી બન્યા છે તેમને ઘરમાંથી સહાનુભૂતિપૂર્ણ સધિયારો નથી મળતો એટલે બંધાણ જલદી છૂટતું નથી. ડ્રગ છોડવા માટે મુખ્યત્વે આત્મવિશ્ર્વાસની જરૂર હોય છે. જે માતાપિતા અને સમાજના સહકાર વિના ડ્રગ્સના બંધાણીમાં ટકી શકે નહીં. મોટાભાગના યુવાનાનેે ઘરમાંથી જાકારો મળતા મિત્રો પાસે જાય છે જે તેમને સમજી શકે છે અને આ જ મિત્રો તેમને ડ્રગને રવાડે ચઢાવે છે. ડ્રગ લેનારા બેકારીના તથા જીવનની અન્ય સમસ્યાઓથી પીડાતા હોય છે અથવા જીવનમાં રોમાંચની શોધમાં નશાનો સહારો લેતા હોય છે.
ટૂંકમાં કેટલાક આંકડા જોઈએ તો લગભગ ૭૫ ટકા યુવાનો ડ્રગના બંધાણી છે. તો એની સામે ૩૧ ડિ-એડીકશન સેન્ટરો છે. ૭૦ ખાનગી ડિ-એડીકશન સેન્ટરો છે. ૮ સેન્ટરો મોડેલ જેલમાં ચાલી રહ્યા છે. ૨૦૧૨ની સાલમાં ૧૮૭૭૦ લોકો ડિ-એડીકશન સેન્ટરમાં ભરતી થયા હતા. એક ડિ-એડિકશન સેન્ટર ચલાવવાનો વાર્ષિક ખર્ચ ૧ કરોડ રૂપિયા આવે છે.
0 comments